23 May, 2025 07:05 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
રાજકુંવર અજય ઉર્ફે રાઘવ-સિયાની પ્રણયકહાણી બાબત તર્જનીની ગણતરી સટીક હતી એમ તેનો દરેક તર્ક રાજમાતાને તાર્કિક લાગ્યો.
અજય પર હુમલો કરનારે કે કરાવનારે જ સિયાને કિડનૅપ કરી હોય કે પછી તેનો નિકાલ કરી દેવાયો હોય. આખરે છ-છ મહિનાથી કોઈને બાનમાં રાખવાનું જોખમ કોઈ શું કામ લે? એમ સિયાને જીવતી રાખવાનું એક કારણ છે - તેનું રૂપ!
‘એક બીજું કારણ પણ છે.’ તર્જનીની બુદ્ધિ જેટ સ્પીડે દોડતી હતી, ‘ધારો કે યુવરાજને કાલે ભાન આવ્યું અને તે હુમલાખોરને ઓળખી જાય તો એ નામ નહીં ઉચ્ચારવા સિયાની જિંદગીના નામે તેને મજબૂર કરી શકાય...’
સિયા જીવિત હોવાની સંભાવના રાજમાતાને ગમી, પણ હવે કરવાનું શું?
તર્જનીનું સ્મિત પહોળું થયું.
lll
‘તર્જની... તર્જની!’
શનિની રાતે ડિનરનો સમય છે. ભવાનીસિંહ, સુલોચનાદેવી, રાજમાતા, તર્જની સાથે શુભાંગી પણ ડિનર ટેબલ પર ગોઠવાઈ છે. હજી તો પહેલો કોળિયો પેટમાં જાય છે કે એક જુવાન (ચિત્તરંજન) તર્જનીનો સાદ નાખતો અંધાધૂંધ દોડી આવે છે,
‘લુક... રાઘવનો પત્તો મળી ગયો. તેનું ખૂન થયું છે!’
કહેતાં ચિત્તરંજને એ જ પ્લાસ્ટિકની થેલીમાંથી વસ્ત્રો-વાંસળી કાઢી દેખાડ્યાં.
રાજમાતા ઝીણવટથી રાજપરિવારની પ્રતિક્રિયા નોંધતાં હતાં. ભવાનીસિંહ નિર્લેપ રહ્યા. સુલોચનાદેવી કોળિયો મોંમાં મૂકતાં અટકી ગયાં. શુભાંગીને અંતરસ આવી.
‘બિગર ધૅન ધૅટ... સિયા મળી આવી... ડુંગરના રસ્તે બેભાન મળી. જાણે કોઈની કેદમાંથી છટકી હોય એમ બેહાલ હાલતમાં...’
શુભાંગીને ઊબકો આવ્યો. સુલોચનાદેવીએ કોળિયો થાળીમાં મૂકી દીધો.
‘અરે, ભાઈ, તમે છો કોણ ને આ શેની કથા માંડી છે?’
‘ભવાનીસિંહ,’ ઉત્તર રાજમાતાએ આપ્યો, ‘ચિત્તરંજન અને તર્જની પંકાયેલાં જાસૂસ છે.’
હેં! ઊબકો આવ્યો હોય એમ શુભાંગી ઊલટી કરવા દોડી ગઈ.
‘આને શું થયું!’ સુલોચનાદેવી પાછળ ભાગ્યાં.
‘ચિત્તરંજન, તું મહારાજ પર નજર રાખજે.’ તર્જનીએ કહ્યું ને રાજમાતા સાથે તે પણ બહાર ભાગી.
lll
તેણે ધડકતા હૈયે કોટડીનો દરવાજો ખોલ્યો...
પણ આ શું?
સિયા તો અંદર આ બેઠી! તો પછી...
એ જ ક્ષણે ખભે કોઈનો હાથ પડતાં શુભાંગી કાંપી ગઈ.
‘આ બધું શું છે, શુભાંગી?’
