20 March, 2024 05:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલસ્ટ્રેશન
‘આસ્તિક!’
આરોહી ઝૂમી રહી. ક્રિકેટનો પોતાને શોખ અને આસ્તિકના શરૂઆતના દિવસોની બૅટિંગ હતી જ એવી
ધુઆંધાર કે આખું ઇન્ડિયા આફરીન પોકારી ગયેલું.
આરોહી ત્યારે કૉલેજમાં. કૉલેજના ગ્રુપમાં
ક્રિકેટર્સની વાત નીકળતી અને ભૂલેચૂકેય કોઈ આસ્તિકની વિરુદ્ધ કંઈ બોલી ગયું તો ખલ્લાસ.
‘ચિલ યાર, તું તો એનો એવો ડિફેન્ડ કરે છે જાણે તે તારો વર હોય!’
એકાદ બહેનપણીએ અમસ્તી ટકોર કરી ને આરોહી ડઘાઈ ઃ ‘આસ્તિક મારો વર!’
એકલા પડતા આ શબ્દો ગુંજવા લાગ્યા, પોતે આસ્તિક સાથે ફેરા લઈ રહી છે એ કલ્પના માત્ર તેના મનને ઘેલું કરવા પૂરતી હતી ઃ હું પરણીશ તો આસ્તિકને જ. અલબત્ત આસ્તિક તરફથી કન્ફર્મેશન મળે ત્યાં સુધી પોતાના ઇરાદાની ભનક કોઈને આવવી ન જોઈએ એટલી સૂઝ તો રહી, એટલે પણ માવતરને દીકરી પ્રશંસકની સીમારેખા ઓળંગી ચૂકી હોવાનો અણસાર નહોતો.
અને હાલ ભલે તેનો ડાઉનફૉલ ચાલતો હોય, ભલેને ધૅટ ડાન્સ-ક્વીન રેહાના સાથે તેના અફેરની અફવા ઊડતી હોય. સોશ્યલ મીડિયાની તેની રિપ્લાયમાં આવતું હાર્ટનું ઇમોજી આરોહીને મન પૂરતું હતું. તે બીજા ઘણાને આવા ઇમોજી મોકલતો હોય છે, પણ એ તો તેણે ફૅન્સને નારાજ નથી કરવા એટલે. બાકી હું તો તેને, ભલે અલપઝલપ પણ સ્ટેડિયમના ડ્રેસિંગરૂમમાં મળી છું. સીધો સ્પષ્ટ લવલેટર તો નહીં, તોય મેં લખેલા લેટર્સમાં મારી ઊર્મિની ઝલક આપી પણ છે. આ બધા પછીય તે મને ઇમોજી મોકલે તો તેનું હૈયુંય મારા માટે ધડકતું હશે, તો જને!
હા, પોતે આસ્તિકને ચાહતી ન હોત તો આંખ મીંચીને આકારના પ્રેમમાં પડી હોત.
આરોહીએ પલંગ પર પડતું મૂક્યું. આસ્તિક સાથેની મારી મોહબ્બતનો ભેદ પચાવનારા એ જુવાને ખરા અર્થમાં ભરોસો નિભાવી જાણ્યો. પાછું કેટલું દૂરનું વિચારે છે ઃ મારા ગેસ્ટ તરીકે તમે મૅરેજમાં આવી જ શકો, પણ એ સમયે આસ્તિક મળે ન મળે. વળી મારા ઘરે રોકાવું તમારા પેરન્ટ્સનેય ગળે નહીં ઊતરે - સો તમે ઇવેન્ટ કંપનીના એમ્પ્લૉઈ તરીકે આસ્તિકના ટેન્ટવાળા એરિયામાં ડ્યુટી મળે એવું ગોઠવ્યું છે. તમને ફાવશેને?’
‘આસ્તિક માટે મને બધું જ ફાવશે.’
આકારને કેમ સમજાવું કે ઉત્સવ-સાંવરીનાં લગ્નનો ઇન્તેજાર એ બેઉને હોય એનાથી વધુ હવે મને છે!
lll
આસ્તિક!
રેહાના ચીખી ઊઠી, દાઝ્યા પર મુકાયેલા સિગારેટના બીજા ડામે ચામડી બળવાની ગંધ પ્રસરી ગઈ. અંતરમાંથી હાય ઊઠી.
