ગૂગલ મૅપની છુટ્ટી કરી દેશે આપણી સ્વદેશી NavIC

28 July, 2024 02:45 PM IST  |  Mumbai | Aashutosh Desai

આજે ભારતની આર્મી પાસે ગૂગલ મૅપ કરતાં વધુ ચડિયાતી, સટિક અને એફિશિયન્ટ નેવિગેશન સિસ્ટમ  છે અને કદાચ ભારતના દરેક મોબાઇલમાં એ આવી જાય એ દિવસો દૂર નથી ત્યારે જાણીએ આ નેવિગેશન સિસ્ટમનું એ ટુ ઝેડ

નાવિક

એ માટે આભાર માનીએ કારગિલ વૉર ‌દરમ્યાન અમેરિકન કંપની ગૂગલના અસહકારનો. અણીના સમયે ગૂગલે દુશ્મનોનાં બન્કર શોધવા માટે મદદ કરવાની ધરાર ના પાડી દીધેલી. એ પછીયે ભારતે પોતાનો રસ્તો શોધી લીધો અને કારગિલ વિજયને પણ પચીસ વર્ષનાં વહાણાં વહી ગયાં. જોકે ફરી ક્યારેય કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે એ માટે ભારતે પોતીકી નેવિગેશન સિસ્ટમ તૈયાર કરવાનું બીડું ઝડપ્યું જેમાંથી જન્મ થયો NavICનો. આજે ભારતની આર્મી પાસે ગૂગલ મૅપ કરતાં વધુ ચડિયાતી, સટિક અને એફિશિયન્ટ નેવિગેશન સિસ્ટમ  છે અને કદાચ ભારતના દરેક મોબાઇલમાં એ આવી જાય એ દિવસો દૂર નથી ત્યારે જાણીએ આ નેવિગેશન સિસ્ટમનું એ ટુ ઝેડ.

કોઈને યાદ છે કે પહેલાંના સમયમાં દરેક ગામના ચોરે, ગલીના નાકે, રેલવે સ્ટેશન પર, બસડેપો પર, ટૂરિસ્ટ પ્લેસિસ પર જીવતી-જાગતી જીપીએસ જોવા મળતી હતી. આજે પણ ક્યાંક-ક્યાંક એમનું અસ્તિત્વ ટકી રહ્યું છે. આ જીવંત જીપીએસ એટલી પ્રો-ઍક્ટિવ હતી કે તમે એક જીપીએસની મદદ માગો ત્યાં તો ત્યાં હાજર ચાર-પાંચ જીપીએસ તમારી મદદે આવી ચડે. તમારે બસ માત્ર એટલું જ પૂછવાનું કે ‘ફલાણા ભાઈનું ઘર ક્યાં આવ્યું?’ બસ, બધી જીવંત જીપીએસ તમારી મદદે હાજર. કેટલીક તો વળી એટલી ઍડ્વાન્સ જીપીએસ હતી કે ફલાણા ભાઈના ઘર સુધી તમને સહીસલામત મૂકી પણ આવે. અદ્દલ આજના ગૂગલ મૅપ જેવું જ. ફરક માત્ર એટલો જ કે એ જીવંત અજાણી જીપીએસ આખા રસ્તે તમારી જોડે વાતો પણ કરે અને શક્ય બને તો એટલી વારમાં ઓળખાણ પણ બનાવી લે.

ખેર, હવે આજના સમયમાં આપણે કાર ઊભી રાખીને એવી કોઈ જીવંત જીપીએસની ખાસ મદદ લેતા નથી, કારણ કે હવે આપણી પાસે મોબાઇલ ફોનમાં કે કારમાં જ જીપીએસ સિસ્ટમ આવી ગઈ છે. એમાં ગૂગલ અસ્ટિસ્ટન્ટ કે સિરી કે ઍલેક્સા આપણને મદદ કરતી રહે છે. જોકે આજથી માત્ર પંદર-વીસ વર્ષ પહેલાં આવું નહોતું. સ્માર્ટફોન, એમાં મૅપ, લાઇવ નેવિગેશન સિસ્ટમ અને વળી AIની મદદથી કોઈ મશીન તમને બોલીને મદદ પણ કરે એ બધું ધોળા દિવસે જોવાતા સપના જેવું લાગતું, જે આજે હવે હકીકત છે અને આ હકીકત હવે આપણને એટલી કોઠે પડી ગઈ છે કે એના વિના આપણે રોજિંદી જિંદગી કલ્પી સુધ્ધાં નથી શકતા.

જીપીએસ - ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અથવા ગૂગલ મૅપ. આ જીપીએસ વાપરતી વખતે આપણને એ વિશે એક વાર વિચાર સુધ્ધાં નહીં આવ્યો હોય કે આ સિસ્ટમ આપણી નહીં કોઈ બીજા દેશની છે. આપણે કદાચ એ પણ નહીં જાણતા હોઈએ કે જે જીપીએસ સિસ્ટમ આપણે ફુલ-ટૂ ફટાક થઈને વાપરતા રહીએ છીએ એ સિસ્ટમ આપણા દેશના લગભગ સાડાપાંચસો બાહોશ જવાનોની મોતનું કારણ બન્યા પછી આપણા ઘરમાં, આપણા ફોનમાં પ્રવેશી છે.

