ઝારાના યુદ્ધના મૂળમાં સિંધુનાં પાણી?

04 February, 2020 01:50 PM IST  |  Kutch | Naresh Antani

ઝારાના યુદ્ધના મૂળમાં સિંધુનાં પાણી?

ડુંગર

વિશ્વનો ઇતિહાસ તપાસીએ તો એક-બીજા દેશો વચ્ચે લડાયેલા યુદ્ધના કારણમાં પાણીના પ્રશ્નો મોટો ભાગ ભજવતા આપણે જોઈ શકીએ છીએ. મોટા ભાગના યુદ્ધ પાણીના પ્રશ્ને થયા હોવાનું નોંધાયું છે. વર્તમાન સમયમાં પણ આપણા દેશનાં કેટલાંક રાજ્યો પાણીની વહેંચણીના પ્રશ્ને સામસામા અદાલતમાં ગયાં છે. આ જ રીતે કચ્છના ઇતિહાસમાં બહુ ચર્ચાયેલું અને સૌથી મોટું મનાતું ઝારાના યુદ્ધના મૂળ કારણમાં તો સિંધુ નદીનાં પાણી જ હોવાની વિગતો સાંપડી છે. આ વિગતો આજે પણ ઉજાગર થાય તો આજે પણ સિંધુ નદીનાં પાણી કચ્છને મળતાં થાય એવી શક્યતાઓ ચકાસી શકાય એમ છે.

૬૦ના દાયકાથી આરંભાયેલી નર્મદા યોજનાનાં પાણી હજી આજે પણ પૂરા કચ્છને સંપૂર્ણ રીતે સાંપડી શક્યાં નથી. પશ્ચિમ કચ્છનાં તળાવ અને ડૅમ હજી નર્મદાનાં પાણી ભરાવાની રાહ જૂએ છે ત્યારે છેક સત્તરમાં સૈકામાં કચ્છ અને સિંધના રાજવીઓ વચ્ચે થયેલા કરારોનું પ્રામાણિકપણે અમલીકરણ કરાયું હોત તો પશ્ચિમ કચ્છ અને ખાસ કરીને લખપત–અબડાસાના વિસ્તારો લીલાછમ હોત. એટલું જ નહીં, કેટલીયે ખેતપેદાશો કચ્છમાંથી નિકાસ કરાતી હોત અને કચ્છનો આખો સિનારિયો જ જુદો હોત.

આ કરાર અને સિંધુનાં પાણી વિશે વિગતે વાત કરીએ એ પહેલાં ઝારાના યુદ્ધ વિશે કચ્છના ઇતિહાસમાં કહેવાયેલી વાત જોઈએ, એ પછી આ યુદ્ધના મૂળમાં સિંધુનાં પાણીની વાત કરીશું.

ઝારાનું યુદ્ધ કચ્છના રાવ ગોડજી બીજા (ઈસવી સન ૧૭૬૧–૧૭૭૯)ના સમયમાં લડાયું હતું. રાવ ગોડજી બીજા કચ્છની ગાદીએ આવ્યા પછી કચ્છના દીવાન તરીકે જીવણ શેઠની નિમણૂક કરવામાં આવી હતી. એ દરમ્યાન કચ્છના રાવ પદે ગોડજી આવ્યાની જાણ જૂનાગઢ રહેતા પૂંજા શેઠને થતાં તે કચ્છ આવવા નીકળ્યો. આ બાજુ જીવણ શેઠને ડર લાગ્યો કે પૂંજા શેઠ ભુજ આવી જશે તો મહારાવને ગમે એમ સમજાવી પોતાનું દીવાનપદ છીનવી લેશે અને કચ્છનો દીવાન બની જશે. આથી તેને ભુજ આવતો રોકવામાં આવ્યો. પરિણામે પૂંજા શેઠે વાગડના વીરાવાવના સોઢાઓને શરણે ગયા. સોઢાઓ પર પૂંજા શેઠનું ૠણ હોવાથી તેઓએ તેને શરણ પણ આપ્યું.