ઓ...હ આ તો માનો સાદ! તેને તો મનાવી લેવાશે...
‘મા...’ તે ઊલટી ફરી, કાલી થઈ, ‘મા, આ સિયા છે. કેવી રૂપાળી છે જોને. હું કેમ આવી રૂપાળી નથી મા? કેમ કોઈ જુવાનને ગમતી નથી?’
તેનાં ડબડબ આંસુએ સુલોચનાબહેન દ્રવી ઊઠ્યાં.
‘ગમશે દીકરા, ઈશ્વરે તારી જોડ બનાવી જ હશે, તેને તું ગમશે જ.’ તેમણે દીકરીના માથે હાથ ફેરવ્યો, ‘પણ એથી કોઈની દીકરીને આમ કબજામાં ન રખાય... આખરે આ બધું છે શું?’
ત્યાં તો સિયા હાંફળીફાંફળી દરવાજે દોડી આવી. તેને મહારાણી-કુંવરીની ઓળખ ન પડી. છતાં દીકરીની ચોરી માએ પકડી પાડી છે એટલું તો સમજાતાં એ કરગરી, ‘માડી, તેને પૂછો મારો રાઘવ ક્યાં છે? પેલી સાંજે અમે ડુંગરેથી છૂટાં પડ્યાં, મારી ગાયોનું ધણ વળાવતી હું થોડે નીચે ઊતરી હોઈશ કે રાઘવની ચીસ સંભળાણી...’
lll
‘સિ...યા...’
રાઘવની ચીસે સિયા ચમકી. હૈયે ગૂંથાયેલી પ્રીતનો હવાલો મુંબઈની સખી કૃતિકા સિવાય કોઈને આપ્યો નહોતો. રાઘવે આજે જ કહ્યું કે તે થોડા દિવસમાં કહેણ લઈને આવશે.
આના સમણામાં ખોવાયેલી સિયા રાઘવની ચીસે ડુંગરની પાછળના ભાગમાં દોડી તો...
ઓરે! સાગના સોટા જેવો આદમી રાઘવને ઘસડી ક્યાં લઈ ચાલ્યો? રાઘવ બેહોશ છે ને તેનો કેસરિયો ખેસ લોહીભીનો છે એ જોતાં જ સિયાને તમ્મર આવ્યાં...
lll
‘એ પછી આંખ ખૂલી ત્યારની હું અહીં કેદ છું...’ સિયા રડી પડી. ‘મને મારી પરવા નથી, મારો રાઘવ હેમખેમ છેને એટલું કહી દો...’
‘સિયા...’
પીઠ પાછળના અવાજે મા-દીકરી ચોંક્યાં. જોયું તો રાજમાતા-તર્જની!
‘આવ, સિયા હું તને રાઘવ પાસે લઈ જાઉં.’
આટલું સાંભળતાં જ સિયા તર્જની પાસે દોડી ગઈ.
lll
‘રા...ઘ...વ!’
કક્ષમાં દાખલ થઈ પલંગ પર પોઢેલા કુંવરને જાતાં જ ચીસ નાખતી સિયાએ દોટ મૂકી. તેના ગાલ થપથપાવ્યા. હાથ હાથમાં લેતાં તે બહાવરી બની, ‘રાઘવ કેમ કંઈ બોલતો નથી, બેન? રાઘવ.... જો તારી સિયા આવી છે, મારા રા...ઘવ!’
રાઘવ (અજય)ની છાતી પર પડતું મૂકી તે આંસુ સારતી રહી.
તેનો સ્વર, તેનો સ્પર્શ રાઘવના અસ્તિત્વમાં ભળી જતા હોય એમ ચમત્કાર થયો. રાઘવનાં આંગળાં આપમેળે હાલ્યાં.
નર્સ ડૉક્ટરને તેડવા દોડી ગઈ.
અદ્ભુત પ્રેમનો અનોખો નજારો તર્જની અવાકપણે નિહાળી રહી. આ પળે તેના રોમરોમમાં અનિકેત પ્રસરી રહ્યો.
lll
‘હાય હાય!’
