અબ તો ચેહરા ભી પૂછ રહા હૈ, જનાબ, ઝરા અપની પહેચાન બતા

26 February, 2021 11:38 AM IST  |  Mumbai | Rashmin Shah

અબ તો ચેહરા ભી પૂછ રહા હૈ, જનાબ, ઝરા અપની પહેચાન બતા

અબ તો ચેહરા ભી પૂછ રહા હૈ, જનાબ, ઝરા અપની પહેચાન બતા


ઇન્તકાલ હુસેન નામના એક ઓછા જાણીતા ગઝલકારનો આ શેર છે -
અબ તો ચેહરા ભી પૂછ રહા હૈ, જનાબ, ઝરા અપની પહેચાન બતા
આંખોં મેં નમી હૈ, હોઠ બેઝુબાં, ભલા યે કૌન મુસાફિર હૈ નયા
જેને તમે ઓળખો છો, જેની સાથે તમે ઘરોબો કેળવી ચૂક્યા છો, જેના આધાર પર તમે આગળ વધ્યા છો એ જ વ્યક્તિ એકાએક સાવ જુદી લાગવા માંડે, બદલાયેલી દેખાવા માંડે અને તમે એનો આંચકો અનુભવો. અનાયાસે તમારા મોઢેથી નીકળી પડે, તમે તો સાવ બદલાઈ ગયા.
હા, આ એક ફરિયાદ અત્યારે સર્વસામાન્ય બની ગઈ છે. દરેકને એવું લાગે છે કે સામેવાળો બદલાઈ ગયો છે. વહુ ઘરમાં આવી ત્યારે તેને એ વહુમાં પોતાનું સિક્યૉર ભવિષ્ય દેખાતું હતું પણ હવે એ જ વહુ માટે તેની પાસે થોકબંધ પ્રશ્નો છે. કૉલેજમાં દીકરી ઍડ્મિશન લે એ પહેલાં પેરન્ટ્સને લાગે છે કે દીકરી કહ્યામાં છે પણ પહેલા સેમેસ્ટર પછી તેમને એવું લાગે છે કે દીકરી બદલાઈ ગઈ છે. અરે, હસબન્ડને વાઇફ માટે આ જ ફીલિંગ્સ છે અને વાઇફની પાસે પણ આ જ ફરિયાદ છે. વાત ખોટી પણ નથી. સમય અનુસાર વ્યક્તિ બદલાતી હોય છે પણ નગ્ન સત્ય એ પણ છે કે બદલાવની આ દિશા દેખાડવાનું કામ આપણે જ કરી બેસતા હોઈએ છીએ. આ વાત દરેકેદરેક વ્યક્તિને, દરેકેદરેક સંબંધને લાગુ પડે છે. વ્યક્તિ પહેલાં વિરુદ્ધ વ્યક્તિત્વના પ્રેમમાં પડે અને એ પછી વ્યક્તિને ધીમે-ધીમે પોતાના મૂડ અનુસાર, જરૂરિયાત મુજબ ઢાળવાનું અને ચેન્જ કરવાનું શરૂ કરે. આ સાઇલન્ટ પ્રોસેસ છે, પણ આ પ્રોસેસ સંબંધો માટે ઝેરી અને જોખમી છે. અમુક અંશે તેજાબી પણ ખરી જે સંબંધોને ડંખવાનું પણ કામ કરે અને રિલેશનશિપની ઉષ્માને બાળવાનું કામ પણ પૂરી તાકાતથી કરે.
સંબંધોની પહેલી શરત છે, એકમેકના અસ્તિત્વને અકબંધ રાખો. એક સમયે એક વ્યક્તિને બીજી વ્યક્તિ તીવ્રતાથી ગમતી હોય તો પછી ગમતી એ વાત કેવી રીતે અણગમામાં પ્રવેશે એ જોવાની તૈયારી રાખવી જોઈએ. મૅરેજ પહેલાંના વાઇફ સાથેના સંબંધો અને મૅરેજ પછીના વાઇફ સાથેના સંબંધોમાં આ જ વાત મહત્ત્વની બની જાય છે. મૅરેજ પહેલાં પૂરા પ્રોફેશનલિઝમ સાથે પોતાના કામને વળગેલી રહેતી વાઇફ માટે આંખોમાં માનની પરિભાષા અંકાય જતી પણ મૅરેજના બેચાર મહિનામાં જ આંખોમાં વાઇફની એ જૉબ એવી તે અળખામણી બની જાય કે સંબંધોમાં અંતર ઊભું થવા માંડે. આ માટેનું કારણ પણ બહુ સ્પષ્ટ છે.
