હૃદયમાં પેસમેકર બેસાડેલું છે છતાં ગરબા તો રમવાના જ

25 September, 2025 12:03 PM IST  |  Mumbai | Heena Patel

મીરા રોડમાં રહેતાં રંજિતા ફુરિયાને હૃદયમાં પેસમેકર બેસાડેલું છે, પણ તેમ છતાં તેઓ દર વર્ષે નવરાત્રિમાં નવેનવ દિવસ ગરબા તો રમે જ છે. એ પણ એકલાં નહીં, આખા પરિવારને સાથે લઈને ગરબા રમવા માટે જાય છે. તેમની આખી ફૅમિલી એટલા સારા ગરબા રમે કે ઇનામ જીતીને જ આવે

રંજિતા ફુરિયા હસબન્ડ વિરેન ફુરિયા અને બન્ને દીકરીઓ ખુશી અને તિશા સાથે

ઘણા લોકો એવા હોય છે જેમનામાં ગરબા રમવાનો ઉત્સાહ એક અલગ સ્તરનો હોય છે. ગરબા રમવા માટે તેઓ રિસ્ક ઉઠાવવું પડે તો પણ તૈયાર થઈ જતા હોય છે. મીરા રોડમાં રહેતાં ૪૨ વર્ષનાં રંજિતા ફુરિયા પણ આ લોકોમાંનાં એક છે. તેમણે આજથી પાંચ વર્ષ પહેલાં હૃદયમાં પેસમેકર બેસાડેલું છે, પણ તેમ છતાં તેમને ગરબા રમ્યા વગર ચાલે નહીં. આ ​વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘સામાન્ય રીતે માણસના હૃદયના ધબકારા ૬૦થી ૧૦૦ બીટ્સ પ્રતિ મિનિટ જેટલા હોવા જોઈએ, પણ મારા ૩૮થી ૪૩ની વચ્ચે હતા એટલે પેસમેકર બેસાડવું પડેલું. જોકે દયાબહેનની જેમ મ્યુઝિક વાગે એટલે મારા પગ આપોઆપ દોડવા માંડે છે એટલે હું મારી જાતને ગરબા રમતાં રોકી શકતી નથી. જોકે હું ગરબા રમતાં પહેલાં મારા ડૉક્ટરની સલાહ લઈ લઉં છું.’

ફક્ત રંજિતા નહીં, તેમની આખી ફૅમિલીને ગરબા રમવાનો ભારે શોખ છે. આ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘મારા હસબન્ડ વિરેન, મારી મોટી દીકરી ખુશી અને નાની દીકરી તિશા અમે બધાં ભાઈંદરની લોટસ નવરાત્રિમાં રમવા માટે જઈએ છીએ. અમે બધા એક જ ગ્રુપમાં સાથે ગરબા રમીએ છીએ એટલું જ નહીં, અમે ત્રણેય મા-દીકરીઓએ મળીને બેસ્ટ ફીમેલ ડાન્સર કૅટેગરીમાં ઇનામો પણ જીત્યાં છે. આમ મારો જન્મ અને ઉછેર કચ્છમાં થયેલો છે. મુંબઈ તો હું પરણ્યા પછી આવી. એટલે બન્ને જગ્યાએ મને ગરબા રમવાનો અનુભવ છે. કચ્છમાં તો એક મોટું રાઉન્ડ હોય અને એમાં બધા જ સિમિલર રીતે ગરબા રમતા હોય, પણ મુંબઈમાં બધા પોતપોતાનાં ગ્રુપ બનાવીને ગરબા રમતા હોય અને બધાં ગ્રુપની પોતાની એક અલગ સ્ટાઇલ હોય. અત્યારે હું પોતે એક ગ્રુપ લીડ કરું છું. અમારા આ ગ્રુપમાં બાળકો, વડીલો, યુવાનો બધાં જ છે. અમે લોટસ ગ્રાઉન્ડમાં રમવાનું શરૂ કર્યું એ પછીથી ઘણા લોકો સાથે મારી ઓળખાણ થયેલી. એ પછી અમે એક ગ્રુપ બનાવી લીધું. અમારા ગ્રુપમાંથી ઘણા લોકો ઇનામો જીતીને આવે છે.’

રંજિતાબહેન બ્યુટિશ્યન છે એટલે તેઓ દીકરીઓને રેડી કરવાથી લઈને ત્રણેય માટેનાં કપડાં પણ પોતે જ ડિઝાઇન કરે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘અમારે સાડાસાતે ઘરેથી નીકળવાનું હોય પણ અમે ચાર વાગ્યાથી જ રેડી થવાનું શરૂ કરી દઈએ. મારા હસબન્ડ પણ ઑફિસથી એક કલાક વહેલા આવી જાય. મારી પાસે ૪૦-૪૫ જેટલાં નવરાત્રિનાં અલગ-અલગ આઉટફિટ છે. અમારી ત્રણેય મા-દીકરીઓની હાઇટ-બૉડી એક સમાન છે. એટલે અમે ત્રણેય એ વારાફરતી પહેરીએ. એ સિવાય અમારા ગ્રુપની છોકરીઓ ફાઇનલ, મેગા ફાઇનલ કૉમ્પિ​ટિશનમાં પહેરવા માટે મારી પાસેથી ચણિયા-ચોળી લઈ જાય. અમારા ત્રણેયનાં કપડાં હું જ ડિઝાઇન કરું છું. એ પછી એને કચ્છમાં અમારા એક ટેલર પાસે સિવડાવવા માટે મોકલું છું. નવરાત્રિની જે જ્વેલરી છે એ હું અમદાવાદ, કચ્છમાંથી ખરીદતી હોઉ છું. આજકાલ ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી કરતાં ફૅબ્રિકની ફૂમતાંવાળી જ્વેલરી બધા વધુ પહેરે એટલે એ પણ હું ડ્રેસના હિસાબે ટેલર પાસેથી જ બનાવડાવી લઉં છું.’

navratri Garba mira road gujarati community news gujarati mid day exclusive