મારી ત્રણ બા

10 May, 2020 09:17 PM IST  |  Mumbai Desk | sanjay goradia

મારી ત્રણ બા

પ્રતીકાત્મક તસવીર

હા, ગુજરાતી રંગભૂમિના જાણીતા ઍક્ટર-ડિરેક્ટર અને પ્રોડ્યુસર સંજય ગોરડિયાના જીવનમાં ત્રણ બા આવી છે. આ ત્રણ બાએ સંજય ગોરડિયાની લાઇફમાં તન, મન અને ધનની ભૂમિકા ભજવી છે અને સંજયભાઈને દરેક તબક્કે નવી દુનિયા દેખાડી છે. કોણ છે આ ત્રણ બા અને સંજય ગોરડિયા સાથે તેમનો સંબંધ કેવો રહ્યો છે એની વાત જાણીએ સંજય ગોરડિયાના જ શબ્દોમાં...

‘બા.’ હા, મારી લાઇફમાં બાનો રોલ બહુ મહત્ત્વનો રહ્યો છે અને એ પણ એક નહીં ત્રણ ‘બા’નો. આ ત્રણ બામાં પહેલા ક્રમે આવી મારી બા એટલે કે જ્યોત્સ્નાબહેન ગોરડિયા. બીજા નંબરે આવે પદ્‍મારાણી અને ત્રીજા ક્રમે આવે જયા બચ્ચન. કેવી રીતે આ ત્રણ બાએ મારી લાઇફમાં મહત્ત્વનું યોગદાન આપ્યું અને સંજય ગોરડિયાને આજના આ સ્થાન પર મૂક્યો એ કહું તમને...
મારી પહેલી બા, રિયલ બાને કારણે મને તન મળ્યું. જીવન મળ્યું અને આ સંસાર જોવાની તક મને મળી. અમારો મેળાપ થયો ૧૯પ૯ની ૧૭ સપ્ટેમ્બરે. આ મારો જન્મદિવસ. મને જોઈને બાના ચહેરા પર કેવું સ્માઇલ આવ્યું હશે એ હું ઇમેજિન કરી શકું છું. આજે પણ હું ઘરમાં આવું ત્યારે તેમના ચહેરા પર જે ધરપત આવે છે એ ધરપત જોઈને મને સમજાય છે કે શું કામ સાહિત્યમાં ઘરને ધરતીનો છેડો કહેવાયો હશે. હું કહીશ કે મારી અને બા વચ્ચે ખાસ કોઈ વાતો ન થાય. બહુ વાતો ન થાય. ખપ પૂરતી વાતો થાય, પણ એ પછી પણ અમારી વચ્ચે મૂક સંવાદ પુષ્કળ થઈ જતો હોય છે. મારી બા અને મારી વચ્ચેના સંબંધ એકલવ્ય અને ગુરુ દ્રોણ જેવા રહ્યા છે. તેમણે ક્યારેય આંગળી પકડીને શીખવ્યું નથી, પણ હું જેકાંઈ શીખ્યો છું એ બધું તેમને જોઈ-જોઈને શીખ્યો છું એ પણ એટલું જ સાચું છે. મારા ઘરમાં કોઈને વાંચનનો શોખ નહીં, કોઈ ખાસ કંઈ વાંચે નહીં અને બા, બા છાપાની એકેક લાઇન વાંચે. છાપું પણ વાંચે અને તેના હાથમાં કોઈ ચોપડી આવે તો એ પણ વાંચે. મારામાં વાંચનની જે આદત આવી છે એ મારી બાને લીધે આવી છે એ હું જીજીભોય ટાવર પર ચડીને કહેવા પણ તૈયાર છું. બાને લીધે જ મને પૈસાનું મહત્ત્વ સમજાયું એમ કહું તો પણ ચાલે અને બાને લીધે જ મારામાં કોઈ જાતની નાનપ આવી નહીં એ વાત પણ મારે સ્વીકારવી છે. ઓછપ કે પછી અછત વચ્ચે પણ કેવી રીતે ખુશ રહી શકાય એ બા પાસેથી શીખવા મળ્યું અને બા પાસેથી જ શીખવા મળ્યું કે ચહેરા પર સતત સ્માઇલ કેવી રીતે રહી શકે. બા, જેને જોઈને હજી પણ તમે નાના હોવાનો અનુભવ કરી શકો છો અને હું એ આજે પણ કરું છું. લોકો ઉંમર છુપાવતા હોય છે, ખાસ કરીને અમારી લાઇનમાં તો આ પ્રથા જ થઈ ગઈ છે કે કોઈ સાચી ઉંમર કહે નહીં, પણ હું એમાં સંકોચ નથી રાખતો, કારણ કે બાને લીધે હજી પણ મને મનથી તો હું નાનો હોઉં એવો અનુભવ થાય છે અને એ અનુભવ મને થાકવા નથી દેતો.