નસીબની દાઝેલી હું જિંદગીના દરેક સંબંધે દાઝતી જ રહી. વહેતાં આંસુ સાથે રેહાના સાંભરી રહી.
કલકત્તાના બંગાળી પિતા અને મુસ્લિમ માતાની દીકરી તરીકે જન્મેલી રેહાનાએ સમજ આવી ત્યારથી માબાપને ઝઘડતાં જ જોયાં. પિતાને દીકરીના મુસ્લિમ નામનો વાંધો હતો, માને હિન્દુ અટકનો. બાર વર્ષની ઉંમરે તેમના ઝઘડાનો કાયમ માટે અંત આવી ગયો. મા બંગલાદેશી મુસ્લિમને પરણી પરદેશી થઈ ગઈ, પિતાએ પણ હિન્દુ સ્ત્રી સાથે પુનર્વિવાહ કર્યા ને બેઉના નવા સંબંધમાં દીકરીનું સ્થાન નહોતું. કન્યા આશ્રમમાં ભરતી થવાથી બૉલીવુડની ડાન્સ-ક્વીન બનવા સુધીની જર્નીમાં ઘણાં સમાધાન, ઘણા ઉતાર-ચડાવ આવ્યા, પણ આસ્તિકને પામવાની ઘડીએ લાગ્યું કે ઇઝ વૉઝ ઑલ વર્થ!
આશ્રમની ગુરુમાએ મારી નૃત્યની નૈસર્ગિક પ્રતિભા પારખી ન હોત, ડાન્સ-ક્લાસમાં મૂકી એને તરાશી ન હોત તો જાણે હું ક્યાં હોત! અરે મુંબઈ આવી બે-ચાર પ્રોડ્યુસરની પથારી ગરમ કરી બૉલીવુડમાં પ્રવેશી ન હોતને તો આસ્તિક પણ મને ક્યાંથી મળત!
ક્રિકેટ-બૉલીવુડનો સંબંધ પુરાણો છે. એકાદ સેલિબ્રેશનમાં અમે પહેલી વાર ભગાં થયાં. આસ્તિક તો ત્યારે ચડતો સિતારો ને પોતેય પ્રસિદ્ધિની ચરમસીમાએ.
રાજકોટના પેરન્ટ્સની જરૂરિયાતો આર્થિક સુખથી સરભર કરી આસ્તિક મુંબઈના પેન્ટહાઉસમાં ફ્રી લાઇફ માણતો. પહેલી વાર શૈયાસુખ માણ્યું ત્યારે બેમાંથી કોઈ વર્જિન નહોતું, પણ એ અનુભવ બહુ જલદી આકર્ષણને પ્રણયના એકરાર સુધી દોરી ગયો.
રેહાના સાંભરી રહી ઃ
પ્રણય. જિંદગીની ઠોકરોથી બરડ થઈ ગયેલા હૈયાની એક કુમળી કુંપળ પોતે અસ્તિત્વના પેટાળમાં દફનાવી રાખી હતી, સમણાના સિંચનથી એને તાજી રાખી હતી ઃ મારું લગ્નજીવન, સ્નેહજીવન મારા માવતર જેવું નહીં હોય. માની જેમ હું મારા પતિ સાથે ઝઘડો કદી નહીં કરુ, એને સમર્પણથી મારો બનાવીશ...
જતનથી જાળવેલી કુંપળ આસ્તિકના આગમને નવપલ્લવિત થઈ મહોરી ઊઠી. આસ્તિક કન્યાઓના હાર્ટથ્રોબ સમો હતો અને છતાં તોની ચાહતમાં વફા હતી, રેહાના તેના પર સમરકંદ બુખારા ઓવારી જતી. લગ્ન માટે તે અધીરી હતી, પણ આસ્તિક ટાળી જતો એમાં રેહાનાને ટાળવાની વૃત્તિ તો બિલકુલ નહોતી ઃ તારી-મારી કરીઅર પિક પર છે, એને એન્કૅશ કરી લઈએ.
એટલે પણ મીડિયાની ગૉસિપને બેઉ ગ્રેસફુલી ડિનાય કરતાં રહ્યાં, નૅચરલી.
