ખીચડી મમ્મીએ શીખવી અને કિનોઆ ખીચડી શિલ્પા શેટ્ટીએ

23 September, 2020 06:28 PM IST  |  Mumbai | Rashmin Shah

ખીચડી મમ્મીએ શીખવી અને કિનોઆ ખીચડી શિલ્પા શેટ્ટીએ

ઍક્શનઃ કિનોઆની હેલ્ધી વેજિટેબલ ખીચડી બની ગઈ છે.

સિરિયલ ‘મુક્તિબંધન’થી કરીઅરની શરૂઆત કર્યા પછી સ્ટાર પ્લસની ‘એક નનદ કી ખુશીયોં કી ચાબી... મેરી ભાભી’થી સ્ટાર બની ગયેલી ઇશા કંસારા અત્યારે સબ ટીવીની ‘મૅડમ સર’ કરે છે તો અગાઉ તેણે ‘દુનિયાદારી’, ‘મિજાજ’, ‘વાંઢા વિલાસ’, ‘મિડનાઇટ વિથ મેનકા’ જેવી અનેક ફિલ્મો પણ કરી છે. ઇશા એક સમયે બે હાથે બધું ખાતી પણ મુંબઈ શિફ્ટ થયા પછી તેણે ખાવાની બાબતમાં જબરદસ્ત કન્ટ્રોલ કરી લીધો છે. ફૂડના ઇમ્પોર્ટન્સ વિશે વાત કરતાં મિડ-ડેના રશ્મિન શાહને ઇશા કહે છે, ‘ગુજરાતી થાળી જેવું કમ્પ્લીટ ફૂડ બીજું કોઈ નથી’
નાની હતી ત્યારે ખાવાની બાબતમાં હું જિદ્દી હતી. મને આવું જ ભાવશે, આ નથી જ ખાવું કે પછી કંઈ ખાવાનું મન થાય તો એ જોઈએ એટલે જોઈએ જ. પણ અમદાવાદથી મુંબઈ શિફ્ટ થયા પછી એ બાબતમાં બહુ મોટો ચેન્જ આવી ગયો. હવે અહીં મારી ડાયટ ફિક્સ હોય છે. અફકોર્સ કામને લીધે, પણ હું એને ફૉલો પૂરી શ્રદ્ધાથી કરું છું. ચીટ કરવાનું મન થાય, ક્રેવિંગ પણ આવે પણ હું એ બધાને દબાવીને રાખું. જાન હૈ તો જહાન હૈ. આપણે ગુજરાતીઓ ખાવાની બાબતમાં ઓછી કાળજી રાખીએ છીએ એવું મારું પર્સનલ ઑબ્ઝર્વેશન છે પણ આપણે એમાં ચીવટ રાખવાનું શરૂ કરવું જોઈશે. જાત પર કન્ટ્રોલ રાખીશું તો જ હૉસ્પિટલ અને મેડિસિનથી બચી શકાશે. મને સ્વીટ બહુ ભાવે. ઘણી વાર મારા ફ્રેન્ડ્સ કહે પણ ખરા કે ઇચ્છા થઈ છે તો ખાઈ લે, પછી વર્કઆઉટ વધારે કરી લેજે. પણ ના, હું એવું નથી કરતી અને હું કહીશ કે કોઈએ એવું કરવું ન જોઈએ.
એક સમય હતો હું જબરદસ્ત ફૂડી હતી. આજે પણ છું, પણ હવે ક્વૉન્ટિટીની બાબતમાં મેં કન્ટ્રોલ કર્યો છે. મને જો સૌથી વધારે કંઈ ભાવે તો એ છે આપણી ગુજરાતી થાળી. ગુજરાતી થાળીમાં તમને બધું જ મળી જાય. એમાં સ્વીટ પણ આવી જાય, રોટલી-શાક પણ આવે, પૂરી પણ હોય, પૂરણપોળી અને બાસુંદી જેવી વરાઇટી પણ મળે, પાપડ અને સૅલડ પણ હોય તો સાથોસાથ દાળ અને કઢી સાથે ભાત પણ મળે. હું માનું છું કે આપણી ગુજરાતી થાળી એક કમ્પ્લીટ મીલ છે. એમાં તમામ પ્રકારના ટેસ્ટ આવી જાય છે. મને જો કોઈ ગુજરાતી થાળીવાળી પૉપ્યુલર જગ્યા મળી જાય તો હું ચોક્કસ ત્યાં ખાવા જાઉં. મેં ગુજરાત અને મુંબઈભરમાં ગુજરાતી થાળીઓ ટેસ્ટ કરી છે.
શાકમાં ભીંડાનું શાક મારું ફેવરિટ અને કઠોળમાં મને મગ-મેથી બહુ ભાવે. આ બન્ને મને બનાવતાં આવડે છે પણ મને જો કોઈના હાથનાં ભાવે તો એ છે મમ્મી હર્ષા કંસારા. અમદાવાદ જવાનું બને ત્યારે નક્કી જ હોય કે શરૂઆતના બેત્રણ દિવસ તો મમ્મી આ જ બનાવે. મમ્મીના આ બન્ને શાકની ખાસિયત એ કે વધારે ટેસ્ટી બનાવવાની લાયમાં તે શાકમાં વધારે પડતું તેલ કે મસાલાઓ નથી નાખતી. આ બન્ને શાક મને મમ્મી પાસેથી જ શીખવા મળ્યાં છે અને મેં પણ એમાં હેલ્થને ફોકસમાં રાખી છે.
અમદાવાદ હતી એ દરમ્યાન મેં ખાવાપીવાની બાબતમાં બહુ જલસા કર્યા છે. અમદાવાદમાં તમને વહેલી સવારે પૌંઆ, ગાંઠિયા, મસ્કાબન મળવાનાં શરૂ થઈ જાય તો છેક મોડી રાત સુધી તમને જાતજાતનું ખાવાનું મળ્યા કરે. બધા સુરતના જમણની વાતો કરે છે પણ હું આ બાબતમાં સ્લાઇટ ડિફર થાઉં છું. મને લાગે છે કે સુરતની જેમ જ અમદાવાદ પણ ખાણીપીણીની બાબતમાં જરા પણ પાછળ નથી. માણેક ચોકમાં તમને ભાતભાતની આઇટમ ખાવા મળી જાય. માણેક ચોકની વાત નીકળી તો મને અત્યારે પણ ત્યાંની બટર પાંઉભાજી યાદ આવી ગઈ. ભાજીઢોસા, અશર્ફીની કુલ્ફી, ફાલૂદા, ફ્રૂટ્સ શૉટ્સ. બટર તવા પુલાવ, ચોકો સૅન્ડવિચ. આહાહાહા...

