રિવેન્જ ગેમ બ્યુટી ડબલ‌ તો ચાલ ટ્રિપલ (પ્રકરણ-૩)

12 March, 2025 11:08 AM IST  |  Mumbai | Lalit Lad

‘શી ઇઝ ફાઇન. સારું થયું તમે જાતે તેને ઘર સુધી મૂકી ગયા. આઇ ઍમ સો થૅન્કફુલ ટુ યુ.’

ઇલસ્ટ્રેશન

‘ગેમ વન ઓવર...’ તે ધીમેથી બબડ્યો.

કિન્નરીના ઑડિશનનો વારો આવતાં તે ખુરશીમાંથી ઊભી થતાંની સાથે ચક્કર ખાઈને સ્ટુડિયોના ફ્લોર પર ફસડાઈ પડી હતી.

ત્રણચાર ટેક્નિશ્યનો અને ચાર-પાંચ ઍક્ટ્રેસો તેની આસપાસ ટોળું વળીને ઊભાં હતાં. રાજન હૂડા શાંતિથી તેની ખુરશીમાંથી ઊભો થયો. તેણે એક સ્પૉટબૉયને કહ્યું, ‘પાણી લાઓ...’

સ્પૉટબૉય એક પ્લાસ્ટિકના ફ્લાસ્કમાં પાણી લઈ આવ્યો. રાજને ટોળામાંથી જગ્યા કરીને કિન્નરીના મોં પર ડાયરેક્ટ ફ્લાસ્કમાંથી મોટી છાલક મારી. છાલક વાગતાં જ કિન્નરી એ રીતે ઝબકીને બેઠી થઈ ગઈ જાણે તેના પર કોઈ હુમલો થયો હોય!

તેનો ફીકો પડી ગયેલો ચહેરો, ડરી ગયેલી પહોળી આંખો અને થરથર ધ્રૂજી રહેલા હોઠ જોઈને રાજનના દિલમાં જબરદસ્ત ટાઢક વળી રહી હતી.

કિન્નરીનું બ્લાઉઝ પાણીથી પલળી ચૂક્યું હતું. રાજન તેની ઉપર ઝૂક્યો. પોતાના બે મજબૂત હાથો વડે તેને ઉઠાવી સ્થિર અવાજે તે બોલ્યો : ‘જલદી, કોઈ ટૅક્સી લેકર આઓ.’

બે સ્પૉટબૉય દોડ્યા. રાજને ફ્લોરની બહાર નીકળતાં કૅમેરામૅનને સૂચના આપી : ‘ફુટેજ કો DVD પે ટ્રાન્સફર કર કે મેરે ફ્લૅટ પે ભિજવાના. ઓકે?’

ફ્લોરના ગેટમાંથી રાજન નીકળ્યો ત્યાં જ ટૅક્સી આવી પહોંચી. રાજને કિન્નરીને પાછલી સીટ પર સુવાડી દીધી. આગલી સીટ પર બેસતાં ટૅક્સી-ડ્રાઇવરને કહ્યું, ‘લૅમિંગ્ટન રોડ...’

lll

અંધેરીથી લૅમિંગ્ટન રોડનો રસ્તો લાંબો હતો. ટ્રાફિક ગીચ હતો. ટૅક્સી અટકી-અટકીને ચાલી રહી હતી. રાજને સિગારેટ સળગાવી. ઊંડો કશ ખેંચી ધુમાડો કાઢ્યો.

ટૅક્સીમાં કિન્નરીને સુવડાવ્યા પછી અડધો કલાક થઈ ગયો હોવા છતાં રાજને એક વાર પણ પાછળ જોયું નહોતું. છતાં કિન્નરીની એકેએક હિલચાલ પર તેનું ધ્યાન હતું.

કિન્નરી શરૂઆતમાં સાવ ઢીલી થઈને સૂતેલી રહી. ધીમે-ધીમે તેનામાં ચેતનાનો સંચાર થઈ રહ્યો હતો. અડધા કલાક પછી તે જાતે સીટ પર બેઠી થઈને હાથ વડે વાળ સરખા કરીને સૂનમૂન આંખે બારીની બહાર નજર કરતી બેસી રહી હતી.

‘આઇ એમ સો સૉરી સર...’ અત્યંત ધીમા અવાજે કિન્નરી બોલી. છતાં રાજને ધ્યાન ન આપ્યું.

‘આઇ ઍમ રિયલી સૉરી.’ કિન્નરી બીજી વાર બોલી. તેની ગરદન આગળની તરફ લંબાવીને સહેજ ઊંચો અવાજ કરવાની કોશિશ કરી.

‘સર...?

