મોહમ્મદ રફી પ્રોડ્યુસર્સને મહેન્દ્ર કપૂરની ભલામણ કરતાં કહેતા....

15 March, 2020 05:06 PM IST  |  Mumbai Desk | Rajani Mehta

મોહમ્મદ રફી પ્રોડ્યુસર્સને મહેન્દ્ર કપૂરની ભલામણ કરતાં કહેતા....

આપણે જોયું કે કઈ રીતે સંગીતકાર નૌશાદે મહેન્દ્ર કપૂર પર ભરોસો મૂકીને ફિલ્મ ‘સોહની મહિવાલ’નું એક મુશ્કેલ ગીત ‘ચાંદ છુપા ઔર તારે ડૂબે, રાત ગઝબ કી આઇ’ રેકૉર્ડ કરવાનું નક્કી કર્યું. એ કિસ્સો યાદ કરતાં મહેન્દ્ર કપૂર કહે છે...
‘જે દિવસે રેકૉર્ડિંગ હતું એના આગલા દિવસે હું રિહર્સલ માટે તેમના ઘરે ગયો હતો. કામ પતાવીને ઘરે જતો હતો ત્યારે નૌશાદસા’બ મને કહે, ‘મહિન્દર, રિહર્સલ તો હો ગઈ, અબ કલ રેકૉર્ડિંગ હૈ. મુઝે એક ચીઝ માગની હૈ.’
હું થોડો ગભરાયો. શું વાત હશે એનો વિચાર કરતાં મેં પૂછ્યું, ‘ક‌હિએ.’
‘બસ, કલ મેરી લાજ રખ લેના.’ તેમની આ વાત સાંભળીને મારા પગ નીચેની જમીન સરકી ગઈ. મારા પર કેટલી મોટી જવાબદારી છે એનો મને અહેસાસ થયો. એ આખી રાત મને ઊંઘ ન આવી. કાલે શું થશે એના જ વિચારો આવ્યા કર્યા. મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતો રહ્યો કે મને શક્તિ આપજે કે નૌશાદસા’બને નીચા જોવાપણું ન થાય.’
‘એ દિવસ મને બરાબર યાદ છે. હું ખૂબ જ એક્સાઇટેડ હતો, સાથે થોડો નર્વસ પણ હતો. રેકૉર્ડિંગ શરૂ થવાને પાંચ મિનિટની વાર હતી. હું સિંગરની કૅબિનમાં જતો હતો ત્યાં નૌશાદસા’બ મને કહે, ‘જરા ઠહેરો.’ આમ કહીને તેમણે નમાઝ અદા કરી. મને મારા ભૂતકાળના દિવસો યાદ આવી ગયા, જ્યારે હું રફીસા’બ સાથે રેકૉર્ડિંગમાં જતો. તેમનાં ઘણાં અમર ગીતોનાં રેકૉર્ડિંગનો હું સાક્ષી છું. રેકૉર્ડિંગ પત્યા બાદ લોકોની વાહ-વાહ સાંભળીને રફીસા’બ નમ્રતાથી કહેતા, ‘યે સબ ઉપરવાલે કી મહેરબાની હૈં. ઇન્સાન કુછ નહીં કર સકતા.’ મેં સરસ્વતીમાતાને યાદ કરીને પ્રાર્થના કરી મા, કૃપા કરના કી સહી સૂર લગે.’
‘બીજી એક વાત એ હતી કે નાનપણથી રફીસા’બ સાથે સ્ટુડિયોમાં આવતો-જતો હતો એટલે ત્યાંના વાતાવરણથી પરિચિત હતો. કઈ રીતે ટેક લેવાય છે, રેકૉર્ડિંગની શું સિસ્ટમ છે. મ્યુઝિશ્યન્સ સાથે કેમ વ્યવહાર કરવો. એ ઉપરાંત નાની-મોટી ટેક્નિકલ બાબતોની મને જાણકારી હતી. એ છતાં, લગભગ ૧૧૦ મ્યુઝિશ્યન્સ સાથે ગીત રેકૉર્ડ કરવું એ સહેલી વાત નહોતી. એની સાથે નૌશાદસા’બની વાત પણ મને યાદ આવતી હતી એટલે મનમાં થોડો ડર હતો કે બધુ સમુંસૂતરું પાર ઊતરે તો સારું. ફરી એક વાર મેં ઈશ્વરને યાદ કર્યા અને રેકૉર્ડિંગ શરૂ થયું.’
