એક વાર મફતનું લેવાની આદત પડી જાય તો પછી એ સરળતાથી જતી નથી

13 February, 2025 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૌને કામ આપવું જોઈએ જેથી ગરીબ વ્યક્તિ પણ કામ કરીને સ્વમાનથી જીવી શકે. ભીખ આપવાથી લોકો આળસુ થઈ જશે.

ફાઇલ તસવીર

સરકારે ‘લાડકી બહિણ’ યોજના શરૂ કરી. ઘણા બધા લોકોએ આ યોજના આવકારી. દર મહિને લાડકી બહેનને ૧૫૦૦ રૂપિયા મળે અને હજી તો એ વધારીને ૨૧૦૦ રૂપિયા કરવામાં આવશે. કઈ ખુશીમાં ભાઈ? અહીં અમે સૌ મહેનત કરી-કરીને મરી જઈએ છીએ. જ્યારે પગાર હાથમાં આવે છે ત્યારે કેટલો ટૅક્સ કપાઈને આવે છે. બદલામાં અમને સુવિધાને નામે શું મળે છે? ખાડા-ટેકરાવાળા રસ્તા, રસ્તા પર ટ્રાફિક જૅમ, પૉલ્યુશન, ટ્રેનમાં ભીડ. અમારા જ ભરેલા ટૅક્સમાંથી આ બહેનોને કંઈ કર્યા વિના પૈસા આપવામાં આવે છે એ હરગિઝ યોગ્ય નથી. કેટલી બધી બહેનોને આ પૈસા અપાય છે. આવું લાંબો સમય ચાલશે તો તિજોરી તળિયાઝાટક થઈ જશે. વળી આ બહેનો તો આ પૈસા પર પોતાનો હક્ક સમજે છે. એક મહિનો પૈસા નોતા મળ્યા તો એક લાડકી બહેને મને કહ્યું હતું, ‘બુઢ્ઢેને યે મહિને પૈસા નહીં દિયા.’ મને તો આ સાંભળીને તે બહેનને લાફો મારવાનું મન થઈ ગયું હતું. આ સ્કીમ ચાલુ કરી છે એ જો કોઈ અનિવાર્ય કારણસર પડતી મૂકવી પડે તો હોબાળો મચી જશે. કોઈને મફતમાં કશું ન મળવું જોઈએ. જે મળે એ કામ કરીને મળવું જોઈએ. એક વાર મફતનું લેવાની આદત પડી જાય તો પછી એ આદત જતી નથી. આવી રીતે મફતના પૈસા લેવા એટલે ભીખ લેવી અને મને નથી લાગતું કે સરકારે ભીખ આપવી જોઈએ. સૌને કામ આપવું જોઈએ જેથી ગરીબ વ્યક્તિ પણ કામ કરીને સ્વમાનથી જીવી શકે. ભીખ આપવાથી લોકો આળસુ થઈ જશે.

હજી તો લાડકા ભાઈઓને પણ આ યોજના હેઠળ આવરી લેવાના છે. ગરીબ લોકોને નિ:શુલ્ક શિક્ષણ આપો, નિ:શુલ્ક વૈદ્યકીય સુવિધા આપો, એ બધું જરૂરી છે. ગરીબો પ્રત્યે આપણને સૌને સહાનુભૂતિ છે, પણ ગરીબોને ભીખ માગતા નથી કરી દેવાના.

મોટી પોસ્ટ પર નોકરી કરતી વ્યક્તિનો પગાર આવે અને કેટલો બધો ટૅક્સ કપાઈ જાય છે એ જોઈને તેમ​ની આંખમાં પણ લોહીનાં આંસુ આવે છે. આખો મહિનો રાત-દિવસ પરસેવો પાડીને મોટું પૅકેજ મેળવે છે, પણ એમાંથી હાથમાં શું આવે છે? સરકારે આ વિચાર કરવો જરૂરી છે.

જો લાડકી બહિણ અને લાડકા ભાઈ માટે વિચાર કર્યો તો સિનિયર સિટિઝન માટે વિચાર કરો. વૃદ્ધોએ આખી જિંદગી મહેનત કરીને બે પૈસા બચાવ્યા હોય જેમાંથી તેમને બાકીનાં રહ્યાં વર્ષો વિતાવવાનાં હોય તેમની ફિક્સ ડિપોઝિટ પર વધારે વ્યાજ આપો જેથી તેઓ સન્માનભેર જીવી શકે. તેમની ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ ઓછું થવાને કારણે કેટલાય વૃદ્ધોને તકલીફમાં આવતા મેં જોયા છે. વૃદ્ધાવસ્થામાં દવા, કૅરટેકર વગેરેના ખર્ચા વધી જતા હોવાને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાય છે. આશા છે આ વાત યોગ્ય ખાતા સુધી પહોંચશે અને કંઈક ઉકેલ આવશે.

- નીલા સંઘવી
(નીલા સંઘવી જાણીતાં લેખિકા છે અને દર મહિને પ્રગટ થતા ‘કપોળ સમાજ દર્પણ’ સામયિકનાં તંત્રી છે)

columnists gujarati mid-day exclusive