૧૯૯૯ની સાલમાં ભારત સામે કંઈક એવી પરિસ્થિતિ ઊભી થઈ જ્યારે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસની સૌથી વધારે જરૂર હતી ત્યારે જ એ કામમાં ન આવી. આપણે એની થોડી વિગતે વાત કરીએ.

૩ મે ૧૯૯૯નો એ દિવસ જ્યારે હરામખોર પાકિસ્તાનની આર્મીએ ભારતના કારગિલ ક્ષેત્રનાં શિખરો પર ગેરકાયદે કબજો જમાવી લેવાની ખેવના રાખી હતી. બે મહિના ત્રણ અઠવાડિયાં બે દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં આપણે આપણા ૫૨૭ જવાંમર્દોને ખોયા. આ બધું જ આપણને ખબર છે, પરંતુ જે નથી ખબર એ હકીકત એ છે કે આ યુદ્ધ બે મહિના ત્રણ અઠવાડિયાં બે દિવસની જગ્યાએ માત્ર પાંચ-સાત દિવસમાં જ ખતમ થઈ ગયું હોત જો એક દેશે આપણને એક નાનીઅમથી મદદ કરી હોત. કદાચ આપણા ૫૨૭ જવાનોએ પણ તેમનો જીવ ગુમાવવો ન પડ્યો હોત જો એક દેશે આપણને સાવ નજીવી મદદ કરી હોત.

વાત કંઈક એવી છે કે શિયાળાની ઋતુમાં કારગિલ જેવા ક્ષેત્રમાં હાડ થિજાવી દેનારી ઠંડી હોય છે. બરફની ચાદરો નહીં પરંતુ ગાદલાંઓ છવાઈ જાય એટલો બરફ પડતો હોય છે. એને કારણે ભારતીય સેના શિયાળાના બે-ત્રણ મહિના આવા અત્યંત દુષ્કર પહાડી વિસ્તારોમાં સતત ચોકીપહેરો કરી શકે એવી હાલતમાં નથી હોતી (જોકે હવે આખું વર્ષ અને બારેય મહિના આપણા જવાનો કડક ચોકીપહેરો કરતા રહે છે!). બસ, આ જ વાતનો ફાયદો ઉઠાવીને નાપાક પાકિસ્તાનીઓએ ત્યાં બન્કર બનાવીને કબજો જમાવવા માંડ્યો. ૧૯૯૯ની સાલના એ માર્ચ-એપ્રિલ મહિનામાં ભારતને જાણ થઈ કે એના કારગિલ ક્ષેત્રમાં કેટલાક હરામખોરો ગેરકાયદે કબજો જમાવીને બેઠા છે. હવે તેમને તેમની ઔકાત દેખાડીને પાછા ખદેડવા જ પડે એ તો સ્વાભાવિક છે.

જોકે એ માટે તેમનાં લોકેશન્સ અને તેમનાં બન્કરોની બની શકે એટલી સચોટ માહિતી મળે એ જરૂરી હતું. જો એમ થાય તો ઇન્ડિયન આર્મી ક્યાં અને કઈ રીતે લડવું એનો પરફેક્ટ પ્લાન તૈયાર કરી શકે. હવે આ માટે આપણને જરૂર હતી સૅટેલાઇટ દ્વારા મળતી તસવીરોની. એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મળતા મૅપ અને લોકેશન્સ ટ્રૅકિંગની, જે અમેરિકા દ્વારા ઑપરેટ કરવામાં આવતી હતી. હવે એક અમેરિકન કંપની ગૂગલ પાસે પણ એ સિસ્ટમ વાપરવાના રાઇટ્સ છે જેને આપણે ગૂગલ મૅપ તરીકે ઓળખીએ છીએ. ભારતે જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) પ્રોવાઇડ કરવા માટે અમેરિકાની મદદ માગી. જોકે આપણને બધાને ખબર છે કે આગલા અને પાછલા બંને બારણેથી અમેરિકા વર્ષોથી પાકિસ્તાનને મદદ કરતું આવ્યું છે. આથી અમેરિકાએ જીપીએસ માટે ઘસીને ના કહી દીધી, જેને કારણે પરિસ્થિતિ કંઈક એવી આવીને ઊભી રહી ગઈ કે પહાડની ટોચ પર બેઠેલા હથિયારધારીઓ સાથે તળેટીમાં ઊભેલા આપણા સૈનિકોને માત્ર અંદાજ અને અભ્યાસ દ્વારા લડવાની ફરજ પડી. એ આખી એક અલગ જ યશગાથા છે કે એમ છતાં આપણા સિંહો જીત્યા અને જીતતા રહેશે.

આવા અણીના સમયે અમેરિકા દ્વારા જે પીઠ દેખાડવામાં આવી અને અસહિષ્ણુ થઈને ‘ના’નો ઘસરકો આપવામાં આવ્યો એને કારણે ભારતે નેવિગેશન સિસ્ટમ બાબતે પણ સ્વતંત્ર થવાનો નિર્ધાર કર્યો. અંગ્રેજીમાં પેલી કહેવત છેને ‘વેન યુ થિન્ક, યુ કૅન. બિલીવ ઇટ યુ કૅન!’