મૅરેજ પહેલાં નિયમિત કામોમાં ક્યાંય તમારો સ્વાર્થ નહોતો એટલે વાઇફનું પ્રોફેશનલિઝમ તમને ગમ્યું પણ મૅરેજ પછી ડગલે ને પગલે સ્વકેન્દ્રીય બનવાનું શરૂ થયું અને વાઇફની જે વાતો પહેલાં ગમતીલી હતી એ બધી વાતોમાંથી વાંધાઓ નીકળવાનું શરૂ થયું. નૅચરલી મનમાં શરૂ થયેલા એ બધા વાંધાવચકા ધીમે રહીને વર્તનમાં આવ્યા અને વર્તનમાં ચેન્જ આવવાનું શરૂ થયું. આ જ એ જગ્યા છે જ્યાંથી ચેન્જની શરૂઆત થઈ.
આ દૃષ્ટિકોણથી સૌથી પહેલી તો ચેન્જની શરૂઆત હસબન્ડ પોતાનામાંથી થઈ અને એ પછી એના પ્રતિભાવરૂપે સામેની વ્યક્તિમાં પણ બદલાવ આવવાનું શરૂ થયું. યાદ રહે, સંબંધો પણ ઋતુ જેવા છે, ઝાડની જેમ સંબંધોને પણ ઋતુની સારી અને માઠી અસર થાય છે. જો સંબંધોને જાળવવામાં ન આવે તો બની શકે કે એ સંબંધોમાં પાનખરની ઋતુ લંબાઈ જાય અને ઘટાટોપ લાગણીઓનો ઘેર આછો થવા માંડે અને એવું જ્યારે બને ત્યારે સંબંધો બરછટ બને છે અને પોતાની ઇલૅસ્ટિસિટી ગુમાવી બેસે છે. સંબંધોનું તો પેલી ચ્યઇંગ-ગમ જેવું છે. જેટલી તાજી એટલી એનામાં લચકવૃત્તિ વધારે અને જેવી એને થોડી વાર માટે ટેબલ પર મૂકી કે એ સ્થિતિસ્થાપક બની જવાની દિશામાં દોડી જશે. જો મોઢામાં રાખેલી ચ્યુઇંગ ગમને પણ બહાર કાઢીને મૂકી શકાતી ન હોય તો પછી મનમાં રાખેલા પ્રેમને કેવી રીતે ટેબલ પર મૂકીને ચક્કર મારવા જઈ શકાય? નિદા ફાઝલીની ગઝલની એક લાઇન સંબંધોની બાબતમાં એકદમ અનુરૂપ છે.
અબ તો ચેહરા ભી પૂછ રહા હૈ,
જરા અપની પહેચાન બતા...
આપ તો ઐસે ન થે. તમે પહેલાં આવા નહોતા. યુ આર ટોટલી ચેન્જ્ડ.
સંબંધોમાં જ્યારે પણ કોઈ ચેન્જ આવ્યો છે, એ ચેન્જને લઈને જ્યારે પણ આ પ્રકારના આક્ષેપો થયા છે ત્યારે દરેકેદરેક વ્યક્તિએ આક્ષેપની સાથે પોતાના વર્તનના ભૂતકાળમાં જવાની જરૂર છે, કારણ કે આપણા પ્રિયજનને ચેન્જ કરવાનું કામ અજાણતાં જ આપણાથી જ થઈ જતું હોય છે પણ એ પ્રોસેસ ક્યારેય કોઈના ધ્યાનમાં નથી આવતી અને જે સમયે સામેથી વ્યક્તિ પૂર્ણ રીતે બદલાઈ જવાનું શરૂ કરે છે ત્યારે ધ્યાન જાય છે પણ એ સમય દરમ્યાન પ્રેમ અને લાગણીઓનું બાષ્પીભવન થઈ ગયું હોય છે અને પ્રેમ કે લાગણીનું બાષ્પીભવન થઈ જાય ત્યારે જીવનમાં માત્ર વ્યવહારુતા બાકી બચતી હોય છે. બહેતર છે કે ફૉર્મલ બનીને બાકીની જિંદગી પસાર કરવી પડે એવી નોબત આવે એ પહેલાં સંબંધોને નવેસરથી સાચવી લો જેથી ક્યારેય કોઈએ કહેવું ન પડે :
તું પહેલાં આવી નહોતી...
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Rashmin Shah columnists