જાણે મને અંગત રીતે અભિનંદન આપવા જ પિતાશ્રી હાજર હતા

28 October, 2020 12:54 PM IST  |  Mumbai | Pankaj Udhas

જાણે મને અંગત રીતે અભિનંદન આપવા જ પિતાશ્રી હાજર હતા

નીતિન મુકેશ

Whatever may happen, Show must go on.
આ એક બહુ જૂની કહેવત છે, જેને રાજ કપૂરે ફિલ્મ ‘મેરા નામ જોકર’માં ખૂબ સરસ રીતે દેખાડી અને પછી તો એ એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં બહુ પૉપ્યુલર પણ થઈ ગઈ. તમારો શો તમે બંધ ન કરી શકો. શો મસ્ટ ગો ઑન. ચૅલેન્જ આવે, તકલીફો આવે પણ શો અટકવો ન જોઈએ. આપણે ત્યાં અનેક કલાકારોએ આ કહેવતને સાર્થક પુરવાર કરીને પોતાનો શો ચાલુ રાખ્યાના પણ દાખલા બન્યા છે. જાણીતા મૅજિશ્યન કે. લાલના જીવનમાં પણ આવું જ બન્યું હતું, જે મેં ‘મિડ-ડે’માં જ પ્રસિદ્ધ થયેલી તેમની બાયોગ્રાફીમાં વાંચ્યું હતું. આર્ટિસ્ટના જીવનની આ બહુ મોટી ચૅલેન્જ કહેવાય અને એ ચૅલેન્જ મારા નસીબમાં આવી હતી.
ગઝલોના ફેસ્ટિવલ એવા ‘ખઝાના’ના પહેલા જ દિવસે મારાથી શોનો શુભારંભ થયો અને પેલા ભાઈ આવીને મને કહી ગયા, ‘તમારા પિતાજીની તબિયત બહુ જ ખરાબ છે, તમે તાત્કાલિક ભાટિયા હોસ્પિટલ પહોંચો.’
ગઝલ ચાલતી હતી અને સામે ઑડિયન્સ હતું, ક્ષણવારમાં જ નિર્ણય લેવાનો હતો અને મેં નક્કી કર્યું કે મારી ફરજ છે કે ‘ખઝાના’ના કાર્યક્રમના પહેલા દિવસની આ મહેફિલમાં વચ્ચેથી ઊભા ન થવું જોઈએ, એક કલાકારને એ શોભા નહીં દે. મેં ગઝલ આગળ વધારી. દિલમાં પીડા હતી અને જીભ પર શબ્દો પણ ભારોભાર પીડા ભરેલા જ હતા...
‘કિસ કો પત્થર મારું કૈસર, કૌન પરાયા હૈ
શીશ-મહલ મેં ઇક-ઇક ચેહરા અપના લગતા હૈ
હા, એ ક્ષણ એવી જ હતી. દિલ અને દિમાગ વચ્ચે કોઈ જાતનો તાલમેલ ન રહે અને શરીરનાં બધાં અંગો એકબીજા સાથેનું સંગઠન છોડીને પોતપોતાની રીતે કામ કરવા માંડે એવો એ ઘાટ હતો. મેં ગઝલ પૂરી કરી. મારી સામે પેલા મ્યુઝિક ઇન્ડિયાના સ્ટાફ-મેમ્બરે જોયું, એ સમયે તે ઑડિયન્સમાં પાછળના ભાગ પર આવીને ઊભો રહી ગયો હતો, જેથી તે મારી સામે જોઈ શકે અને અમે આંખોથી વાત કરી શકીએ. તેનું ધ્યાન મારા પર જ હતું અને ગઝલ પૂરી કર્યા પછી અનાયાસ મારું ધ્યાન પણ સીધું તેના પર જ ગયું. આંખોથી મારે તેને ઇશારો કરવાનો હતો. જો હું ઇશારો કરું તો તે ટૅક્સી કે પછી મને જરૂર હોય એવી બીજી વ્યવસ્થા માટે હેલ્પ કરી શકે એવી તેની ઇચ્છા હતી. તેણે મને આંખોથી જ પૂછ્યું કે ‘તમે નીકળવાના છોને?’
