બસ, હવે બહુ થયું

02 June, 2020 06:56 PM IST  |  Mumbai | Bhakti D Desai

બસ, હવે બહુ થયું

મદદ લેતાં અચકાઓ નહીં: સ્ટ્રેસને કારણે તમને અને અન્ય લોકોને તકલીફ થાય અથવા તમે પોતાને શું થઈ રહ્યું છે એ સમજી નથી શકતા તો પાણી પહેલાં પાળ બાંધો અને મનોચિકિત્સક કે કોઈ કાઉન્સેલરને સંપર્ક કરીને તમારી હૈયા વરાળ ઠાલવીને આ સંજોગોમાં શું કરવું તેનું માર્ગદર્શન મેળવી શકો છો

શરૂઆતમાં લૉકડાઉન વખતે ઊંઘ ખેંચી, ઘર સાફ કર્યું, ફૅમિલી-ટાઇમ માણ્યો. વધુ લૉકડાઉન લંબાતાં ધંધા-નોકરીની ચિંતાઓ પેદા થઈ અને હવે તો લગભગ દરેક વ્યક્તિ ઘરમાં રહીને કંઈ પ્રોડક્ટિવ કામ ન કરી શક્યાનું સ્ટ્રેસ અનુભવે છે. હવે બધું ધીમે-ધીમે ખૂલશે એવું લાગી રહ્યું છે, પરંતુ બધું પૂર્વવત્ ક્યારે થશે એ હજીયે ધૂંધળું છે. સ્ત્રીઓ, બાળકો, પુરુષો, વડીલો બધાને પોતાની સ્પેસ ન મળતી હોવાથી એક વિચિત્ર પ્રકારનું સ્ટ્રેસ અનુભવાઈ રહ્યું છે. આજે આ વિશે વાત કરવાનો હેતુ એટલો જ કે આવું સર્વત્ર છે, તમે એકલા નથી એ યાદ રાખશો તો આપોઆપ સ્ટ્રેસ હળવું થઈ જશે

મુંબઈ એટલે ફાસ્ટ લાઇફ. કોઈ પણ મોટી આપત્તિએ આ શહેરને કે મુંબઈગરાઓને અમુક કલાકથી વધારે સ્થગિત નથી કરી રાખ્યા, પણ કોરોના વાઇરસે લોકોને દિવસો અને મહિનાઓ ઘરમાં કેદ કરી નાખ્યા. આનાથી લોકોના જીવનમાં આવકનો અભાવ, નોકરિયાત વર્ગમાં નોકરીની અસુરક્ષિતતા, પરિવારજનોના સતત સહવાસને કારણે દરેક જણને વ્યક્તિ સ્વાતંત્ર્યનો વર્તાતો અભાવ, એકલા રહેતા વડીલોના જીવનમાં નરી એકલતા અને કોરોના વાઇરસને કારણે ભવિષ્યની ચિંતા આ બધી સમસ્યાઓએ ડિપ્રેશન અને સ્ટ્રેસનું રૂપ લઈ લીધું છે.

 લૉકડાઉનની શરૂઆતમાં લોકોએ માત્ર ૨૧ જ દિવસનો સમયગાળો છે એમ વિચારી ઘણી નવી પ્રવૃત્તિઓમાં પોતાનું મન પરોવ્યું અને પરિવારનો સાથ પણ માણ્યો, પછી સમય-સમય પર વધી રહેલી લૉકડાઉનની અવધિ અને દરરોજ કોરોના વાઇરસથી સંક્રમિત દરદીઓની સંખ્યામાં થઈ રહેલો વધારો જોતાં દિવસે-દિવસે ઘણી અનિશ્ચિતતાઓ ઊભી થઈ રહી છે.

