ઓમ અલખના નાદને ગુંજાવતી આ રાત છે

09 February, 2025 07:07 PM IST  |  Mumbai | Hiten Anandpara

શિયાળાની ઠંડીમાં ધાબળામાં ઢબૂરાઈને સૂઈ જવાની મજા મુંબઈગરાના નસીબમાં નથી. ગુજરાત જઈએ તો શિયાળામાં લોકો સ્વેટર કે જૅકેટ પહેરીને ફરતા હોય

પ્રતીકાત્મક તસવીર

શિયાળાની ઠંડીમાં ધાબળામાં ઢબૂરાઈને સૂઈ જવાની મજા મુંબઈગરાના નસીબમાં નથી. ગુજરાત જઈએ તો શિયાળામાં લોકો સ્વેટર કે જૅકેટ પહેરીને ફરતા હોય. મુંબઈગરાને ઘરમાં સ્વેટર શોધવાનું કહેવામાં આવે તો નીચાજોણું થઈ જાય, કારણ કે સ્વેટર હોય જ નહીં. હોય તો બાવા આદમના જમાનાથી કાઢ્યું ન હોય. ભવિષ્યમાં ગૂગલ મૅપ AIનો સહારો લઈને આવી જૂની ચીજો ગોતી કાઢે એવી કમસીન આશા રાખીએ. ગીતા પંડ્યાની પંક્તિઓ સાથે રાતને અને જાતને આવકારીએ...

અધૂરા ખ્વાબથી શણગારવી હો રાત, તો આવો

હકારે જીવવાની માનવી હો વાત, તો આવો

દિવસ ને રાત ભૂલી ભાન; તડકા, ઠાર, સીમાડે

જગત આખાયનાં બનવું અગર હો તાત, તો આવો

રાતને શણગારવા માટે સ્વજન જોઈએ. સ્વજન ન હોય તો સપનાં જોઈએ. સપનાં ન હોય તો શું એવો પ્રશ્ન અસ્થાને છે, કારણ કે સપનાં વગરની ઊંઘ જાગૃતિ છે અથવા જાગરણ છે. લંચ પછી ઝપકી લેવાની આદત ઘણાને હોય છે. આંખ બંધ કરવાથી રાત પડતી નથી પણ રાત પડતાં આંખો બંધ કરવાની પ્રક્રિયા કુદરતી રીતે થાય છે. સૂર્યનું આથમવું રાતને જન્મ આપે છે. કિરણ જોગીદાસ `રોશન’ રાત વિશે કહે છે...

સ્વપ્નની સોગાત ચોરી થઈ ગઈ

રાત આખી સાવ કોરી થઈ ગઈ

આ સમયની સોયમાં બસ પોરવું

શ્વાસ જાણે એક દોરી થઈ ગઈ

તાજા પરણેલા યુગલની રાત રોમૅન્ટિક હોય છે. જેમની કારકિર્દીમાં કામનું બહુ દબાણ રહેતું હોય તેમની રાત ટૂંકાઈ જાય. કૉલ સેન્ટરમાં કામ કરનારાની રાત LED લાઇટના અજવાળામાં દિવસ બની જાય. અમેરિકામાં જેમના ક્લાયન્ટ હોય એવા કોઈ વ્યાવસાયિક માટે અડધી રાતે ખરેખર દિવસ શરૂ થાય છે. ડાન્સ બારની રાત અતૃપ્ત ઝંખનાઓને લલચાવે છે. ચહેરા પર કરચલીઓ પડવાની શરૂ થાય છતાં ઝંખનાઓ જલદી ઝાંખી થતી નથી. ડૉ. સેજલ દેસાઈ પશ્ન પૂછે છે...

એક પૂરી થઈ નથી ત્યાં બીજી ઊગી જાય છે

શું દિવસ ને રાત માફક પાંગરે છે ઝંખના?

