મારી ટીનએજ દીકરી મારાથી ઘણું બધું છુપાવે છે શું કરવું?

19 August, 2020 07:42 PM IST  |  Mumbai | Sejal Patel

મારી ટીનએજ દીકરી મારાથી ઘણું બધું છુપાવે છે શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

મારી દીકરીની ઉંમર ૧૪ વરસ છે. હમણાંથી તેનું બિહેવિયર સાવ જ બદલાયેલું છે. પોતાનું કબાટ લૉક રાખવું, તે સ્કૂલે જાય ત્યારે તેની ચાવી સંતાડી દેવી અને જો તેની ચીજવસ્તુઓને આપણે ખંખોળી છે એવી ખબર પડે તો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. પહેલાં તે ક્યારેય આવું કરતી નહોતી. તેના કબાટના ખાનામાંથી એક વાર એક નવું સ્કર્ટ જોવા મળ્યું. પૂછ્યું તો કહે કે મને મારી ફ્રેન્ડે આપ્યું છે. તેને સામું પૂછ્યું કે તો આ ચોપડાના કબાટમાં કેમ મૂકે છે? કપડાંના કબાટમાં મૂક. કપડાંનું કબાટ કૉમન છે અને એમાં અમને ખબર પડી જાય એ તેને પસંદ હોય એવું લાગતું નહોતું. આ ખૂબ જ નાની વાત છે, પણ આ ઉંમરમાં ખાસ કાળજી રાખવી જોઈએ એવું લાગે છે એટલે મારે જાણવું છે કે આવા સંજોગોમાં દીકરીને કેવી રીતે ટૅકલ કરવી? બીજું, રાતના મોડા સુધી તે કમ્પ્યુટર પર કામ કરતી હોય છે. અમે બધા જાગતા હોઈએ ત્યારે તે ચોપડીઓ વાંચે ને બધા સૂઈ જાય એટલે ઇન્ટરનેટનું કામ કાઢીને બેસે. આમ તો રાતે નેટસર્વિસ ફ્રી હોય છે, પણ તેનો આવો બદલાવ પણ મને જરાક શંકાજનક લાગે છે. રાતે હું ઊઠીને તેની પાસે બેસું તો તરત જ તે કમ્પ્યુટર બંધ કરીને બેસી જાય. મારા હસબન્ડને આ બધું કહું છું તો તે કહે છે કે હું બહુ શંકાશીલ મા છું. મનેય શંકા કરવી નથી ગમતી, પણ દિવસે ને દિવસે મને તેનામાં આવા ચેન્જિસ જોવા મળે છે એટલે ચિંતા થાય છે. ક્યારેય સ્કૂલેથી પાછા આવવામાં તેને મોડું નથી થતું. તેને મોબાઇલ આપ્યો છે, પણ ક્યારેય તેનું પ્રિપેઇડનું બિલ ૭૫ રૂપિયાથી વધ્યું નથી. કોઈની સાથે ફોન પર લાંબી વાતો કરતી હોય એવું પણ નથી. સ્કૂલમાં પણ બધું બરાબર ચાલે છે એવા રિપોર્ટ્સ છે. શું એ સિવાય તેની છુપાવવાની આદત માટે ચિંતા જેવું ખરું? મારે એક જ દીકરી છે અને મારાં જેઠાણી વગેરેનાં દીકરા-દીકરીઓ આ જ ઉંમરે બગડેલાં ને હાલમાં તેમની કરીઅર ડામાડોળ થઈ ચૂકી છે એટલે એવી હાલત મારી દીકરીની ન થાય એની ચિંતા થયા કરે છે. યોગ્ય લાગે એ જણાવશો.
જવાબ- તમે એક સજાગ મમ્મી છો. કિશોરાવસ્થામાં આવેલા બાળકોમાં આવેલા પરિવર્તનને તમે ઑબ્જેક્ટિવલી નોંધવાનું રાખ્યું છે એ ખૂબ જ સારી વાત છે. આ ઉંમર છે કે જેમાં તેઓ ક્યારેક ન શીખવાનું શીખી લે છે ને ક્યારેક ખોટી જગ્યાએ ફસાઈ પણ જાય છે. દીકરીના વર્તન પ્રત્યે તમને શંકા થાય છે એ સ્વાભાવિક છે. જોકે, તમે એ શંકાને કારણે દીકરી પર પાબંદીઓ લાવીને રોકટોક કરવાનું શરૂ નથી કર્યું એ સૌથી પૉઝિટિવ બાબત છે.
જસ્ટ તમારે સમજવાની જરૂર છે કે આ ઉંમરે બાળકોમાં આ પ્રકારનું પરિવર્તન કેમ આવે છે. જ્યારે બાળક નાનું હોય છે ત્યારે તેને માબાપ જે કહે એ સાચું લાગે છે, એ જ તેમના માટે સર્વસ્વ હોય છે. જોકે ટીનેજની શરૂઆતમાં કિશોરીઓ પોતાની દૃષ્ટિથી દુનિયાને જોવા લાગે છે. તેમને હવે પેરન્ટ્સની આંગળીની જરૂર નથી. તેઓ પોતે સ્વતંત્રપણે, પોતાની રીતે દુનિયાને જોવા ઇચ્છે છે ને એટલે તેઓ નવા એક્સપિરમેન્ટ્સ કરવા તરફ વળે છે. તેમને લાગે છે કે હવે તેઓ મોટા થઈ ગયા છે એટલે બધું જ કંઈ પૂછી-પૂછીને કરવાની જરૂર નથી. આ જ કારણોસર તેઓ પોતાની વાત મોટેરાંઓ સામે મૂકતા નથી. જોકે પોતાની વાત સમવયસ્કો સાથે બહુ સરળતાથી શૅર કરી શકે છે.
એનો મતલબ એ થયો કે હવે તમે તેની સાથે મમ્મી તરીકે નહીં, એક બહેનપણી બની જાઓ તો તે તમારી સાથે પણ શૅર કરવામાં કમ્ફર્ટેબલ ફીલ કરવા લાગે. જો એમ થાય તો પછી તેને કશું છુપાવવાની જરૂર પણ ન રહે. એક સજાગ મા તરીકે તે શું છુપાવી રહી છે એના પ્રત્યે જરૂર આંખ ખુલ્લી રાખવી, પરંતુ શંકાથી નહીં, સમજવાના દૃષ્ટિકોણથી.

sejal patel columnists