૧૪ વર્ષનો અનુભવ ધરાવતા તાડદેવના સાઇકિયાટ્રિસ્ટ ડૉ. કવન લાકડાવાલા આ પરિસ્થિતિને સમજાવતાં કહે છે, ‘આ જે સમયગાળો ચાલી રહ્યો છે એને ‘ફરજિયાત રજા’ અથવા ‘ફૉર્સ્ડ વેકેશન’ કહી શકાય અને એમાં પણ એને માત્ર ઘરની અંદર જ વિતાવવાનું. જો કોઈ એમ કહે કે ફ્રૅક્ચર થયું હતું અને ઘરે બેસવું પડ્યું તો માનસિક રીતે તે વ્યક્તિ માટે આવી સ્થિતિ સ્વીકાર્ય હોય છે, પણ અહીં લોકો એક વાત જાણે છે કે તેઓ શારીરિક રીતે સ્વસ્થ છે અને કામ કરવા, હરવાફરવા સક્ષમ છે તેથી આવામાં કોઈ પણ વ્યક્તિનું માનસ લાંબા સમય સુધી ઘરમાં શાંતિથી બેસી રહેવા ટેવાયેલું ન હોય. બાળકોથી લઈને વડીલો સુધી દરેક જણ દિવસમાં એકાદ-બે વાર બહાર જતું જ હોય છે અને હવે તો તેમને આંટો મારવા માટે બહાર નીકળવાની મનાઈ છે. આ જ પરિસ્થિતિનું બીજી રીતે વિશ્લેશણ કરીએ તો આટલાં વર્ષોમાં એટલે કે આજે હયાત કોઈ પણ પેઢીએ આ પહેલાં તેમના જીવનકાળ દરમ્યાન આવી લૉકડાઉનની સ્થિતિ જોઈ નથી. તેથી આજે લોકો જે સ્ટ્રેસ ભોગવી રહ્યા છે એ કોઈએ અનુભવેલું જ નથી.’

સ્ત્રીઓના સ્ટ્રેસનું કારણ

જ્યાં સુધી સ્ત્રીઓનો પ્રશ્ન છે તેમને ઘરમાં બહારથી આવનાર ઘરેલુ કામગારોની મદદ પણ મળતી બંધ થઈ ગઈ છે અને પતિ, બાળકો, વડીલો બધા જ સતત ઘરમાં રહેતાં હોવાથી દરેક ગૃહિણીનું કામ હદની બહાર વધી ગયું છે. આમાં ઝાડુ, પોતાં, કપડાં ધોવાં, સૂકવવાં, ગડી કરવાં, વાસણ ધોવાં, રસોઈ બનાવવી આ બધાંનો સમાવેશ થાય છે અને જો ઑફિસમાં કામ કરતી મહિલા હોય તો ઘરેથી ઑફિસના સમય પર ઑફિસનું કામ પણ કરવાની જવાબદારી તેમના માથે આવી ગઈ છે.

