જીવન ભલે અનિશ્ચિતતાઓથી ભરેલું હોય, માણસે પ્રયત્ન કરવાનું ચૂકવું ન જોઈએ

09 June, 2019 11:47 AM IST  |  | મુકેશ દેઢિયા - મની-પ્લાન્ટ

જીવન ભલે અનિશ્ચિતતાઓથી ભરેલું હોય, માણસે પ્રયત્ન કરવાનું ચૂકવું ન જોઈએ

મની-પ્લાન્ટ

મનુષ્ય પોતાની માન્યતાઓને અનુરૂપ હોય એ બાબતોને જ ગ્રહણ કરે છે એ વિશે આપણે ગયા વખતે વાત કરી. કોઈ એક કંપનીના શૅરના ભાવ વધતા હોય એ જોઈને રોકાણની સારી તક દેખાય એ માણસ કન્ફર્મેશન બાયસનો શિકાર બનતો હોવાનું પણ આપણે જોયું. એ વાતને આગળ વધારતાં કહેવાનું કે આપણે ઇન્ડક્ટિવ થિન્કિંગનો પણ સહેલાઈથી શિકાર થઈ જઈએ છીએ.

શું તમે ક્યારેય એવા શૅરમાં રોકાણ કર્યું છે જેના ભાવ મહિનાઓ સુધી સતત વધતા ગયા હોય? શરૂઆતમાં તમને કદાચ ચિંતા થઈ હશે, પરંતુ એની વૃદ્ધિ જોઈને તમે જીવનભરની બચતનું એમાં રોકાણ કર્યું હોઈ શકે. શું આ પગલું મૂર્ખામીભર્યું નથી? જોકે તમને એવું પણ લાગશે જેના ભાવ વધતા હોય એ સ્ટૉકમાં રોકાણ કરવાનું કોઈને પણ મન થાય. આવું મન થાય એ જ ઇન્ડક્ટિવ થિન્કિંગનું ઉદાહરણ છે. ન કરે નારાયણ ને એ સ્ટૉકનો ભાવ પછી ગગડવા માંડે તો જેણે જિંદગીભરની મૂડીનું એમાં રોકાણ કર્યું હોય એ માણસની શી હાલત થાય?

સામાન્ય રીતે લોકોને લાગતું હોય છે કે બધું સારુંં જ છે. શું થવાનું છે એની ખબર છે એવું લોકો કહેતા હોય છે, પરંતુ ખરેખર તો કાલનો કોઈ ભરોસો હોતો નથી. બેન્જામિન ફ્રૅન્કલિને એક વખત કહ્યું હતું કે ‘આ જગતમાં મૃત્યુ અને કરવેરા એ બન્ને વસ્તુઓ જ નિશ્ચિત છે, બીજું કાંઈ નહીં.’

ઇન્ડક્ટિવ થિન્કિંગને લીધે માણસ એવું વિચારવા લાગે છે કે મનુષ્યજાતિ બધા પડકારોને ઝીલીને ટકી રહી છે એથી ભવિષ્યમાં પણ ટકી રહેશે. જોકે આ જગતમાં અણધારી ઘટનાઓ તો બનતી જ રહેવાની.

આવા વિરોધાભાસી વિચારોને લીધે મને એવો સવાલ જાગે છે કે હું કેવી રીતે ટકી શકીશ? આ પ્રશ્ન હાલના સ્પર્ધાત્મક યુગમાં ખરેખર ચર્ચા જગાવનારો છે. આપણને ફક્ત સફળ સ્ટાર્ટઅપ દેખાડવામાં આવે છે, પરંતુ બીજાં એવાં સંખ્યાબંધ સ્ટાર્ટઅપ પણ હોય છે જે નિષ્ફળ ગયાં હોય છે. હું સફળ થઈશ એની સંભાવના ગાણીતિક દૃષ્ટિએ ભલે ઓછી હોય, પણ જ્યાં સુધી સફળ ન થાઉં ત્યાં સુધી પ્રયાસ તો ચોક્કસપણે કરી શકું છું. મનોજગતમાં સર્વાઇવરશિપ બાયસ નામનું પણ એક પરિબળ હોય છે. એનો અર્થ એવો થયો કે લોકો સફળ થવાની પોતાની શક્યતા વિશે વધુપડતો અંદાજ બાંધી લે છે. રોલ્ફ ડોબેલી કહે છે કે દરેક માણસે નિષ્ફળ પ્રોજેક્ટ્સને ધ્યાનમાં લઈને એમાં થયેલી ભૂલમાંથી બોધપાઠ લેવાનો હોય છે.