રવા ડ્રાયફ્રૂટ કેકઃ હું ખાઉં ભલે નહીં પણ બીજા જે કોઈ ખાય એ બધાને મારા હાથની કેક બહુ ભાવે છે.

ખરેખર જલસો પડી જાય. અમદાવાદ એકમાત્ર એવું શહેર છે કે જ્યાં ખાવાપીવાની બાબતમાં બ્રેક પડતો જ નથી. રાઉન્ડ ધ ક્લૉક ફૂડ મળે જ મળે. માણેક ચોક બંધ થાય એટલે એસ. જી. રોડ ખૂલી જાય. એસ. જી. રોડ પર તમને ગરમાગરમ ગાંઠિયા, જલેબી, થેપલાં-શાક જેવી વરાઇટી મળવા માંડે. અમદાવાદમાં તમે ક્યારેય ભૂખ્યા ન રહો એની ગૅરન્ટી. મારા ટેસ્ટ બડ્સ અમદાવાદમાં ડેવલપ થયા એવું કહું તો જરા પણ અતિશિયોક્તિ નહીં કહેવાય. બધું ખાધું, બેફામ ખાધું, પેટ ભરીને ખાધું અને હવે બધા પર કન્ટ્રોલ કરી લીધો. 

મને ઇન્ડિયન આઇટમ્સ બનાવતાં આવડે છે, પાસ્તા બનાવતાં પણ આવડે અને શેક, સ્મૂધી જેવી વરાઇટી બનાવતાં પણ આવડે. મારું ફૂડ હું જાતે જ બનાવું છું. તમે માનશો નહીં પણ હું નાઇન્થ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે મેં પહેલી વાર રોટલી બનાવી અને એ પર્ફેક્ટ ગોળ થઈ હતી. અમદાવાદથી મુંબઈ હું આવી ૨૦૧૦માં અને ત્યારથી હું મુંબઈમાં છું. હું મુંબઈ આવી ત્યારે સૌથી વધારે ચિંતા મમ્મીને હતી કે તું જમવાનું શું કરશે, તને ઘર જેવું જમવાનું કેવી રીતે મળશે પણ આ ચિંતા એક વીકમાં જ સૉલ્વ થઈ ગઈ હતી. બન્યું એવું કે મુંબઈમાં શરૂઆતમાં અમે બધી ફ્રેન્ડ્સ સાથે રહેતી હતી. અમે લોકોએ પહેલું કામ મહારાજ રાખવાનું કર્યું જે ઘરે આવીને ફૂડ બનાવે. તે બિલકુલ ઘર જેવું જ ફૂડ બનાવતો. થોડુંઘણું મમ્મી પાસેથી શીખી હતી એટલે જ્યારે એવું લાગે કે જાતે બનાવવું છે ત્યારે જાતે બનાવી લેતી. મોટા ભાગની વરાઇટી જાતે, ટ્રાયલ-એરરમાં શીખી છું તો અમુકમાં મમ્મીની હેલ્પ લીધી છે. જાતે બધું બનાવવાનું શરૂ કર્યું એ પહેલાં મુંબઈના સ્ટ્રીટ ફૂડની ભરપેટ મજા લઈ લીધી છે મેં. મીઠીબાઈની સામે મળતાં વડાપાંઉ મારાં સૌથી ફેવરિટ વડાપાંઉ. બોરીવલીમાં ઠાકરે ઑડિટોરિયમ પાસે જૂસ પાર્લર છે, જ્યાં એક્ઝૉટિક જૂસ મળે છે એ પણ મારાં ફેવરિટ. તમને નવાઈ લાગશે પણ સિદ્ધિવિનાયકનો પ્રસાદ પણ મારો અતિશય ફેવરિટ. એક સમય હતો કે હું સિદ્ધિવિનાયક માત્ર એટલે દર્શન કરવા જતી કે જેથી પ્રસાદ ખાવા મળે, પણ હવે કામને લીધે ક્રેવિંગ ઓછું કરી દીધું, કહો કે બંધ જ કરી દીધુ અને બંધ કર્યા પછી થયું પણ ખરું કે સારું કર્યું કે ક્રેવિંગ પર આ બ્રેક મારી.
અગાઉ કહ્યું એમ, હું મારું ફૂડ મારી જાતે બનાવું છું. બધું જાતે બનાવવાનું આવે એટલે એક રીતે એ પ્રોસેસમાં કંટાળો આવે તો સાથોસાથ જો તમારે જાતે તમારા માટે રસોઈ બનાવવાની હોય તો તમે એટલું પણ જમી નથી શકતા એ પણ મેં માર્ક કર્યું છે. આ બન્ને વાતનો બેનિફિટ પણ છે. એક તો તમે જાતે બનાવતા હો તો તમને ખબર હોય કે તમે શું બનાવી રહ્યા છો અને શું તમે પેટમાં નાખવાના છો. બીજું કે કંટાળાના કારણે આપોઆપ ફૂડ તૈયાર કર્યા પછી તમારાથી એ ખવાવાનું ઓછું છે. અલગ-અલગ સાતેક જાતના પાસ્તા સરસ બનાવું છું. અમુક શાક બનાવતાં ફાવે જેનાં બધાં ખૂબ વખાણ કરે છે. આ ઉપરાંત હું કિનોઆ ખીચડી બહુ સરસ બનાવું છું.
ખીચડી હું મમ્મી પાસેથી શીખી છું તો કિનોઆ ખીચડીની રેસિપી મેં શિલ્પા શેટ્ટી પાસેથી શીખી છે. આપણે જેમ નૉર્મલ ખીચડી બનાવી એમાં વઘાર ઍડ કરીએ એવી જ રીતે કિનોઆ ખીચડી બને છે. કિનોઆને મગ અને ચોખાની જેમ જ કુક કરવાના અને પછી એમાં કાંદા, રાઈ, જીરું, હળદર, હિંગ અને બીજા મસાલા નાખી ઘીમાં વઘાર કરવાનો. વઘાર પછી એમાં તમને ભાવતાં હોય એ વેજિટેબલ્સ અને કોથમીર ઍડ કરવાનાં. કિનોઆ ખીચડી હેલ્થ માટે ખૂબ સારી છે. હું ઘઉંની અને દૂધની કોઈ આઇટમ લેતી નથી પણ મેં પનીરની છૂટ રાખી છે. હું મારી કિનોઆ ખીચડીમાં પનીર પણ ઍડ કરતી હોઉં છું. કુકિંગની બાબતમાં હું બહુ ચીવટ રાખું છું એટલે મારા હાથે કોઈ મોટા બ્લન્ડર થયા નથી. મસાલા નાખતી વખતે હાથ ટૂંકો રાખશો તો તમારાથી પણ એવા કોઈ બ્લન્ડર નહીં થાય.

