મુંજાલ-કપિલા, ચક્રવર્તી અને જેફ્રી આર્ચરની નૉવેલ કેન ઍન્ડ ઍબલ

22 September, 2020 02:41 PM IST  |  Mumbai | Sanjay Goradia

મુંજાલ-કપિલા, ચક્રવર્તી અને જેફ્રી આર્ચરની નૉવેલ કેન ઍન્ડ ઍબલ

સ્ટેજ પર ટ્રેન: નાટક ‘ચક્રવર્તી’માં અમે સ્ટેજ પર સ્ટીમર લાવ્યા હતા, પણ અખતરા તો અમે ‘કરો કંકુના’ના સમયથી જ શરૂ કરી દીધા હતા. ‘કરો કંકુના’માં અમે સ્ટેજ પર ટ્રેન લાવ્યા હતા. જુઓ, આ રહી એ ટ્રેન.

આપણે વાત કરતા હતા નાટક ‘કરો કંકુના’ની.
ડિરેક્ટર રાજુ જોષી અને રાઇટર પ્રકાશ કાપડિયાનું ટ્યુનિંગ બહુ સરસ હતું. પ્રકાશ કાપડિયા કેવો ઉમદા રાઇટર છે એ તેણે ‘પદ્‍માવત’, ‘બાજીરાવ મસ્તાની’, ‘તાનાજી - ધી અન્સંગ વૉરિયર’ જેવી ફિલ્મો લખીને દુનિયાને દેખાડી દીધું છે તો રાજુ જોષી આજે ટીવી-ઇન્ડસ્ટ્રીનો ટૉપનો રાઇટર છે. સુશાંતસિંહ રાજપૂત જે સિરિયલથી ઇન્ડસ્ટ્રીમાં આવ્યો એ એકતા કપૂરની ‘પવિત્ર રિશ્તા’ રાજુએ લખી હતી. રાજુએ ડિરેક્ટર કરેલાં નાટકોએ પણ ધૂમ મચાવી છે. ‘કરો કંકુના’ પ્રકાશના સુંદર લેખન અને રાજુના ખૂબ જ સુંદર દિગ્દર્શનને કારણે, તો સાથોસાથ સુભાષ આસરના અદ્ભુત સેટ, પીયૂષ-તૌફિકનું કર્ણપ્રિય સંગીત, પચ્ચીસેક કલાકારોના કાફલાએ સ્ટેજ પર ઊભી કરેલી રામલીલા અને સાથોસાથ રામ, સીતા અને હનુમાનનાં એકદમ દીપી ઊઠેલાં પાત્રોને કારણે બધાને પસંદ આવી ગયું હતું. નાટક ચાલવા લાગ્યું અને નાટકના અમે લગભગ ૮૦ શો કર્યા, જેમાં નાટકના પૈસા રિકવર થઈ ગયા હતા. આ નાટકની જે ઇકૉનૉમી હતી એ બહુ અઘરી હતી. કલાકારોનો તોતિંગ કાફલો હતો તો સેટ, ટ્રાન્સપોર્ટેશન અને બીજા ખર્ચાઓને બૅલૅન્સ કરવા માટે મેં નક્કી કર્યું કે ઍક્ટર અને પ્રોડ્યુસર તરીકે હું શોદીઠ માત્ર ૨૦૦ રૂપિયા નાઇટ લઈશ. ‘ચક્રવર્તી’ નાટકમાં પણ એવું જ થયું હતું. નાટકમાં ઘણા સેટ હતા. ‘કરો કંકુના’માં અમે સ્ટેજ પર ટ્રેન લાવ્યા હતા તો ‘ચક્રવર્તી’માં અમે સ્ટેજ પર સ્ટીમર લાવ્યા હતા. ‘ચક્રવર્તી’માં પણ મેં મારું કવર ઘટાડી નાખ્યું હતું. એ સમયે મને મારા પાર્ટનર-કમ-દોસ્ત એવા કૌસ્તુભ ત્રિવેદીએ કહ્યું, ‘સંજય, મને તારો બહુ ડર લાગે છે, તું કોઈ અલગ પ્રકારનો માણસ છો, એકઝાટકે તું તારા પૈસા ઓછા કરી નાખે છે, હું તો મારા પૈસા ઓછા નથી કરતો અને તું ઇમોશનલ થઈને આવું ડિસિઝન લઈ લે છે માટે મને તારી બહુ બીક લાગે છે.’