રાજને જમણી હથેળી ઊંચી કરીને ડાબા હાથે સિગારેટની રાખ બારી બહાર ખંખેરતાં માત્ર બે જ શબ્દો કહ્યા :

‘જસ્ટ રિલૅક્સ.’

ભરચક ટ્રાફિકની પૂરા પોણાબે કલાકની મુસાફરી પછી ટૅક્સી લૅમિંગ્ટન રોડ પર આવેલા લક્ઝુરિયસ શાલિમાર અપાર્ટમેન્ટના ગેટ પાસે ઊભી રહી. રાજને પાછળ ફરીને ટૅક્સીનો દરવાજો ખોલ્યો, ‘તું એકલી જઈ શકીશ કે મૂકવા આવું?’

‘નો થૅન્ક્સ.’ કિન્નરી ધીમા અવાજે બોલી.

એ ટૅક્સીમાંથી ઊતરી કે તરત રાજને દરવાજો બંધ કરી ડ્રાઇવરને ઇશારો કર્યો. ટૅક્સી ઊપડી. રાજને મિરરમાં જોયું. કિન્નરી હજી ડઘાયેલી હાલતમાં ગેટ પાસે જ ઊભી હતી.

‘ગેમ ટૂ સ્ટાર્ટ...’ રાજન બબડ્યો.

lll

પાંચેક મિનિટ પછી મોબાઇલમાં કિન્નરીનો નંબર ઝબક્યો. રિંગ વાગી રહી હતી. રાજને વાગવા દીધી.

તે જાણતો હતો કે ઘરે પહોંચતાંની સાથે જ નીલિમાએ ફોન કરાવ્યો હશે. જો તે ફોન ઉપાડે તો બે શક્યતા હતી. એક, નીલિમા પૂછશે, શું થયું મારી દીકરીને? અથવા બે, તે બહુ સલૂકાઈથી કહેશે, મારી દીકરીને હેમખેમ ઘરે પહોંચાડી એ બદલ થૅન્ક્સ.

છતાં રાજને જાણીજોઈને ફોન ન ઉપાડ્યો. રિંગ વાગતી રહી... છેવટે બંધ થઈ ગઈ.

‘ગેમ ટૂ સ્ટાર્ટ...’ રાજને સિગારેટનો ધુમાડો છોડ્યો.

lll

રાજન બાંદરાના ‘બ્લુ ઓશન’ બિલ્ડિંગમાં આવેલા એક ફ્લૅટમાં બારી પાસે ઊભો હતો. રાત પડી ચૂકી હતી. અત્યાર સુધીમાં તે વ્હિસ્કીની અડધી બૉટલ પી ચૂક્યો હતો.

આ વ્હિસ્કી તેની ‘ગેમ વન’ની જીત માટે હતી. અફસોસ એક વાતનો હતો કે આ પાર્ટીમાં માત્ર પોતે જ હાજર હતો.

પેગ ખાલી કરીને તેણે ઑડિશનની DVDઓ હાથમાં લીધી. બે DVD હતી. એકમાં પૈસા ચૂકવીને બોલાવેલી ઍક્ટ્રેસનાં ફુટેજ હતાં, જ્યારે બીજીમાં...

યસ, બીજીમાં કિન્નરીનું ‘ઑડિશન’ હતું!

રાજને ઑડિશન વખતે એક ચાલાકી કરી હતી. બધાની નજર સામે તો એક જ કૅમેરો હતો પણ બીજો એક કૅમેરો તેણે ખાસ કિન્નરી માટે ગોઠવી રાખ્યો હતો. કિન્નરીના સેટ પર આવીને પેલી ખુરશી પર બેઠી ત્યારથી લઈને તે ચક્કર ખાઈને ઢળી પડી હતી ત્યાં સુધીનું પળેપળનું શૂટિંગ એક હાઈ-ડેફિનિશન ડિજિટલ કૅમેરા વડે થઈ રહ્યું હતું!

રાજને એ DVDને પ્લેયરમાં લગાડી.

‘આ જ છે મારા ભાઈની કાતિલ...’ રાજનની આંખમાં લોહીના દોરા ફૂટી રહ્યા હતા.

lll

DVDમાં કિન્નરીનો ચહેરો શરૂઆતમાં ધૂંધળો હતો પણ ‘ઑટો ફોકસ’ થયા પછી ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

કિન્નરી ખૂબ જ ભોળી લાગી રહી હતી. તેની આંખોમાં ગભરાટ, નર્વસનેસ અને આછો ડર તરવરી રહ્યાં હતાં. રાજન ધારી-ધારીને જોતો રહ્યો...

