કહતા હૈ કોરોના, અબ દૂર રહો ના

03 April, 2020 09:03 PM IST  |  Mumbai Desk | Rashmin Shah

કહતા હૈ કોરોના, અબ દૂર રહો ના

પંદર દિવસ પહેલાંની વાત છે. પગમાં ચક્ર હતું અને મનમાં વલોપાત હતો. બન્ને અટકવાનું નામ નહોતાં લેતાં પણ અત્યારે, અત્યારે વાત બિલકુલ જુદી છે. બન્ને શાંત છે અને આ શાંતિનું કારણ કોરોના છે. કોરોનાએ પુરવાર કરી દેખાડ્યું છે કે જીવનની વાસ્તવિક આવશ્યકતા અને અનિવાર્યતા આંગળીના વેઢે ગણાય એટલી અને એવી જ હોય છે

વાત ક્યાં ખોટી છે?
સમય હતો, ભાગવામાંથી સમય નહોતો મળતો અને આજે સમય છે પણ ભાગવા માટે રસ્તો નથી રહ્યો. થૅન્ક્સ ટુ કોરોના. કોરોના શ્વાસ થીજવે એની પહેલાં તેણે જીવન થંભાવી દીધું છે અને થંભાવી દીધેલું આ જીવન એક વાત સમજાવી રહ્યું છે કે આવશ્યકતાઓ હંમેશાં ઓછી અને મામૂલી હોય છે, પણ એની મર્યાદા તોડવાનું કામ માણસ કર્યા કરતો હોય છે. જુઓ તો ખરા તમે, આજે ઓછામાં ઓછી માત્રામાં બધું ચલાવવાની આદત પડતી જાય છે. ન્યૂનતમ સામગ્રી વચ્ચે રોડવવાની ટેવ પડવા માંડી છે. ઘરની બહાર નીકળ્યા વિના જેમના જીવમાં જીવ નહોતો આવતો તે હવે ઘરની ચાર દીવાલને દુનિયા માનવાનું સ્વીકારવા માંડ્યા છે અને બહારના સ્વર્ગ સાથે સીધું તાદાત્મ્ય ધરાવનારાઓને ઘરમાં જન્નતનાં દર્શન થવા માંડ્યાં છે. સ્વિગી અને ઝોમૅટો જેવી ઍપ વિના જીવી શકાય એ હવે સહજ લાગવા માંડ્યું છે. વીકમાં બે વખત હોટેલમાં જમવા જવું જોઈએ એવો થમ્બ રૂલ ધરાવનારાઓને હોટેલનાં નામ પણ ભુલાવાં શરૂ થઈ ગયાં હશે. માબાપ પાસે બેસવાની ફૉર્માલિટી કરવી પણ જેને ગમતી નહોતી તે આજે આખો દિવસ ઘરમાં, માવતરની સામે ખોડાયેલા છે. કમને પણ છે આંખ સામે. ઘરનો જેને ત્રાસ છૂટતો હતો, વાઇફથી જેને ભાગવાનું મન થતું હતું એ બધાને અત્યારે આ ત્રાસ સાથે રહેવાની આદત પડવા માંડી છે અને વાઇફથી ભાગવાને બદલે દસ બાય દસના હૉલમાં આખો દિવસ પસાર કરવાની માનસિકતા પણ કેળવાઈ રહી છે. આ જશ જો કોઈના લલાટે લખવાનો હોય તો એ કોરોના છે. થૅન્ક યુ કોરોના.
પૉલ્યુશન માટે દેકારો મચાવનારા પર્યાવરણપ્રેમીઓના ચહેરા પર આછું સરખું સ્મિત છે. ધુમાડા વચ્ચે ઊડાઊડ કરતાં પક્ષીઓને પણ કેટલાં વર્ષે સ્વચ્છ આકાશ મળ્યું છે. પક્ષીઓ પણ ચિંટુકડા રાજીપાથી ખુશ છે. સોશ્યોલૉજિસ્ટ પણ રાજી છે. સોશ્યલ મીડિયાથી દૂર રહેવાની સલાહ આપનારાઓને ત્યાં દરરોજ મિષ્ટાન્ન બનતાં હશે એવું ધારી શકાય અને કબાટમાં પડેલાં જૂનાં કપડાં પણ આળસ મરડીને નવી સ્ફૂર્તિ લાવવા માંડ્યાં છે. મહાશય ઘરમાં છે સાહેબ. જન્ક ફૂડને ગાળો ભાંડનારાઓ પણ રાજી છે અને નિરાંતે શ્વાસ લેવાનું કહેનારા વડીલોની આંખોમાં પણ ચમકારો આવી ગયો છે. છાતીમાં હવે સ્વચ્છ હવા ભરાઈ રહી છે, પરસેવે રેબઝેબ થતી ત્વચામાં પણ ઘરમાં રહેવાના કારણે ચમક ઉમેરાવા માંડી છે. મેડિકલ એક્સપર્ટ્સ પણ ખુશ છે. બધું બદલાઈ રહ્યું છે અને આ બદલાવ એવી રીતે આવ્યો છે કે કોઈને વિથ્ડ્રૉઅલ સિન્ડ્રૉમની અસર પણ દેખાતી