બ્લૅકમેઇલરનો કાંટો કૉલેજ-ફ્રેન્ડ્સની કાઉન્ટર ગેમ (પ્રકરણ ૧)

29 April, 2024 05:29 AM IST  |  Mumbai | Lalit Lad

‘માલતી...’ અરુંધતી માંડ-માંડ બોલી, ‘તે માણસની પાસે મારા અને અનિકેતના ફોટો છે!’

ઇલસ્ટ્રેશન

‘કૈસી હો મૅડમ?’

એ અવાજ સાંભળતાં જ અરુંધતી થથરી ગઈ. પાછળ ફરીને જોયું તો તે જ... ગંદા દાંત બતાવતો રઘુનાથ ઊભો હતો.

‘અહીં? અહીં શું કરે છે તું?’

‘પિક્ચર દેખને આયા થાના? આપ તીન નંબર સ્ક્રીન મેં ‘લાપતા લેડીઝ’ દેખ રહી થી, મૈં ચાર નંબર સ્ક્રીન મેં ‘શૈતાન’!’

અરુંધતીને થયું કે ખરેખર આ શેતાન જ છે, હજી પીછો છોડતો નથી? મલ્ટિપ્લેક્સના ભોંયરાના પાર્કિંગમાંથી તે પોતાની કાર કાઢવા જતી હતી ત્યાં

આ માણસ છેક અહીં સુધી તેની

પાછળ-પાછળ આવ્યો એની તેને ખબર પણ ન પડી?

અરુંધતીએ જરા અવાજ કડક કરતાં કહ્યું, ‘અહીં આ રીતે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં મારી પાછળ આવવાનો શું મતલબ છે?’

‘ક્યા કરું? ફિર સે કડકા હો ગયા!’ ગંદા દાંત બતાવતો રઘુનાથ પોતાની હથેળી ખંજવાળતાં વિચિત્ર રીતે હસ્યો. ‘મૅડમ, આપકો તો આપકી સહેલી કી કંપની હૈ, મૈં ક્યા કરું? કંપની કે લિએ કોઈ છોકરી કો પૂછો તો સાલી પૈસા માંગતી હૈ!’

કેટલો વાહિયાત માણસ હતો આ? પૈસા માગવા માટે બહાનું પણ કેવું કાઢી રહ્યો છે?

‘સાંભળ, હમણાં મારી પાસે પૈસા નથી.’

‘પર્સ મેં જિતના હૈ ઉતના દે દો.’

પર્સમાં નજર નાખવાના બહાને રઘુએ તેના આખા શરીર પર નજર ફેરવી. અરુંધતી અસ્વસ્થ થઈ ગઈ. તેણે આજુબાજું જોયું. મલ્ટિપ્લેક્સના અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ઝાંખી પીળી લાઇટો હોવા છતાં એટલું અજવાળું તો હતું જ કે કોઈનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય.

આ રીતે કારની નજીક તેને આ ટાઇપના માણસ સાથે ધીમા અવાજે વાત કરતાં કોઈ જુએ તો શું સમજે? એવામાં જ એક કાર સ્ટાર્ટ થઈને નીકળી. એની હેડલાઇટના પ્રકાશનો શેરડો અરુંધતી અને રઘુનાથ પરથી પસાર થયો. અરુંધતીએ ઝડપથી બીજી દિશામાં મોં ફેરવી લીધું.

કાર ગઈ પછી અરુંધતીએ તેને કહ્યું, ‘ગાડીમાં બેસ. કાર ઉપર લઈ લે. અંદર બેસીને તને પૈસા આપું છું.’

અરુંધતીએ તેને કારની ચાવી આપી કે તરત તેના ચહેરા પર ખંધું સ્માઇલ આવી ગયું. બિલકુલ પ્રોફેશનલ ડ્રાઇવરની અદાથી રઘુનાથે કારને રિવર્સમાં લીધી અને સિફતથી ટર્ન મારીને રૅમ્પ પર ચડાવવા માંડી.

પાછલી સીટ પર બેસીને અરુંધતીએ પર્સ ફંફોસીને ૪૦૦૦ રૂપિયા કાઢ્યા.

‘આ લે, હમણાં આટલા જ છે; પણ આમ ગમે ત્યાં પહોંચી નહીં જવાનું.’

અરુંધતીએ લંબાવેલા રૂપિયા પોતાના શર્ટના ખિસ્સામાં નાખતાં તે બોલ્યો, ‘આપ ભી તો કહાં-કહાં પિક્ચર દેખને કો આતી હૈ અપની સહેલી કે સાથ?’