સ્ત્રીઓની ફરિયાદ અને સ્ટ્રેસ વિશે ડૉ. લાકડાવાલા કહે છે, ‘મારી પાસે આવેલા એક કેસમાં એવી મહિલ શિક્ષિકા છે જેમણે મારી સલાહ માગી અને કહ્યું કે તેમને ઑનલાઇન ક્લાસ લેવાનું સ્કૂલમાંથી કહેવામાં આવ્યું છે, જેનું તેમના મગજ પર ખૂબ દબાણ છે. આનું કારણ એ હતું કે તેમને ક્યારેય ઑનલાઇન એજ્યુકેશનનો અનુભવ નહોતો. તેમને સ્માર્ટફોન બખૂબી વાપરતાં આવડે છે, તેઓ લૅપટૉપ પર કામ કરવા પણ સક્ષમ છે છતાં ઍપ્લિકેશનના માધ્યમથી વિડિયો લેક્ચર્સ લેવાં તેમના માટે પડકારરૂપ હતું. તેઓ સ્કૂલમાં ભણાવે છે એ જ અભ્યાસક્રમને વિડિયોમાં આપવાની વાત માત્રથી તેમની ઍન્ગ્ઝાયટી ખૂબ વધી રહી હતી. આનું કારણ એ પણ છે કે ભારતમાં ઇન્ટરનેટ કનેક્શન ખૂબ સારું નથી. સ્પીડ પણ નથી મળતી. ‘વર્ક ફ્રૉમ હોમ’ની પરંપરા અહીં મોટા પ્રમાણમાં હતી નહીં, જે લૉકડાઉન પછી અચાનક થઈ ગઈ છે. આ સ્ત્રીના કહેવા મુજબ તેમણે હમણાં એક માતા, પત્ની, વહુની ભૂમિકા ભજવી સવારે ઘરનાં બધાં કામ કરી નાસ્તો, બપોરનું જમવાનું આ બધું સમયસર બનાવવું પડે છે. સાથે જ હવે બહારથી કરિયાણાની વસ્તુઓ સવારે જ મળે છે તેથી લાવવામાં કેટલો સમય લાગી જાય એની નિશ્ચિતતા નથી હોતી અને આ બધું કરીને તેમણે સમયસર વિદ્યાર્થીઓને ભણાવવા વિડિયો સામે ઊભાં રહેવાનું તેમને તનાવભર્યું લાગતું. આવી ઍન્ગ્ઝાયટી ઘણી સ્ત્રીઓને થઈ રહી છે. કોઈક  સ્ત્રીઓ પોતાનાં કામ રાત્રે મોડેથી કરે છે, આમાં તેમના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે. ઘણી સ્ત્રીઓને પોતાને માટે ‘મી ટાઇમ’ નથી મળી શકતો એનાથી પણ તેમને સ્ટ્રેસ વધી રહ્યું છે.’

એકલતાથી થતો સ્ટ્રેસ

ઉંમરવાળા અને કોરોનાના દરદીના ઘરની એક વ્યક્તિનું ઉદાહરણ આપતાં ડૉ. લાકડાવાલા કહે છે, ‘ઘરમાં જ્યારે મોટી ઉંમરની વ્યક્તિ એકલી રહે છે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે તેઓ એકલતા અનુભવે છે. એક કેસમાં દરદીને ‘ક્વેરી કોરોના’ નિદાન થયું, જેમાં સાત દિવસ કોરોનાનાં લક્ષણ છે કે નહીં એ જાણવા માટે તેમને હૉસ્પિટલમાં જ રાખવામાં આવ્યા. ઘરમાં રહેનાર તેમનાં પત્નીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં. આવા સમયમાં તેમને તેમનાં સગાંઓએ અને અન્ય લોકોએ ફોન કરીને ન આપવાની સલાહ આપી અને કોરોનાથી વધારે ડરાવ્યાં. તેમણે મને કહ્યું કે મારી રાતની ઊંઘ ઊડી ગઈ છે, ખૂબ ગભરાટ થાય છે, ઇન્સિક્યૉરિટી થાય છે. હું જાણે મારામાં છું જ નહીં. આવા સમયે તેમને સંભાળે એવું કોઈ ન હોવાથી મારે તેમને આ સમસ્યામાંથી  બહાર લાવવા દવા શરૂ કરાવવી પડી.’

અધૂરું જ્ઞાન લોકોમાં વધુ ઍન્ગ્ઝાયટી જન્માવનારું હોય છે એટલે ડૉક્ટરનું કહેવું છે કે જો આપણી આસપાસ કોરોનાના દર્દી અથવા તેમનાં સગાં-વહાલાં હોય તો તેમને કોઈ સલાહ ન આપવી. સોશ્યલ મીડિયા પર ગભરાટ થાય તેવા વિડિયો પણ મોકલવા ન જોઈએ. એ ચીજો કદાચ તમારા માટે સેન્સેશનલ હોય, પણ એકલી વ્યક્તિને એ ઍન્ગ્ઝાયટીમાં નાખી દે.