સુલોચનાદેવી માથું કૂટી રહ્યાં છે. ભવાનીસિંહ સ્તબ્ધ છે.
અને શુભાંગી?
રાજમાતાએ જોયું તો શુભાંગીના મનમાં શું ચાલી રહ્યું છે એ અત્યારેય પરખાય એમ નથી!
ઇટ્સ ઑલ ઓવર! શુભાંગીએ ઊંડો શ્વાસ લીધો.
કાયાનો રંગ અને રૂપનો અભાવ બહુ નાની વયે શુભાંગી પચાવી ગયેલી. જે નથી એનાં રોદણાં શું રડવાનાં? રૂપરંગથી હું કોઈને આકર્ષિત કરી શકવાની નહીં તો મારા ભાથામાં કંઈક એવું હોવું જોઈએ જેથી મારો પ્રભાવ લોકોએ પરાણે સ્વીકારવો પડે. એવું તો શું હોય?
રાજસત્તા! બેશક, હવે રાજારજવાડાં નથી રહ્યાં તોય સર્વસત્તાધીશ બનવાનો રુઆબ શું રાજપૂતાના કે શું જનમાનસમાં વર્તાયા વિના નથી રહેતો એ પણ એટલું જ સાચું.
યૌવનમાં પગ મૂકતાં સુધીમાં શુભાંગીનો લક્ષ્યાંક સ્પષ્ટ હતો. એની ધાર, એનો રુતબો તેના વ્યક્તિત્વમાં વણાતો ગયેલો.
અલબત્ત, અજયની હયાતીમાં પોતાને જાગીર નહીં જ મળે તો શું તેને માર્ગમાંથી હટાવી દેવો?
પહેલી વાર આ વિચારે શુભાંગી ધ્રૂજી ગયેલી. ભાઈને મારવાનું બહેન વિચારી જ કેમ શકે?
ભાઈ ખરો, પણ સાવકો!
ભીતરથી પડઘો ઊઠ્યો. પોતાના કોચલામાં પુરાઈ રહેતી શુભાંગીને ભાઈ માટે એવો નેહ નહીં, પિતા માટે પોતે કેવળ એક ચિંતા બનીને રહી ગઈ છે. માની લાગણી સાચી, પણ ભાઈ માટેનું વેર તો એય સાંખી નહીં લે... એટલે પોતાની મનસા ક્યાંક ખુલ્લી ન પડે એ માટે શુભાંગી સાવધ રહેતી. અજયની ગતિવિધિ પર શુભાંગીની નજર રહેતી એટલે પણ ભાઈ સુરંગ રસ્તે ડુંગરે જાય છે એની જાણ હતી. તેનું રાઘવ બની સિયાને ચાહવું જોકે શુભાંગીને હસાવી ગયેલું : મામૂલી છોકરી માટે રાજકુંવર ગોવાળ બની બેઠો, મૂરખ!
તેનું પ્રેમપ્રકરણ પિતાજી સુધી પહોંચે એ પહેલાં વાર કરી દેવામાં સલામતી લાગી. આમ ભલે મહારાજ ખાનદાન વહુના મનસૂબા સેવે, દીકરાની ખુશી ખાતર ગરીબ કન્યાને વધાવી લે એમ પણ બને! એટલે પછી એક સાંજે પુરુષ વેશમાં ડુંગરે પહોંચી અજયને માથામાં ઘા કર્યો. તેની ચીસે સિયા દોડી આવી, બેભાન થઈ ગઈ.
હવે? અજય હજી મર્યો નથી. તેની સાથે સિયાને પણ મારી નાખવી? કોઈ આવી ગયું તો?
મન કાંપતું હતું. હામ ફસકી જવા લાગી. એટલે પછી બેઉને સુરંગ રસ્તે પૅલેસમાં લઈ જવાનું સેફ લાગ્યું : સિયાને મારા કબજામાં રાખીશ તો અજય પર આપોઆપ કાબૂ રહેવાનો!