અરુંધતીનું મગજ તપી ગયું, ‘તને શેની તકલીફ છે? તે મારી બહેનપણી જ છે.’

‘પતા હૈ. માલતી નામ હૈ. વો ગેટ પે પિન્ક સાડી મેં ખડી હૈ વો હી ના?’ રઘુએ કાર ધીમી પાડતાં કહ્યું, ‘માલતી મૅડમ કો બોલના, મૈં આપકા પુરાના ડ્રાઇવર હૂં. ઇધર કિસી દૂસરે બૉસ કી કાર લેકર આયા થા. ઠીક હૈ?’

ઢાળ ચડીને, સાઇડમાં લઈને, રઘુનાથે બિલકુલ માલતી પાસે કાર ઊભી રાખી. તે ઊતરીને ઝૂકીને સલામીના પોઝમાં ઊભો રહી ગયો. અરુંધતીએ આગળ આવીને સ્ટિયરિંગ સંભાળ્યું ત્યાં સુધી તે દરવાજો ખોલીને ઊભો રહ્યો.

માલતી બેસી ગઈ પછી અરુંધતીએ કાર સ્ટાર્ટ કરી. રઘુનાથ હજી રિઅર વ્યુ મિરરમાં ગુડબાયની ભોળી મુદ્રામાં હાથ હલાવી રહ્યો હતો.

‘શું વાત છે અરુંધતી?’ કાર મેઇન રોડ પર નીકળી પછી માલતીએ પૂછ્યું, ‘તારા જૂના ડ્રાઇવરનો કોઈ જૂનો હિસાબ તો નથીને?’

‘વૉટ નૉન્સેન્સ!’

‘ના, તારા ચહેરા પર આ જે પરસેવો છે એ જોઈને તો...’

‘હોતું હશે? એ તો નીચે પાર્કિંગમાં સખત બફારો હતો એટલે... અને એમાં બે કાર આડી નીકળી. મને રિવર્સ લેતાં ફાવ્યું નહીં. એમાં વળી આ ક્યાંકથી આવી પહોંચ્યો અને કહેવા લાગ્યો કે મૅડમ, લાવો હું લઈ લઉં.’

‘હં...’ માલતી જરા ભેદી રીતે બોલી, ‘જૂનો માણસ તારી સાથે હજી ‘કૉન્ટૅક્ટ’માં છે એ સારું કહેવાય!’ માલતી એક ચોક્કસ શબ્દ પર ભાર આપીને બોલી.

અરુંધતીની હથેળીમાં પરસેવો વળી રહ્યો. માલતીએ પાછળની તરફ ફરીને કારમાં નીચે પડેલી ૫૦૦ની નોટ ઉપાડીને અરુંધતી સામે ધરી.

‘તારી પર્સમાંથી આ નોટ ગફલતથી નીચે પડી ગઈ લાગે છે.’

અચાનક અરુંધતીનું સ્ટિય​રિંગ હલબલી ગયું. તે ડાબી બાજુથી પસાર થતી કાર સાથે અથડાતાં બચી ગઈ.

માલતીએ હજી એ ૫૦૦ની નોટ તેની સામે ધરી રાખી હતી. અરુંધતીનું ગળું સુકાવા લાગ્યું. માલતીએ હવે તેના ખભા પર હાથ મૂકીને સીધું જ પૂછી લીધું, ‘સાચું કહેજે અરુંધતી, તું કશાકમાં ફસાઈ તો નથીને?’

રોડ પરથી નજર ખસેડ્યા વિના અરુંધતી થોડી વાર સુધી કાર ચલાવતી રહી. પછી અચાનક સાઇડ પર કાર લઈને તેણે બ્રેક મારી દીધી. તેની આંખોમાં આંસુ તગતગી રહ્યાં હતાં.

માલતીએ તેનો ખભો પકડીને પોતાના તરફ ફેરવી. અરુંધતી હવે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. માલતીએ તેની પીઠ પર હાથ પસરાવીને શાંત પાડી.

‘અરુ... હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું કે નહીં?’

અરુંધતીએ ગરદન હલાવી.

‘તો પછી બોલ, વાત શું છે?’

‘માલતી...’ અરુંધતી માંડ-માંડ બોલી, ‘તે માણસની પાસે મારા અને અનિકેતના ફોટો છે!’