પોતાની સ્પેસ નથી મળતી

પુરુષોને વેપાર અને નોકરીને લઈને ચિંતાઓ સતાવી રહી છે. તેઓ પણ ઘરમાં મદદ કરે છે અને ઑફિસના કામ કરે છે, ટીનેજર બાળકોને તેમના હમઉમ્ર મિત્રો સાથે હરવું-ફરવું છે, પણ એ આ સમયમાં શક્ય નથી. ક્યાંક બધાને પોતાની સ્પેસ મળ્યાને મહિનાઓ વીતી ગયા હોય એવું લાગી રહ્યું છે અને દરેકના મનમાં એક જ પ્રશ્ન છે જે લોકો ડૉક્ટરને પણ પૂછે જ છે કે આવી  પરિસ્થિતિ ક્યાં સુધી રહેશે? ક્યારે આનો અંત આવશે?

સાવચેતી સદા જરૂરી

રોજબરોજના જીવનમાં આવો સ્ટ્રેસ પેદા થાય ત્યારે એનું કારણ સમજવું એ જ એના નિવારણનું પહેલું પગથિયું છે એમ સમજતાં ડૉ. કવન કહે છે, ‘આપણે નાનપણમાં એક રમત રમતાં, જેમાં પહેલી વ્યક્તિ બીજી વ્યક્તિના કાનમાં કોઈક વાત કહે અને જ્યારે એ છેલ્લી વ્યક્તિ સુધી પહોંચે ત્યારે એ સંદેશ આખો બદલાઈ જ ગયો હોય. કોરોના વાઇરસ વિશે પણ સોશ્યલ મીડિયા અને ફોનના માધ્યમથી લોકો આવું જ કરી રહ્યા છે. આવી અફવાઓ ફેલાવવી નહીં અને સાંભળનારે એના પર વિશ્વાસ રાખવો નહીં. મારી પાસે આવેલા એક  દરદી, જેઓ છેલ્લા ચાલીસ દિવસમાં પોતાના રૂમની બહાર પણ નથી નીકળ્યા અને કોઈને મળ્યા નથી તેમને તાવ આવ્યો. મલેરિયા છે એમ નિદાન થયું. એ છતાં પોતાને કોરોના જ હશે એવું તેમણે મનમાં ધારીને કોરોનાની ટેસ્ટ કરાવવાની જીદ કરી. દરેક જણને વર્ષમાં બે-ત્રણ વાર તાવ આવવો સહજ છે, પણ આ સમયમાં તાવ આવે એટલે ફક્ત કોરોના જ હશે એવું ધારી લેવું પણ યોગ્ય નથી. કોરોના વાઇરસને લઈને જે ખોટી માન્યતાઓ લોકોના મનમાં છે એનાથી સ્ટ્રેસ ખૂબ વધી રહ્યું છે. જેમ બધાને જ ટીબી, સ્વાઇન ફ્લુ આવી બધી જ બીમારીઓ નથી થતી તેમ આ બીમારી કોને થશે અને કોને નહીં થાય એની કોઈને જ ખબર નથી તો એની વધારે ચિંતા પણ શું કામ કરવી? આપણે કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરી એક સામાન્ય જિંદગી જીવવી જોઈએ. હવેનું લૉકડાઉન પહેલાં કરતાં ઘણી રાહતો સાથે કરવામાં આવ્યું છે તેથી દરેક વસ્તુ સરળતાથી ઉપલબ્ધ છે. આનો નકારાત્મક વિચાર કરી ભય ન રાખવો જોઈએ. જો તમે સાવચેતી સાથે સહજ જીવન જીવશો તો માનસિક સંતુલન બની રહેશે. આ બધા નકારાત્મક વિચારોથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર કોરોનાનો પ્રભાવ ન પડે એનું ધ્યાન રાખવું વધારે જરૂરી છે.’

coronavirus covid19 lockdown life and style columnists bhakti desai