24 October, 2024 03:11 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
હું આ શું કરી રહી છું!
શુક્રની બપોરે ઑફિસના લંચ-અવરમાં કૅન્ટીન જવાને બદલે પોતાના ડેસ્ક પર માથું ઢાળી દેવિકાએ ઊલટતપાસ આદરી:
પખવાડિયા અગાઉની સવારે અર્ધ્યએ બે મહિનાથી નોકરી ગુમાવી હોવાનું સત્ય ઉજાગર થતાં ત્રણ-ત્રણ વર્ષથી ભીતર ધરબાઈ રહેલી અવહેલના અને અપમાનની પ્રતિક્રિયા જ્વાળામુખીના લાવાની જેમ ફૂટી નીકળી હતી.
‘નોકરી સાથે આપણા સંસારમાં જોહુકમી ચલાવવાનો હક પણ તમે ગુમાવી બેઠા છો!’
‘તોરમાં ને તોરમાં હું અર્ધ્યને બોલી તો ગઈ, પણ દિવસ પસાર થતો ગયો એમ પરખાતું ગયું કે એ કેવળ ક્ષણિક આવેશ નહોતો... માન્યું પોતે હવે કમાતો નથી એવું કહેવામાં પુરુષને નીચાજોણું લાગે, પણ સંઘર્ષમાં પત્નીનો સાથ માગવામાં નાનમ ક્યાં નડે? એને બદલે અર્ધ્ય તો મને જાણે કશું બન્યું જ ન હોય એમ અર્ણવના મહેણાથી પીંજતા રહ્યા, પથારીમાંય અત્યાચાર આચરતા રહ્યા... એ હિસાબે મારી પ્રતિક્રિયા તો બહુ માઇલ્ડ ગણાય!’
પરિણામે સાંજે ઘરે પહોંચીને પણ મગજ ધૂંધવાયેલું જ હતું. આ બાજુ અર્ધ્યને પણ મારા પહેલા વારની કળ વળી હોય એમ પોતાનું આધિપત્ય જમાવવા તૈયાર બેઠો હતો, ‘ચાર જણની રસોઈ વધારે બનાવજે, મારા ફ્રેન્ડ્સને મેં ઇન્વાઇટ કર્યા છે...’
અર્ધ્યની પાર્ટી એટલે તે ને તેના ફ્રેન્ડ્સ બૉટલ ખોલીને બેસશે. કપલમાં આવનારાની પત્નીઓ પણ તેમને કંપની આપશે ને મારે તેમનાં બાઇટિંગ-ડિનર માટે રસોડામાં ગોંધાઈ રહેવાનું... ન બને!’
‘તમને જેકાંઈ જોઈતું હોય એ બહારથી ઑર્ડર કરી દો કે પછી તેમને બહાર લઈ જાઓ....’ ટટ્ટાર ગરદને કહીને પોતે રૂમ તરફ વળી ગઈ, ‘હું થાકી ગઈ છું, સૂઈ જાઉં છું. તમારી મિત્રમંડળી માટે મને તો ડિસ્ટર્બ કરતા જ નહીં.’
પોતે ધરાર બહાર નહોતી નીકળી. મારા તેવર જોઈ અર્ધ્યે પણ મિત્રોની હાજરીમાં તમાશો કરવાનું ટાળ્યું. મોડી રાતે તેણે બેડરૂમનો દરવાજો ખોલ્યો ત્યારેય મન શાંત નહોતું પડ્યું, ‘દારૂથી ગંધાતું મોઢું લઈને મારા પડખે સૂવા આવતા જ નહીં.’
અર્ધ્યની ગાળ સરી ગઈ. નશાથી ધ્રૂજતા હાથે તેણે પૅન્ટનો બેલ્ટ કાઢ્યો: ‘બહુ ફાટીને ધુમાડે ચડી ગઈ છે, કાં? આજે તો તને...’
