કલાદેવો ભવઃ મુંબઈની રંગભૂમિ પર નવા ઑડિટોરિયમનું સસ્નેહ અને સાદર સ્વાગત છે

15 January, 2023 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યારે જગતઆખું લક્ષ્મીની પાછળ પાગલ બનીને ઑડિટોરિયમની જગ્યાએ મૉલ અને મલ્ટિપ્લેક્સ બનાવતા થઈ ગયા છે ત્યારે, આજના સપરમા દિવસે મુંબઈમાં નવા ઑડિટોરિયમનો શુભારંભ થવાનો છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

આમ જોઈએ તો આ એક ગુજરાતી કલાકાર તરીકે ઉત્સવથી સહેજ પણ નાની કે ઓછી વાત નથી. માથે સાડલો મૂકીને છાબડીમાં નટરાજ લઈને સામૈયું કરવા જવાનું મન થાય એવા સમાચાર છે. જ્યારે જગતઆખું લક્ષ્મીની પાછળ પાગલ બનીને ઑડિટોરિયમની જગ્યાએ મૉલ અને મલ્ટિપ્લેક્સ બનાવતા થઈ ગયા છે ત્યારે, આજના સપરમા દિવસે મુંબઈમાં નવા ઑડિટોરિયમનો શુભારંભ થવાનો છે.

નટ ઘેર આનંદ ભયો, જય હો નટરાજ કી.

લાઇવ આર્ટ માટે, જીવંત કલા માટે આજથી મોટો કોઈ દિવસ જ ન હોઈ શકે. આજે જ્યારે ઑડિટોરિયમની અછત સામે રંગભૂમિ ઝઝૂમી રહી છે ત્યારે એક નવું ઑડિટોરિયમનું આવવું એ ખરેખર ખુશીના ઓડકાર સમાન વાત છે અને એટલે જ કહું છું કે આજના આ દિવસે એકેએક કલાકાર પોતાના ઘેર ગળ્યું મગાવીને મોઢું મીઠું કરે અને નટરાજને નમન કરીને તેમનો આભાર માને કે ભલું થજો એ ગુજરાતીનું જેણે આટલું સરસ કામ કલાના વિકાસાર્થે કર્યું છે.

હા, એક ગુજરાતીએ. ગુજરાતી શેઠ જગડુશા પણ હોઈ શકે અને ગુજરાતી શેઠ શાગળશા પણ હોઈ શકે. એક ગુજરાતી ભામાશા પણ હોય અને એક ગુજરાતી નરેન્દ્ર મોદી જેવો વીરલો પણ હોય. પણ સાહેબ, એક ગુજરાતી કલાનો રખવાળ બને, કલા અર્થે છત લાવવાનું કામ કરનારો મા સરસ્વતીનો ઉપાસક પણ હોઈ શકે અને નટદેવનો આરાધક પણ હોઈ શકે, એનાથી મોટા ખુશખબર બીજા કયા હોય?!

વિધાનસભ્ય પરાગ શાહે આ ભારત રત્ન લતા મંગેશકર નાટ્યગૃહનું નિર્માણ કર્યું છે. રિઝર્વ રહેલી જગ્યાનો કલા ક્ષેત્રમાં ઉપયોગ થાય એ વિચાર તેમણે જ કર્યો અને તેમણે જ આગેવાની લઈને ૧૨૫ કરોડના ખર્ચે ઘાટકોપરમાં અદ્યતન કહેવાય એવું આ નાટ્યગૃહ બનાવ્યું. એક ગુજરાતી આ કામ કરે એ જાણ્યા પછી ગળું ગદ્ગદ થયું છે અને છાતી ગજગજ ફુલાઈ રહી છે. કલાકાર તરીકે મારો આ ભાવ છે તો કલાભાવક તરીકે તમારી ખુશીમાં ઉમેરો થાય એવી વાત પણ કહી દઉં. ભારત રત્ન લતા મંગેશકર નાટ્યગૃહનો આજથી શુભારંભ પણ એક ગુજરાતી દ્વારા નિર્મિત નાટકથી જ થઈ રહ્યો છે. હા, ‘ચાણક્ય’ નાટકનો શો આજે એમાં થશે અને આ શો સાથે ઑડિટોરિયમનું લોકાર્પણ થશે. વિશ્વનાં અન્ય ઑડિટોરિયમને ટક્કર મારે એવું આ ઑડિટોરિયમ ખુલ્લું મુકાશે ત્યારે એક જ અપેક્ષા રાખવાની કે સ્વર્ગમાંથી નટદેવ અને મા સરસ્વતી બન્ને ખુશીઓની પુષ્પવર્ષા કરે અને એ પુષ્પવર્ષા થકી પરાગ શાહ જેવા કલાના પૂજકને કલાક્ષેત્રમાં વધુ ને વધુ કામ કરવાની પ્રેરણા મળે. જોકે તેમણે આ જે કર્યું છે એ ઓછું નથી. તમે જુઓ, છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેટકેટલાં ઑડિટોરિયમ બંધ થયાં, તૂટતાં-ફૂટતાં અને આલીશાન મૉલ બનતાં એ કેટકેટલાં ઑડિટોરિયમો સાથે આપણી દિગ્ગજ કલાની યાદો પર સિમેન્ટની દીવાલોનું ચણતર થયું. કહે છે કે સ્કૂલ, ઑડિટોરિયમ અને આશ્રમ એ દેશની નવી પેઢીનું ઘડતર કરે છે.

શબ્દો આજે સુખ સાથે કહે છે, પરાગ શાહને કારણે આજે નવી પેઢીના વાવેતરમાં વધુ સંસ્કારો ઉમેરાશે. વહાલા, આ ભાવ અને આ પ્રેરણા અકબંધ રહે એવી સમગ્ર કલાકારો વતી ઇચ્છા અને સાદર આભાર પણ.

columnists manoj joshi mumbai