જીવણ શેઠ પૂંજા શેઠના દૂરના સંબંધે ભાઈ થતો હતો. ભાઈએ કરેલા કૃત્યનો બદલો લેવાનું પૂંજા શેઠે મનમાં નક્કી કરી રાખ્યું હતું અને આ માટે વીરાવાવમાં રહીને યોજના ઘડી. પૂંજો જાણતો હતો કે સિંધનો રાજવી ગુલામશાહ કલોરા પોતાનો રાજ્યવિસ્તાર વધારવાનો લાલચી હતો અને કચ્છ પર તેની લાંબા સમયથી નજર હતી. આથી પૂંજા શેઠે ગુલામશાહના દીવાન ગીધુમલને સાધી કચ્છ પર ચડાઈ કરવા ઉશ્કેર્યો અને પોતાની યોજના સમજાવી. આથી ગુલામશાહે માન સાથે પૂંજાને સિંધ બોલાવ્યો અને તેની સાથે મસલત કરી કેવી રીતે યુદ્ધ કરવું એની સંપૂર્ણ યોજના નક્કી કરી લીધી. આ યોજના મુજબ ગુલામશાહ મોટા લાવલશ્કર સાથે કચ્છ પર લડાઈ કરવા ચડી આવ્યો.

કચ્છ રાજ્યે આ યુદ્ધ જીતવા અનેક પ્રયાસ કર્યા. ભાયાતી ગામોના આગેવાનો, ઠાકોરો અને આમપ્રજાને સાથે જોડી. આમ છતાં, ગુલામશાહના વિશાળ લશ્કર સામે ફાવ્યા નહીં. યુદ્ધની વિગતે વાત કચ્છના ઇતિહાસમાં નોંધાઈ છે અને અહીં એનાથી જુદી વાત કરવાની હોવાથી એની વિગતમાં ઊતરતા નથી. આ લડાઈમાં બન્ને પક્ષે મોટી ખુવારી થઈ. કચ્છના દીવાન જીવણ શેઠ પણ આ લડાઈમાં માર્યા ગયા. આથી પોતાનો માર્ગ સાફ થયાનું જણાતાં પૂંજા શેઠે કચ્છના દીવાન બનવાની લાલચે ભુજ તરફ આગળ વધતા સિંધના લશ્કરને પોતાની રાજકીય કુનેહથી સમજાવી પાછું વાળ્યું અને એના બદલામાં કચ્છનું દીવાનપણું મેળવી લીધું.

કચ્છ સાથે સિંધનું યુદ્ધ બંધ કરાવવાની એક શરત પૂરી કરવાના ભાગરૂપે પૂંજા શેઠે પોતાના પુત્ર દેવજીને બાનામાં સિંધ રાજ્યને આપ્યો હતો. કચ્છના દીવાન થયા પછી પોતાના પુત્રને બાનામાંથી છોડાવવા સિંધને ઠરાવેલી રકમ આપીને પુત્રને મુક્ત કરાવવા કચ્છ રાજ્ય પર દબાણ કરવા લાગ્યા. આથી ગોડજીએ તેની ધરપકડ કરાવી ઝેર આપીને મરાવી નાખ્યો. આ સમાચાર સિંધના ગુલામશાહને મળતાં તે ફરી કચ્છ પર લશ્કર લઈને ચડી આવ્યો, પરંતુ રાવ ગોડજી સાથે સમાધાન કરી પાછો ચાલ્યો ગયો, પરંતુ જતાં-જતાં માર્ગમાં કચ્છમાં આવતી સિંધુ નદીની શાખા પર કોરી બંધ બાંધી બન્ની અને લખપતમાં આવતું સિંધુનું પાણી બંધ કરતો ગયો.