બીજા નંબરે આવે છે મારી બીજી બા, પદ્‍‍મારાણી.
મારી પહેલી બાએ મને તન આપ્યું તો આ બાએ મને ધન આપ્યું. હા, પદ્‍‍મારાણી મારા જીવનમાં આવ્યાં એ પછી મેં સમૃદ્ધિ જોઈ. તેમને બધાં બહેન કહે, હું પણ બહેન કહું પણ માન તેમને બાનું મળે. પદ્‍‍માબહેન સાથે મેં મારું સૌથી વધારે વખણાયેલું નાટક અને ગુજરાતી રંગભૂમિનું યાદગાર નાટક ‘બા રિટાયર થાય છે’ કર્યું, મારા જન્મનાં ત્રીસ વર્ષ પછી. જન્મ ૧૯૫૯માં અને ‘બા રિટાયર થાય છે’ રિલીઝ થયું ૧૯૮૯ની ૪ માર્ચે. આ નાટક પહેલાં મેં એક વાત નક્કી કરી લીધી હતી કે જ્યાં સુધી હું મારું ઘર નહીં લઉં ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. મારા આ નિર્ણયથી સ્વાભાવિક રીતે ઘરમાં પણ ટેન્શન હતું અને બા પણ મનોમન દુઃખ અને અકળામણ અનુભવતાં હતાં. ઘર તો મારી પાસે હતું જ પણ એ ખેતવાડીની ચાલમાં હતું અને હું નહોતો ઇચ્છતો કે લગ્ન કરીને હું કોઈને દુખી કરવા માટે એ ચાલમાં લઈ જાઉં. જાણે મારા મનની આ ભાવના ભગવાને સાંભળી લીધી હોય એમ તેમણે બીજી બા મોકલી અને આ બીજી બાએ મારા અત્યારના આ અંધેરીવાળા ઘરની અરેન્જમેન્ટ કરી આપી.
એ સમયે પદ્‍‍માબહેન ગુજરાતી ફિલ્મો પુષ્કળ કરતાં અને એમાં મોટા ભાગે તેમના પક્ષે બાનો રોલ કરવાનો આવ્યો હોય. શફી ઈનામદાર સાથે ‘બા રિટાયર થાય છે’ કરવાનું નક્કી થયું ત્યારે બાના રોલમાં મને સૌથી પહેલાં પદ્‍‍માબહેન જ યાદ આવ્યાં હતાં. બા હોય તો એ પદ્‍‍માબહેન સિવાય બીજું કોઈ હોઈ જ ન શકે. શફીભાઈ પણ તૈયાર અને મજા તો જુઓ તમે, પદ્‍‍માબહેન પણ એકઝાટકે તૈયાર. હકીકત એ હતી કે તેમણે ઓરિજિનલ મરાઠી નાટક જોયું હતું અને તેમની ઇચ્છા હતી કે તેઓ આ નાટક પોતાના પ્રોડક્શનમાં કરે. તેમણે ઇન્ક્વાયરી પણ કરી હતી, પરંતુ તેઓ સહેજ મોડાં પડ્યાં અને નાટકના રાઇટ્સ અમે લઈ લીધા હતા. પદ્‍‍માબહેનને હું મળવા ગયો ત્યારે તેઓ મને ઓળખતાં હતાં. ‘ચિત્કાર’ના કારણે આંખોની ઓળખાણ ખરી, પણ વાતોનો કોઈ વ્યવહાર નહીં. અમે તેમને નાટક માટે ઑફર આપી અને તેમણે એકઝાટકે હા પાડી દીધી અને આમ અમારું કામ શરૂ થયું. નાટક રીલીઝ થયું અને સુપરહિટ પણ થયું. ચાર મહિનામાં મને અંધેરીવાળા આ ઘરની ખબર પડી એટલે મેં બુક કરાવ્યું. દર અઠવાડિયે હું એ જોવા પણ આવું અને ચણાતા જતા બિલ્ડિંગને જોઈને રાજી થાઉં. નાટકની આ જર્ની દરમ્યાન જ મેં મૅરેજ કર્યાં અને એ પછી હું આ નવા ઘરમાં શિફ્ટ પણ થયો. પદ્‍‍માબહેનના આગમન સાથે મારા જીવનમાં ધનનું આગમન થયું અને એ કહેવામાં મને જરાય સંકોચ નથી. ઊલટું મને ગર્વ છે કે તેમણે બાની ભૂમિકા નિભાવવાની સાથોસાથ મારા જીવનમાં મા લક્ષ્મીનું આગમન પણ કરાવ્યું, પરંતુ સાવ એવું નહોતું કે ધન સાથે તેઓ આવ્યાં હતાં. ના, જરાય નહીં. પદ્‍‍માબહેન પાસેથી મને ભારોભાર પ્રોફેશનલિઝમ શીખવા મળ્યું અને એની સાથોસાથ મારા આત્મવિશ્વાસમાં પણ તેમણે ગજબનાક વધારો કર્યો.