ઈશ્વરકૃપાથી મારા એવા સૂર લાગ્યા કે દરેક ખુશ થઈ ગયા. ભગવાને મારી લાજ રાખી. પાછળથી મને ખબર પડી કે મેહબૂબ સ્ટુડિયો આખા દિવસ માટે બુક કરવામાં આવ્યો હતો, પરંતુ ત્રણ કલાકમાં જ ગીત રેકૉર્ડ થઈ ગયું. નૌશાદસા’બ મને ગળે વળગીને કહે, ‘મિયાં, તુમને તો કમાલ કર દિયા. ઈતના લાજવાબ ગાના ગાયા કી લોગ માન નહીં સકતે કી એક નયા લડકા ગાના ગા રહા હૈ.’ યે સબ સુનકર મુઝે રફીસા’બ કી બાત યાદ આયી. ‘યે સબ ઉપરવાલે કી મહેરબાની હૈ’. મૈં તો ઐસા માનતા હૂં કી ઉપરવાલે કે સાથ મુઝ પર રફીસા’બ કી દુવાએં ભી બહુત થી.’
મહેન્દ્ર કપૂરની વાતો સાંભળતાં રફીસા’બ માટેનો અહોભાવ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવતો હતો. મેં એવા કિસ્સાઓ સાંભળ્યા છે જ્યાં રફીસાહેબે ખુદ મહેન્દ્ર કપૂરના નામની ભલામણ કરી હોય. એ વાતની સચ્ચાઈ જાણવા મેં તેમને પૂછ્યું કે આ સાચી વાત છે?
જવાબમાં મહેન્દ્ર કપૂર કહે છે, ‘મહેતાજી, યે સોલા આના સચ બાત હૈ. બહુત સે પ્રોડ્યુસર ઉનકે પાસ આતે થે તો ઉનકો કહેતે થે, એક નયા લડકા આયા હૈ, આપને સુના હૈ? બહુત અચ્છા ગાતા હૈ. ઉસકો ચાન્સ ક્યું નહીં દેતે?’ ઈસ તરહ વો મેરી સિફારિશ કરતે. કૌન ઐસા કર સકતા હૈ.’
મહેન્દ્ર કપૂરની આ વાત સાંભળી મને સંગીતકાર રામલાલ સાથેની મારી એક મુલાકાત યાદ આવી. એક વિખ્યાત શહેનાઈવાદક અને સંગીતકાર રામલાલ મુંબઈમાં ખેતવાડીની ચાલમાં જે હાલતમાં રહેતા હતા એ ખરેખર દયનીય હતું. આપણા સમાજની નબળાઈ ગણો કે ઉદાસીનતા, એ હકીકતનો ઇનકાર થાય એમ નથી કે આપણા કલાકારોને પાછલી જિંદગીમાં જે હાલતમાં જીવવું પડે છે એનો આપણને નથી અહેસાસ કે નથી અફ્સોસ. ઉમાશંકર જોશી કહેતા, ‘જે સમાજ પોતાના સાંસ્કૃતિક વારસાને, તેના પ્રહરીઓને યોગ્ય માન-સન્માન આપીને જાળવવામાં નિષ્ફળ જાય છે એ સંસ્કૃતિ જલદીથી વિસરાઈ જાય છે.’ મારી સાથેની મુલાકાતમાં ફિલ્મ ‘સહેરા’ના લોકપ્રિય ગીત ‘તકદીર કા ફસાના, જા કર કિસે સુનાએ, ઈસ દિલ મેં જલ રહી હૈ અરમાન કી ચિતાએં’નો એક રસપ્રદ કિસ્સો શૅર કરતાં રામલાલ કહે છે, ‘આ ગીત માટે વી. શાંતારામની પસંદગી મહેન્દ્ર કપૂરની હતી, પણ મારો આગ્રહ મોહમ્મદ રફી માટે હતો. શાંતારામ માનતા કે નવા કલાકારને મોકો આપીએ. મારે મન આ ગીત રફીસા’બ સિવાય કોઈ ગાઈ જ ન શકે. મહેન્દ્ર કપૂર પણ આવું માનતા. જોકે વી. શાંતારામ મક્કમ હતા એટલે મહેન્દ્ર કપૂરના સ્વરમાં આ ગીત રેકૉર્ડ કરવાનું નક્કી થયું. રિહર્સલ દરમ્યાન મહેન્દ્ર કપૂરે જોયું કે હું સંતુષ્ટ નહોતો. તેણે વી. શાંતારામની મંજૂરી લઈને રફીસા’બને આ વિનંતી કરી. તેમણે ઇનકાર કરતાં મને કહ્યું કે મહેન્દ્ર કપૂર કાબેલ છે, ગીતને ન્યાય આપશે. તમે તેની પાસે જ ગવડાવો. અંતે મહેન્દ્ર કપૂરે રફીસા’બને આગ્રહ કરીને કહ્યું કે તમે જ મારા ગુરુ છો એ નાતે મારી વિનંતી છે કે તમે આ ગીત ગાવ. ઘણી આનાકાની બાદ રફીસા’બ માન્યા અને આ ગીત તેમના સ્વરમાં રેકૉર્ડ થયું. (એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે. અહીં કોણ સારું અને કોણ નરસું એ વાત નથી કરવી. મારો આશય કેવળ હકીકત રજૂ કરવાનો છે.)
