આપણે ત્યાં ફુટપાથ અને સ્કાયવૉક તો જાણે અમસ્તાં જ બનાવવામાં આવ્યાં છે

29 April, 2024 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને લાગે છે કે ચાલીને જનારા લોકો પણ જ્યાં છે ત્યાં ફુટપાથ અને સ્કાયવૉકનો ઉપયોગ કરતા થઈ જાય તો પણ મુંબઈની ૨૦ ટકા ટ્રાફિક-સમસ્યા હલ થઈ જાય.

રાજીવ મહેતા

મને ત્રણ વાતની જબરદસ્ત ઍલર્જી, જેમાંથી એકની વાત મારે આજે લખવી છે. બીજી બે ઍલર્જી વિશે ભવિષ્યમાં ક્યારેક લખીશ, પણ અત્યારે એકની વાત કરીએ. આ જે ઍલર્જી છે એ છે ફુટપાથ અને સ્કાયવૉક પડતાં મૂકીને રસ્તાની બરાબર સેન્ટરમાં ચાલતા લોકોની. આ એ પ્રજા છે જે ફુટપાથ ન હોય તો કાગારોળ મચાવી દે છે. ચિલ્લાઈ-ચિલ્લાઈને કૉર્પોરેશનને ભાંડશે, પણ ફુટપાથ હશે ત્યાં એ રસ્તા પર ચાલશે. રસ્તા પર ચાલવાને એ લોકો પોતાનો અધિકાર માને છે. વાહનવાળાનું વાહન સહેજ અડી જાય તો તરત ચિલ્લમચિલ્લી કરી નાખશે, આજુબાજુના લોકોને ભેગા કરશે, પણ પોતે કબૂલ નહીં કરે કે જેટલો વાંક પેલા વાહનવાળાનો છે એટલો જ વાંક તેનો પોતાનો પણ છે. એવું નથી કે હું રહું છું ત્યાં મલાડનો જ પ્રશ્ન છે. ના રે, આખા મુંબઈનો આ પ્રશ્ન છે. કેટલીક જગ્યાએ તો પ્રશ્ન ભયંકર રીતે વકરી ગયો છે.

બોરીવલી સ્ટેશન પાસેનો આખો એરિયા તમે જુઓ. ફેરિયા અને લારીવાળાઓએ ૩૦ ટકા રસ્તો રોક્યો હોય તો સાંજના સમયે ૨૦ ટકા રસ્તા પર પબ્લિક ફરતી હોય. બોરીવલી સ્ટેશનવાળો એ રસ્તો ખાસ્સો મોટો છે, પણ અડધો રસ્તો તો આ જ રીતે રોકાઈ ગયો હોય. ફુટપાથ આખી ખાલી અને ઉપર જે સ્કાયવૉક છે એના પર રડ્યાખડ્યા લોકોની અવરજવર. એ જે સ્કાયવૉક છે એ રસ્તા પર ચાલતા લોકોની સુવિધા માટે જ બનાવ્યો છે પણ ના, કોઈ એના પર જશે નહીં.  શું કામ એ લોકો ત્યાં નહીં ચાલતા હોય અને શું કામ એ લોકો રસ્તા પર જ ચાલતા હશે? આ પ્રશ્ન મને મનમાં બહુ થતો એટલે મેં મારા નૉલેજ ખાતર એ કેટલાક લોકોને પૂછ્યું પણ ખરું તો મને એવા હાસ્યાસ્પદ જવાબ જાણવા મળ્યા જે હું અહીં લખું તો ખરેખર મને ફાળવવામાં આવેલી જગ્યા ટૂંકી પડે, પણ હા, હું એક જવાબ કહું...‘રસ્તા પર ચાલતા હોઈએ તો આજુબાજુનું બધું જોવા મળેને!’

મને કહેવાનું મન થાય કે સરકાર આપણી સુવિધા માટે ફુટપાથ બનાવે છે, સ્કાયવૉક બનાવે છે તો એનો ઉપયોગ કરોને. શું કામ તમારે વાહન ચલાવનારાઓને નડતર બનવું છે, પણ ના, અમારે તો રસ્તા પર જ ચાલવું છે અને પછી ઍક્સિડન્ટ થાય તો અમારે પેલા વાહનવાળાને જ દોષ આપવો છે. મને લાગે છે કે આ જે માનસિકતા છે એ માનસિકતામાં આપણે સુધારો કરવાની તાતી જરૂર છે. મને લાગે છે કે ચાલીને જનારા લોકો પણ જ્યાં છે ત્યાં ફુટપાથ અને સ્કાયવૉકનો ઉપયોગ કરતા થઈ જાય તો પણ મુંબઈની ૨૦ ટકા ટ્રાફિક-સમસ્યા હલ થઈ જાય.

અહેવાલ- રાજીવ મહેતા

columnists life and style