આ વિચાર જચી ગયો...
યુવરાજનાં વસ્ત્રો બદલાવી શુભાંગીએ જૂનાં કપડાં પ્લાસ્ટિકની થેલીમાં નાખી ભોંયરામાં ફેંક્યાં. તે બાથરૂમમાં લપસ્યો હોય એવો દેખાવ સર્જ્યો. દરમ્યાન સિયાને પહેલાં પોતાના કક્ષમાં અને પછી ભોંયરામાં છુપાવી દીધેલી. પૅલેસમાં કોઈને આ બધાની ગંધ સુધ્ધાં નહોતી. સમાંતરે જાગીરનાં કામો જોવા માંડ્યાં : અજય ભાનમાં આવે કે ન આવે, રાજ તો મારું જ રહેવાનું!
જોકે શુભાંગીના મનસૂબા પર તર્જની નામનું સુનામી ફરી વળ્યું. રાજમાતાની ‘દીકરી જેવી’ તર્જની જાસૂસ નીકળી. સિયાનું એક કનેક્શન (કૃતિકા) મુંબઈમાં નીકળ્યું.
શુભાંગી મનોમન વિચારી રહી : કાશ! કૃતિકા સિયાના ગુમ હોવાની ફરિયાદ લઈ તર્જની પાસે ગઈ ન હોત તો સુરંગ વિશે જાણીનેય તર્જની ક્લુલેસ રહેત... પણ હવે શું? મારી બાજી ઉઘાડી તર્જની સિયાને અજય પાસે લઈ ગઈ ને રાજમાતાએ મા સમક્ષ પત્તાં ખોલી દીધાં. ત્યારનાં મારાં માબાપ મને કોસી રહ્યાં છે. આ ઓછું હોય એમ સિયાના સ્પર્શે અજયની જડ બનેલી કાયામાં ચેતનનો અણસાર વર્તાવાના ખબર આવ્યા. હવે બાકી રહ્યું પણ શું?
અને કોઈને કંઈ સમજાય એ પહેલાં શુભાંગી દોડી : સૉરી, મૉમ-ડૅડ-ભા...ઈ કહી તેણે ત્રીજા માળની લૉબીમાંથી પડતું મૂકી દીધું!
lll
અને પ્રભાતના પહેલા કિરણ સાથે અજયસિંહે આંખો ખોલી. સિયાના આગમનના થોડા જ કલાકમાં થયેલો ચમત્કાર પૅલેસ કૉમ્પ્લેક્સમાં વધાવી લેવાયો હોત, પણ...
‘શી હૅઝ સર્વાઇવ્ડ... બટ ઇન કોમા.’
ત્રીજા માળેથી પડતું મૂકનારી શુભાંગી સમયસરની સારવારથી ઊગરી તો ગઈ, પણ કોમામાં જતી રહી!
lll
‘અરેરે. પણ સિયાનું શું? મહારાજે તેનો સ્વીકાર કર્યો?’ કેતુએ રવિની સાંજે હિંમતગઢ પહોંચેલી તર્જનીને પૂછ્યું.
‘બીજા સંજોગોમાં કદાચ નકારત, પણ જેના પ્રતાપે દીકરો હોશમાં આવ્યો તેને બહુ પ્રેમથી તેમણે પોંખી જાણી.’
‘સિયા તો બિચારી અજયસિંહની અસલી ઓળખે આભી થઈ ગઈ હશે?’
‘સિયા તો ઠીક, તેનાં માવતર બિચારાં ખુશીના માર્યાં ડઘાઈ ગયાં છે.’ તર્જનીએ ઊંડો શ્વાસ લીધો, ‘સિયા-અજયે શુભાંગી માટે દ્વેષ રાખ્યો નથી. સુલોચનાદેવીને તેમણે જાળવી જાણ્યાં. શુભાંગીને ભાનમાં આણવા પણ બેઉ કસર નહીં છોડે... ભાનમાં આવેલી શુભાંગીને પણ એટલું પરખાશે, સ્પર્શશે. પછી કોઈને ખટકો નહીં રહે. રાજકુટુંબના સુખના દિવસો દૂર નથી. સિયાના પગલે આટલું જરૂર થવાનું આવું રાજમાતા કહેતાં હોય છે અને એમાં મારી સાહેદી છે.’