પ્રોફેશનલિઝમની વાત પહેલાં કહું તમને. તેમના હસબન્ડ નરીમાન ઈરાનીનું ડેથ થયું અને એ દરમ્યાન ‘બા રિટાયર થાય છે’ મારમાર ચાલે. મરણાંત વિધિ અને એ બધું તેમનું ચાલતું હતું ત્યારે એક દિવસમાં ત્રણ શો લાઇનઅપ થયેલા. મારી તૈયારી હતી કે એ શો કૅન્સલ કરી નાખીએ, પણ પદ્‍‍માબહેને ના પાડીને કહ્યું કે, આપણે શો કરીશું. અમે પહેલો શો કર્યો અને પહેલા શો પછી મને ખબર પડી કે એ વિધિ મુજબ તેમણે આજે ઉપવાસ રાખવાનો છે, માત્ર પાણી પર રહેવાનું છે. મેં તેમને વિનંતી કરીને કહ્યું કે આપણે હવે બે શો કૅન્સલ કરી નાખીએ, પણ ના, તેમણે કહ્યું કે તારા શો નહીં બગડે. તું ચિંતા નહીં કર અને સાહેબ, તેમણે ત્રણેત્રણ શો એકસરખી એનર્જી સાથે માત્ર પાણી પીને કર્યા. બા માટે માન થઈ આવ્યું મને અને વાત માત્ર માન સુધી સીમિત રાખવાને બદલે મેં નક્કી કર્યું કે આટલું જ પૅશન આપણામાં પણ હોવું જોઈએ.
પદ્‍‍માબહેન પાસેથી મળેલા આત્મવિશ્વાસની વાત હવે કરીએ. ‘બા રિટાયર થાય છે’ની ટૂર અમદાવાદમાં હતી. ત્યારે એક વખત ચાલુ શોએ અશોક ઠક્કર આવીને કહે કે મને સખત છાતીમાં દુખાવો થાય છે. એ શો તો પૂરો થવાની અણી પર હતો. શો પતાવીને ડૉક્ટરને દેખાડ્યું ત્યારે ખબર પડી કે તેમને હાર્ટ-અટૅક આવી રહ્યો હતો. બીજા દિવસે આગળના ચેકઅપ પછી ડૉક્ટરે તેમને તાત્કાલિક મુંબઈ પાછા મોકલવાનું કહ્યું. અમદાવાદમાં શો બાકી હતા અને એ પછી અમારે વડોદરા શો કરવા જવાનું હતું. કરવું શું હવે?
મેં મનોમન નિર્ણય લઈ લીધો અને ઠક્કરને મુંબઈ રવાના કરીને હું આવ્યો હોટેલ પર અને બધાને કહ્યું કે ઠક્કરવાળો રોલ હવે હું કરીશ. અશોક ઠક્કરનો બહુ મહત્ત્વનો રોલ હતો. પદ્‍‍માબહેનના હસબન્ડનું પાત્ર તેઓ કરતા. અમે રિહર્સલ્સ શરૂ કર્યાં. હું બે લાઇન બોલું અને બધા ઍક્ટરો હસવા માંડે. એક વાર, બે વાર અને ત્રણ વાર. બધાનું હસવાનું ચાલુ જ રહે. છેવટે પદ્‍‍માબહેન બધા પર ખિજાયાં અને બધાને રવાના કરીને મને કહ્યું કે સંજય, ડાયલૉગ્સ તને યાદ છે એટલે બસ. બાકી સ્ટેજ પર હું બધું સંભાળી લઈશ. તું ચિંતા નહીં કર.
ખરેખર તેમણે સંભાળી લીધું, સાચવી લીધું બધું અને અમે એ પછી ગુજરાતમાં જે બાકી હતા એ ૭-૮ શો કર્યા. પદ્‍‍માબહેન સાથે ‘બા રિટાયર થાય છે’ પછી તો બીજાં પણ નાટકો કર્યાં અને એ બધાં નાટકો યાદગાર બન્યાં.