માલતી અને અરુંધતી છેક કૉલેજના ટાઇમથી એકબીજાની ખાસ ફ્રેન્ડ હતી. માલતીને બધા અરુંધતીનો ‘બૉડીગાર્ડ’ કહેતા હતા! કારણ સિમ્પલ હતું. અરુંધતી ખૂબ જ શરમાળ સ્વભાવની, નાજુક-નમણી છતાં અતિશય સુંદર છોકરી હતી; જ્યારે માલતી શરીરે કસાયેલા બાંધાની અને ટેબલ-ટેનિસ, બૅડ્મિન્ટન વગેરેની સ્પર્ધાઓમાં અનેક ઇનામો જીતનારી કૉલેજની સ્પોર્ટ્સસ્ટાર હતી! કૉલેજમાં એક-બે વખત જ્યારે કોઈ છોકરાએ અરુંધતીની છેડતી કરી હોય ત્યારે માલતીએ તેને ધોઈ જ નાખ્યો હોય! કૉલેજ પછી અરુંધતીનાં લગ્ન કેતન નામદાર સાથે થઈ ગયાં હતાં છતાં એ બહેનપણાં છેક આજ સુધી અકબંધ હતાં, પણ કૉલેજવાળો તે અનિકેત...

‘અનિકેત?’ માલતીને પણ આશ્ચર્ય થયું. ‘તે તને ક્યારે મળ્યો? અને આટલું બધું...’

અરુંધતીએ ધીમે-ધીમે પોતાની છાતીમાં સંઘરી રાખેલી વાત માલતીને કહેવા માંડી...

‘માલતી, તું તો જાણે જ છે. કૉલેજના દિવસોમાં અનિકેતે મારી નજીક આવવાના બહુ જ પ્રયાસો કર્યા હતા, પણ દર વખતે તારા ડરથી તે દૂર ખસી જતો હતો. જોકે તારાથી છુપાવીને તે મને પ્રેમપત્ર લખતો રહેતો હતો.’

‘શું વાત કરે છે?’ માલતીની આંખો ચમકી રહી હતી, ‘તેં મને કંઈ કહ્યું જ નહીં?’

‘એ વખતે તું દિલ્હીમાં હતી, ઇન્ટર્ન​શિપ માટે અને હું પુણેમાં... પણ એ વખતે અનિકેત પુણેમાં જ જૉબ કરતો હતો. આપણા કરતાં એક વરસ સિનિયર હતોને?’

‘અચ્છા, તો એ લવ-સ્ટોરી પુણેમાં શરૂ થઈ એમને?’

‘માલુ, હું ખરેખર અનિકેતના પ્રેમમાં પડી ગઈ હતી! પણ એ પછી બહુ ઝડપથી ઘટનાઓ બની. ભણી રહ્યા પછી તરત જ નામદાર ફૅમિલી તરફથી મારા માટે માગું આવ્યું. ડૅડીને અને મમ્મીને કેતન સારો લાગ્યો. બીજી તરફ અનિકેત તો સાવ...’

‘મિડલ ક્લાસ હતો, રાઇટ?’

માલતીનો સવાલ અરુંધતીને ન ગમ્યો, પણ તેણે કહ્યું, ‘માલતી, એ વખતે હું મમ્મી-ડૅડીની અગેઇન્સ્ટ જવાની

હિંમત કરી શકું એવી હાલતમાં હતી

જ નહીં.’

‘તો આ ફોટો...’ માલતીએ પૂછ્યું. ‘પુણે વખતના છે?’

‘ના...’ અરુંધતી કહેતાં ગૂંચવાઈ રહી હતી છતાં તેણે કહી જ નાખ્યું : ‘ગયા વરસે કેતન એક બહુ મોટી ડીલ કરવા પૂરા એક મહિના માટે અમેરિકામાં હતો... એ જ વખતે મારો ભેટો ફરી અનિકેત સાથે થઈ ગયો... અમે એક-બે વાર રેસ્ટોરાંમાં મળ્યાં. પછી અલગ-અલગ હોટેલોમાં...’

‘તો આ બધા ફોટો?’

‘માત્ર ફોટો નથી! વિડિયો-ક્લિપ્સ પણ હતી!’

અરુંધતીનો અવાજ લાગણીથી ભીનો થઈ ગયો, ‘મને ખબર હતી કે હું અનિકેતને ફરી કદી પામી શકવાની નથી એટલે મેં મારી યાદગીરી માટે એ ફોટો અને વિ​ડિયો-ક્લિપ્સ મારા લૅપટૉપમાં રાખી મૂક્યાં હતાં.’

‘તો પછી એ રઘુનાથના હાથમાં ક્યાંથી આવી ગયાં?’

‘એ વખતે તે અમારો ડ્રાઇવર હતો. એક વાર હું મારું લૅપટૉપ ઑફિસમાં ભૂલી ગઈ હતી. મેં તેને એ લેવા માટે મોકલ્યો અને તે માણસે શી ખબર શી રીતે એમાંથી...’