કૌસ્તુભ ત્યારે નવો અને હું પણ ત્યારે નવો. બન્નેમાં ઝનૂન અઢળક હતું. અમે બન્ને ગમે એમ કરીને જોર લગાડીને થિયેટરની ડેટ્સ લેવાનો પ્રયત્નો કરતા રહેતા, જેમાં અમે થોડા ઘણા અંશે સફળ પણ થયા હતા. કૌસ્તુભનો સિક્કો નાટકલાઇનમાં જામવા લાગ્યો હતો. હું કહીશ કે કૌસ્તુભ ચડતો સૂરજ હતો. ‘કરો કંકુના’માં મારા ફાઇનૅન્સર હરેશ મહેતાનું ઇન્વેસ્ટમેન્ટ રિકવર થયું એટલે તેમને પણ સંતોષ હતો. ‘કરો કંકુના’ પછી હરેશ મહેતાએ જ મને સામેથી પૂછ્યું, ‘હવે નવું નાટક ક્યારે કરવું છે?’
‘પ્રકાશ કાપડિયા સાથે વાત થઈ છે, એક વાર્તા નક્કી કરી છે, પણ એમાં હું મુખ્ય ભૂમિકામાં નહીં હોઉં.’ મેં જવાબ આપતાં કહ્યું, ‘અને આમ પણ નાટકમાં ઍક્ટિંગ કરવી એ મારું પ્રાધાન્ય છે જ નહીં. નાટક નિર્માણ કરવું એ મારી પ્રાથમિકતા છે.’
હરેશભાઈએ લાંબી આનાકાની કરી નહીં અને અમે ‘ચક્રવર્તી’ નાટક કરવાનું નક્કી કર્યું. ‘ચક્રવર્તી’ મૂળ જેફ્રી આર્ચરની ‘કેન ઍન્ડ ઍબલ’ નૉવેલ પર આધારિત હતું. આધારિત પણ ન કહેવાય, લૂઝ્‍લી બેઝ્‍ડ હતું. ‘કેન ઍન્ડ ઍબલ’માં બે ભાઈઓ દેખાડ્યા છે, જે બે ભાઈઓ કઈ રીતે છૂટા પડ્યા, કઈ રીતે તેમની વચ્ચે દુશ્મની થઈ અને પછી કઈ રીતે ભેગા થાય છે એની વાત હતી. આ પ્લૉટ પરથી હિન્દી ફિલ્મોમાં પણ અનેક વર્ઝન બન્યાં હતાં, પણ એના પરથી કોઈ નાટક નહોતું બન્યું. પ્રકાશે એમાં બે ભાઈઓને બદલે છોકરો અને છોકરી એટલે કે પ્રેમી અને પ્રેમિકા રાખીને વાર્તા ઊભી કરી. તમે એમ જ કહો કે એવી રીતે આખી વાર્તા ઊભી કરી જાણે ઓરિજિનલ અને નવી જ વાર્તા હોય. હા, એમાં મારા અને ડિરેક્ટર રાજુ જોષીના ઇન્પુટ્સ ખરાં, પણ મૂળ આખી વાત અને નાટક પ્રકાશનું ઓરિજિનલ કામ જ કહેવાય.