જેમ-જેમ ફુટેજ આગળ વધી રહ્યા હતા તેમ-તેમ કિન્નરીના ચહેરાના હાવભાવ પલટાઈ રહ્યા હતા. જ્યારે રાજને બ્રીફ આપી કે ‘તમને મનોમન ખૂબ જ પ્રેમ કરતા એક અતિશય લાગણીશીલ દોસ્તે દસમા માળના બિલ્ડિંગ ઉપરથી કૂદકો મારીને આત્મહત્યા કરી નાખી છે...’ એ સાથે જ કિન્નરીનો ચહેરો ફીકો પડી ગયો હતો!

રાજને DVDમાં પોઝનું બટન દબાવ્યું.

કિન્નરીના ચહેરાને તે ખુન્નસભરી નજરે જોતો રહ્યો. ‘જોયું...?’ તે બબડ્યો :

‘આત્મહત્યાની વાત આવતાં જ સાલીના ચહેરા પર કેવો ધ્રાસ્કો પડ્યો? બસ, એક વાર તું મારી ગેમમાં એન્ટ્રી લે... પછી તારી જે વલે કરું છું...’

lll

બીજા દિવસે રાજન ઊઠ્યો ત્યારે બપોરનો દોઢ વાગી ગયો હતો. રાત્રે તેણે વારંવાર એ DVD જોઈ હતી. જોતાં-જોતાં ચિક્કાર દારૂ પીને તે સોફા પર જ ઊંઘી ગયો હતો.

રાજને આંખો ચોળી. ખિસ્સામાંથી ફોન કાઢીને ટેબલ પર મૂક્યો.

એમાં બે મિસ્ડ કૉલ હતા. એક સવારે નવેક વાગ્યે અને બીજો સાડાબાર વાગ્યે. નંબર અજાણ્યો હતો પણ રાજન સમજી ગયો કે આ બન્ને કૉલ કિન્નરીનાં મમ્મી નીલિમાના જ હોવા જોઈએ.

રાજનના ચહેરા પર સ્માઇલ આવ્યું. ‘ગેમ ઇઝ ઑન, માય સેક્સી લેડી!’

lll

પેટ ભરીને જમ્યા પછી રાજને આરામથી એ નંબર પર ફોન લગાડ્યો. સામેથી તરત જ નીલિમાનો અવાજ સંભળાયો.

‘હલો ક્રિષ્નન સર?’

‘મે આઇ નો હુ ઇઝ કૉલિંગ?’ રાજને ઠંડો પ્રતિસાદ આપ્યો.

‘ધિસ ઇઝ નીલિમા સર.’

‘નીલિમા?’

‘કિન્નરીની મમ્મી, ભૂલી ગયા સર?’

‘ઓહ...’ રાજન હળવાશથી બોલ્યો, ‘કિન્નરીને કેમ છે હવે?’

‘શી ઇઝ ફાઇન. સારું થયું તમે જાતે તેને ઘર સુધી મૂકી ગયા. આઇ ઍમ સો થૅન્કફુલ ટુ યુ.’

‘ના ના. ઇટ્સ ઓકે.’

એ પછી રાજન જાણી જોઈને કંઈ ન બોલ્યો. તે રાહ જોતો હતો કે હવે નીલિમા શું કહે છે...

ત્રણ સેકન્ડ પછી નીલિમાનો અવાજ સંભળાયો. તે ખૂબ જ વિવેકપૂર્વક બોલી ‘સર, ઇટ્સ સો અનફૉર્ચ્યુનેટ કે કિન્નરી ઑડિશન ન આપી શકી...’

‘યા...’ રાજને શાંતિથી જવાબ આપ્યો, ‘બટ આઇ સૉ હર ઍક્ટિંગ, મેં તેની ઍક્ટિંગ જોઈ લીધી છે.’

‘ક્યારે?’ નીલિમાના અવાજમાં નવાઈનો રણકો હતો.

‘જુઓ, કૅમેરાના લેન્સમાં જે દેખાય છે એના કરતાં આંખની કીકી વડે વધારે સ્પષ્ટ દેખાતું હોય છે. કૅમેરો માત્ર ચહેરો વાંચે છે, આંખો મન વાંચી લે છે.’

‘યુ આર જિનીયસ.’ નીલિમા બોલી.

‘જિનીયસ હું નથી...’ રાજને હવે લાગ જોઈને કૂકરી મારી. ‘જિનીયસ કદાચ તમારી દીકરી છે...’

‘ઓ, રિયલી?’ નીલિમા ઉત્સાહથી બોલી ઊઠી.

‘અં...’ રાજને હવે ભાવ ખાધો. ‘વેલ, આઇ ઍમ સ્ટિલ નૉટ વેરી શ્યૉર... પણ મને થોડો ટાઇમ આપો... હું તમને ફોન કરીશ. હું કિન્નરીને ચૂઝ કરું કે ન કરું, પણ મારે હજી એકાદ વખત તેને મળવું છે... ઇફ યુ ડોન્ટ માઇન્ડ.’