આપણે એ વિશે અમેરિકાને કંઈ જ કહી શકીએ એમ નહોતા, કારણ કે જીપીએસ સિસ્ટમ વાપરવા બાબતે કે ગૂગલના ઉપયોગ બાબતે બંને દેશો વચ્ચે કોઈ ટ્રીટી થઈ નહોતી. જોકે ભારતને એટલું તો સમજાઈ જ ગયું હતું કે નેવિગેશન બાબતે પણ હવે સ્વતંત્ર થવું જરૂરી છે.

બસ, આ રિયલાઇઝેશનનું પરિણામ એ છે કે આજે હવે ગૂગલ મૅપ કરતાં પણ ઍક્યુરેટ અને ઍડ્વાન્સ મૅપિંગ સિસ્ટમ ભારત પાસે છે અને આ મૅપ ઍપ ભારતે પોતે જાતે બનાવી છે.

અહીંથી કામ શરૂ થયું ભારતની ગૌરવપ્રદ સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)નું. ૨૦૧૩ની સાલ સુધીમાં તો ઇસરોએ એવી એક સૅટેલાઇટ તૈયાર પણ કરી નાખી જે ભારતની ઉપરના ઑર્બિટમાં ભ્રમણ કરે અને એની જીવંત તસવીરો ધરતી પર મોકલે. પાશેરામાં પહેલા પગસમું નેવિગેશન સંદર્ભે પણ ભારતની પરતંત્રતા હવે પૂરી થઈ ચૂકી હતી. એક સૅટેલાઇટથી થયેલી એ શરૂઆત આજે ૮ સૅટેલાઇટ સુધી પહોંચી ચૂકી છે. એટલું જ નહીં, ૨૦૩૦ સુધીમાં ભારતે કુલ ૧૧ સૅટેલાઇટ અંતરીક્ષમાં તરતી મૂકવાનો નિર્ધાર કર્યો છે. ભારતે આજથી લગભગ ૨૩ વર્ષ પહેલાં વિચાર્યું અથવા એમ કહો કે વિચારવું જ પડ્યું કે ‘વેન યુ થિન્ક, યુ કૅન. બિલીવ ઇટ યુ કૅન!’

આ આઠ સૅટેલાઇટને કારણે ભારત પાસે આજે પોતાની નેવિગેશન સિસ્ટમ છે જે ગૂગલ તો ભૂલી જાવ; વિશ્વની બીજી કોઈ પણ નેવિગેશન સિસ્ટમ કરતાં વધુ ઍડ્વાન્સ, વધુ ઍક્યુરેટ અને વધુ ઝડપી છે. નામ છે એનું NavIC.

ભલે એનું નામ ‘NavIC’ નેવિગેશન ઇન્ડિયન કૉન્સ્ટિલેશનને કારણે રાખવામાં આવ્યું હોય, પરંતુ જો આપણે એનો અર્થ આપણી ભાષામાં કરીએ તો એ કેટલું અર્થપૂર્ણ છે! ‘નાવિક’ અર્થાત્ નાવ કે હોડી ચલાવનારો. મતલબ કે તમને તમારી મંઝિલ સુધી લઈ જનારો. આપણી આ સ્વતંત્ર સિસ્ટમને IRNSSના નામથી પણ ઓળખવામાં આવે છે. મતલબ કે ‘ઇન્ડિયન રીજનલ નેવિગેશન સૅટેલાઇટ સિસ્ટમ.’ જીપીએસ, ગ્લોનાસ અને બૈ-ડોવ સાથે હવે ભારતની નાવિક પણ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. NavICને કારણે ભારત હવે વિશ્વમાં ચોથો એવો દેશ બની ગયો છે જેની પાસે એની પોતાની નેવિગેશન સિસ્ટમ છે. ભારત સિવાય અમેરિકા જેની પાસે જીપીએસ છે, રશિયા જેની પાસે પોતાની નેવિગેશન સિસ્ટમ ગ્લોનાસ છે. જોકે રશિયા પાસે યુરોપિયન યુનિયનના બીજા દેશો સાથે મળી બનાવેલી ગૅલિલિયો પણ છે અને બૈ-ડોવ નામની ચાઇનાની પણ પોતાની નેવિગેશન સિસ્ટમ છે. જપાને પણ ક્વીઝસ (QZSS) નામની પોતાની સૅટેલાઇટ મૅપિંગ સિસ્ટમ વિકસાવી છે.

આ દેશોની નેવિગેશન સિસ્ટમ અને આપણી નેવિગેશન સિસ્ટમમાં ફરક શું છે? જીપીએસ, ગ્લોનાસ, ગૅલિલિયો કે બૈ-ડોવ - આ બધી જ નેવિગેશન સિસ્ટમ ગ્લોબલ નેવિગેશન સૅટેલાઇટ સિસ્ટમ (GNSS) પર કામ કરે છે. મતલબ તેમની સૅટેલાઇટ આખા વિશ્વ પર ભ્રમણ કરે છે, જ્યારે આપણી રીજનલ નેવિગેશન સૅટેલાઇટ સિસ્ટમ (RNSS) પર કામ કરે છે.

નાવિક શું કરી શકે છે?

