23 May, 2026 03:41 PM IST | Mumbai | Kajal Rampariya
મુલુંડના આ મંદિરનું છે કચ્છ-કનેક્શન
મુલુંડ-વેસ્ટના ડૉ.રાજેન્દ્ર પ્રસાદ રોડ પર આવેલા મોમાઈ માતા ચોક વિશે મોટા ભાગના સ્થાનિકોને ખબર હશે, પણ ચોકનું આ નામ કઈ રીતે પડ્યું એની જાણ બહુ ઓછા લોકોને છે. ચોકની એકદમ સામે જતાં આવેલું મોમાઈ માતાજીનું મંદિર આજે હજારો ગુજરાતી અને કચ્છી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ત્યારે મોમાઈ માતાજી મુલુંડ કઈ રીતે આવ્યાં એની કહાની રોચક છે
ક્યારે દર્શન કરી શકાય?
મંદિર સવારે છથી બપોરે ૧૨ વાગ્યા સુધી અને સાંજે પાંચથી રાત્રે ૯ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું હોય છે. સવારે ૭ વાગ્યે આરતી, ૯.૧૫ વાગ્યે શણગાર આરતી અને સાંજે ૭.૩૦ વાગ્યે સંધ્યા આરતી થાય છે.
વિષય શ્રદ્ધાનો હોય ત્યાં પુરાવાની જરૂર નથી પડતી એની સાક્ષી મુલુંડનું મોમાઈ માઁ ધામ પૂરે છે. એક પરિવારની અતૂટ શ્રદ્ધા અને કુળદેવી પ્રત્યેના અસીમ સમર્પણનું આ જીવંત ઉદાહરણ છે. ૧૯૭૦ના દાયકામાં આર્થિક સંકડામણ અને અનિશ્ચિતતા વચ્ચે શરૂ થયેલી આ સફર આજે હજારો ભક્તોના આસ્થાના કેન્દ્રમાં પરિવર્તિત થઈ છે.
સપનાથી શરૂ થયેલી શોધ
મોમાઈ માતા મુલુંડમાં આવ્યાં કઈ રીતે એ વિશે અંધેરીમાં રહેતા માતાજીના ભક્ત અને મોમાઈ માતા મંદિરના ટ્રસ્ટી ભરત ચોથાણી કહે છે, ‘૧૯૭૨થી ૧૯૭૫ વચ્ચેનો એ સમય હતો. ચોથાણી પરિવાર પોતાનાં કુળદેવી કોણ છે અને ક્યાં બિરાજમાન છે એનાથી અજાણ હતો. તેઓ ભુલેશ્વરના કૃષ્ણ પ્રણામી મંદિરમાં દર્શન કરતા, પણ મનમાં હંમેશાં કુળદેવીની ખોજ ચાલતી હતી. એક દિવસ પરિવારનાં માજી જમનાબહેન ચોથાણીને સપનામાં મોમાઈ માતાએ દર્શન દીધાં. માતાજીએ કહ્યું કે કચ્છના કુંદરોડી ગામમાં મારું દેવસ્થાન છે પણ ત્યાં મને કોઈ પૂજતું નથી તેથી ત્યાં જાઓ અને પૂજા કરશો તો સારું થશે.’
શરૂઆતમાં તેમણે ખાસ ધ્યાન ન આપ્યું, પણ જ્યારે ફરી બીજી વાર સપનું આવ્યું ત્યારે જમનાબાએ તેમના દીકરા કાકુભાઈ ચોથાણીને બધી વાત કરી. કુંદરોડી ગામ સંગીતકાર કલ્યાણજી-આણંદજી અને ઉદ્યોગપતિ દામજીભાઈ ઍન્કરવાલાનું ગામ છે. એ સમયે કાકુભાઈની આર્થિક પરિસ્થિતિ નબળી હતી છતાં માતાજીના આદેશને શિરોધાર્ય કરી જમનાબા, કાકુભાઈ અને તેમનાં પત્ની મણિબહેન કુંદરોડી જવા નીકળ્યાં. કુંદરોડી ક્યાં આવ્યું છે એની ખબર ન હોવાથી પૂછપરછ કરતાં તેઓ ગાંધીધામ અને પછી મુંદ્રા પહોંચ્યાં.
૧૯૭૫-’૭૬ના એ સમયમાં ટ્રાન્સપોર્ટેશન પણ ઓછું હતું. માંડ એક સરકારી બસ ત્યાં જતી. મહામુશ્કેલીએ કુંદરોડી ગામ પહોંચીને તપાસ કરી ત્યારે એક વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે હું જ્યારે લગ્ન કરીને આવી ત્યારે ઘરના લોકો કહેતા કે આગળ ચોથાણીઓનું દેવસ્થાન છે, ત્યાં કચરો ફેંકવો નહીં.