વાત આટલાથી અટકતી નથી. કહાની મેં એક ઔર ટ‍્વિસ્ટ અભી બાકી થા. આ ઘટના હિન્દી ફિલ્મસંગીતમાં એક એવા બનાવ માટે નિમિત્ત બની જેની કોઈએ કલ્પના નહોતી કરી. આ કિસ્સો મને આપણા એક વરિષ્ઠ સન્માનનીય ગુજરાતી સંગીતકાર (જે હયાત નથી) પાસેથી જાણવા મળ્યો. પૂરી વાત તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે. પ્લેબૅક સિંગર્સ અસોસિએશનની એક મીટિંગમાં રૉયલ્ટી બાબતે ચર્ચા થતી હતી. લગભગ તમામ સિંગર રૉયલ્ટી લેવા બાબતે એકમત હતા; સિવાય મોહમ્મદ રફી. તેમનો મત એવો હતો કે એક વાર મોંમાગ્યા પૈસા લઈને ગીત ગાયા પછી એના પર આપણો કોઈ હક નથી અને આવા અણહકના પૈસામાં મને રસ નથી. છેવટે આ આખી ચર્ચામાં લતા મંગેશકર અને મોહમ્મદ રફી સામસામે દલીલ કરવા માંડ્યાં. એ દિવસે લતા મંગેશકરનો મિજાજ જોવા જેવો હતો. દલીલોનું સ્વરૂપ બદલાયું અને આક્ષેપબાજી થવા લાગી. ત્યાં એક વાત સાંભળી મોહમ્મદ રફી તેમનો રહ્યોસહ્યો સંયમ પણ ગુમાવી બેઠા.
લતા મંગેશકરે તેમને કહ્યું, ‘આપ જીદ પર ઊતર આયે હો ઔર હાં, મૈંને સુના હૈ આજકલ આપ નયે સિંગરોં કે ગાને ભી છીન રહે હો. આપ અપને આપકો ક્યા સમઝ રહે હો? યહાં હમ સબ સિંગરોં કી ભલાઈ કે લિએ ઈતની મહેનત કર રહે હૈં ઔર આપ બાત હી નહીં સમઝ રહે હો.’
લતા મંગેશકરનો ઇશારો ‘સહેરા’ના ગીત ‘તકદીર કા ફસાના...’ તરફ હતો, પરંતુ એની પાછળની પૂરી હકીકત તો જુદી હતી. આવા અણધાર્યા આક્ષેપથી તે ગુસ્સામાં ઊકળી પડ્યા અને લગભગ ચીસ પાડતાં લતા મંગેશકરને કહ્યું, ‘યે સરાસર ગલત બાત હૈ. ઐસી બેતુકી બાતેં કરને કા આપકો કોઈ હક નહીં હૈ. મૈં ખુદાસે ડરનેવાલા આદમી હૂં. મૈં કિસી સે રૉયલ્ટી માગનેવાલા નહીં હૂં; ઔર હાં, આજસે આપકે સાથ ગાના ભી નહીં ગાઉંગા.’ આટલું બોલતાં તેઓ ઊભા થઈ ગયા.