‘મારવી છે મને?’ બેઠી થઈ લાઇટ પાડીને મોબાઇલ ઉઠાવી કૅમેરા ચાલુ કર્યો, ‘આવ ને માર! પછી જો આ રેકૉર્ડિંગ પોલીસમાં સોંપીને તને કેવી જેલની હવા ખવડાવું છું!’
અર્ધ્યનો જુસ્સો સરી ગયો, ગાળ બકતાં રૂમમાંથી નીકળી જવા સિવાય કંઈ જ થઈ શક્યું નહીં તેનાથી!
સવારે તૈયાર થઈને બહાર જઈને જોયું તો અર્ધ્ય તેમનાં માતુશ્રીને ફોન પર કહેતા સંભળાયા: ‘રણચંડી જેવી બની ગઈ છે મા તારી વહુ... મારી નોકરી ગઈ એમાં તેને ફાવતું પડી ગયું!’
જવાબમાં સાસુ કહેતાં સંભળાયાં : ‘તેને બહુ છૂટ ન આપીશ દીકરા, નહીં તો તારા જ માથે છાણાં થાપશે. તેને તેના આશિકનું નામ દઈ...’
તેમના અધ્યાહારે જ અર્ધ્યના હાથમાંથી ફોન ખૂંચવીને હું ત્રાટકું છું: ‘મારા એ પહેલા આશિકને તો હું આજેય અભિમાનથી સાંભરું છું. એ તમારા દીકરા જેવો માટીપગો નહોતો...’
‘વહુ...’
‘અવાજ નીચો, સાસુમા. હું તનથી, મનથી, આ ઘર માટે ઘસાતી રહી, પણ તમારા ત્રણમાંથી કોઈને મારી જરાજેટલી કદર છે? નહીંને. હવે ગળું ખોંખારીને કહું છું કે અહીંનું-ત્યાંનું રાશન મારી કમાણીમાંથી આવે છે, માટે સૌ માપમાં રહેજો.’
‘કરડા અવાજે કહીને પોતે ફોન કાપ્યો ત્યારે વલસાડમાં માજી પૂતળા જેવાં જ થયાં હશે અને અહીં અર્ધ્યની હાલત જોવા જેવી હતી! બિચારો...’
‘પછી તો પડેલાને પાટુ મારતી જ રહી છું... હવે અર્ધ્ય ઍર-કન્ડિશનરની સ્વિચ ઑન કરે તો હું ઑફ કરાવી દઉં: થોડું સહન કરતાં શીખો, બિલ મારે ભરવાનું હોય છે! તે લૅપટૉપ ખોલે એટલે ટકોરું: નોકરી શોધતા હો તો જ નેટ વાપરજો, એય કંઈ મફત નથી આવતું!’
‘અર્ધ્ય બિચારો સાંભળી લે, હળાહળ વિષ પચાવી લે, ત્રણ-ત્રણ વર્ષ મેં ભોગવ્યું એમ, પણ મને શું આ અર્ધ્યપણું શોભે છે? હું પણ તેની જેમ જ વર્તું તો મારા ને તેના સંસ્કારમાં ફેર શો?’
‘નહીં, લગ્નજીવનમાં જીવનસાથીની જોહુકમી સહેવી ગલત છે એમ આચરવી તો એથીય બૂરી છે... ટિટ ફૉર ટેટને બદલે કપરા કાળમાં હું અર્ધ્ય સાથે સહાનુભૂતિથી વર્તું તો કદાચ પ્રીતના અંકુર ફૂટેય ખરા...’
બપોરે લીધેલા નિર્ણયનો અમલ કરતી હોય એમ સાંજે ઘરે જતી વેળા તે અર્ધ્યને ગમતાં ગુલાબ લઈને ગઈ ઃ ‘જસ્ટ ફૉર યુ! તમને એ કહેવા અર્ધ્ય કે યુ ડિઝર્વ અ ગુડ જૉબ ઍન્ડ યુ વિલ ગેટ ઇટ સૂન! બોલો, જમવામાં શું ખાવું છે?’