આ માહિતીના આધારે કાકુભાઈ એ જગ્યાએ પહોંચ્યા. ત્યાં એક વાળંદ વાળ કાપતો હતો. તેની પાસેથી જગ્યા ખાલી કરાવી સાફસફાઈ કરીને થોડું ખોદકામ કરતાં જ મોમાઈ માઁ શિલા સ્વરૂપે પ્રકટ થયાં. આ શિલા મળતાં જ ગામના વડીલોએ પણ પુષ્ટિ કરી કે આ જ ચોથાણી પરિવારના મોમાઈ માઁનું સ્થાનક છે. પછી ત્યાં નાની ડેલી બનાવીને પૂજાપાઠ કરવા લાગ્યા. ધીમે-ધીમે સમય સારો થવા લાગ્યો. ચોથાણી પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવી અને કાકુભાઈની આર્થિક પરિસ્થિતિ સુધરી.
કુંદરોડીથી મુલુંડની સફર
વાતના દોરને આગળ વધારતાં ભરતભાઈ કહે છે, ‘થોડા સમય બાદ કુંદરોડીમાં જ અમારા વડીલોએ મળીને મંદિરનું નિર્માણ કર્યું. ત્યારે કાકુભાઈને એવું થયું કે કેટલા સમય સુધી કુંદરોડીમાં જ રહીશું, મુંબઈમાં આપણા પરિવારના ઘણા સભ્યો રહે છે તો મુલુંડમાં મંદિર બનાવીએ. જોકે આ ઇચ્છાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવી થોડી અઘરી હતી, કારણ કે મંદિર નિર્માણ કરી શકાય એટલું ભંડોળ નહોતું. મુંબઈમાં એક ભાઈ હતા તેમના ઘરમાં કળશ રાખીને પૂજા કરવા લાગ્યા. પછી ધીમે-ધીમે એકબીજાના ઘરે ભજન-કીર્તન કરવા જતા અને ત્યાં મોમાઈ માઁ વિશે કહેવાનું શરૂ કર્યું. આનાથી થોડું ભંડોળ ભેગું થયું. પછી મુલુંડ-વેસ્ટમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ પર આવેલા બિલ્ડિંગ ઉમિયા ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં નીચે જગ્યા લઈને માતાજીનું મંદિર બનાવ્યું. એમાં ૪ ફુટ ઊંચી માતાજીની મૂર્તિ જયપુરથી બનાવડાવી અને ૧૯૮૫માં ગુરુપૂર્ણિમાએ એટલે કે અષાઢ સુદ પૂનમના દિવસે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી. ૧૯૮૩માં કાકુભાઈએ મંદિર બનાવવાનો સંકલ્પ લીધો હતો અને ૧૯૮૫માં મંદિર બની ગયું. કાકુભાઈએ તેમના પછીના જીવનનો સમય માતાજી અને સમાજની સેવામાં વિતાવ્યો અને પછી આ મંદિર સમસ્ત પરિવારને જ સંભાળવા આપી દીધું. એ સમયથી અત્યાર સુધી દર ગુરુપૂર્ણિમાના દિવસે વાર્ષિક પાટોત્સવની ઉજવણી થાય છે.’