તમે ધરતી પર હો, દરિયામાં કે હવામાં ઊડતા હો, નાવિક તમને નેવિગેશન તો ઉપલબ્ધ કરાવે જ છે સાથે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ, વેહિકલ ટ્રૅકિંગ, મૅપિંગ, સચોટ મૅપ કો-ઑર્ડિનેટ્સનું પણ કામ કરે છે. એમ કહો કે નાવિક આકાશમાં સ્થાપિત ભારતની એવી આંખો છે જેની નજર બહાર કંઈ પણ રહી જાય એ શક્ય નથી. નાવિક એ બધું જ કરી શકે છે જે જીપીએસ સિસ્ટમ કરી શકે છે, પરંતુ એના કરતાં વધુ સટિકતાથી અને વધુ કાબેલિયતપૂર્વક.

ફાયદા અને ઍક્યુરસી

આખા વિશ્વ પર નજર રાખી રહેલી જીપીએસ સિસ્ટમ પાસે કુલ ૫૫ સૅટેલાઇટ છે, જ્યારે ભારતની નાવિક પાસે માત્ર ભારત પર નજર રાખવા માટે જ ૮ સૅટેલાઇટ છે. મતલબ કે ૧૯૫ દેશો માટે જીપીએસ પાસે ૫૫ સૅટેલાઇટ છે, જ્યારે એક દેશ ભારત માટે નાવિક પાસે ૮ સૅટેલાઇટ છે. અર્થાત્ ૧૨,૯૯,૪૯,૨૮૩ સ્ક્વેર કિલોમીટરના આખા વિશ્વને કવર કરતી જીપીએસ સિસ્ટમ માટે ૫૫ સૅટેલાઇટ અને ૩૨,૮૭,૨૬૩ સ્ક્વેર કિલોમીટર જેટલા ભારત પાસે એની નેવિગેશન સિસ્ટમ માટે ૮ સૅટેલાઇટ છે જે આવનારાં વર્ષોમાં તો ૧૧ થઈ જશે. વિચાર કરો એક એવી સિસ્ટમ હવે ભારત પાસે છે જેનો સંપૂર્ણ ડેટા ભારત પાસે જ રહેશે અને ભારત એનો પૂર્ણ ઉપયોગ કરી શકશે. હવે કોઈ બીજા દેશ પાસે આપણે મદદ માગવાની નહીં રહે. ૧૮૯ મિલ્યન ડૉલરના ખર્ચે ભારતે ૮ સૅટેલાઇટ ડેવલપ કરીને અંતરીક્ષમાં મોકલી છે. ગૌરવ થાય એવી વાત એ છે કે ગૂગલની નેવિગેશન સૅટેલાઇટ લોઅર ઑર્બિટમાં સ્થિત છે, જ્યારે ભારતે એની નેવિગેશનલ સૅટેલાઇટ અપર ઑર્બિટમાં સ્થિત કરી છે. એનો સીધો અર્થ એ કે નાવિક તમને ગૂગલ કરતાં વધુ સારી રીતે અને વધુ ઍક્યુરસી સાથે નેવિગેટ કરી શકે છે. વળી નાવિક ડ્યુઅલ બૅન્ડ ફ્રીક્વન્સી પર કામ કરનારી નેવિગેશન સિસ્ટમ છે, જ્યારે ગૂગલ સિંગલ બૅન્ડ ફ્રીક્વન્સી પર. મતલબ કે નાવિકનું ડેટા ટ્રાન્સમિશન બીજી કોઈ પણ નેવિગેશન સિસ્ટમ કરતાં વધુ ઝડપી છે. જીવંત ઉદાહરણ દ્વારા આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ તો મુંબઈથી બહાર નીકળવાના રસ્તે વર્સોવા ક્રીક-ઘોડબંદર રોડ પર જો સવારે ૧૦.૩૦ વાગી ને ૩૦ સેકન્ડે ટ્રાફિક જૅમ થયો હશે તો ગૂગલ એની માહિતી તમને કદાચ ૧૦.૩૧ વાગ્યે અપડેટ કરીને આપશે, ત્યારે નાવિક તમને એ જ માહિતી ૧૦.૩૦ વાગી ને ૩૫ કે ૪૦ સેકન્ડે જણાવી શકે છે.

ઘર કી મુર્ગી દાલ બરાબર

હિન્દી ભાષાની આ કહેવત હવે અહીં વાપરવી કંઈક યથાયોગ્ય જેવું જણાય છે? માત્ર એક વાર મનમાં વિચાર કરો અને પછી અછડતી ગણતરી કરો કે ૧૩૦ કરોડના દેશમાં આશરે ૮૦ કરોડ લોકો મોબાઇલ ફોન વાપરતા હશે. એમાંના અંદાજે ૬૦થી ૭૦ કરોડ લોકો સ્માર્ટફોન વાપરતા હશે. હવે દરેક ઍન્ડ્રૉઇડ ફોનમાં કેટલીક ઍન્ડ્રૉઇડ ઍપ્લિકેશન્સ ઇનબિલ્ટ હોય છે. એ જ રીતે ઍપલના ફોનમાં ઍપલની કેટલીક ઍપ્સ ઇનબિલ્ટ હોય છે. તો પછી નાવિક કેમ નહીં? આપણે કેમ ક્યારેય કોઈ મોબાઇલ કંપનીને એવો પ્રશ્ન નથી કર્યો કે અમારા ફોનમાં તમે અમારા દેશની નેવિગેશન સિસ્ટમ નાવિક કેમ ઇનબિલ્ટ નથી આપતા?