અર્ધ્ય આશ્ચર્યચકિત થઈને પત્નીને નિહાળી રહ્યો.
lll
સાંજે ફૂલ, ડિનરમાં ભાવતું ભોજન અને રાતે પથારીમાં પતિને આવકારવાની તૈયારી...
જુદી જ દેવિકા આજે ઊઘડી અથવા કહો કે તેના મૂળ રૂપમાં પાછી ફરી.
‘આયૅમ સૉરી અર્ધ્ય, પાછલા દિવસોમાં હું તમારી સાથે બહુ રુડલી વર્તી, હું મમ્મીની પણ માફી માગીશ...’
ના, દેવિકાની આજની માફી કે વર્તાવમાં દંભ કે બનાવટ નહોતાં જ.
પણ એમ તો હું પણ ક્યાં બદલાયો છું!
અર્ધ્યના ચહેરા પર સ્વભાવગત ખંધાઈ તરવરી. ગાઢ નિદ્રામાં પોઢેલી પત્ની તરફ હળવી નજર ફેંકીને અર્ધ્ય બાલ્કનીમાં આવ્યો, સિગારેટ પેટાવી.
પોતે દેખાવડો હતો, પાછો IIT પાસઆઉટ... એનો અહમ્ કેમ ન હોય! મા-પિતા તેનાં થાબડભાણાં કરતાં, લગ્ન સમયે પણ છોકરીના રૂપ કે સંસ્કારથી વિશેષ એ પૅકેજ ડીલ તરીકે કેવી છે એના પર જ પોતાનું ફોકસ રહેતું. આખરે છોકરીવાળા પણ મુરતિયાનું પૅકેજ ક્યાં નથી જોતા? એ હિસાબે દેવિકા પર્ફેક્ટ ફિટ થતી હતી. તેની લવ-સ્ટોરી ખટકેલી એ તો પળ પૂરતી, બીજી પળે જાતને સમજાવી લીધેલી: ‘સોનાની થાળ મળતી હોય તો લોઢાની મેખ ખમી લેવાય!’
‘દેવિકાને અર્ણવનો ભૂતકાળ ન હોત તો પણ લગ્નજીવનમાં પોતાનું વલણ તો કમાન્ડિંગ જ રહ્યું હોત... બેશક, મારી નોકરીનું સત્ય ખૂલતાં દેવિકાનો પ્રત્યાઘાત હેબતાવી દેનારો હતો. તેની હાજરીમાં સરેન્ડર થઈ રહેવું પડતું, પણ ગેરહાજરીમાં દિમાગને ઉશ્કેરાટનાં ઇન્જેક્શન આપવાં પડતાં: ‘હાઉ ડેર શી! દેવી મારું ઇન્સલ્ટ કરી જ કેમ શકે?’
‘પણ ના, આ બાઈ હવે કચડાવાથી તો રહી! મારી જોહુકમીને તે તાબે થવાની નહીં, ને તેની દયા પર જીવવું મને ખપશે નહીં.’
‘તો પછી?’
આનો જવાબ ૬ દિવસ અગાઉ મોબાઇલના રિમાઇન્ડરમાંથી મળ્યો. વીમાની પૉલિસીનું પ્રીમિયમ આવતા મહિને ડ્યુ હતું.
‘વીમો!’
અમારા આ જૉઇન્ટ વીમાની મુખ્ય કલમ એવી છે કે બેમાંથી કોઈ એકનું મૃત્યુ થાય તો બીજાને પૂરા બે કરોડ રૂપિયા મળે!
‘વેલ, વેલ, દેવિકા હવે મારા દાબમાં રહેવાની જ ન હોય તો શા માટે તેને હટાવીને બે કરોડ બૅન્કભેગા ન કરી લેવા?’
