અવરોધ પણ આવશ્યક (લાઇફ કા ફન્ડા)

03 March, 2021 11:13 AM IST  |  Mumbai | Heta Bhusha

અવરોધ પણ આવશ્યક (લાઇફ કા ફન્ડા)

અવરોધ પણ આવશ્યક (લાઇફ કા ફન્ડા)

એક ગામમાં એક ભક્ત-ખેડૂત રહેતો હતો. પ્રભુ-નામ લેતાં લેતાં ખેતરમાં કામ કરતો રહેતો, પણ ખબર નહીં કે શું થતું... તેના ખેતરમાં બરાબર પાક થતો નહીં. ક્યારેક દુકાળને કારણે, ક્યારેક અતિવૃષ્ટિને લીધે, ક્યારેક બેહદ ગરમી તો ક્યારેક બહુ ઠંડીને લીધે તેના પાકને નુકસાન થતું અને પાક ઊગતો પણ જેટલો જોઈએ તેટલો નહીં. એક દિવસ ભક્ત ખેડૂતે ભગવાનને ઠપકો આપતા કહ્યું, ‘ભગવાન, તમે ભલે ભગવાન હો, પણ ખેતીની તમને જાણકારી જ નથી. હવે જો મારી ભક્તિ સાચી હોયને તો એકવાર કૃપા કરો, હું કહું તે પ્રમાણે મોસમ રાખજો તો જો-જો કેવા અનાજના ભંડાર ભરી દઉં છું.’ ભગવાને પોતાના ભક્તનો ઠપકો પ્રેમથી સાંભળી લીધો અને રાત્રે ખેડૂતના સપનામાં આવી કહી ગયા, ‘ભક્ત, આ વર્ષ તારું આખું વર્ષ તું કહીશ તેવી રીતે મોસમ રહેશે.’
બીજે દિવસે ખેડૂતને પોતાના સપના પર વિશ્વાસ ન થયો પણ પ્રભુ પરની શ્રદ્ધાને લીધે તેણે ચકાસી જોવા મનમાં ઇચ્છા કરી કે આજે એકદમ કુમળો તડકો જ રહે... તો એમ જ થયું. તેને વિશ્વાસ બેસી ગયો. બસ હવે તો ખેડૂત ઇચ્છે તેમ જ મોસમમાં અને વાતાવરણમાં બદલાવ આવતો. ભગવાને પોતાની ઇચ્છા મુજબ કંઈ ન કર્યું. ખેડૂતે ખેતરમાં ઘઉં વાવ્યા અને પછી ખેડૂત જ્યારે ઇચ્છે ત્યારે તડકો ખીલે, જ્યારે તે ચાહે ત્યારે જેટલો ચાહે તેટલો વરસાદ પડે... અને ખેડૂતે ન કયારેય વધુ વરસાદ પડવા દીધો, ન તોફાન કે આંધી આવવા દીધી. બરાબર માફકસરનો વરસાદ અને જરૂરી તડકો. પાક સારો થયો. ખેતર આખું લીલુંછમ થઈ ગયું. ઘઉંનો પાક ઘણો ઉતરશે વિચારી ખેડૂત પણ ખુશ ખુશ હતો.
સમય પસાર થયો. હવે પાકની કાપણી કરવાનો સમય થયો. ખેડૂતે ખેતરમાં કાપણી શરૂ કરી. ઘઉંના છોડ મોટા હતા, ડૂંડાં પણ સરસ તૈયાર થયાં હતાં પણ અંદર દાણા ખૂબ જ ઓછા હતા. કોઈ ડૂંડાંમાં દાણા એકદમ નાના હતા તો કોઈમાં દાણા હતા જ નહીં. ખેડૂત હતપ્રભ થઈ ગયો. આવું કઈ રીતે અને શું કામ થયું તે તેને સમજાયું જ નહીં. તે બોલ્યો ભગવાન આવું કેમ? ભગવાને સમજાવ્યું, ‘ભાઈ, આવું તો થવાનું જ હતું. તે તોફાન, આંધી, કડકડતી ઠંડી કે અતિશય ગરમી પડવા દીધી જ નહીં. તું સમજ્યો નહીં કે આ બધા અવરોધોનો સામનો કરીને જ બીજ સશક્ત બને છે અને બીજાં બીજને જન્મ આપે છે અને આ અવરોધોનો સામનો કરીને જ બધાં બીજ મોટાં થાય છે, પણ તે કોઈ મુશ્કેલી આવવા જ ન દીધી. તેથી કોઈ ચુનૌતી વિના આ છોડ મોટા થયા, પણ અંદરથી ખોખલા જ રહી ગયા. ખેડૂતને પોતાની ભૂલ સમજાઈ. જીવનમાં આવતા અવરોધો આવી જ રીતે આપણને મજબૂત બનાવે છે.

heta bhushan columnists