દશામાના વ્રતનું વિશેષ મહત્ત્વ
મંદિર બન્યા બાદ ૧૯૮૭માં ટ્રસ્ટ બનાવ્યું અને અત્યારે વર્ષમાં ધાર્મિક તહેવારો અને સામાજિક પ્રવૃત્તિઓ થાય છે. હોળીકાદહન, દશામાનાં વ્રત, નવરાત્રિ, શ્રાવણ માસ જેવા ધાર્મિક તહેવારોની ઉજવણીઓ અહીં રંગેચંગે થાય છે. અહીં દશામાના વ્રતનું ખાસ મહત્ત્વ છે એમ જણાવતાં ભરતભાઈ કહે છે, ‘દશામાનું વ્રત આવે એ પહેલાં અમારા મંદિરમાં વ્રત કરતા લોકોને વિનામૂલ્ય સાંઢણીનું વિતરણ કરવામાં આવે છે. સાંઢણીનો ખર્ચ મંદિરનું પ્રશાસન ભોગવે છે. દર વર્ષે સરેરાશ ૨૫૦૦થી ૩૦૦૦ સાંઢણીનું વિતરણ થાય છે. જે વ્યક્તિ દશામાનું વ્રત કરે તે મંદિરમાં આવે ત્યારે સાંઢણી આપીએ. વ્રતના છેલ્લા દિવસે એટલે અમાસના દિવસે દશામાના વ્રતનું ઉજવણું કરીએ ત્યારે ભવ્ય ભંડારાનું આયોજન થાય છે. મંદિર પરિસરની જગ્યા નાની હોવાથી એ મુલુંડની મહાજનવાડીમાં રાખવામાં આવે છે અને અહીં ૨૫૦૦થી ૩૦૦૦ ભક્તો આવે છે. આ વખતે અધિક મહિનો આવે છે એટલે સાંઢણીનું વિતરણ થોડું મોડું થશે. બાકી અમે વૈશાખ મહિનો પૂરો થવાની નજીક હોય એટલે વિતરણ શરૂ કરીએ. વિદેશોમાં રહેતા ઘણા ગુજરાતીઓ અહીંથી સાંઢણી મગાવે છે. તો અમે કુરિયર માટેની સાંઢણી બૉક્સમાં સમાઈ જાય એ હિસાબે થોડી નાની સાઇઝમાં બનાવીએ છીએ. અમેરિકા, લંડન અન ગલ્ફ કન્ટ્રીઝમાંથી ઘણા લોકોના કૉલ આવતા હોય છે અને તેમની જરૂરિયાત પ્રમાણે અમે મોકલાવતા હોઈએ છીએ. સાંઢણી અમે પનવેલ પહેલાં એક ગામ આવે છે ત્યાં એક કુંભાર પાસેથી બનાવડાવીએ છીએ. દશામાનું વ્રત હોય ત્યારે મંદિર રાત્રે દોઢ વાગ્યા સુધી ખુલ્લું હોય છે.’
બેસતા વર્ષે મળે વિશેષ આશીર્વાદ
મંદિરના ગર્ભગૃહનાં દર્શન ફક્ત બેસતા વર્ષે જ થઈ શકે છે એમ જણાવતાં ભરતભાઈ કહે છે, ‘દિવાળી પછી આવતા નવા વર્ષના દિવસે ગર્ભગૃહ ભક્તોનાં દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. આ દિવસે માતાજીના ચરણસ્પર્શ કરવાનો લહાવો ભક્તોને મળે છે. પ્રસાદીમાં મગની સાથે એક કે બે રૂપિયાનો સિક્કો શુકન તરીકે ભક્તોને આપીએ છીએ જે સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે એને તિજોરીમાં રાખવાથી આર્થિક પ્રગતિ થાય છે. એ દિવસે ઓછામાં ઓછા ૫૫૦૦થી ૬૦૦૦ ભક્તો અહીં દર્શન કરવા આવે છે. બેસતા વર્ષે અને નવરાત્રિના દિવસે છપ્પનભોગ ધરાવીએ છીએ.’
પારંપરિક નવરાત્રોત્સવ
નવરાત્રિના સમયે પણ મંદિર માત્ર બેથી ૩ કલાક જ બંધ રહે છે. એમ જણાવતાં ભરતભાઈ કહે છે, ‘નવરાત્રિની વાત કરીએ તો અહીં આસો મહિનામાં આવતી શારદીય નવરાત્રિ કચ્છની પ્રાચીન પરંપરા મુજબ થાય છે. એમાં લાકડાના સ્ટૅન્ડ પર ગરબો રાખીને ઢોલ અને શરણાઈના તાલે પારંપરિક ગરબા રમાય છે અને હિન્દી કે બૉલીવુડના સૉન્ગ્સને બદલે ગુજરાતીમાં માતાજીના ગરબા જ બોલાય છે. એવું નથી કે મોમાઈ માઁ અમારાં કુળદેવી છે તો બીજા ભક્તો ન આવે. કચ્છી, વાગડ અને કાઠિયાવાડી કમ્યુનિટી ઉપરાંત ઘણા ગુજરાતી-કચ્છીઓ માતાજીનાં દર્શને આવે છે. મોમાઈ માઁ ૭૨ કુળનાં કુળદેવી છે. જેમને ખબર છે એ લોકો મુલુંડ ઉપરાંત બીજા વિસ્તારોમાંથી દર્શન કરવા આવે છે. આ સિવાય દર મંગળવારે મહિલામંડળ દ્વારા ગાયત્રી પાઠનું આયોજન થાય છે. જ્યારથી મંદિરની સ્થાપના થઈ છે ત્યારથી અત્યાર સુધી દરરોજ સવારે માતાજીનો શણગાર અને થાળ અખંડિત રીતે પુષ્પા ચોથાણીના પરિવાર તરફથી જ આવે છે. લોકલ કૉર્પોરેટર્સ અને વિધાનસભ્યના સહયોગથી મંદિરની લગોલગ આવેલા ચોકનું નામ મોમાઈ માઁ ચોક આપ્યું છે.’