નથી. ચહેરા પર ચૂનો લગાડીને ભાગતી માનુનીઓ ઘરની બહાર નીકળીને જાતને મૉડર્ન દેખાડતી હતી પણ કોરોનાએ તેને પણ ઘરનું મૂલ્ય સમજાવી દીધું છે અને અલ્ટ્રામૉડર્ન હોવાનો દેખાડો કરવામાંથી ઓછા નહીં ઊતરનારા મહાપુરુષોને પણ પરિવારની મહત્તા સમજાવવાનું કામ કોરોનાએ કરી લીધું છે. બૅન્કમાં પડેલી બૅલૅન્સમાંથી રૂપિયો પણ ઓછો નથી થઈ રહ્યો અને એ પછી પણ જીવન શ્રેષ્ઠતમ રીતે પસાર થઈ રહ્યું છે. બૅન્કમાં રહેલી બૅલૅન્સ તગડી નથી થતી એનો અફસોસ અત્યારે કોઈ કરી નથી રહ્યું અને સામાન્ય છીંક પણ કેટલી મૂલ્યવાન કહેવાય એ પણ હવે સહજતા સાથે સૌકોઈને સમજાઈ રહ્યું છે. પારકામાં પોતીકાને જોનારા અને પોતીકામાં પારકાની ઝલક અનુભવી લેનારાઓને પણ હવે સમજાય છે, અપને તો અપને હોતે હૈં... હૅટ્સ ઑફ ટુ કોરોના.
કોરોના મહામારી છે પણ એક વાત તો સ્વીકારવી પડે કે આ મહામારીએ દુન્યવી દોટમાં લાગી ગયેલા માણસના મનમાં ઘર કરી ગયેલી પરિગ્રહની મહામારીનો નાશ કરવાનું કામ તો શરૂ કરી દીધું છે. મોંઘીદાટ ગાડી ઘરની બહાર હોવી જોઈએ અને અલ્ટ્રામૉડર્નન બાઇક ફ્લૅટના પાર્કિંગમાં લંગારેલું હોવું જોઈએ. આવું માનનારાઓએ એક વખત જાતને પૂછે કે છેલ્લે ક્યારે બાઇકને કિક અને કારને સેલ્ફ માર્યો હતો. રેન્જરોવરમાં પુરાવેલું પેટ્રોલ અકબંધ છે અને નવી ફિલ્મ વિના પણ વીક-એન્ડ સહજતા સાથે, સરળતા સાથે પૂરો થઈ રહ્યો છે. નવા એપિસોડ જોવા નથી મળતા એટલે ટીવી એક સામાન્ય ફોટોફ્રેમ જેવું લાગે છે અને એના પર મોટા ભાગે હવે ન્યુઝ જોવાઈ રહ્યા છે. ન્યુઝ જોવાય છે અને દરેક વખતે પેશન્ટ્સના વધતા આંકડા સાથે કોરોનાનો ભય વધારે ને વધારે ઘરઘેલા કરી રહ્યો છે. ડરના ઝરૂરી હૈ સા’બ. કોરોના ખતમ કર જાએગા. સોશ્યલ ડિસ્ટન્સની વાત જો કોરોના વિના કરવામાં આવી હોત તો આવી વાત કે સલાહ આપનારાને ગાંડો ગણવામાં આવ્યો હોત, ફિલોસૉફર ધારી લેવામાં આવ્યો હોત અને સંબંધોના હાંસિયા બહાર પણ તગેડી મૂકવામાં આવ્યો હોત; પણ આજે એ જ વાત કરનારાની ગણતરી બૌદ્ધિક સાથે કરવામાં આવી રહી છે. અંતર હોવું જોઈએ, સ્પેસ હોવી જોઈએ પછી એ સંબંધની વાત હોય કે લાગણીની ચર્ચા હોય. જો પહેલાં કોઈએ કહ્યું હોત તો ભવાં ચડાવીને તેની સામે જોવામાં આવ્યું હોત પણ ના, હવે એવું કરવામાં આવતું નથી. કારણ? સાહેબ કોરોના. કોરોનાએ સમજાવ્યું છે અબ દૂર રહો ના. પૈસાથી અને પૈસા પાછળની દોટથી. કોરોનાએ સમજાવ્યું છે, અબ દૂર રહો ના. નામ પાછળ મૂકેલી આંધળી દોટથી અને પારકાઓને વહાલા થવાની નીતિથી. કોરોનાએ જ સમજાવ્યું છે, અબ તો દૂર રહો ના. શરીરમાં જગ્યા કરી લેતા વાઇરસથી અને મનમાં ઘર કરી ગયેલા વિષાણુઓથી. કોરોનાની આ શીખ સ્મશાન વૈરાગ્ય ન પુરવાર થાય એની કાળજી રાખવાની જવાબદારી તમારી છે. જો સ્મશાન વૈરાગ્ય પુરવાર થયો તો નવેસરથી કોરોનાની રાહ જોવાની રહેશે અને ધારો કે એવું બન્યું નહીં તો માત્ર એટલું જ કહેવાનું ઃ થૅન્ક યુ કોરોના, આંખ ખોલવા બદલ..

Rashmin Shah columnists