હવે આવે છે મારી લાઇફમાં આવેલી ત્રીજી બા, જયા બચ્ચન.
પહેલી બાએ જન્મ આપ્યો, બીજી બાએ ધન આપ્યું અને આ ત્રીજી બાને કારણે સંતોષની પ્રાપ્તિ થઈ.
જયા બચ્ચને તેમની લાઇફમાં ક્યારેય સ્ટેજ પર કામ નહોતું કર્યું અને પહેલી વખત તેમણે સ્ટેજ પર કામ કર્યું અને એ મારા પ્રોડક્શનમાં. ‘બા રિટાયર થાય છે’ના હિન્દી વર્ઝન ‘મા રિટાયર હોતી હૈ’ અમે શરૂઆતમાં માત્ર અમેરિકા પૂરતું કર્યું હતું, પણ જયાજીને બહુ મજા આવી એટલે એ નાટક ઇન્ડિયામાં પણ ઓપન કર્યું. ‘મા રિટાયર હોતી હૈ’ સુધી મારી પાસે ગાડી નહોતી. મને ગાડીની બહુ બીક લાગતી. થતું કે આજે હું ગાડી લઉં અને કાલે સવારે મારે વેચવી પડે તો? એવું પણ થયા કરે કે ગાડી હું લઉં અને મારી પાસે પેટ્રોલના પૈસા ન હોય તો? ગાડી મારી ફેવરિટ હતી. કહો કે ગાડી મારું ડ્રીમ હતું, પણ હિંમત ચાલતી નહીં. મેં ગાડી માટે ઑલરેડી મારી સોસાયટીમાં પાર્કિંગ લઈ રાખ્યું હતું અને હું એમાં મારું કાઇનૅટિક પાર્ક કરતો. ગાડીના પાર્કિંગમાં સ્કૂટર જોઈને બધા હસતા, પણ હું ગાડી લેવાની હિંમત નહોતો કરી શકતો. ‘મા રિટાયર હોતી હૈ’ના શો પૂરા કરીને અમેરિકાથી પાછો આવ્યા પછી મેં મારી પહેલી કાર લીધી. મારી બધી બીક નીકળી ગઈ. ૨૦૦૦ની આ વાત છે. એ સમયે ગાડીના પેટ્રોલનો વિચાર આવતો, પણ હું ખોટો હતો એ પણ પુરવાર થયું. જયાજીને લીધે મારા ઘરમાં કાર આવી. જયાજીના રૂપમાં આવેલી આ ત્રીજી મા પાસેથી હું શીખ્યો કે એ જ સફળતા સાચી જે તમારા પગ જમીન પર રાખે.
‘મા રિટાયર હોતી હૈ’ કેવી રીતે બન્યું એની વાત જાણવા જેવી છે.
‘બા રિટાયર થાય છે’ની સક્સેસ પછી રમેશ તલવારે કહ્યું કે આપણે આને હિન્દીમાં કરીએ. કામ ચાલુ થયું અને તેમણે મને ત્રણ ઑપ્શન આપ્યા; રેખા, હેમા માલિની અને જયા બચ્ચન. રમેશજીએ કહ્યું કે ‘આ ત્રણ હિરોઇન સાથે હું વાત કરી શકું એમ છું. તું કહે માના રોલમાં કોણ બરાબર લાગે છે?’
‘જયા બચ્ચન.’
એક સેકન્ડનો પણ વિચાર કર્યા વિના મેં જવાબ આપ્યો હતો. જો જયાજી નાટક કરે તો એ રોલને અદ્ભુત ન્યાય આપે એવું મને લાગ્યું હતું. રમેશ તલવાર સાથે વાત થઈ અને જયા બચ્ચન તૈયાર થઈ ગયાં. એ સમયે માત્ર અમેરિકા ટૂર માટે જ કરવાની હતી. ‘બચ્ચન’ આ એક શબ્દની આભા બહુ મોટી છે. રિહર્સલ્સ દરમ્યાન પણ હું તેમનાથી ચોક્કસ અંતર રાખું, પણ તેમના મનમાં એવું કશું નહીં. તમને એક વાત કહું. જૂજ લોકોને ખબર છે. અમેરિકા માટે મારે ટિકિટ કરવાની હતી ત્યારે મેં ઇન્ડિયન ઍરલાઇન્સની ફર્સ્ટ ક્લાસની ટિકિટ કરાવી. અમિતજીને ખબર પડી. તેમણે તરત જ જયાજીને ના પાડી કે આ ફ્લાઇટમાં તારે નથી જવાનું, તારે માટે હું બ્રિટિશ ઍરવેઝની ફ્લાઇટ કરાવું છું. એમાં એવું છે કે બચ્ચન-ફૅમિલી બ્રિટિશ ઍરવેઝમાં જ ટ્રાવેલ કરે છે, આજે પણ. પરંતુ એ દિવસે જયાજીએ અમિતજીને ના પાડી દીધી અને કહી દીધું કે મારા પ્રોડ્યુસરે જે ટિકિટ કરાવી છે હું એમાં જ ટ્રાવેલ કરીશ.