‘તું ભોળી છે એટલે!’ માલતી બોલી, ‘તેં તારો પાસવર્ડ તારા બર્થ-ડેના આંકડા પરથી રાખ્યો હશે અથવા કેતનના બર્થ-ડે અથવા તમારી વેડિંગ ઍનિવર્સરીનો દિવસ કે પછી...’

‘અરુ-કેતન...  એવો પાસવર્ડ હતો.’

‘જોયું?’ માલતીએ કારની સીટ પર જોરથી ટપલી મારી. ‘યાર, તારી અક્કલ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી? કેતને અમેરિકાથી પાછા આવીને તારું લૅપટૉપ ખોલ્યું હોત તો પણ...’

‘એ પહેલાં હું બધા ફોટો-વિ​ડિયો કૉપી કરીને એક પેન-ડ્રાઇવમાં લઈ લેવાની હતી... લઈ પણ લીધા હતા, પરંતુ...’

‘સમજી ગઈ.’ માલતીએ કહ્યું. ‘એ પછી એક દિવસ પેલા હરામખોરે તને મોબાઇલમાં બે-ચાર ફોટો મોકલ્યા હશે, રાઇટ?’

‘હા, તેણે કેતનના આવ્યા પછીના બે જ દિવસમાં નોકરી પણ છોડી દીધી હતી.’

‘હં...’ માલતી હવે કંઈક વિચારમાં હતી, ‘અત્યાર સુધીમાં તું તેને કેટલા પૈસા આપી ચૂકી છે?’

‘દોઢ-બે લાખ, કદાચ વધારે.’

‘અને ક્યારેય આ માણસે તારી પાસે કોઈ ગંદી માગણી કરી છે?’

‘ના.’

‘તો કરશે.’

અરુંધતી ધ્રૂજી ગઈ, પણ માલતી એકદમ સ્વસ્થ હતી. તેણે કહ્યું, ‘આવા લોકોની આ જ કાર્યપદ્ધ​તિ હોય છે.

શરૂ-શરૂમાં માત્ર હાથખર્ચીના પૈસા માગે. પછી કહેશે કે બહેન બીમાર છે, ૨૫,૦૦૦ આપોને. એ પછી ફરી નાની-નાની રકમ માગ્યા કરે... પછી થોડા સમયે નવું સંકટ ઊભું કરે... મમ્મીને હૉસ્પિટલમાં દાખલ કરી છે, ૩૦થી ૪૦,૦૦૦ ઍડ્જસ્ટ કરી આપજોને.’

‘રાઇટ માલતી!’ અરુંધતી આશ્ચર્યમાં હતી. ‘તેણે ખરેખર આ જ રીતે પૈસા કઢાવ્યા છે.’

‘પણ હવે તે માણસ ગંદી માગણી કરશે. નૅચરલી, તું તાબે નહીં જ થાય એટલે તે સામટી મોટી રકમ માગશે - દસ લાખ, વીસ લાખ...’

‘માય ગૉડ, આટલા બધા પૈસા હું ક્યાંથી કાઢું?’

‘એનો રસ્તો પણ તે જ બતાવશે. તને પાંચ-સાત દિવસનો ટાઇમ પણ આપશે! કહેશે કે તમારો ડાયમન્ડનો એકાદ નેકલેસ વેચી નાખો... એની જગ્યાએ બિલકુલ એ જ ડિઝાઇનનો નકલી નેકલેસ ક્યાંથી બનાવવો એનું ઍડ્રેસ પણ આપશે... પણ પછી તેની ડિમાન્ડો વધતી જ જશે. પાંચ લાખ... પંદર લાખ... પંદર લાખથી પચ્ચીસ લાખ... પચ્ચીસ લાખથી પચાસ લાખ!’

‘તો?’ અરુંધતીના ગળે શોષ પડી રહ્યો હતો.

‘એક જ ઉપાય છે...’ માલતીએ સાવ ધીમા છતાં મક્કમ અવાજે કહ્યું, ‘તેને પતાવી નાખવાનો!’

માલતીની આંખોમાં જે ઠંડી ક્રૂરતા હતી એ જોઈને ખુદ અરુંધતી પણ છળી ગઈ. હા, માલતી તેની ‘બૉડીગાર્ડ’ હતી એ સાચું; પણ...

‘ના... ના! એ શક્ય નથી.’

‘શક્ય છે!’ માલતીએ કહ્યું, ‘મારી પાસે એક પ્લાન છે...’

 

(ક્રમશઃ)

columnists life and style