આ સાંભળી લતા મંગેશકર બોલ્યાં, ‘આપ ક્યોં તકલીફ લે રહે હો, મૈં ભી આપકે સાથ ગાના નહીં ગાઉંગી.’ હાજર રહેલા તમામ સ્તબ્ધ થઈ ગયા. ત્યાર બાદ આ બે દિગ્ગજ કલાકારોએ એકમેક સાથે ગાવાનું બંધ કર્યું અને કરોડો સંગીતપ્રેમીઓએ શું ગુમાવ્યું એ આપણને ખબર છે. એ સાથે બન્ને કલાકારોને પણ અહેસાસ તો થયો જ હશે. તેમની મનોસ્થિતિ ‘બેફામ’ના આ શેર જેવી હશે...
આમ તો હાલત અમારા બેઉની સરખી જ છે
મેં ગુમાવ્યા એમ તેણે પણ ગુમાવ્યો છે મને
જોકે લગભગ ત્રણ વર્ષના અબોલા બાદ બન્ને વચ્ચે સમાધાન થયું અને ફરી એક વાર આપણને અમર ગીતો મળ્યાં.
ફરી પાછા મહેન્દ્ર કપૂરની વાતો તરફ આવીએ. રફીસાહેબના બીજા મજેદાર કિસ્સા શૅર કરતાં તેઓ કહે છે, ‘જબ મૈં સ્કૂલ મેં થા ઔર ઉનકે ઘર સીખને જાતા થા ઉન દિનોં કી બાત હૈ. એક દિન ઉનકા ફોન આયા, ‘આજ ક્યા કર રહા હૈ?’
એ દિવસે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ હતી એટલે સ્કૂલમાં રજા હતી. મેં કહ્યું, ‘ખાસ કાંઈ નહીં.’ તો કહે, ‘આજે ઑલ ઇન્ડિયા રેડિયો પર એક કાર્યક્ર્મ છે. તું પણ મારી સાથે આવ.’ હું તેમની સાથે ગયો. તેમણે ભજન ગાયાં. મેં તાનપૂરા પર તેમની સાથે સંગત કરી. કાર્યક્ર્મ પૂરો થયો અને અમે નીચે આવ્યા ત્યાં છોકરા-છોકરીઓની ભીડ હતી. રફીસા’બને જોઈ તેઓ We want autograph, We want autograph કહેવા લાગ્યાં. આ સાંભળીને રફીસા’બ મને પંજાબીમાં પૂછે છે, આ લોકો શું કહે છે? મને પણ ઑટોગ્રાફ એટલે શું એ ખબર નહોતી એટલે મેં તેમને પૂછ્યું, ‘What do you want? એટલે જવાબ મળ્યો ‘Signature.’ મેં તેમને કહ્યું, તમારી સાઇન જોઈએ છે. તો મને કહે, તું હી લીખ દે. હું પણ કઈ વિચાર્યા વિના લખવા માંડ્યો મોહમ્મદ રફી, મોહમ્મદ રફી. એ એટલા સીધાસાદા હતા કે ન પૂછો વાત.
તેમના મારા પર અનેક ઉપકાર છે. સાચા અર્થમાં તે મારા ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ હતા. મને હંમેશાં કહેતા, ‘આ લાઇનમાં રહેવું હોય તો જીવનભર ત્રણ વાત યાદ રાખજે; એક, હંમેશાં આંખોને ઝૂકેલી રાખજે. કોઈની સામે આંખ ઊઠવી ન જોઈએ. બીજું, કદી કોઈની સાથે ઝઘડો ન કરતો, પોતાનો અહમ્ નહીં બતાવતો અને ત્રીજું, કૅરૅક્ટરનો ખૂબ ખ્યાલ રાખવો. ખોટી સોબતથી દૂર રહેવું. આ દુનિયામાં કૅરૅક્ટર બહુ મહત્ત્વની ચીજ છે. એના પર એક દાગ ન લાગવો જોઈએ. જો આટલી વાતોનું ધ્યાન રાખીશ તો દુનિયામાં તને કોઈ હરાવી નહીં શકે.’