આજે હવે બદલાતા ભારતમાં મોબાઇલ કંપનીઓને ફરજ પડી છે અને રિયલ-મી, આઇક્યુઓ અને રેડમી જેવી કંપનીઓના લેટેસ્ટ ફોન નાવિક ઍપ્લિકેશન સપોર્ટિવ થઈ ગયા છે. હાલના સંજોગોમાં વાત કરીએ તો આપણે એ જાણી લેવું જરૂરી છે કે કયા-કયા ફોન કે મોબાઇલ પ્લૅટફૉર્મ્સ હાલ NavICને સપોર્ટ કરે છે. તો SD ૪૬૦ - ૬૬૨ - ૭૨૦G - ૭૬૫ અને ૭૬૫G અને ૮૬૫ હાલ NavIC સપોર્ટિવ છે અને ફોનની બાબતમાં કહીએ તો ટેક્નિકલી રિયલ-મી ૬ અને રિયલ-મી ૬પ્રો આ બંને સૌથી પહેલાં એવા ફોન હતા જે નાવિક ઍપ સપોર્ટિવ હતા અથવા એમ કહીએ તો પણ ચાલે કે એપ્રિલ મહિના પછી લૉન્ચ થયેલા મોટા ભાગના રિયલ-મી ફોન નાવિક ઍપ સપોર્ટિવ ફોન છે.

નિર્ભયા કેસ યાદ છે? એક નિર્દોષ છોકરી પર નરાધમોએ એટલી ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું કે જાણનાર દરેકને કંપારી છૂટી ગઈ હતી, ઘૃણા જન્મી હતી અને મન એટલું ગુસ્સે ભરાયું હતું કે એ નરાધમો નજર સામે આવે તો તેમને જીવતા સળગાવી મૂકીએ. પણ વિચાર કરો કે જો એ સમયે એ વેહિકલમાં નાવિક સિસ્ટમ ફિટ કરવામાં આવી હોત તો? આપણને આ વિચાર આવે કે નહીં આવે પણ સરકારને જરૂર આવ્યો. નિર્ભયા જેવી કરુણ ઘટના દેશમાં બન્યા પછી સરકારે દરેક કમર્શિયલ વેહિકલ્સમાં ટ્રૅકિંગ સિસ્ટમ અને પૅનિક બટન ઇન્સ્ટૉલેશન મૅન્ડેટરી કરી નાખ્યું છે. એપ્રિલ ૨૦૧૯માં તો સરકારે દરેક પ્રકારના કમર્શિયલ વેહિકલમાં નાવિકબેઝ્ડ ટ્રૅકર ઇન્સ્ટૉલ કરવાનું જ મૅન્ડેટરી કરી નાખ્યું છે. તો શું આપણે સ્માર્ટફોન બનાવતી દરેક કંપની માટે પણ નાવિક ઍપ મૅન્ડેટરી ન કરાવી શકીએ? દરેક ફોનમાં નાવિક ઍપ્લિકેશન ઇનબિલ્ટ હોવી જોઈએ એવું નથી લાગતું?

​ચિપસેટ કોણ બનાવશે?

સૌથી પહેલાં તો આપણાં નેવિગેશન સૅટેલાઇટ્સ જે સિગ્નલ્સ મોકલે એ માટે એક રિસીવરની જરૂર પડે. આનંદની વાત એ છે કે એ ​રિસીવર પણ પૂર્ણતઃ ઇન્ડિ​જિ​નિયસ એટલે કે ભારતે પોતે બનાવ્યું છે. એનું નામ છે ‘ધ્રુવ’. હવે આ ​રિસીવરને ટેક્નિકલ ભાષામાં કહેવાય ‘નેવિગેશન રિસીવર ફ્રન્ટ ઍન્ડ ઇન્ટિગ્રેટેડ સર્કિટ’. આ સર્કિટ એટલે કે ‘ધ્રુવ’ આપણા જ મુંબઈની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી દ્વારા બનાવવામાં આવી છે!

ત્યાર બાદ આ સર્કિટ આપણી જરૂરિયાત મુજબ કામ કરે એ માટે જરૂર હોય છે એક ​ચિપસેટની. એવું નથી કે વિશ્વમાં આ માટેના ​ચિપસેટ કોઈ બનાવતું નથી. હાલ અમેરિકાની કવોલ્કમ અને તાઇવાનની મીડિયાટેક એમ બે કંપનીઓ છે જે વિશ્વ આખાની નેવિગેશન સિસ્ટમ (ગૂગલ મૅપ સહિત) માટે ​ચિપસેટ બનાવે છે. જોકે ભારત જ્યારે આત્મનિર્ભર થઈ રહ્યું હોય ત્યારે એક ​ચિપસેટની બાબતમાં પણ કોઈ બહારની કંપની પર નિર્ભર શું કામ રહેવું પડે? આથી જ હૈદરાબાદની મંજીરા ડિજિટલ સિસ્ટમ દ્વારા navIC માટે ​ચિપસેટ ડેવલપ કરવામાં આવ્યો. સરકાર અને DRDO સાથે મળીને કંપનીએ એનું પરીક્ષણ કર્યું અને અહો આનંદમ્! ​ચિપસેટ એકદમ ઍક્યુરસી સાથે કામ કરી રહ્યો હોવાનું માલૂમ પડ્યું.