મેં તેની સામેથી નજર હટાવી લીધી. મને ડર હતો કે હું તેની એ ઇશારતને માન આપીને જવા માટે ઊભો થઈ જઈશ અને કાં તો મારી આંખમાં આંસુ આવી જશે.
નજર ફેરવીને મેં તરત નવી ગઝલની તૈયારી શરૂ કરી, જે તૈયારીએ એ ભાઈને પણ મૂક જવાબ આપી દીધો હતો કે હું મારો શો છોડીને જવાનો નથી, હું ‘શો મસ્ટ ગો ઓન’ના સિદ્ધાંતને વળગી રહીશ.
એ પછી મેં બીજી બે ગઝલ ગાઈ અને મારા હિસ્સાનો આખો કાર્યક્રમ પૂરો કર્યો. લોકોએ ખૂબ વખાણ કર્યાં અને અઢળક તાળીઓ પાડી. હું સ્ટેજ પરથી ઊભો થયો અને ક્રિસ્ટલ બૉલરૂમની બહાર આવ્યો, એ જમાનામાં મોબાઇલ હતા નહીં કે તમે તરત જ તમારાં સગાંવહાલાં સાથે વાત કરી શકો. હું બહાર નીકળીને પેલા ભાઈ, જે મને સમાચાર આપવા આવ્યા હતા તેમની પાસે પહોંચ્યો અને તેમને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે પિતાશ્રીની તબિયત સારી નથી.
મારો પ્રશ્ન અસ્થાને નહોતો. મોબાઇલ હોય તો માણસ તરત જ ફોન કરીને જાણ કરે, પણ આ તો ૮૦ના દસકાની વાત હતી. હજી પેજર પણ નહોતાં આવ્યાં અને કોર્ડલેસ ફોન પણ ભાગ્યે જ જોવા મળતા હતા. મેં પેલા ભાઈને પૂછ્યું એટલે તેમણે મને કહ્યું કે મારી વાઇફનાં સિસ્ટરે નીતિન મુકેશજીને ફોન કર્યો હતો. નીતિન મુકેશજી તેમના ક્લોઝ ફ્રેન્ડ, તેમણે વાત કરી એટલે નીતિનભાઈએ તરત જ હોટેલ તાજનો નંબર શોધીને ફોન કર્યો અને અહીં તેમણે ‘મ્યુઝિક ઇન્ડિયા’ના સ્ટાફને વાત કરીને કહ્યું કે ‘પ્લીઝ, તમે પંકજને આ સમાચાર તાત્કાલિક આપો.’
વાત સાચી છે એની આ ખરાઈ પણ હતી અને સામાન્ય પૃચ્છા ગણો તો એ પણ હતી. હું અને ફરીદા બન્ને હોટેલથી રવાના થયાં. એ સમયે હજી અમારાં લગ્ન નહોતાં થયાં, પણ લગભગ બધું જ નક્કી હતું એટલે પારિવારિક મેળાવડાઓથી માંડીને જાહેરમાં અમે સાથે જ રહેતાં. અમે સીધાં ભાટિયા હૉસ્પિટલ પહોંચ્યાં. હૉસ્પિટલ પહોંચ્યાં ત્યારે મારા પિતાજી કેશુભાઈ ઉધાસના અંતિમ શ્વાસ ચાલતા હતા. અમે પહોંચી ગયાં એનો સંતોષ હતો. દુઃખ તો હતું જ, પણ આ વાસ્તવિકતા પણ હતી. અમને જોઈને પિતાજી બહુ ખુશ થયા. તેમણે અમને ખૂબ આશીર્વાદ આપ્યા. મને યાદ છે કે તેમણે અમારો કાર્યક્રમ કેવો રહ્યો એના વિશે પણ પૂછ્યું હતું. હું કંઈ જવાબ આપું એ પહેલાં તો ડૉક્ટર આવી ગયા. તેમણે અમને કહ્યું કે, તમારે હવે અમને થોડો સમય આપવો પડશે. અમારે લાઇફ સેવિંગ ટ્રીટમેન્ટ ચાલુ કરવાની છે. 
અમારો આખો પરિવાર એ સમયે હૉસ્પિટલમાં હાજર હતો. નિર્મલભાઈ, મારા મોટા ભાઈ મનહરભાઈ, મારાં મધર બધાં ત્યાં જ હતાં. ડૉક્ટરે ટ્રીટમેન્ટ શરૂ કરી અને થોડી વાર પછી અમને તેમણે અંદર બોલાવ્યા. અમે રૂમમાં ગયા ત્યારે મારા પિતાશ્રીના શ્વાસોશ્વાસ ધીમા પડવાની શરૂઆત થઈ ગઈ હતી. થોડી વાર પછી અંતિમ શ્વાસ લીધા અને મારા ફાધરે આ દુનિયા છોડી દીધી.