‘ચક્રવર્તી’ની વાર્તા તૈયાર થઈ ગઈ એટલે નાટક લખવાનું કામ શરૂ થવાનું હતું, પણ અમે વાર્તા સાથે જ કાસ્ટિંગની તૈયારી શરૂ કરી દીધી. અમે નક્કી કર્યું કે મહાવીર શાહને મુખ્ય ભૂમિકામાં લેવો. એ સમયે મહાવીર ગુજરાતી રંગભૂમિ પર બહુ મોટું નામ થઈ ગયું હતું. મહાવીરનું છેલ્લું નાટક ‘જન્મદાતા’ સુપરહિટ હતું, જેને લીધે મહાવીરની એક માર્કેટ ઊભી થઈ હતી. મહાવીરને મળ્યા, તેને વાર્તા સંભળાવી. વાર્તા અને લીડ કૅરૅક્ટર મુંજાલનું પાત્ર તેને ખૂબ ગમ્યું. મહાવીરે નાટકમાં કામ કરવાની હા પાડી, પણ મુહૂર્તના આગલા દિવસે મહાવીર ફસકી ગયો. મહાવીરે કામ કરવાની ના પાડી દીધી. અમને ઝટકો લાગ્યો. અમારી બધી તૈયારીઓ થઈ ગઈ હતી અને છેલ્લી ઘડીએ મહાવીર ફસકી ગયો. અમને મહાવીર જેવો કલાકાર ખોવો પોસાય એમ નહોતો, પણ મહાવીરે જ ના પાડી દીધી તો પછી અમે શું કરીએ?
રાજુએ મને કહ્યું કે આપણે મહાવીરની જગ્યાએ જેડીને લઈએ. જેડી એટલે જમનાદાસ મજીઠિયા. જેડી અત્યારે હિન્દી સિરિયલોનો ખૂબ મોટો અને સફળ પ્રોડ્યુસર છે. જેડી અને આતિશ કાપડિયાની જોડીએ ‘ખીચડી’, ‘બા, બહૂ ઔર બેબી’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ અને હમણાં સબ ટીવી પર આવેલી ‘ભાખરવડી’ જેવી સુપરહિટ સિરિયલો આપી છે. તમે દર શુક્રવારે ‘જેડીકૉલિંગ’ના નામે ‘મિડ-ડે’માં આવતી તેની કૉલમ પણ વાંચો છો. અમે ‘ચક્રવર્તી’માં જેડીને લેવાનું નક્કી કરી લીધું. એ પહેલાં જેડીએ તુષાર જોષી અને પ્રકાશ કાપડિયાના નાટક ‘સૂર્યવંશી’માં લીડ રોલ કર્યો હતો. રાજુએ મને કહ્યું કે આપણે જેડીને લઈશું તો તે સહજ રીતે કાઠિયાવાડી લહેકો ઉમેરી દેશે અને નાટક બહુ ઑથેન્ટિક લાગશે. મિત્રો, એ સમયે જેડીનું કોઈ ખાસ નામ નહોતું, જેડી એક નવોદિત કલાકાર હતો, પણ આ રોલ માટે અમારી પાસે બહુ ચૉઇસ નહોતી અને મેં તમને અગાઉ કહ્યું એમ, એ સમયે કદાચ અમારામાં આવડત નહોતી, પણ હિંમત અને હામ કૂટી-કૂટીને ભરી હતી. અમે જેડીનો કૉન્ટૅક્ટ કરીને તેને વાર્તા સંભળાવી, વાર્તા જેડીને ખૂબ ગમી અને તે નાટક કરવા તૈયાર થયો. મને હજી પણ યાદ છે કે એ વખતે જેડીને શો દીઠ ૬૦૦ રૂપિયા મળતા હતા.
હાશ...
જેડી ફાઇનલ થયો એટલે અમને હાશકારો થયો હતો. અમને જોઈતો હતો એવો લીડ ઍક્ટર અમને મળી ગયો, પણ હજી બીજા કલાકારોનું કાસ્ટિંગ બાકી હતું અને આપણે અગાઉ વાત થઈ હતી એમ, એ સમયે નાટકમાં કલાકારો મળવા બહુ મુશ્કેલ હતા અને એમાં પણ સ્ત્રીપાત્રના કલાકારો તો સાવ ઓછા હતા. છેલ્લાં દસેક વર્ષમાં સિનારિયો બદલાયો છે. વડોદરાની એમ. એસ. યુનિવસિર્ટીમાં તૈયાર થઈને ઘણા કલાકારો મુંબઈ આવ્યા છે તો સુરત અને અમદાવાદથી પણ મોટી માત્રામાં કલાકારો ટીવી-સિરિયલ અને નાટકો કરવા માટે મુંબઈ આવ્યા છે. હવે કલાકારો શોધવામાં બહુ તકલીફ નથી પડતી, પણ એ વખતે ખૂબ પ્રૉબ્લેમ થતો હતો. એક તો અમે પણ પ્રમાણમાં નવા એટલે આમ પણ કલાકારો અમારી સાથે કામ કરતાં ખચકાય એટલે અમારી તકલીફ વધારે આકરી હતી.