જોકે અહીં મુશ્કેલી એ ઊભી થઈ કે આ ​ચિપસેટ બનાવવામાં ઘણો લાંબો સમય લાગી જાય એમ હતું અને આત્મનિર્ભરતાના પથ પર ચાલવા નહીં, દોડવા પણ નહીં, હરણફાળ ભરવા માંડેલા ભારતને હવે વધુ વર્ષોની રાહ જોવાનું પાલવે એમ નહોતું. આથી જ ​ચિપસેટ-મેકિંગના એ વિશ્વમાં એક બીજી કંપનીની એન્ટ્રી થઈ જેનું નામ હતું એલેના જીઓ પ્રાઇવેટ લિમિટેડ. IIT ખડગપુર દ્વારા મદદ અને માર્ગદર્શન દ્વારા ઊભી થયેલી આ કંપનીએ સરકારને ભરોસો અપાવ્યો કે તેઓ ન માત્ર navIC માટે ​ચિપસેટ બનાવશે, પરંતુ તેઓ navICની ઍપ્લિકેશન અને ડિવાઇ​સિસ બનાવવામાં પણ મદદ કરશે.

ઇન ફૅક્ટ, ૨૦૨૩માં એલેના જીઓ કંપનીએ સાચે જ ​ચિપસેટ તૈયાર કરી નાખ્યો એટલું જ નહીં, એ માટે જે ત્રણ-ચાર વર્ષ જેટલો સમય લાગશે એવી ગણતરી હતી એનો પણ તેમણે છેદ ઉડાડી દીધો અને કૉલર ઊંચા કરીને સરકારને કહ્યું કે ​ચિપસેટ બનાવવામાં કોઈ વધુ સમય નહીં લાગે, અમે પ્રોડક્શન માટે રેડી છીએ. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન દ્વારા કંપનીની આ કાબેલિયતને ખૂબ બિરદાવવામાં આવી. હવે વાત જ્યારે ટૅલન્ટ અને આત્મનિર્ભરતાની હોય ત્યારે ​રિવૉર્ડનો પણ અધિકાર હોવો જ જોઈએ. ભારત સરકાર દ્વારા એની જાહેરાત પણ કરવામાં આવી. ખૂબ જ પ્રતિષ્ઠિત અવૉર્ડ્સમાં જેની ગણના થાય છે એવો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટેલિકૉમ એક્સેલન્સ અવૉર્ડ એલેના જીઓ પ્રાઇવેટ લિમિટેડને મળવા જઈ રહ્યો છે!

તો વળી ઍકૉર્ડ સૉફ્ટવેર સિસ્ટમ દ્વારા ​રિસીવરની સર્કિટ બનાવવાનું કામ લેવામાં આવ્યું. તેમણે ઇ​ન્ટિગ્રેટેડ સર્કિટ ડેવલપ કરી, જે માટે તેમણે જ્યાં જરૂર જણાય ત્યાં ગ્લોબલ ફાઉન્ડરીઝ નામની કંપનીની મદદ પણ લીધી અને આખરે સૅટેલાઇટ્સથી લઈને રિસીવર અને ​ચિપસેટ સુધીનાં તમામેતમામ ક્ષેત્રોમાં ભારતે આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભરતા મેળવી.

સ્ટ્રૅટૅજિકલી નાવિક

વિશ્વઆખામાં ટેક્નૉલૉજી ક્ષેત્રે પોતાનો ડંકો વગાડવા માટે નાવિક ભારતના એક સૉફ્ટ ટૂલ તરીકે કામમાં આવી શકે છે. ભારત આખાને જીપીએસનો એક બહેતર વિકલ્પ ભારત નાવિક દ્વારા પૂરો પાડી શકે છે. વળી જીપીએસ સાથે ભારતની કોઈ ટ્રીટી ન હોવાને કારણે અમેરિકા જ્યારે ચાહે ત્યારે એની જીપીએસ સિસ્ટમ બંધ કરી શકે છે અથવા એનું ઍક્સેસ આપણા માટે રોકી શકે છે - જેવું એણે ૧૯૯૯માં કર્યું જ હતું. એવું નથી કે અમેરિકા વર્ષો પહેલાં આવું હતું અને હવે બદલાઈ ગયું છે. એની આ પ્રકારની નફટાઈનો અનુભવ માત્ર ભારતને જ થયો છે એવું પણ નથી. હમણાં નજીકના ભૂતકાળની જ વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે અમેરિકાએ યુક્રેન કૉન્સન્ટ્રેટેડ જીપીએસ સિસ્ટમ બ્લૉક કરી દીધી હતી. એટલું જ નહીં, ગૂગલની જાયન્ટ ટ્રાફિક અપડેટ ઍપ પણ એણે સ્થગિત કરી દીધી હતી જેથી રશિયન આર્મીને ગૂગલ મૅપ કે જીપીએસ કે ટ્રાફિક અપડેટ દ્વારા યુક્રેનના વાહનવ્યવહારની અપડેટ નહીં મળે. જોકે એ રશિયા છે, સૉફ્ટ-હાર્ટેડ ભારત નહીં કે ચૂપચાપ બેસી રહે. રશિયાએ સામે જબરદસ્ત દાવ રમ્યો. એણે અમેરિકાની જીપીએસ સિસ્ટમના બધાં સિગ્નલ્સ હૅક કરીને જૅમ કરી નાખ્યાં. આ રીતે રશિયાએ પરિસ્થિતિ એવી ઊભી કરી નાખી કે ન તો યુક્રેનને પોતાને તેના જ ટ્રાફિક કે નેવિગેશનનું અપડેશન મળે કે ન તો અમેરિકાને યુક્રેન વિશે કોઈ અપડેટ મળી શકે.