૧૯૮૧ની ૧પ ઑગસ્ટ.
‘ખઝાના’ શરૂ થયો અને એ જ દિવસે મારા પિતાશ્રી અમારા સૌની રજા લઈને રવાના થયા. ‘ખઝાના’ અમારા સૌકોઈ માટે ખૂબ મહત્ત્વનો શો હતો તો આ જ ‘ખઝાના’ને જિંદગીભર યાદ રખાવી દેનારી આ ઘટના પણ એ જ દિવસે બની હતી. આ બન્ને ઘટના બહુ ઇમ્પોર્ટન્ટ છે મારી લાઇફ માટે અને એ પછી મેં નક્કી કર્યું કે શો મસ્ટ ગો ઑન. આખો કાર્યક્રમ પૂરો થયો. મુંબઈનાં ન્યુઝપેપરોએ પ્રોગ્રામ વિશે ખૂબ સરસ લખ્યું તો અમુક ન્યુઝપેપરમાં મારા માટે ખૂબ સુંદર લખાયું. આ જ કાર્યક્રમમાં મેં નવી ગઝલો પણ રજૂ કરી હતી, એ ગઝલોની વાતો પણ થઈ અને એ બધા વચ્ચે મેં મારા પિતાશ્રીની અંતિમવિધિ અને અંતિમક્રિયા પણ પૂર્ણ કરી. ‘ખઝાના’ બધા જ દૃષ્ટિકોણથી યાદગાર રહ્યું અને લોકોએ પણ એનાં ખૂબ વખાણ કર્યાં. મને પાક્કું યાદ છે કે જેમણે એ પહેલો પ્રોગ્રામ નહોતો જોયો એ સૌ ત્યાર પછી લોકોના મોઢેથી એની વાતો સાંભળીને તાજ હોટેલ જતા કે પછી મ્યુઝિક ઇન્ડિયા કંપનીને લેટર લખતા કે ‘પ્લીઝ, આ શો બીજી વાર કરો, અમારે જોવો છો.’ એક તબક્કે તો બધાને એવું લાગતું હતું કે ઑગસ્ટ પછી ડિસેમ્બરમાં ફરીથી ‘ખઝાના’ કરીએ પણ એવું શક્ય નહોતું. અગાઉ કહ્યું એમ, એ સમયના ગઝલગાયકીના એકેક સરતાજને એકત્રિત કરવામાં આવ્યા હતા, જેને માટે પુષ્કળ સમય લાગ્યો હતો. બધાના શો ગોઠવાયેલા રહેતા અને એ સમયે ગઝલનું માર્કેટ ખૂબ જ મોટું હતું. બધા આર્ટિસ્ટ પાસે શોનો ઢગલો રહેતો. ‘ખઝાના’નું પ્લાનિંગ શરૂ થયું ત્યારે પણ બધા આર્ટિસ્ટની ડેટ્સ એક કરવાનું કામ ખૂબ અઘરું હતું. મ્યુઝિક ઇન્ડિયાના જ બધા આર્ટિસ્ટ હતા તો પણ શોનું લાઇનઅપ એ પ્રકારનું હતું. ઓરિજિનલ પ્લાન મુજબ મ્યુઝિક ઇન્ડિયા પહેલાં ‘ખઝાના’ મે-જૂનમાં વિચારાતું હતું, પણ એ શક્ય બન્યું નહીં. મોટા ભાગના આર્ટિસ્ટ અતિશય વ્યસ્ત હતા એટલે ૧પ ઑગસ્ટ પર ફોકસ કરવામાં આવ્યું. એ સમયે પણ ઘણા કલાકારોએ પોતાના શો પોસ્ટપોન કે કૅન્સલ કરવા પડ્યા હતા, જે તેમણે રાજીખુશીથી કર્યા હતા.  હવે બીજું ‘ખઝાના’ શક્ય નહોતું.
અનુબંધન- નીતિન મુકેશ, જેમણે હોટેલ પર કૉન્ટૅક્ટ કરીને સમાચાર આપ્યા કે મારા પિતાશ્રીની તબિયત નાજુક છે એટલે મારે તાત્કાલિક હૉસ્પિટલ પહોંચવું.

(‘ખઝાના’ કેવી રીતે આગળ વધ્યું અને કેવો એનો વ્યાપ થયો એની વાત કરીશું આવતા બુધવારે)

pankaj udhas columnists