કચ્છના ઇતિહાસમાં નોંધાયેલી આ ઘટના ઝારાના યુદ્ધનું તાત્કાલિક કારણ હોઈ શકે અને એ માટે પૂંજા શેઠ નિમિત્ત બન્યો, પરંતુ કચ્છ પર ચડાઈ કરવા પાછળ ગુલામશાહની મેલી મુરાદ બહુ લાંબા સમયથી ઘુંટાતી હતી અને કચ્છ સાથે દગોફટકો કરી યુદ્ધ કર્યું હતું જેના મૂળમાં પણ એક ઘટના રહેલી છે જેની વિગતો કચ્છના ઇતિહાસમાં ક્યાંય નોંધાઈ હોવાનું જણાતું નથી. આ ઘટનાની વિગતે વાત કરીએ.

૧૯૬પમાં પાકિસ્તાને કચ્છના કંજરબેટ અને બિયાલબેટ વિસ્તારમાં કબજો જમાવ્યો હતો અને પરિણામે યુદ્ધ થયું એ સમયે બહાર આવેલી એક નોંધ ઝારાના યુદ્ધનું મૂળ કારણ ઉજાગર કરે છે.

એક સમયે માત્ર સિંધનું કંજરબેટ જ નહીં, પણ રહીમ કી બજાર પણ કચ્છની હદમાં હતાં. એ પ્રદેશો કચ્છ રાજ્યના જ હોવાના દસ્તાવેજી આધારો ઝાલાવાડના ધાંગધ્રા રાજ્યના રાજ દફતરમાં હતા જે પાછળથી રાજ્ય સરકારના અભિલેખાગારમાં હોવાનું જાણવા મળે છે. આ પુરાવાઓ જોવા તથા મેળવવા આ લેખકના પ્રયાસ ચાલુ છે.

આ દસ્તાવેજમાં કચ્છ–ધાંગધ્રા અને સિંધ રાજ્યો વચ્ચે સિંધુનાં પાણી માત્ર કચ્છને જ નહીં, પણ છેક ઝાલાવાડ સુધી પહોંચાડવાના કરાર કરાયા હતા એની વિગતો હોવાનું જાણવા મળ્યું છે.

૧૯૬પના પાકિસ્તાન સાથેના યુદ્ધ સમયનો ૧૯૬૫ની ૪ મેના ‘કચ્છ મિત્ર’માં પ્રસિદ્ધ થયેલો એક અહેવાલ આ સમગ્ર ઘટનાને પ્રકાશમાં લાવે છે.

અગાઉ સિંધુ નદી છલકાતી ત્યારે એનાં પાણી કચ્છમાં લખપત, બન્ની, અબડાસા અને ગરડા પંથકમાં ફરી વળતાં. આ પાણીથી કચ્છમાં લાલ ચોખાનો મબલખ પાક લેવામાં આવતો.

સિંધુ નદીનાં છલકાતાં પાણીથી જો આટલો લાભ થતો હોય તો એના નીરને કચ્છમાં વહેવડાવીને એનો કાયમી લાભ કેમ ન મેળવી શકાય? એવો વિચાર કચ્છના રાવ દેશળજીને આવ્યો. આ પાણી કચ્છમાં લાવી કાચું સોનું પેદા કરવા રાવ દેશળજીએ તેના દીવાન દેવકરણને સિંધના ગુલામશાહ કલોરા સાથે કરાર કરવા મોકલ્યા.

અહીં એક હકીકત નોંધવી જરૂરી છે કે એક અખબારી અહેવાલમાં આ કરારનું વર્ષ ૧૭૬૧ જણાવ્યું છે, પરંતુ અહીં કોઈ સરતચૂક થઈ હોય એવું અનુમાન છે, કારણ કે  દેશળજીનો સમય ઈસવી સન ૧૭૧૯થી ૧૭પરનો છે અને તેમના સમયમાં જ દીવાન દેવકરણ હતા. આથી આ કરારનું વર્ષ એ દરમ્યાનનું હોઈ શકે. ઝારાનું યુદ્ધ ઈસવી સન ૧૭૬૧માં થયું હતું, પણ આ કરાર એ પહેલાં એટલે કે ૧૭૧૯થી ૧૭પર દરમ્યાન થયો હોવો જોઈએ.