એનો સીધો અર્થ એ થયો કે જીપીએસ વિશ્વાસપાત્ર નથી જ. એ ખૂબ સરળતાથી જૅમ કરી શકાય છે. એ ગમે ત્યારે, ગમે ત્યાં હૅક પણ થઈ શકે છે. એક દાખલો આપીએ? ૨૦૧૬ની સાલની એક ઘટના છે. કૅથે પૅસિફિકની એક કમર્શિયલ ફલાઇટ જે હૉન્ગકૉન્ગથી મનિલા જઈ રહી હતી એ વિમાનની જીપીએસ સિસ્ટમ અચાનક કામ કરતી બંધ થઈ ગઈ અને એ પણ ત્યારે જ્યારે એ વિમાન મનિલા લેન્ડ થવાની તૈયારીમાં હતું. હવે વિમાન લેન્ડ કરાવવું એ કોઈ કાર પાર્ક કરવા જેવી ઘટના નથી કે ‘થોડા રાઇટ આને દે, થોડા ઔર પીછે આને દે!’ કહીને કરી લેવાય. લેન્ડિંગના સમયે જ જો જીપીએસ સર્વિસ બંધ થઈ જાય તો મોટી દુર્ઘટના થઈ શકે. આવા સંજોગોમાં એ વિમાનના પાઇલટોએ કૉકપિટમાંથી બહાર જોઈને પ્લેન લેન્ડ કરાવવું પડ્યું હતું જે આમ જોવા જઈએ તો ખૂબ જ જોખમી હતું. આવાં તો જીપીએસ ફેલ્યરનાં બીજાં અનેક ઉદાહરણો છે.

ભારતીયો માટે ફાયદાકારક

ભારત ભવિષ્યમાં એની આ નેવિગેશન સિસ્ટમ વિશ્વ આખામાં મૂકવા માટે કટિબદ્ધ થઈ ગયું છે અને કદાચ નજીકના ભવિષ્યમાં એ વિશેની જાહેરાત સાંભળવા મળે એવું શક્ય છે. ગૂગલની મૅપ સિસ્ટમ હવે થોડા સમયમાં થ્રી-ડી મૅપિંગ સાથે આવવાની તૈયારીઓ કરી રહી છે છતાં પોતાને આટલી ઍડ્વાન્સ સિસ્ટમ ગણાવતા ગૂગલને કોઈ ગામડામાં હૉસ્પિટલ ક્યાં છે કે દવાની દુકાન ક્યાં છે કે પંચાયત ઑફિસ ક્યાં છે એની ઘણી વાર ખબર નથી હોતી; જ્યારે નાવિક એટલી ઍક્યુરસી સાથે કામ કરે છે કે એ આપણને અંતરિયાળથી અંતરિયાળ વિસ્તારના રસ્તાથી લઈને હૉસ્પિટલ અને પંચાયત ઑફિસ સુધીનાં સ્થળોની ઇમેજ મોકલાવી શકે છે અને એ પણ જબરદસ્ત ઍક્યુરસી સાથે.      

બીજું, નાવિક માત્ર ભારતને જ નહીં; શ્રીલંકા, નેપાલ, ભુતાન, બાંગલાદેશ જેવા પાડોશી દેશોને પણ કવર કરે છે. આ તમામ દેશો ભારતની સિસ્ટમનો ઉપયોગ કરે એવું બની શકે. પાકિસ્તાન જેવા પાડોશી દેશો જે આજ સુધી અમેરિકાની નેવિગેશન સિસ્ટમ વાપરતા હતા તેઓ હવે ચાઇનાની નેવિગેશન સિસ્ટમ બૈ-ડોવ વાપરતા થઈ ગયા છે. એટલું જ નહીં, પાકિસ્તાને એની આર્મ્ડ ફોર્સિસ માટે પણ ચાઇનીઝ નેવિગેશન સિસ્ટમ સ્વીકારી છે. ચાઇના સાથે એણે ટ્રીટી કરી છે. કહેવાની જરૂર નથી કે આનો અર્થ શું થઈ શકે.