તકલીફ શરૂ થઈ આસ્તિકની ફેલ્યરથી. ગ્લૅમરમાં રમમાણ રહેતો તે પ્રૅક્ટિસમાં પૂરતો સમય જ ન આપતો, પરિણામે ઝંઝાવાતી બૅટિંગ ધીરે-ધીરે ઝીરોના સ્કોર પર સમેટાવા લાગી. મીડિયામાં તે ટ્રોલ પણ થતો, રેહાના તેને સમજાવવા જતી તો રિસાઈ જતો ઃ હવે તું પણ મને ઉપદેશ આપવાની!
એમાં પછી અપશબ્દ અને એક તબક્કે મારપીટ ભળી ઃ તું સ્ટાર છે એની ફિશિયારી મારી આગળ તો દાખવીશ જ નહીં!
રેહાનાને આસ્તિકમાં તેના પિતાની છબિ દેખાતી ને તે વિદ્રોહ કરવા તત્પર મનને વશ કરતી ઃ ના, તારે મારી મા જેવો પ્રત્યાઘાત તો નથી જ આપવાનો! તું બસ આ સમય જાળવી લે.
રેહાના જતું કરી આસ્તિકની ગલતીઓને જાળવતી ગઈ અને
પછી આવી દોઢ વર્ષ અગાઉની એ ગોઝારી ક્ષણ.
અત્યારે પણ તેને સાંભરતી રેહાનાએ નિઃશ્વાસ નાખ્યો.
સતત ફેલ જતાં આસ્તિકને ડ્રૉપ કરવાનું નક્કી હતું. ખુદ સિલેક્શન કમિટીના ચૅરમૅન ગિલસાહેબે તેને અંદરની માહિતી આપી હતી.
‘સાથે તેમણે એક ઑફર પણ
મૂકી છે.’
આસ્તિકને સંકોચાતો જોઈ રેહાનાના કપાળે કરચલી ઊપસી. કેવી ઑફર?
‘મારું ભવિષ્ય હવે તારા હાથમાં છે રેહાના!’ આસ્તિકે એકશ્વાસમાં કહી દીધું. ‘ગિલનો ડોળો તારા પર છે. તેને આપણા રિલેશનની ખબર છે. તું જો તેની સાથે ગોવાના રિસૉર્ટમાં એક વીક-એન્ડ ગાળી આવે.’
રેહાના સ્તબ્ધ.
‘કમ ઑન, ફિલ્મનો બ્રેક મેળવવા તેં જિસ્મનું નજરાણું ધરેલું જને, આજે મારી કરીઅર ખાતર તું આટલું નહીં કરે?’ તેણે ઇમોશનલ કાર્ડ વાપર્યું, ‘આ જ તારો પ્યાર?’
અને આ તારો પ્યાર? મારી સાથે સૂવા માગતા આદમીનું તેં મોં કેમ ન તોડી નાખ્યું?... હોઠ સુધી આવેલા વિદ્રોહને તે બળજબરી ગળી ગઈ ઃ આસ્તિકની દલીલમાં તથ્ય છે. મારી કરીઅર માટે હું કોઈને પથારીમાં રીઝવી શકતી હોઉં તો આસ્તિક માટે કેમ નહીં! હું તમે કહેશો એ કરીશ આસ્તિક, મારી મહોરેલી કુંપળને કરમાવા નહીં દઉં, મારા જીવનની એ એકમાત્ર ખુશી છે, સુખ છે!
અને બસ, ગિલ સહિત કમિટીના સભ્યોને રીઝવી મેં આસ્તિકનું ટીમમાં સ્થાન હજી સુધી તો ટકાવી રાખ્યું છે...
રેહાનાએ ઊંડો શ્વાસ લઈ
કડી સાંધી ઃ
આસ્તિક ઇન્ડિયન ટીમમાં તો ટકી ગયો, પણ પ્રાઇવેટ લીગની મૅચમાં તો પર્ફોર્મન્સ જ બોલતો હોય છે. ગઈ સીઝનમાં માથે પડેલા મોંઘેરા ખેલાડીને ગુજરાતની ટીમમાંથી અમૂલખ મહેતાએ પડતો મૂક્યો ત્યારે આસ્તિકે મને પરાણે અનસુયાબહેન પાસે ભલામણ અર્થે મોકલી.