દિવસ હોય કે રાત, હૉસ્પિટલની દુનિયા અનેક ચહલપહલથી ભરેલી હોય છે. રાતે દરદીના ઊંહકારા કે જીવને ખેંચવા તત્પર થયેલી ઉધરસનો અવાજ શાંતિનો ભંગ કરે. દરેક ખાટલા પાસે એક વાર્તા હોય પીડાની. દરદીની હાલત ગંભીર હોય ત્યારે સ્વજન માટે આ સમય પસાર કરવો મુશ્કેલ બને. આવી બોઝલ રાત વેંઢારવી સહેલી નથી. ધાર્મિક કોટક `ગોપાલ’ની પંક્તિઓમાં આ વિષાદ વર્તાશે...

કિસાનો જે રીતે દાટે સિફતથી બીજ માટીમાં

અમે એવી જ રીતે દાટ્યું છે છાતીમાં અંધારું

તેઓ દોર્યા કરે છે નિતનવા અજવાસનાં ચિત્રો

ભરેલું હોય છે બસ જેમની પીંછીમાં અંધારું

વૃદ્વાવસ્થામાં રાત વિતાવવી ડેન્ચરથી લોઢાના ચણા ચાવવા જેવું વિચિત્ર હોય છે. કૉફી મેટ્સ સંસ્થાની કાવ્યસ્પર્ધા વખતે સુરેશ દલાલે કાવ્ય લખવા માટે એક પંક્તિ આપી હતીઃ રાત મેં કટકે કટકે કાપી. મુંબઈના તળપદી બાનીના કવિ હરિહર જોશીને મોતનો અણસારો આવી ગયેલો. એટલે તેમણે બધા સ્વજનને ભેગા કરી મળી લીધું. રાતે નિરાંતે સૂઈ ગયા, એ પણ કાયમ માટે. કોઈ હાયવોય નહીં, કોઈ રોકકળ નહીં, મૃત્યુનો સહજ સ્વીકાર. જોકે બધાના નસીબમાં આવું મૃત્યુ નથી હોતું. નિરાલી રશ્મિન શાહ `સ્વસા’ લખે છે...

નથી ભૂલી શકાતી ડૂસકાં, ચીસો ભરેલી રાત

વિખૂટા થઈ ગયેલા સાથીને શોધી રહેલી રાત

અમાવસ્યા હતી મૌની, બની ગઈ શોક ને દુઃખની

ખબર કોને હતી કે મોતની બનશે સહેલી રાત

મહાકુંભમાં રાતે થયેલી નાસભાગમાં ત્રીસ જણ માર્યા ગયા. કોઈએ ધાર્યું નહોતું એવી ઘટના બની ગઈ. કારણમાં VIPઓના આગમન માટે કરેલી આગોતરી વ્યવસ્થા કાળોતરી પુરવાર થઈ. એના કારણે ભીડની આવનજાવન ખોરવાઈ ગઈ અને અંતે ગમખ્વાર ઘટના બની. પુણ્ય કમાવવા આવેલા કમનસીબ લોકો મૃત્યુ કમાઈને ગયા. વિપુલ વ્યાસ ‘દર્શન’ અધ્યાત્મના તાર છેડે છે...

કેટલી રાત એમ જ વિતાવી દીધી

આમ રખડી યુગોથી નિશાચર બની

ચાલ મનવા હવે ચાલ ઈશ્વર ભણી

રાત વીતી જશે રાત વીતી જશે

લાસ્ટ લાઇન

રાતરાણી, ચાંદની, ઝાકળ ભરેલી રાત છે

એક અંધારાને છોડી કેટલી સોગાત છે

રાતને લાગે નજર ના એટલે તો કુદરતી

ટમટમકતા તારલાની ટુકડી તૈનાત છે

હોય શિવરાત્રિ, દિવાળી, નોરતા કે અષ્ટમી

ઓમ અલખના નાદને ગુંજાવતી આ રાત છે

ભાગમાં પૂનમ મળે કે હો અમાવસ્યા કદી

સુખ ને દુઃખની વારતામાં? રાત ક્યાં બાકાત છે?

એ સ્વયમનું તેજ લઈને રાતભર રમતું રહે

આગિયા માટે તો ‘જિનલ’ રાતની મિરાત છે

- અંકિતા મારુ ‘જિનલ’

mumbai Weather Update mumbai weather columnists hiten anandpara gujarati mid-day