નવરાત્રિની ઉજવણીમાં ઉમેરીએ તન-મનનું સૌંદર્યકરણ કરતું નવલું ડાયમેન્શન

20 October, 2020 04:42 PM IST  |  Mumbai | Taru Kajaria

નવરાત્રિની ઉજવણીમાં ઉમેરીએ તન-મનનું સૌંદર્યકરણ કરતું નવલું ડાયમેન્શન

નવરાત્રિના તહેવારની સાધના તરીકે આ વિકલ્પ ખરેખર અપનાવવા જેવા લાગે છે.

શનિવારથી નવરાત્રિનો આરંભ થઈ ગયો છે. સદીઓથી શેરીઓ અને સોસાયટીઓ તથા ગ્રાઉન્ડ્સ અને હૉલ્સ ગજવતી નવરાત્રિ આ વખતે વ્યક્તિગત ઘરો સુધી સીમિત રહી ગઈ છે. ઑનલાઇન નવરાત્રિ સેલિબ્રેશન્સ, સોશ્યલ મીડિયા પર વાઇરલ નવરાત્રિ-ક્લિપ્સ ઇત્યાદિ ચલણી બન્યાં છે. કેટલાક ઝૂમ પર તો કોઈ વળી ગૂગલ મીટિંગરૂમમાં રાસ-ગરબાની રમઝટ મચાવી રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે એક વાત સારી થઈ છે કે નવરાત્રિમાં ઘરમાં રહીને જ માતાજીની સ્તુતિ અને ભક્તિ કરવાની સુંદર તક આ વખતે સૌને મળી છે અને હકીકતમાં આ વખતે માતાજીની કૃપાની આ દુનિયાને જેટલી જરૂર છે એટલી અગાઉ ક્યારેય નહોતી પડી. કોરોનાના પ્રકોપથી સૌની જિંદગી પર અસર થઈ છે. એ ભયંકર અસરને માત કરવા માતાજીની શક્તિને આવાહન કરવાની તક મળી છે. એ દૃષ્ટિએ આ વખતે નવરાત્રિમાં હિન્દી-ગુજરાતી ફિલ્મોનાં ગીતો અને ધૂનને બદલે દરેક ઘરમાંથી માતાજીની સ્તુતિઓ અને આરતીઓ વધુ સંભળાય એવી શક્યતા લાગે છે.
આજે નવરાત્રિ નિમિત્તે વૉટ્સઍપ પર એક સુંદર ફૉર્વર્ડ આવ્યો છે. નવરાત્રિમાં ઘણા લોકો ઉપવાસ, વ્રત કે આરાધના કરે છે એ આપણે જાણીએ છીએ, પરંતુ આ સંદેશ એ બધું કંઈક જુદી અને નવી રીતે કરવાનો વિકલ્પ આપે છે. એમાં નવરાત્રિના દરેક દિવસ માટે એક-એક નિયમ આપેલો છે.
પ્રથમ નોરતા માટેનો નિયમ છે, ‘હું મારા ગુસ્સાને છોડી દઈશ.’
બીજા નોરતાનો નિયમ છે, ‘હું લોકોને તોળવાનું બંધ કરીશ.’
ત્રીજું નોરતું, ‘હું મારા તમામ વેરભાવ કે દ્વેષને તિલાંજલિ આપી દઈશ.’
ચોથું નોરતું, ‘હું મારી જાતને અને બીજા બધાને ક્ષમા કરીશ.’
પાંચમું નોરતું, ‘હું મારી જાતને અને બીજા સૌને પણ જેવા છે એવા જ સ્વીકારીશ.’
છઠ્ઠું નોરતું, ‘હું મારી જાતને અને અન્યોને બિનશરતી પ્રેમ કરીશ.’
સાતમું નોરતું, ‘ઈર્ષ્યા અને અપરાધગ્રંથિની તમામ લાગણીઓથી હું મારી જાતને મુક્ત કરીશ.’
આઠમું નોરતું, ‘મારા સઘળા ભયને હું છોડી દઈશ.’
નવમું નોરતું, ‘મને મળેલી અને મળનારી તમામ ચીજો માટે હું કૃતજ્ઞ રહીશ.’
દશેરો, ‘આ બ્રહ્માંડમાં દરેક જણ માટે પુષ્કળ પ્રાપ્ત છે. બિનશરતી પ્રેમ, સાધના, નિષ્કામ સેવા અને શ્રદ્ધાથી હું એ ખજાનામાંથી મને જે જોઈએ તે સર્જી લઈશ.’