ગ્લુટન-ફ્રી અને લેક્ટોઝ-ફ્રી ડાયટ

હું અને મારા બારઃ આ પ્રોટીન બાર મેં જાતે બનાવ્યા છે.

બૉડી માટે હેલ્ધી હોય, હેવી નહીં એવી વરાઇટી ખાવી જોઈએ. કિનોઆ, પનીર અને વેજિટેબલ્સ હેલ્થ માટે ખૂબ સારાં છે. મારી ડેઇલી ડાયટમાં વરાઇટી હોય જ. જો ક્યાંય બહાર જવાનું બન્યું હોય તો હું મારા હાથે બનાવેલા શેક કે ઓટ્સ સાથે રાખું. પ્રોટીન બાર પણ મારી સાથે હોય. હું બહારના પ્રોટીન બાર ક્યારેય નથી ખાતી. હું મારી જાતે પ્રોટીન બાર બનાવું છું જેમાં શુગર પણ નથી હોતી અને એ વીગન પણ છે. શેક હું આમન્ડ મિલ્કમાંથી બનાવું છું તો ફ્રૂટ્સમાં હું મોસ્ટલી બનાના અને ઍપલ ખાવાનું પસંદ કરું છું. ડ્રાયફ્રૂટ મને ભાવે એટલે અલગ-અલગ રીતે સ્મૂધીમાં કે પછી શેકમાં એ ઍડ થઈ જતા હોય અને જો એવું ન કરું તો હું ડાયરેક્ટ ખાવાનું પણ રાખું. મારું ફૂડ ગ્લુટન-ફ્રી અને લેક્ટોઝ-ફ્રી હોય છે. બહાર ખાવામાં કશું ન મળે તો હું માત્ર ડ્રાયફ્રૂટ્સ ખાઈને પણ દિવસ પસાર કરી શકું. રેસ્ટોરન્ટમાં મને બીજું કશું ન મળે તો હું પનીર, વેજિટેબલ્સ ખાઈને પણ ચલાવી શકું.

Esha Kansara columnists Rashmin Shah Gujarati food