મને યાદ છે કે મારા જીવનની પહેલી પ્લેનની મુસાફરી તેમણે કરાવી છે. મરફી–મેટ્રોની કૉમ્પિટિશન વખતે તેમણે મને કહ્યું હતું કે ‘જો તું જીતી જઈશ તો હું તને કલકત્તા મારા શોમાં લઈ જઈશ. અમે પ્લેનમાં કલકત્તા ગયા. રાતના ૧૨ વાગ્યે અમે પહોંચ્યા. કોઈ અમને રિસીવ કરવા આવ્યું નહીં. ત્યાં ગ્રૅન્ડ હોટેલમાં અમારો ઉતારો હતો. રફીસા’બ તો સીધાસાદા માણસ એટલે અમે તો અમારી રીતે હોટેલ પહોંચી ગયા. મોડી રાતે અમે ટેરેસમાં આંટા મારતા હતા. આકાશમાં નજર નાખીને કહે, ‘યે ચાંદ, યે તારે, કમાલ હૈ કુદરત કા. તુઝે પતા હૈ? તેરા યે ઉસ્તાદ હૈના; ઉસે કુછ નહીં આતા. સબ ઉસ કી કરામત હૈ. અગર ઉસ કી ઇજાજત ન હો તો યે થૂંક હૈ ના વો ભી ગલે સે નીચે નહીં ઊતરેગા, ગલે મેં અટક જાએગા. યે જો મેરા નામ હૈ, યે ‘બૈજુ બાવરા’ કે ગાને ચલે હૈ, યે સબ ઉન કી મહેરબાની હૈ.’
તેમની વાતો હું ધ્યાનથી સાંભળતો હતો. મેં કહ્યું, ‘સહી બાત હૈ’ એટલે કહે, ‘તો ફિર ચલ, સજદા કર લે’ અને અમે બન્ને જમીન પર નાક રગડીને ઉપરવાળાનો અહેસાન માન્યો. હંમેશાં કહેતા, ‘પતા નહીં, લોગોં કો મેરા ગાના ઇતના પસંદ ક્યું આતા હૈ. સબ અચ્છા ઐસે હી હો જાતા હૈ. મેરે સે ભી અચ્છે અચ્છે ગાનેવાલે હૈં, અચ્છે ફનકાર હૈં. પતા નહીં, માલિક કી ક્યું ઇતની મહેરબાની હૈ.’
પોતાના ગુરુની એક વધુ વાત મહેન્દ્ર કપૂરને યાદ આવે છે. તેઓ મને કહેતા, મોહિન્દર, યે દુનિયા બડી ખરાબ હૈ, મેરે તેરે બીચ ઝઘડા કરાને કી બહુત કોશિશ કરેંગી. ખયાલ રખના, ઉન કી બાતોં મેં કભી નહીં આના. ઐસા કરતે હૈં, હમ દોનોં કભી સાથ નહીં ગાએંગે.’
રફીસા’બ કે લિએ મેરે દિલ મેં બહુત ઇજ્જત હૈ. એક બાર લંડન મેં મેરા શો થા. મુઝે પતા ચલા કી રફીસા’બ કે બેટે શોમેં આએ હૈં ઔર મુઝે મિલના ચાહતે હૈં. મૈંને દોનોં કો સ્ટેજ પર બુલાયા, હાર પહનાયા ઔર ઉનકે પાંવ છૂએ. લોગોં કો યે અજીબ સા લગા. મૈંને કહા, ‘મૈં ઇન કે પાંવ છુકર બમ્બઈ મેં મેરે ગુરુ બૈઠે હૈંના, ઉનકે પાંવ છુ રહા હૂં. ‘જબ બમ્બઈ આયા તો રફીસા’બને મેરા શુક્રિયા અદા કિયા. ઇમોશનલ હોકર મુઝે ગલે લગા લિયા.’
‘પોતાના ગુરુ મોહમ્મદ રફીની વિદાય સમયની દુખદ ક્ષણોને યાદ કરતાં મહેન્દ્ર કપૂર કહે છે, ‘અચાનક વો ચલે ગયે. ન તો ઉન કે જૈસા કોઈ સિંગર હોગા, ન ઉન કે જૈસા કોઈ બંદા. જબ ઉન કા આખરી દીદાર કરને ગયા તો ઐસે લગતા થા કોઈ શેર સોયા હો. ચહરે પર વોહી મુસ્કુરાહટ થી. માનો અભી ઊઠકર બોલેંગે, ‘અરે મોહિન્દર, તુ આ ગયા, ચલ રિયાઝ શુરૂ કરતે હૈં.’

rajani mehta weekend guide columnists