સામાન્ય રીતે નવરાત્રિ આવે એટલે ઘણા લોકો ૯ દિવસનાં નવાં-નવાં ચણિયાચોળી, કેડિયા-ચોરણી કે કુર્તા-પાયજામા અને દુપટ્ટા-ઓઢણીની ખરીદી કરે છે. એની મૅચિંગ જ્વેલરી વસાવે છે કે ભાડે લે છે અને ઈવન ૯ દિવસની દાંડિયાની જોડ પણ જુદી-જુદી રાખે છે. સુંદર દેખાવા માટે થતી આ બધી તૈયારીઓ છે. બાહ્ય સાજ-સજાવટ માટેની સામગ્રીઓ છે. સહજ છે તહેવારના દિવસોમાં જે ઉપલબ્ધ હોય એ બધાં સાધનોની મદદથી પોતાના દેખાવને શક્ય એટલો નિખારવાના પ્રયાસ કરવાનું મન થાય, પણ આ સંદેશ નવરાત્રિના આ પર્વમાં ભીતરની સુંદરતા નિખારવાનાં ઉપકરણો આપે છે. કલ્પના કરો ગુસ્સાથી ભભૂકતો ચહેરો બનામ શાંત, સૌમ્ય ચહેરો! કયો ચહેરો જોવો વધુ ગમશે? તમે એવી કેટલીક વ્યક્તિઓને મળ્યા હશો જેમના હોઠે હંમેશાં દરેક માણસ, દરેક સ્થિતિ કે દરેક બાબત વિશષ કંઈક ન કંઈક ફરિયાદ જ હોય. સાચું કહેજો આવી વ્યક્તિ જ્યારે તમને મળે કે તરત તમારા મનમાં સવાલ આવતો હશે કે ‘આજે કોનો નંબર લાગ્યો હશે?’ બીજા શબ્દોમાં કહું તો એ વ્યક્તિની નકારત્મકતા આપણને (જો આપણે તેના જેવા ન હોઈએ તો) અરુચિકર લાગે છે. એની જગ્યાએ કેટલાક સાગરપેટા માણસો પણ હોય છે જેમના જીવનમાં ભયંકર આંધી આવી ગઈ હોય તેની આપણને જાણ હોય અને છતાં તેમના મોઢેથી એ વિશે કોઈ રાવ-ફરિયાદ સાંભળવા ન મળે. ઊલટું, એ મળે ત્યારે બે-ચાર એવી સરસ પૉઝિટિવ વાતો કરી દે કે આપણે પણ પૉઝિટિવિટીથી છલકાઈ જઈએ. આપણને પૂછવામાં આવે કે તમે કોને મળવાનું પસંદ કરશો તો નૅચરલી આપણી ચૉઇસ આ બીજી ટાઇપની વ્યક્તિ જ હોવાની, સિવાય કે આપણે ખુદ પણ પહેલી કિસમની વ્યક્તિ જેવા હોઈએ. બરાબરને?
જાતને અને અન્યોને ચાહવા, લોકો જેવા હોય એવા સ્વીકારવા એ આપણા અંતરને કલુષિતતાથી બચાવવાનો એક અદ્ભુત ઇલમ છે. તો ભય, ઈર્ષ્યા, દ્વેષ ઇત્યાદિ આકરા તાપ જેવાં છે જે આપણી આંતરિક સુંદરતા પર ઊંડી કરચલીઓ કરતાં જાય છે.
સૌથી સુંદર અને મહત્ત્વની વાત તો પોતાને જે મળ્યું છે એને માટે કૃતજ્ઞતા અનુભવવાની છે. તમારી આસપાસ નજર દોડાવો. કેટલાબધા લોકો છે જેમનાં જીવન ઘણીબધી રીતે બીજા લાખો-કરોડો લોકો કરતાં ઘણાં બહેતર રીતે વીતી રહ્યાં છે, પરંતુ તેમનામાંથી બહુ જૂજ લોકો તેને માટે ગદ્ગદ હશે. એટલું જ નહીં, તેમનામાંના મોટા ભાગના ‘આ નથી મળ્યું અને પેલું નથી મળ્યું’ના ધખારાથી દાઝેલા હશે. એની જગ્યાએ જિંદગીમાં નાની-નાની વાતોમાં સુખ જોનારા અને એ માટે દિલ ખોલીને ઈશ્વરનો આભાર માનનારા લોકોને પણ તમે મળ્યા હશો. યાદ કરો એ બન્ને ચહેરાઓ. સંતોષ અને કૃતજ્ઞતાથી છલકાતા ચહેરાઓ ચોક્કસ તમને વહાલા લાગશે અને છેલ્લે પેલી જે મળે એમાંથી પોતાની પ્રામાણિક મહેનત, પ્રેમ અને સાધનાથી પોતાની જરૂરિયાત મુજબનું સર્જી લેવાની ખુમારી તો ચોક્કસ વ્યક્તિના આંતર-બાહ્ય સૌંદર્યમાં ૧૦૦ ટકા વૃદ્ધિ કરે એવી છે.
આમ જીવનને સમૃદ્ધ કરે, વ્યક્તિના આંતર-બાહ્ય સૌંદર્યને નિખારે, માનવસંબંધોને મજબૂત કરે એવા જ આ બધા નિયમો છે. નવરાત્રિના તહેવારની સાધના તરીકે આ વિકલ્પ ખરેખર અપનાવવા જેવા લાગે છે. ચાલો તો આ નવરાત્રિની ઉજવણીમાં ઉમેરીએ તન-મનનું સૌંદર્યકરણ કરતું આ નવલું ડાયમેન્શન.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

taru kajaria columnists