કેતુ મુગ્ધતાથી તર્જનીને નિહાળી રહ્યો.
‘વિલની ચર્ચાવિચારણા માટે અમે ગયેલાં એ તો બાજુએ રહ્યું...’
અને કેતુનો ફોન રણક્યો. તનીશા Dનું નામ જોઈ તે મલક્યો, અક્કડ થઈ દૂર જવા જતી તર્જનીને હાથ ખેંચી બેસાડી. ફોન સ્પીકર પર રાખ્યો : હાય!
‘અરે યાર, હવે તો તર્જનીને કહ્યું કે નહીં! તનીશાની આડમાં તેં તેને બહુ હેરાન કરી... મને એમાં હાથો બનાવ્યો એ રાજમાતા જાણશે તો...’
આ તો અર્જુનસિંહ! તર્જની ચમકી. એકાએક બધું સમજાઈ ગયું. તનીશા ક્યાંય હતી જ નહીં, કેતુના મોબાઇલમાં પણ નહીં. ઑફિસના CCTVને ઝૂમ કરી કેતુ ફુરસદમાં મને જ તેના લૅપટૉપના ફુટેજમાં તાકતો હોય, તનીશાના આગમને હું જલી ગઈ એટલું જોયા પછી તે એવું જ કરતો રહ્યો જે મને વધુ બાળે! આટલી પજવણીનો તેનો તો હક બને. તનીશા ‘D’માં D ડમીનો હતો ને કેતુએ હૃદયમાં ઘૂંટેલો ‘T’ તર્જનીનો હોય એ કહેવાની જરૂર ખરી!
‘યુ...’ ઉમડઘૂમડ થતા હૈયે તર્જનીએ કેતુ પર આક્રમણ કર્યું. તેની છાતીમાં મુક્કા વીંઝ્યા અને પછી...
કેતુને હંફાવી પજવણીનો હિસાબ વ્યાજ સાથે વસૂલી લીધો!
lll
‘બાય...’
હિંમતગઢથી વિદાય લેતાં કેતુ-તર્જનીમાં થનગનાટ ભાળી રાજમાતા સમજી તો ગયાં કે જુવાનિયાઓ વચ્ચે સુલેહ થઈ ગઈ લાગે છે! તોય તર્જનીને દબાતા સાદે પૂછ્યું, ‘મારે કેતુને કંઈ કહેવાનું હતુંને...’
‘જવા દોને રાજમાતા! તમારા દીકરામાં કંઈ કહેવાપણું હોય!’
‘લુચ્ચી. એટલું તો કહેવાની જ છું કે હવે આવો તો કંકોતરી લીધા વિના આવવાનું નથી.’
તર્જની લજામણી થઈ, કેતુ લાલ-લાલ થઈ ગયો.
lll
કૃતિકા માની નહોતી શકી : સિયાનો ગોવાળિયો ખરેખર દુર્લભગઢ સ્ટેટનો યુવરાજ નીકળ્યો!
પોતાની ખોજ માટે બહેનપણીએ લીધેલી જહેમત બદલ સિયા ગદ્ગદ છે ને અજયસિંહ આભારી છે. સખીના સુખનો કૃતિકાને આનંદ જ હોયને!
‘સ્લીપિંગ પ્રિન્સેસ’ તરીકે ખ્યાત બનેલી શુભાંગી ક્યારેક તો ભાનમાં આવવાની એની આશા સૌને છે ને એ ફળવાની જ એ ઉમેરવાની જરૂર ખરી?
(સમાપ્ત)