ભીતર તણખો જેવો થયો. દેવિકા દ્વારા થતું અપમાન એમાં પ્રકાશ પાડતું રહ્યું અને ચાર દિવસ અગાઉ પોતે ડાર્ક વેબસાઇટ પર એની સોપારી પણ આપી દીધી છે...
‘ઑબ્વિયસલી, પત્નીને જાતે તો મારવાની હોય જ નહીં, એને માટે કૉન્ટ્રૅક્ટ કિલર જ હાયર કરવાનો હોય. ઘરની તિજોરીમાં લાખેક રૂપિયાની કૅશ ઉપરાંત દેવિકાના થોડાઘણા દાગીના પડ્યા હોય છે એની ચોરી માટે આવેલા ચોરે દેવિકાનું મર્ડર કર્યું એવો કંઈક ખેલ ઊભો કરવો પડે.’
‘કૉન્ટ્રૅક્ટ કિલર સુધી પહોંચવું મારા માટે એટલું મુશ્કેલ નહોતું... ડીપ વેબની ડાર્ક વેબસાઇટ ક્રાઇમ માટે પંકાયેલી છે. એના રસ્તે પોતે દેવિકાની સોપારી આપી ચૂક્યો છે, એને કૅન્સલ કરવાનું કોઈ કારણ જ નથી. દેવિકા અત્યારે સહાનુભૂતિ દાખવે છે એથી તે મારા તેવર પણ સાંખી લેશે એ માનવું મૂર્ખામી છે. બાકી તો વીમો પાક્યા પછી ફરી ક્યાં નથી પરણાતું?’
આના ખુમારમાં અર્ધ્ય સુખનિદ્રામાં પોઢી ગયો, પણ સવારે દેવિકાના નીકળ્યા બાદ રણકેલા ફોને તેની સુસ્તી ઉડાડી મૂકી,
‘હાય હની! પત્નીને મારવા તેં આપેલી સોપારીની મને જાણ છે. આ રહસ્યને ગુપ્ત રાખવું હોય તો...’
અજાણ્યા સ્ત્રીસ્વરના અધ્યાહારે અર્ધ્યને પગથી માથા સુધી કંપાવી દીધો!
તેને ક્યાં જાણ હતી કે આનો છેડો પત્નીના પ્રેમી સુધી લંબાવાનો છે!
lll
‘ગુડ મૉર્નિંગ સર!’
શનિની એ જ સવારે, કમિશનર વર્ધાનની ઑફિસે પહોંચેલા રણવીરે અભિવાદન કરી બેઠક લેતાં પૂછી લીધું, ‘પછી બ્લૅકમેઇલરનો પત્તો મળ્યો સાહેબ?’
‘પોતે ઑનલાઇન જુગાર રમતો હોવાનો ભેદ જાહેર ન કરવા માટે ૨૦ લાખ માગનારી બાઈને તાબે થવાને બદલે પોતે પોલીસની મદદ લેવાનું નક્કી ઠેરવ્યું, વાત જાણતાં વર્ધાનસાહેબે પહેલાં તો મને જ ખંખેર્યો, પછી મુદત માગવાની રણનીતિ સમજાવી, એ હિસાબે પોતે ધૅટ બ્લૅકમેઇલરને કરગરી મુદત પાડતો રહ્યો છે, પણ ગઈ કાલના ફોનમાં તેણે ચીમકી આપી છે કે બે દિવસમાં પૈસા જમા ન થયા તો તારા સાસરે પહેલાં ખબર પહોંચી જશે... એટલે તો આજે કમિશનરસાહેબને તકાજો કરવા સવારસવારમાં આવવું પડ્યું.
‘તમે નિશ્ચિંત રહો રણવીર, તમારી બ્લૅકમેઇલર આજે સાંજ સુધીમાં ઝડપાઈ જવાની...’
‘હેં!’
‘ટ્રસ્ટ મી, તમારી મૅટર શૉર્ટઆઉટ થઈ ગઈ છે, તમે બસ વધુ ખબર માટે આવતી કાલના અખબારનો ઇન્તેજાર કરો.’
lll
એના એક કલાક પછી...