ફક્ત પરિણામ પર નજર રાખીને આગળ વધવામાં આવે અને સફળતા-નિષ્ફળતાની શક્યતાનો વિચાર કરવામાં નહીં આવે તો નિર્ણય લેવામાં ભૂલ થઈ શકે છે. એને નિગ્લેક્ટ ઑફ પ્રોબેબિલિટી કહેવાય છે. આનું એક ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે તમે બે દિવસમાં મલેશિયા જવાના છો અને તમને સમાચારમાં જોવા મળે છે કે એક પ્લેન ટેક્નિકલ ફૉલ્ટને કારણે જમીનદોસ્ત થયું છે. તમને એ પણ જાણવા મળે છે કે એ દુર્ઘટનામાં એક પણ મુસાફર બચ્યો નથી. તમે બીજો કોઈ વિચાર કરવાને બદલે સીધા ફ્લાઇટનું બુકિંગ કૅન્સલ કરાવવા દોડી જાઓ છો. તમારા પ્લેનની પણ હોનારત થાય એવું જરૂરી નથી એવો વિચાર કરવા પણ તમે રોકાતા નથી.

બીજું એક ઉદાહરણ... ધારો કે તમે ભરપૂર નફો થવાની શક્યતા જોઈને કોઈ એક સ્ટાર્ટઅપમાં રોકાણ કરો છો. બિઝનેસ નવો હોવાથી કદાચ એટલોબધો નફો ન પણ થાય એવો વિચાર કરતા નથી. આ શક્યતા તરફ દુર્લક્ષ કરવાને કારણે તમારું પગલું ખોટું પડે એ શક્ય છે. આપણે સહેલાઈથી મળી જતી માહિતીને વધુ મહત્વ આપીએ છીએ અને માહિતીની ગુણવત્તા તરફ આંખ આડા કાન કરીએ છીએ.

આ પણ વાંચો : મનુષ્ય એ જ વાતો ગ્રહણ કરે છે, જે તેની માન્યતાઓને અનુરૂપ હોય છે

આવા સંજોગોમાં નિષ્ફળ જતાં કેવી રીતે બચવું જોઈએ? શું સમાચાર ન જોવા જોઈએ કે સ્ટાર્ટઅપમાં રોકાણ ન કરવું જોઈએ? ના, એવું કરાય નહીં, કારણ કે એ સાચો ઉપાય નથી. તમારે એવી માહિતી શોધવી જોઈએ જે સહેલાઈથી પ્રાપ્ત થતી ન હોય. માણસની જોખમ લેવાની ક્ષમતા અને તૈયારીના આધારે એનું મૂલ્ય અંકાય છે. આથી પ્રયત્ન કરવાનું ચૂકવું જોઈએ નહીં. એમ કરીને તમે ટકી શકો છો. જોકે તમારી મહેનત રંગ લાવે અને તમે જીવનમાં સફળ બનો એ માટે નસીબે પણ સાથ આપવો જોઈએ. શક્યતા એટલે શક્યતા જ હોય છે. જીવનમાં બધું શક્યતા જ હોય છે. એ શક્યતાઓનો વિચાર કરીને તેમને સમજી લીધા બાદ યોગ્ય નિર્ણય લેવા જોઈએ. જોકે એ પણ કહેવું જરૂરી છે કે સાચા નિર્ણયો હંમેશાં ધાર્યું પરિણામ લાવે એ પણ જરૂરી નથી.

weekend guide columnists