અંતિમ ચોવીસ કલાક : બન્યા થોડા વધુ મૅચ્યોર્ડ, થોડા વધુ ઈર્ષ્યાળુ, લાલચુ ને થોડા વધુ ગણતરીબાજ

31 December, 2023 11:30 AM IST  |  Mumbai | Manoj Joshi

૨૦૨૩એ એ જ કામ કર્યું જે કામ અગાઉનાં વર્ષોએ કર્યું હતું અને આપણે પણ એ જ શીખ્યા જે અગાઉનાં વર્ષો પાસેથી આપણે શીખ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

ચાલો, વધુ એક વર્ષ પૂરું થયું અને પૂરા થતા આ એક વર્ષ સાથે આપણે થોડા વધુ મૅચ્યોર્ડ થયા. મૅચ્યોર્ડ માત્ર ઉંમરમાં, પૃથ્વી પર વધુ સમય પસાર કરનારા લોકોની યાદીમાં આવ્યા પણ મનથી, મનથી તો એવા ને એવા જ રહ્યા. થોડા વધુ ઈર્ષ્યાળુ, થોડા વધુ ગણતરીબાજ. થોડા વધારે ઇનસિક્યૉર્ડ અને થોડા વધારે ખુન્નસબાજ. હા, આ જ બન્યા છીએ આપણે. ૨૦૨૩એ એ જ કામ કર્યું જે કામ અગાઉનાં વર્ષોએ કર્યું હતું અને આપણે પણ એ જ શીખ્યા જે અગાઉનાં વર્ષો પાસેથી આપણે શીખ્યા હતા.

ઇચ્છા ન હોય તો કામને ટાળવાની માનસિકતા જરા વધારે બળકટ બની અને ઇચ્છા હોય એ કરવાની વાતમાં આપણે વધારે દૃઢ બન્યા, એવા દૃઢ જેને સામાન્ય શબ્દોમાં જિદ્દી કહી શકાય. ચાલબાજ પણ બન્યા છીએ અને જે પહેલેથી ચાલબાજ હતા એ લોકો વધારે અઠંગ બન્યા. સ્વાર્થી પણ વધુ બન્યા. જેની જરૂર હતી તેને બોલાવવાનું એક પણ વાર ચૂક્યા નહીં અને જેની જરૂર નહોતી, જેની આવશ્યકતા નહોતી તેની સામે ભૂલથી પણ નજર ન મળી જાય એની ચીવટ પણ ભરપૂર રાખી. મનમાં ઘૃણા પણ ભરી અને મનમાં રહેલા કપટને પણ પોષણ આપવાનું કામ કર્યું. જ્યાં વાત પડતી મૂકી શકાતી હતી, જ્યાં વાતને જતી કરી શકાતી હતી એ વાતોમાં પણ અહમને અકબંધ રાખીને આગળ વધ્યા અને જુઓને, છેક આખું વર્ષ પૂરું કરી નાખ્યું. કાલથી શરૂ થતા નવા વર્ષે પણ આપણે એ જ કરવાના છીએ. ભલેને ગમે એટલી બહાદુરી દેખાડીએ અને ગમે એટલાં પ્રલોભનો જાતને આપીએ, કોઈ અસર નથી થવાની આપણને અને અસર થાય પણ કઈ રીતે. છીએ જ આપણે એવા, જાતે દુખી થવાનું સતત વિચાર્યા કરીએ અને પછી કોઈની પણ રાહ જોયા વિના જાતને દુઃખના રસ્તે આપણે જ વાળી દઈએ.

જુઓ, એક વાર પાછળ ફરીને તમે. દેખાશે કે આખું વર્ષ એ જ કામ આપણે કર્યું અને અગાઉનાં વર્ષોમાં પણ એ જ કામ કર્યું હતું. વર્ષોનું આ પુનરાવર્તન છે અને એ જ હવે આગળ વધવાનું છે. ઈર્ષ્યા પણ આગળ વધશે, ખુન્નસ પણ આગળ વધશે. ઇનસિક્યૉરિટી હતી એટલી જ પ્રબળ રહેશે અને એને લીધે રાજકીય કાવાદાવા પણ ભરપૂર રમાશે. પહેલો બીજાને કાપશે ને બીજો ત્રીજાને કાપશે. નંબર-વન, નંબર-ટૂને નીચે દેખાડવાના પ્રયાસ કરશે ને નંબર-ટૂ પોતાની ભૂલોનો બધો દોષ ટીમ પર ઢોળશે. મોટા થઈશું નહીં ને કોઈને મોટા થવા નહીં દઈશું. ડિટ્ટો, એ જ સ્ટાઇલ, જે ૨૦૨૩માં હતી. નફરત મનમાં હશે અને જીભ પર મીઠાશ પાથરીને રાખીશું. પેટમાં પાપ હશે અને ચહેરા પર મસ્તમજાનું ગળપણ છાંટી રાખીશું. ઇરાદો કંઈક જુદો જ હશે અને એ પછી પણ, એ પછી પણ, પૂરી સભાનતા સાથે વર્તીશું કંઈક જુદું જ. આ જ તો આપણો સ્વભાવ છે, જેને હવે આપણે સ્મશાન સુધી સાથે રાખવાના છીએ. ઇચ્છા જ નથી, ચેન્જ લાવવાની. કારણ કે ઇચ્છા એક જ છે, સામેવાળો બદલાય. હું તો એ જ રહીશ, જે ૨૦૨૨માં હતો અને જે ૨૦૨૩માં રહ્યો છું આ આખી ઘટનામાં બસ, ભૂલીએ છીએ તો એક જ વાત.

દરેક સામેવાળા માટે આપણે સામેવાળા છીએ.

new year happy new year columnists manoj joshi