‘ચક્રવર્તી’માં જેડી સામે લીડ ઍક્ટ્રેસ તરીકે કોને લેવી એની ગડમથલ ચાલતી હતી એવામાં નામ આવ્યું મનીષા કનોજિયાનું, પણ તે પરેશ રાવલના ‘મહારથી’નાં રિહર્સલ્સ કરતી હતી. મેં કૌસ્તુભને વાત કરી તો કૌસ્તુભે તરત જ મને કહ્યું કે એ રોલ તો કોઈ બીજી છોકરી કરી રહી છે. એનો અર્થ એ થયો કે મનીષા અત્યારે ફ્રી છે. મેં કર્યો મનીષાને ફોન અને પૂછ્યું કે ‘તું આ રોલ કરશે?’ ત્યારે મનીષાએ કહ્યું, ‘હું તો પરેશભાઈનું નાટક ‘મહારથી’ કરી રહી છું’ એટલે મેં કહ્યું કે ‘તું એ નાટક ન કરે તો પછી મારું નાટક કરશે?’ મનીષાએ જવાબ આપ્યો, ‘હું એ નાટક શું કામ ન કરું?’ આટલું કહીને મનીષાએ ફોન પછાડ્યો.
આ મનીષા એટલે મારા અગાઉના નાટક ‘કરો કંકુના’ અને એ સિવાયનાં બીજાં બે-ત્રણ નાટકોનું મ્યુઝિક આપ્યું હતું એ મ્યુઝિક ડિરેક્ટર પીયૂષ કનોજિયાની વાઇફ. મનીષાએ શૈલેશ દવેના ‘એક્કો-દુગી’ નાટકમાં કામ કર્યું ત્યારથી તે પૉપ્યુલર થઈ ગઈ હતી. તેનું કામ વખણાતું, પણ પરેશ રાવલે તેને રિપ્લેસ કરી નાખી હતી, જેની તેને ખબર જ નહોતી. મેં બે દિવસ પછી મનીષાને ફોન કર્યો ત્યારે મનીષા ફોન પર જ રડવા લાગી. તેણે કહ્યું, ‘મારી સાથે પૉલિટિક્સ રમાઈ ગયું.’ મિત્રો, એ સમયે આવું બધું બહુ ચાલતું. કોઈ એક દિગ્દર્શક કોઈ બીજાનો આર્ટિસ્ટ લઈ લે તો કોઈ પ્રોડ્યુસર બીજાનો આર્ટિસ્ટ ઝૂંટવી જાય. આ પૉલિટિક્સને કારણે સારા લોકોનો ભોગ લેવાતો અને જે કલાકારો કનિંગ હતા તેઓ આનો ફાયદો પણ ઉઠાવતા. ઍની વે, મનીષા સાથે વાત થઈ ગઈ અને તેણે નાટક કરવાની હા પાડી દીધી અને આમ, અમારા મુંજાલની પ્રેમિકા કપિલાના કૅરૅક્ટર માટે મનીષા કનોજિયા ફાઇનલ થઈ.
‘ચક્રવર્તી’ની વધુ વાતો કરીશું આવતા મંગળવારે...

જોકસમ્રાટ
ત્રણ મહિનાથી એક માણસ મારી પાસે એમ કહીને પૈસા લેતો રહ્યો કે તેની પત્ની હૉસ્પિટલમાં છે.
ચોથા મહિને મેં હૉસ્પિટલમાં જઈને જોયું તો તેની પત્ની નર્સ હતી, બોલો!

Sanjay Goradia columnists