અનસુયામૅમને હાઈ સોસાયટીના ગેધરિંગમાં મળવાનું બનતું. મારી સાફસૂથરી ઇમેજ અને કલાને તેઓ બિરદાવતાં. જોકે આસ્તિક બાબત મને શાંતિથી સાંભળીને સલૂકાઈથી કહી દીધું, ધિસ ઇઝ નૉટ માય ટેરેટરી. હું અમૂલખના બિઝનેસ ડિસિઝન્સમાં ઇન્ટરફિયર નથી કરતી.
પત્યું.
ના, શરૂ થયું!
રેહાનાને એ રાત સાંભરી ગઈ.
અનસુયામૅમનો ઇનકાર પચાવી ગયો હોય એમ આસ્તિક તેને બેડ પર તાણી ગયો. પહેલી વાર રેહાનાને લાગ્યું કે એ પ્યાર નહોતો, શારીરિક અત્યાચાર હતો. એમાં વળી વિરામ લઈ આસ્તિકે સિગારેટ સળગાવી. અને ‘બીજી એસટ્રે શોધવા ક્યાં જાઉં!’
અડધી ફૂંકાયેલી સિગારેટની રાખ ખંખેરીને ખંધું મલકતા આસ્તિકના શબ્દો સમજાય એ પહેલાં તો સિગારેટનો સળગતો ભાગ રેહાનાના ઉઘાડા ઉન્નત ઉરજ પર ચંપાઈ ગયો. આનાથી બ્યુટિફુલ એસટ્રે કોઈ હોય ખરી! જોને મારી સિગારને પણ
કેવી લલચાવી!
નો વે. હું આવો જુલમ સાંખી જ કેમ શકું!
અને વળી રેહાના જાત પરત્વે આકરી બનતી ઃ ના, મારે મા જેવા નથી થવું, હું મારા પ્રિયને સમર્પિત રહીશ.
રેહાના સહેતી ગઈ એમ આસ્તિકની હિંમત પણ વધતી ગઈ. મુંબઈએ મફતના ભાવે ખરીદ્યો છે એ જાહેર થવા દીધું નથી, પણ એની ચુભન આસ્તિકનો અહમ્ વધુ વકરાવે છે. મગજ છટકે ત્યારે રેહાનાનું આવી બને. ખુલ્લા ભાગમાં ડામ આપે એ રેહાના માટે છુપાવવા મુશ્કેલ બનતા. ગૂગલે કહેલા મલમ-દવા લઈને, સ્ટેક્સ પહેરીને તે શૂટિંગનાં કમિટમેન્ટ નિભાવતી અને આમાં અનસુયાબહેન જેવાની આંખે ડામનો ડાઘ ચડે તો જૂઠ બોલી વાત વાળવી પડે... આસ્તિકને ક્યારેક તો આ બધું સ્પર્શશેને!
‘તું તો મહેતા મૅન્શન જવાની હતીને...’
અત્યારે, ડામ આપી બીજી સિગારેટ પેટાવતા આસ્તિકે પૂછ્યું. વિચારમેળો સમેટતી રેહાનાએ ઘા પંપાળતા ડોક ધુણાવી ઃ હા.
દીકરાના લગ્નપ્રસંગે અનસુયામૅમ તરફથી ડાન્સની પ્રપોઝલ મળી એ બહુ મોટું સન્માન ગણાય. એટલે તો પોતે પૂરી લગનથી ડાન્સ-સીક્વન્સ તૈયાર કરી અનસુયાબહેનનું અપ્રૂવલ પણ મેળવી લીધું.
મહેતાઝને ત્યાં સમગ્ર ભારતીય ટીમને ઇન્વાઇટ હતું એ હિસાબે આસ્તિક પણ આવવાનો છે. ફાર્મહાઉસમાં જ રોકાવાનો છે. મે બી, અમૂલખસરને મનાવવાનો ઇરાદો હોય... એક વાર તેની કરીઅર પાટે ચડે પછી મને સુખ જ સુખ!