અમેરિકામાં ખૂબ મજા આવી. મેં પહેલી વખત જયા બચ્ચનની નજરે અમેરિકા જોયું. તેમની કામ કરવાની રીત નજીકથી જોઈ અને તેમનો આડંબર વિનાનો સ્વભાવ પણ નજીકથી જોયો. મને સમજાયું કે આને જ સફળતા પચાવી કહેવાય. કોઈ દંભ નહીં, કોઈ વિશેષતા નહીં. જે મળે, જે હોય એનાથી ચલાવવાનું અને એ પણ એવી રીતે કે સામેવાળાને ખબર પણ ન પડે. અમેરિકામાં શો કરવાની મજા આવી એટલે જયાજીએ જ સામેથી કહ્યું કે આપણે ઇન્ડિયામાં પણ શો કરીએ. ઇન્ડિયામાં પણ નાટક ખૂબ વખણાયું. ઇન્ડિયાના શો વખતની તમને વાત કરું.
રાજકોટમાં અમારો શો હતો. જયાજી ફ્લાઇટમાં જ આવે, પણ એ વખતે તેમણે કહ્યું કે કેટલાં વર્ષોથી ટ્રેનમાં ટ્રાવેલિંગ નથી કર્યું, હું તમારી સાથે ટ્રેનમાં આવીશ. ટ્રેનમાં આવવા માટે સ્ટેશને આવવું પડે અને સ્ટેશને તેઓ આવે તો બધા ઘેરી વળે. તેમણે જ રસ્તો કાઢ્યો અને કહ્યું કે હું બુરખો પહેરીને આવીશ. જયાજી બુરખો પહેરીને આવ્યાં અને સેકન્ડ એસી કોચમાં તેમણે અમારી સાથે ટ્રાવેલ કર્યું. રાજકોટ શો કરવા પહોંચ્યા ત્યાં ખબર પડી કે અમિતજીને ખબર પડી ગઈ કે જયાજીએ ટ્રેનમાં ટ્રાવેલિંગ કર્યું છે. બહુ ગુસ્સે ભરાયા તેઓ, પણ જયાજીએ અમારા સુધી એ ખીજ આવવા ન દીધી અને બધું પોતાના પર લઈને ચૂપચાપ સાંભળી લીધું. જયાજીને અમેરિકામાં મેં જોયાં છે, બ્રિટિશ ઍરવેઝ વિના ટ્રાવેલ નહીં કરતાં અને પરિવાર સાથે રહેતાં પણ મેં જોયાં છે અને શો માટે ઇન્ક્વાયરી આવે ત્યારે મારો નંબર આપવાની તસ્દી લેતાં પણ મેં તેમને જોયાં છે. એકદમ શાંત અને મૃદુ અવાજે જયાજીએ બિરલા ગ્રુપના સર્વેસર્વા એવા બી. કે. બિરલાને તેમણે કહ્યું હતું, ‘શો કી બાત આપ સંજય સે કરો, વોહ મેરા પ્રોડ્યુસર હૈ.’
જયા બચ્ચન મારાં ત્રીજાં બા. જેમણે મને સમજાવ્યું કે જો સફળતાને કાયમી રીતે સાચવી રાખવી હોય તો એને ક્યારેય મસ્તક પર ચડવા નહીં દેવાની. મારી આ બાને લીધે ઇન્ડસ્ટ્રીમાં મારું એ સ્તરનું એસ્ટૅબ્લિશમેન્ટ થયું, નામ થયું જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. જયાજી સાથે એ પછી મેં પણ બીજા નાટકમાં કામ કર્યું. અમારા સંબંધો આજે પણ અકબંધ છે. આજે પણ બચ્ચન-પરિવારના પ્રસંગમાં મને તેમણે અચૂક બોલાવ્યો હોય અને હું જાઉં પણ ખરો. જઈને દર વખતે એક જ વાત નોટિસ કરું, સફળતા અને સમૃદ્ધિ તેમને ક્યાંય છકી જવા નથી દેતી. આ લેશન લઈને આવું એટલે મારા મસ્તક પરથી પણ સક્સેસનો ભાર વર્તાતો બંધ થઈ જાય છે.

Sanjay Goradia columnists weekend guide