  પણ સ્વતંત્રતા કોને વહાલી ન લાગે? પરતંત્રતા માણસના વ્યક્તિત્વને હંમેશાં કઠતી રહી છે. આજે જ્યારે વિશ્વની સૌથી ઍડ્વાન્સ નેવિગેશન સિસ્ટમ તૈયાર કરીને આપણે નેવિગેશન ઇન્ડિપેન્ડન્ટ બન્યા હોઈએ ત્યારે રાષ્ટ્રગૌરવથી મસ્તક ઊંચું થઈ જાય એ સ્વાભાવિક છે.

રશિયા સાથેનો પ્રયોગ પણ નિષ્ફળ રહ્યો

૧૯૯૯ના અનુભવ પછી ભારતે નક્કી કર્યું પોતાની એક અલાયદી નેવિગેશન સિસ્ટમ બનાવવાનું અને એ નિર્ધાર પર કામ ચાલી જ રહ્યું હતું ત્યાં ભારતને ખબર પડી કે એનો વર્ષો જૂનો મિત્રદેશ પણ આ જ સિસ્ટમ ડેવલપ કરવા પર કામ કરી રહ્યો છે. આ મિત્રદેશ એટલે રશિયા. રશિયા સાથે વર્ષોથી ભારતના સંબંધો ખૂબ સારા રહ્યા છે અને એક સાચા મિત્ર તરીકે રશિયા જરૂર પડ્યે હંમેશાં ભારત સાથે ઊભું રહ્યું છે. આ સંબંધને કારણે જ ભારતે રશિયાની સાથે મળી નેવિગેશન સિસ્ટમ તૈયાર કરવાનો નિર્ધાર કર્યો. રશિયા જે ઇન્ડિપેન્ડન્ટ નેવિગેશન સિસ્ટમ તૈયાર કરી રહ્યું હતું એનું નામ હતું ‘ગૅલિલિયો’. રશિયાએ ભારત અને યુરોપના બીજા દેશો સાથે આ અંગે એક ઍગ્રીમેન્ટ કર્યું અને ભારત પણ ગૅલિલિયો પરિવારનો હિસ્સો થઈ ગયું. જોકે આ પ્રોજેક્ટમાં ભારત સામે વળી એક નવી જ ઉપાધિ આવીને ઊભી રહી ગઈ. યુરોપ-રશિયાના આ નેવિગેશન સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ચાઇના પણ સામેલ થવા જઈ રહ્યું હતું. હવે જો ચાઇના સામેલ થાય તો ભારતની કેટલીક આંતરિક માહિતી, નકશાઓ, ભૌગોલિક પરિસ્થિતિઓ વગેરે બધું જ ચાઇનાને સાવ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય; જે દેશ માટે ભવિષ્યમાં કોઈ મોટી ઉપાધિ પેદા કરી શકે હતું. આથી થોડાં જ વર્ષોમાં ભારતે આ ઍગ્રીમેન્ટમાંથી બહાર નીકળી જવાનું નક્કી કર્યું. રશિયા સાથે ગૅલિલિયો બનાવવાના ઍગ્રીમેન્ટમાંથી બહાર નીકળી ગયેલા ભારતે હવે પોતાની સ્વતંત્ર નેવિગેશન સિસ્ટમ બનાવવાની હતી, જેથી અણીના સમયે ફરી કોઈ સ્વાર્થનો સગો પીઠ ન દેખાડે.

ઍન્ડ્રૉઇડમાં નાવિક ક્યાં?

નાવિક માત્ર એક મોબાઇલ ફોન દ્વારા નેવિગેશન પૂરું પાડતી સિસ્ટમ નથી કે નથી એ માત્ર કમર્શિયલ વેહિકલ્સનો ટ્રૅક રાખવા માટેની સિસ્ટમ. ISRO દ્વારા તૈયાર કરેલી અપર ઑર્બિટમાં સ્થિત આપણી અત્યાધુનિક સૅટેલાઇટ અને એની સિસ્ટમ નાવિક જે નેવિગેશન પૂરું પાડે છે, જે દેખરેખ રાખે છે એ દેશની આર્મ્ડ ફોર્સિસ માટે એક હથિયાર કરતાં વધુ ઉપયોગી સિસ્ટમ બની છે એમ કહીએ તો ખોટું નથી. વિચાર કરો કે યુદ્ધ, આંતરિક દેખરેખ કે મુકબરી જેવાં સ્ટ્રૅટૅજિકલી સીક્રેટ કામોમાં જ્યારે કોઈ બીજા દેશની નેવિગેશન સિસ્ટમ (જીપીએસ) આપણે વાપરીએ છીએ ત્યારે પરોક્ષ રીતે આપણે આપણી અંગત માહિતીઓ (જે યુદ્ધ જેવા સંજોગોમાં આપણા સિવાય બીજા કોઈને ખબર ન હોવી જોઈએ) બીજા દેશ સાથે વહેંચતા હોઈએ છીએ, કારણ કે આપણે નેવિગેશન કે બીજાં કામો માટે તેમની સૅટેલાઇટ વાપરી રહ્યા હોઈએ છીએ. મતલબ કે સૅટેલાઇટ જે ડેટા કૅપ્ચર કરશે એ પહેલાં એ દેશ પાસે જશે અને ત્યાંથી આપણી પાસે આવશે.

google travel travel news columnists