‘માઇન્ડ?’ નીલિમા હસી. ‘માઇન્ડ કરવાનો સવાલ જ ક્યાં છે? સર, તમને હું એક જ વાર મળી છું પણ લેટ મી ટેલ યુ વન થિંગ, મળ્યા પછી જ મને પેલી કહેવતનો અર્થ સમજાયો છે કે હીરાની પરખ ઝવેરીને જ હોય છે.’

રાજન જાણતો હતો કે આ બાઈ બહુ જ ફાસ્ટ છે!

અત્યારે તે રીતસરનો મસકો મારી રહી હતી. રાજને ધાર્યું હોત તો તેની ગેમ નંબર થ્રી અત્યારે જ ચાલુ કરી દીધી હોત, પણ તેણે જાણી જોઈને નીલિમાને કોઠું ન આપ્યું.

‘વેલ. હિન્દી કહેવતોની મને બહુ ખબર નથી...’ તેણે સાઉથ ઇન્ડિયન લહેજાવાળા હિન્દીમાં કહ્યું. ‘મૈં આપ કો ફોન કરેંગા... ઓકે?’

રાજને ફોન કટ કરી નાખ્યો. પછી અરીસા સામે સિગારેટનો કશ લઈને તે બબડ્યો.

‘ક્યા બાત હૈ રાજુ ક્રિષ્નન! યુ આર જિનીયસ.’

તેણે સિગારેટનું ઠૂંઠું ઉછાળીને ઍશ-ટ્રેમાં ફેંક્યું.

lll

બરાબર છ દિવસ જવા દીધા પછી રાજને રાતના નવેક વાગ્યે નીલિમાના નંબર પર નહીં, પરંતુ કિન્નરીના નંબર પર ફોન લગાવ્યો.

‘કિન્નરી, ધિસ ઇઝ રાજુ ક્રિષ્નન. કૅન આઇ ટૉક ટુ યૉર મૉમ પ્લીઝ?’

‘ઓ યસ, શ્યૉર શ્યૉર...’ કિન્નરીનો અવાજ ઉત્સાહથી હલબલી ગયો હતો.

થોડી જ ક્ષણો પછી નીલિમાનો અવાજ સંભળાયો. ‘યસ ક્રિષ્નનજી!’

‘દેખિએ...’ રાજુ ક્રિષ્નન ઉર્ફે રાજને જરા સ્ટાઇલમાં કહ્યું. ‘આઇ ઍમ સ્ટિલ નૉટ શ્યૉર... અને હું તમને કોઈ પ્રૉમિસ પણ નથી આપી રહ્યો, બટ આઇ વૉન્ટ ટુ શો યુ સમથિંગ. તમને નવાઈ લાગશે પણ તમારી દીકરીને તમે પડદા પર જોઈને સ્તબ્ધ થઈ જશો.’

રાજને જાણીજોઈને વધુ ચાર સેકન્ડ જવા દીધા પછી તેની કૂકરી ચલાવી દીધી:

‘નીલિમા, કૅન યુ મીટ મી ફૉર અ વેરી સ્પેશ્યલ પર્પઝ? શું તમે આવતી કાલે સાંજે છ વાગ્યે અંધેરીના એક પ્રીવ્યુ થિયેટરમાં આવી શકો? તમારી દીકરી વિના?’

છેલ્લા ત્રણ શબ્દોની શું અસર થાય છે એ જાણવા રાજન હવે ઉત્સુક હતો કેમ કે હવે પછી જે ગેમ શરૂ થવાની હતી એ રાજને પોતે પણ પ્લાન કરી નહોતી...

સામે છેડે બે સેકન્ડ માટે શાંતિ છવાઈ ગઈ. ત્રીજી સેકન્ડ પણ કોઈ અવાજ વિના વીતી... પણ ચોથી સેકન્ડે નીલિમાનો હસ્કી છતાં મુલાયમ અને સેક્સી છાંટવાળો અવાજ સંભળાયો :

‘શ્યૉર... પ્રીવ્યુ પ્લેસનું નામ કહેશો?’

રાજને વિજયના જોશમાં આવીને હવામાં મુઠ્ઠી ઉછાળી. ગેમ હવે એકસાથે બે લેવલ પર પહોંચી ગઈ હતી.

એક જમાનામાં હિરોઇન બનવાના ધખારા ધરાવનારી સેક્સી લેડી નીલિમા હવે એકલી આવવાની હતી...

(ક્રમશઃ)

columnists gujarati mid-day mumbai exclusive