એ સમયે ઝાલાવાડના રાજવી ગજેન્દ્રસિંહજી સાથે કચ્છ રાજ્યના સંબંધો સારા હતા આથી આ કરારમાં ગજેન્દ્રસિંહજી પણ જોડાયા હતા. તેમનો ધાંગધ્રાના રાજવી તરીકેનો સમય ઈસવી સન ૧૭૪પથી ૧૭૮રનો છે.

કચ્છ, ધાંગધ્રા અને સિંધ વચ્ચે સિંધુ નદીના નીર માટે કરાયેલા કરારની વિગતો આ પ્રમાણે હતી...

(૧) સિંધુ નદીનાં પાણી સિંધ રાજ્ય કચ્છ અને ધાંગધ્રા રાજ્યને આપે અને એની બદલીમાં...

(ર) કચ્છ રાજ્ય કંજરકોટથી રહીમ કી બજાર સુધીનો પ્રદેશ તથા ચાર લાખ કોરી રોકડ સિંધને આપે. (મતલબ કે કંજરકોટથી રહીમ કી બજાર સુધીનો પ્રદેશ કચ્છ રાજ્યનો હતો.)

(૩) આજ રીતે સિંધુનાં પાણીના બદલામાં ઝાલા રાણા ગજેન્દ્રસિંહજી સિંધ રાજ્યને એક લાખ વીસ હજાર રૂપિયા રોકડા આપે.

આ કરાર પછી કરારની શરત મુજબ કચ્છ રાજ્યે કંજરકોટથી રહીમ કી બજાર સુધીનો પ્રદેશ તથા ચાર લાખ કોરી રોકડ અને ગજેન્દ્રસિંહજીએ એક લાખ વીસ હજાર રૂપિયા રોકડા સિંધ રાજ્યને આપ્યા. આ કરારમાં કચ્છ રાજ્ય વતી દીવાન દેવકરણ તથા સિંધના દીવાન ગીધુમલ ચૌહાણ જોડાયા હતા. પરંતુ આ પ્રદેશો તથા રોકડ મેળવ્યા પછી ગુલામશાહ ફરી ગયો અને શરતનું પાલન કર્યું નહીં અને કચ્છ અને ધાંગધ્રા સિંધુનું પાણી મેળવી શક્યાં નહીં. તેણે કરારનો ભંગ કર્યો.

કચ્છ અને સિંધ વચ્ચે ઝારાના ડુંગરે લડાયેલા યુદ્ધમાં આ મુદ્દો જ મૂળ કારણભૂત છે અને આ કરારનો અમલ ન કરવો એ માટે જ ગુલામશાહે યુદ્ધ પછી કચ્છ છોડતી વખતે સિંધુ નહેરને આડ બંધ બાંધી કચ્છને સિંધુનાં પાણી માટેની શક્યતાઓ પર સિંધુનાં પાણી ફેરવી નાખ્યાં એવું પણ હોવું જોઈએ. એટલું જ નહીં, જ્યારે નદી છલકાતી ત્યારે આવતું પાણી પણ આ આડ બંધને કારણે બંધ થઈ ગયું.

જાણીતા લેખક સ્વ. દેવશંકર મહેતાએ આ કરારની નકલ જોઈ હોવાનું તથા ગુજરાત સરકારને એની નકલ પણ એ સમયે આપી જાણ કરી હોવાની નોંધ પણ વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા આ અહેવાલમાં કરાઈ છે.

આ હકીકત કચ્છના ઇતિહાસમાં ક્યાંય નોંધાઈ હોવાનું જોઈ શકાતું નથી, પણ આ અહેવાલ કચ્છના ઇતિહાસનો એક નવો અધ્યાય જરૂર ઉજાગર કરે છે.

kutch naresh antani columnists