દેવિકાનો ફોન રણક્યો. નંબર અજાણ્યો હતો. સામા છેડાના આદમીએ કોઈ પણ જાતની ઔપચારિકતા વગર સીધી શરૂઆત કરી ઃ ‘દેવિકા તમારો જીવ જોખમમાં છે. તમારા હસબન્ડે તમારા મર્ડરની સોપારી આપી છે. બે મિનિટમાં અમારા ઑફિસર સિવિલ ડ્રેસમાં તમારી પાસે પહોંચે છે. વિધાઉટ ઍની આર્ગ્યુમેન્ટ તમારે તેમની સાથે નીકળી તમારા પિયર જવાનું છે અને બીજા આદેશ સુધી ત્યાં જ રોકાવાનું છે.’
‘અરે!’ દેવિકાને માંડ સ્વર ફૂટ્યો, ‘આવું બધું કહેનારા તમે છો કોણ?’
‘મુંબઈ પોલીસ...’
અને ફોન કટ થયો.
lll
અને દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર તેમની ફ્લાઇટ લૅન્ડ થઈ.
‘આપણે પહેલાં અહીંની સાઇબર પોલીસના ઇન્ચાર્જ અબ્દુલ રઝાકને મળવાનું છે...’ સાથે આવેલા સદાશિવે માહિતી આપી, ‘કમિશનર સરે તેમની સાથે ઑલરેડી વાત કરી લીધી છે...’
તેણે ડોક ધુણાવી.
રણવીરની ફરિયાદના આધારે કમિશનરસાહેબે મને કેસ સોંપ્યો ત્યારે ક્યાં જાણ હતી કે એ મારા ભૂતકાળના છેડા જોડશે!
ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો એમ ક્રાઇમની પણ નવીનવી તરકીબો શોધાવા માંડી. હૅકિંગ, માલફંક્શનના દૂષણ ઉપરાંત ડીપવેબ અસ્તિત્વમાં આવી, જ્યાં ઓળખની ગુપ્તતા જળવાતી હોવાને કારણે ગુનો આચરનારાઓ એનો ગેરલાભ પણ ઉઠાવે છે.
આમાં સૌથી જોખમી છે બગ યા વાઇરસ!
પ્રસ્તુત કેસમાં મુખ્ય વિલન આવો એક વાઇરસ જ છે. ખરેખર તો દુબઈ બેઝ્ડ ઍન્ટિ વાઇરસ સૉફ્ટવેર ડેવલપ કરતી IT રિસર્ચ કંપનીની એમ્પ્લૉઈએ પોતે જેના પર કામ કરી રહી છે એ વાઇરસને પૉર્ન, ગૅમ્બલિંગનું પેજ બનાવી ત્યાં પ્લેસ કર્યો છે. એક વાર યુઝર ત્યાં જાય એટલે વાઇરસ એની સિસ્ટમમાં પ્રવેશીને તેની તમામ ગતિવિધિનો ડેટા ધૅટ એમ્પ્લૉઈને પહોંચાડતો રહે, જેનું ઍનૅલિસિસ કરી, જે-તે યુઝરની નબળી નસ જાણી એ બ્લૅકમેઇલિંગ આદરે!
બટ નાવ નો મોર.
તેણે ઊંડો શ્વાસ લીધો,
‘બીજાની સિસ્ટમ હૅક કરીને પોતાનું ક્રાઇમ તેના નામે ચડાવવાની તને આવડત છે બિંદી, પણ તારા નવા ગુનાઓનો ભાંડો ફોડવા હું આવી રહ્યો છું...’
અને અર્ણવના ચહેરા પર સખતાઈ પ્રસરી ગઈ.
દુબઈમાં શું થવાનું હતું એની તો અર્ણવને પણ ક્યાં ખબર હતી?
(આવતી કાલે સમાપ્ત)