રેહાના આશા પંપાળતી હતી ત્યારે આસ્તિકના ચિત્તમાં જુદો જ પડઘો ઊઠતો હતો ઃ સિલેક્શન ટીમ પર હવે ઉપરથી પ્રેશર છે. તારા જિસ્મની નુમાઈશ પછી પણ ગિલ વગેરે હવે મને નહીં બચાવી શકે, આજના એ લેટેસ્ટ અપડેટથી તું ક્યાં વાકેફ છે! ત્યાંથી પડતો મુકાઈશ એટલે મુંબઈ પણ મને લાત મારીને કાઢશે. એને માટે તું પણ ઓછી જવાબદાર નથી. બૂંદિયાળ ક્યાંની. તું મારા જીવનમાં આવી પછી જ મારી પડતી થઈ...
સમવેર ઇનસાઇડ આસ્તિકને માલૂમ હતું કે પોતે રમતનો એ ગોલ્ડન ટચ ગુમાવી દીધો છે. તેને તો બસ લાઇમલાઇટ ટકાવી રાખવી હતી. બાકી રેહાનાને તે ક્યારેક સાચા દિલથી ચાહતો, પણ નિષ્ફળતાએ, ઘવાયેલા અહમે મનમાં, હૈયામાં પ્યાર માટે જગ્યા રહેવા ન દીધી. રેહાનાનો ગણ માનવાને બદલે તેને ટાર્ગેટ કરવાનું ફાવતું ગયું, રેહાના સહેતી રહી એનો અર્થ એવો કરતો કે તેનામાં પણ કોઈ ખોટ હશે તો જ ડામના જુલમ સહેને!
રેહાનામાં ખોટ?
ભીતર હળવો સળવળાટ થયો કે આસ્તિકે પોતાને ગમે એવો જવાબ શોધી કાઢેલો ઃ એ નસીબની બળેલી છે. તેનાં માબાપ જોડે ન રહ્યાં, એમ મારી સફળતા ખાઈ ગઈ!
એટલે પણ તેને ડામ દેતાં ખચકાટ થતો નહીં. હા, હજી તેને મોં પર બૂંદિયાળ કહી નથી, હમણાં કહીશ પણ નહીં, કેમ કે તેના સહારે હજી એક આખરી દાવ રમી લેવાનો છે...
રિવેન્જનો દાવ!
આસ્તિકે દમ ભીડ્યો. આવતા મહિને મને ડ્રૉપ કરવાના ખબર સાથે ક્રિકેટર તરીકે મારી કરીઅર ખતમ. મુંબઈની ટીમમાંથી હું બાકાત થવાનો, પછી સોશ્યલ મીડિયાનું મારું ફૅન ફૉલોઇંગ પણ પરપોટાની જેમ ફૂટી જવાનું. મારા ફિનિશ થવાના મૂળમાં છે અમૂલખ મહેતા! તેણે મને ગુજરાતની ટીમમાંથી બહાર ન કર્યો હોત તો લંડનની તાજેતરની નિષ્ફળતા પછીય ઉપરથી તેના દાખલાના આધારે પ્રેશર ન હોત ને ગિલ બે-ત્રણ વર્ષ તો એક્સ્ટેન્ડ કરાવી આપત...
તારા પાપે એ ન થયું અમૂલખ, એનું
વેર તો હું વસૂલુંને!
એનો મોકો પણ આંખ સામે છે ઃ અમૂલખના દીકરાનાં લગ્નમાં મને નિમંત્રણ છે. રેહાના ત્યાં ડાન્સ-આઇટમ પ્રસ્તુત કરવાની છે... એ વિશે થોડું
વધુ જાણીએ.
તેની પૂછપરછમાં રેહાના પોતે જાણતી હતી એટલું કહેતી ગઈ અને આસ્તિકના દિમાગમાં ઘાટ ઘડાતો ગયો.
‘હું મંગળવારે નીકળવાની છું... અને તું?’ રેહાના પૂછતી હતી. આસ્તિકે ચપટી વગાડી ઃ
‘મોડામાં મોડો ગુરુવારે તો પહોંચી જ જઈશ... એક નાનકડું કામ પતે એટલે!’ બાકીનું મનમાં બોલ્યો ઃ ઉત્સવ-સાંવરીના નિમિત્તે અઠવાડિયું ચાલનારા ફંક્શન્સમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવું કંઈક બનવાનું... જોઈ લેજો સૌ!
ક્રમશ: