રાજકુંવર તુઝે દેખા તો યે જાના સનમ (પ્રકરણ-૩)

21 May, 2025 10:02 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

કલૈયાકુંવર જેવો રાજકુંવર મા-બાપની આંખનો તારો હતો. પણ તેના નસીબમાં માનું સુખ ઝાઝું નહીં હોય...

ઇલસ્ટ્રેશન

બિચારી સિયા!

સાંજે કારમાં અનિકેતની ઑફિસ જતી કૃતિકાએ ગતખંડનું અનુસંધાન મેળવી લીધું : હજી આઠ મહિના અગાઉ હું હરિયા ગઈ ત્યારે સિયા કેટલી ખુશખુશાલ હતી! બરાબર આના બે મહિના પછી પહાડી પર ગાય ચરાવવા ગયેલી સિયા પાછી ફરી નહીં. મામા-મામી ત્યારે અમદાવાદ હતાં એટલે મને તો એ લોકો ગામ ગયા પછી બે મહિને જાણ થઈ. ‘એ બાજુ ક્યારેક દીપડો દેખાય છે પણ ગાયો સલામત હોય ને જંગલી જનાવર સિયાને તાણી જાય એ બહુ મનાતું નથી. લોહીનાં, ખેંચતાણનાં નિશાન પણ મળ્યાં નથી.’

ત્યારે મારા હોઠે આવી ગયું : ‘મામી, આની પાછળ જંગલી જનાવર નહીં, ધૂળિયા ગામના રાઘવનો હાથ હોવો જોઈએ... તેની તપાસ કરાવો. ક્યાંક એ બદમાશ પારેવા જેવી સિયાને ભોળવી પલાયન તો નથી થઈ ગયોને?’

lll

કૃતિકા પોતે પણ ગામ દોડી ગઈ. સિયાનું પ્રેમપ્રકરણ ખોલ્યા વિના આરો નહોતો. તેનાં માવતર ડઘાયાં. પણ પોલીસપટેલની તપાસે સૌને ગૂંચવ્યા : ધૂળિયા ગામમાં રાઘવ નામનો કોઈ માણસ રહેતો જ નથી!

ત્યારે તો ચોક્કસ કોઈ બનાવટી વેશ ધરી સિયાને ફસાવી, ફોસલાવી ભગાવી ગયો. તેને ક્યાંય વેચી ન મારી ન હાય તો સારું!

અત્યારે પણ આ કલ્પના કૃતિકાને થથરાવી ગઈ.

સિયાનાં માવતરનાં આંસુ હજી સુકાયાં નથી. દર બેચાર દિવસે કૃતિકા મામીના ફોન પર નયનામાસી સાથે વાત કરી લે. મામાને પોલીસપટેલને મળવા કહે પણ પોલીસને કોઈ ક્લુ મળતી નથી એટલે ધારી લીધું છે કે ઉંમરલાયક છોકરી તેના પ્રેમી જોડે ભાગી ગઈ, એમાં કોઈ શું કરે! પ્રેમી સાથે ભાગી જવાનું સિયાના સંસ્કાર, સ્વભાવમાં જ નથી છતાં ધારી લો કે મોહવશ તે કહેવાતા રાઘવ સાથે ભાગી હોય તો તેને ભગાવી જનારો ફ્રૉડ છે એ જાણ્યા પછી તો તેને ખોજવાની તમા પોલીસને હોવી ઘટેને.

આમાં વચમાં તનીશા મૅમ જોડે ફોટોકાંડ થયો એમાં તેમણે ડિટેક્ટિવની મદદ લીધેલી એવું તો તે હમણાં કોઈ ફૅમિલી-ફ્રેન્ડને ફોન પર કહેતાં હતાં ત્યારે કૃતિકાએ જાણ્યું...

સિયાની શોધમાં પણ પ્રાઇવેટ ડિટેક્ટિવની મદદ લીધી હોય તો! ઝબકારો થયો. તનીશાને વિનંતી કરતાં તેમણે વળી ભલામણ પણ કરી... ભલે મોડું-મોડું પણ જાસૂસની મદદ લેવાનું સૂઝ્યું છે એમાં ઈશ્વરનો જ કોઈ સંકેત હોવો જોઈએ!

અને ફિંગર્સ ક્રૉસ કરતી કૃતિકાએ ‘ઓમ ડિટેક્ટિવ એજન્સી’ના મકાનના ગેટમાં કાર વાળી.

lll

‘આવ-આવ તર્જની!’

મંગળની બપોરે તર્જનીને આવકારતાં રાજમાતા હરખાઈ ઊઠ્યાં, ‘કેતુ ક્યારે આવે છે?’ તર્જનીએ ખભા ઉલાળ્યા, ‘કોને ખબર. આમ તો તે મને લેવા વીક-એન્ડમાં આવશે એવું કહેતો હતો, પણ તમારા દીકરાની ફેવરિટ તનીશાનો ફોન આવતાં પ્રોગ્રામ બદલાઈ પણ જાય!’

ખરેખર તો ગઈ સાંજે ઑફિસ આવેલી તનીશાની હેરડ્રેસર કૃતિકા ચિત્તરંજનને મળી હતી. તેના ગયા બાદ ચિત્તરંજને તર્જની-કેતુને બ્રીફિંગ કર્યું હતું. કેસ ચિત્તરંજન-ચૈતાલી હૅન્ડલ કરવાનાં હતાં, પણ... તર્જની મનોમન બોલી : પછી ભલું પૂછવું, તનીશાની ભલામણે કેતુ ખુદ એમાં જોતરાઈ જાય તો કોણ તર્જની ને કોણ રાજમાતા! હાસ્તો, કેતુની માનીતી, મનગમતી પહેલી.

અત્યારે પણ તેની દાઝમાં તર્જની દાઢમાં બોલી એટલે રાજમાતાએ ચમકવાનું થયું : તનીશાનો ઉલ્લેખ હું તર્જનીના મોંએ બીજી વાર સાંભળું છું. એમ કેતુ પર મને પૂરેપૂરો ભરોસો છે. તે કોઈ રૂપવતીના મોહમાં ફસાય એ વાતમાં દમ નથી. છતાં આવવા દો કેતુને, હું તેને તર્જનીને મનાવવાનું કહીશ પછી તર્જનીને અણખટ નહીં રહે એટલું તો તે કરશે જ!

‘હશે, કેતુને આવવું હોય ત્યારે આવવા દો...’ તર્જનીને દોરતાં રાજમાતાએ રણકો ઊપસાવ્યો,

‘આપણે અહીં ખૂબ મઝા કરીશું, હરીશું, ફરીશું.’

તેમના હરખે તર્જની પણ હરખમાં આવી ગઈ.

lll

રાત્રે જમીપરવારી જુવાનિયા બેઠકખંડમાં ગોઠવાયા હતા.

રાજમાતાની ગેરહાજરી નોંધી તીરછી નજરે તર્જનીને નિહાળી અર્જુનસિંહે મમરો મૂક્યો,

‘હે ગાય્ઝ, તમે ‘દીદાર’નું ટીઝર જોયું કે નહીં? તનીશાનો શું હૉટ ડાન્સ છે!’

તનીશા. તર્જની અક્કડ થઈ.

‘મને તો એ તનીશા બિલકુલ ગમતી નથી.’ મોટી ઉર્વશીવહુ બોલી, ‘તેની ડાન્સ મૂવમેન્ટ્સ તો જુઓ... ચીપ, વલ્ગર.’

‘તમને કેમ એકદમ તનીશામાં રસ પડ્યો?’ લાવણ્યાએ અર્જુનને ઘેર્યો.

‘નહીં રે. આઇ મીન વાય નૉટ?’ અર્જુને સાચવી લીધું, ‘પતિને છોકરીઓમાં જ રસ છે એ તો પત્ની માટે રાહતની વાત હોવી જોઈએ. તું કેમ ચૂપ છે તર્જની? તનીશા વિશે તારું શું માનવું છે?’
તનીશા. તનીશા. તર્જની ફાટફાટ થઈ રહી.

પણ ત્યાં તો રાજમાતા આવી ચડ્યાં ને અર્જુનસિંહે વાતનો સઢ જ ફેરવી નાખ્યો.

બાકી તર્જનીના મોં પર આવી ગયું હતું કે તનીશાના ગુણ તમે કેતુને જ પૂછી લેજોને!

lll

‘આજે હું તને દુર્લભગઢના રાજપરિવાર વિશે કહીશ.’

હિંમતગઢ આવવાનું થતું ત્યારે તર્જની અચૂક રાજમાતાના કક્ષમાં સૂતી. મીનળદેવી પાસે રાજપૂતાનાની જાણીતી-અજાણી વાતોનો ખજાનો હતો. રાતે સૂતી વેળા ફૅરીટેલની જેમ તેમની પાસેથી કથા સાંભળતી તર્જની ઓતપ્રોત બની જતી. ‘આજના સૌરાષ્ટ્રમાં ગોંડલને અડીને આવેલા દુર્લભગઢની રિયાસત બહુ મોટી તો નહીં તોય ખમતીધર ઘણી. હાલના રાજવી ભવાનીસિંહજીની રોકાણની સૂઝબૂઝને કારણે પણ રાજકુટુંબ પૂરાં માન-વૈભવ ભોગવે છે. હિંમતગઢ સાથે તેમના પુરાણા સંબંધ.’

તર્જની કથામાં જકડાતી ગઈ.

‘ભવાનીસિંહનું સાસરું પોરબંદર નજીક આવેલું રાજનગર. મહારાણી મધુબાળા રાજનગરના રાજવીનાં એકના એક દીકરી એટલે તેમનાં લગ્ન સમયે જ તેમના પિતાએ સર્વ કંઈ કરિયાવરમાં દીકરી-જમાઈના નામે લખી આપેલું. બહુ સુખનો સંસાર હતો ભવાની-મધુબાળાનો. એક કુંવર પણ થયો અજયસિંહ.’

તર્જની સમક્ષ પાત્રો ઊઘડતાં ગયાં.

‘કલૈયાકુંવર જેવો રાજકુંવર મા-બાપની આંખનો તારો હતો. પણ તેના નસીબમાં માનું સુખ ઝાઝું નહીં હોય... તેની ત્રીજી વર્ષગાંઠના થોડા મહિનામાં મધુબાળાનો દેહાંત થયો ને કુંવરની સંભાળ માટે વરસ દહાડામાં મહારાજ ફરી પરણ્યા. મધુની જ પિતરાઈ સુલોચના જોડે.’ એટલે આમ જુઓ તો કુંવરની માસી સાવકી મા થઈ!

‘મહારાજની ગણતરી પણ એવી કે નવી મા મધુનાં સગાંમાંથી હોય તો ઓરમાયાપણું દાખવે નહીં... અને સુલોચનાએ નમાયા છોકરાને સંભાળી પણ લીધો. લગ્નના બીજા વર્ષે સુલોચનાએ દીકરીને જન્મ આપ્યો. એ હિસાબે અજયથી પાંચ વરસ નાની શુભાંગી પણ હવે તો વીસ વર્ષની થઈ.’

‘સાવકાં ભાઈ-બહેનને પણ ભળતું હશેને.’ તર્જનીએ અનુમાન ઉચ્ચાર્યું.

હળવા નિસાસા સાથે રાજમાતાએ ડોક ધુણાવી, ‘બીજા સંજોગોમાં કદાચ ભળ્યું પણ હોત... પણ ભાઈબહેનમાં એક ભેદ-તફાવત છે.’

તર્જની ઉત્સુક થઈ.

‘રૂપનો ભેદ!’ રાજમાતાએ કડી સાંધી, ‘સ્વભાવનો ભલોભોળો અજયસિંહ કામદેવને પણ ઈર્ષા થાય એવો રૂપાળો, જ્યારે સુલોચના પોતે થોડાં શ્યામ. તેનો વારસો લઈને અવતરેલી શુભાંગી ઘાટઘૂટ વિનાની એટલે પોતાના કોચલામાં જ પુરાયેલી રહી. પરિણામે ભાઈથી પણ દૂરી જ રહી. સામાજિક મેળાવડામાં રાજપરિવારને મળવાનું થતું રહે. અજયસિંહ બધાને પરાણે વહાલો લાગે એવો, જ્યારે શુભાંગી તો મેળાવડામાં આવી હોય તોય અતડી રહે. ના, તેનામાં લઘુતાગ્રંથિ તો બિલકુલ નહીં. બલકે તેની આંખોમાં ધાર અને વર્તાવમાં રાજકુંવરીનો રુઆબ વર્તાયા વિના ન રહે. અજયને બેનની પરવાહ ખરી, પણ શુભાંગીને તેની ખાસ દરકાર નહીં એવું મારા જેવીને તો પરખાઈ આવે.’

તર્જનીએ ડોક ધુણાવી. પોતાનામાં બીજાને દેખાઈ આવતી ઊણપ હોય ત્યારે માણસ કાં ભાંગી પડે કાં સાવ સ્વકેન્દ્રી બની જાય એ સ્વાભાવિક છે.

‘તર્જની, તેં ખાડી દેશના સ્લીપિંગ પ્રિન્સ વિશે સાંભળ્યું છે?’

સાઉદી અરેબિયાનો રાજકુમાર દાયકાઓથી કોમામાં છે અને સ્લીપિંગ પ્રિન્સ તરીકે ખ્યાત છે, પણ તેનો દુર્લભગઢની ગાથા સાથે શું સંબંધ?

‘દેખીતો કોઈ સંબંધ નહીં અને આમ જુઓ તો સમાનતાનો સંબંધ.’ રાજમાતાએ ભેદ ખોલ્યો, ‘સાઉદીના પ્રિન્સની જેમ દુર્લભગઢનો રાજકુમાર અજયસિંહ છ મહિનાથી કોમામાં છે.’ હેં! તર્જની બેઠી થઈ ગઈ.

‘ગયા વર્ષે રાજપૂતાનાના વાર્ષિક સંમેલનમાં અમે મળ્યાં ત્યારે ભવાનીસિંહ કહેતા હતા કે અજય માટે આપણા કુળને શોભે એવી કન્યા ગોતીએ છીએ... બાકી અમારી કુંવરીનો તો કોઈ હાથ ઝાલે એમ નથી.’

દીકરો હોય કે દીકરી, મા-બાપને સંતાનનાં લગ્નની ચિંતા રહેતી જ હોય છે અને સંતાનમાં રૂપગુણની ખોડ હોય તો એનું ઉચ્ચારણ આમ જાહેરમાં પણ ક્યારેક થઈ જતું હોય છે.

‘સદ્ભાગ્યે અમારી વાત થઈ ત્યારે બીજું કોઈ હાજર નહોતું... આના થોડા જ મહિનામાં ખુદ ભવાનીસિંહનો ફોન આવ્યો કે બાથરૂમમાં પડી જતાં યુવરાજના માથામાં ઘા થયો છે ને ડૉક્ટરોના કહેવા અનુસાર તે કોમામાં જતો રહ્યો છે!’

અરેરે....

‘પછી તો તેમણે દેશવિદેશના નિષ્ણાતોને તેડાવ્યા. એક્સપર્ટનું નિદાન એવું છે કે ઊંઘમાંથી ઊઠે એટલી સહજતાથી કુંવર જરૂર ભાનમાં આવશે. તેના માટે તમામ સવલત મુખ્ય પૅલેસને અડીને આવેલા હવામહેલના કક્ષમાં કરવામાં આવી છે. રાજમંદિરમાં રોજ તેના માટે હવન થાય છે... આવતા મહિને અજયનો પચીસમો બર્થ-ડે પણ ભવાનીસિંહજી ધામધૂમથી મનાવવા માગે છે.’

તર્જનીને તો આમાં પિતૃહૃદયની કરુણા જ વર્તાઈ.

‘મહારાજને હમણાં વસિયતનામું કરવાનો પણ જોસ્સો ઊપડ્યો છે...’ રાજમાતાએ તર્જનીને નિહાળી, ‘આની ચર્ચાવિચારણા રૂબરૂમાં જ કરવાની હોય એટલે મારે દુર્લભગઢનો આંટો તો છે જ, તું કહેતી હોય તો કાલ-પરમમાં જ ઊપડી જઈએ.’

તર્જનીએ રાજીપો દેખાડ્યો.

દુર્લભગઢમાં શું થવાનું હતું એની ત્યારે ક્યાં ખબર હતી?

lll

‘સુસ્વાગતમ રાજમાતા, ભલે પધાર્યાં!’

હિંમતગઢનું રાજચિહ્ન ધરાવતી મર્સિડીઝ મુખ્ય પૅલેસના પોર્ચમાં પ્રવેશી એવા જ ભવાનીસિંહ-સુલોચનાદેવી મીનળદેવીના સ્વાગત માટે દોડી આવ્યાં.

‘આ તર્જની. મારી દીકરી જ સમજોને.’

રાજમાતા બને ત્યાં સુધી જાસૂસ તરીકેની તર્જનીની ઓળખ આપવાનું ટાળતાં, શી જરૂર!

દુર્લભગઢના રાજવીનો આદરસત્કાર ઝીલતી તર્જનીની નજર આમતેમ ફરતી હતી. બાજુના પૅલેસમાં ઍમ્બ્યુલન્સ હતી, ડૉક્ટર-નર્સની અવરજવર દેખાઈ એટલે એ હવામહેલ હોવો જોઈએ અને પ્રિન્સ ત્યાં છે. પણ રાજકુંવરી ક્યાં?

અને તે દેખાઈ.

જાણે પડછાયો ઓઢ્યો હોય એવો વાન, સાગના સોટા જેવા બદન પર સિલ્કના લાલપીળા લહેરિયા પ્રિન્ટનાં ચણિયાચોળી કેવાં ભડકાઉ લાગે છે. તેની શ્વેત આંખોમાં ધાર છે અને વર્તનમાં મગરૂરી. રાજમાતાને પ્રણામ કર્યાં ખરાં, પણ ઝૂકીને નહીં. તર્જનીને તો નોટિસ પણ નથી કરતી તે.

‘આપ રોકાવાનાં છો એ જાણ્યું રાજમાતા. મારે જોકે જાગીરના કામે નીકળવાનું છે. રાતે આવતાં મોડું થશે તો કાલ સવારે બ્રેકફાસ્ટ પર જ મળીશું.’

કહી તે પોતાના રસાલા સાથે નીકળી પણ ગઈ.

‘બહુ હોશિયાર થઈ ગઈ છે મારી દીકરી.’

શુભાંગીનો અવિવેક માને પરખાતો હતો, એને છાવરવા સુલોચનાદેવીએ વખાણનો આશરો લીધો. ‘થોડા મહિનાથી રાજકાજ તે જ સંભાળે છે.’

‘અજય કોમામાં ગયા પછી શુભાંગીમાં મેં બદલાવ ભાળ્યો છે રાજમાતા.’ ભવાનીસિંહે જુદા શબ્દોમાં કહ્યું, ‘તેણે રાજકાજમાં માથું મારવા માંડ્યું છે. પિતા તરીકે આનો આનંદ હોય જ રાજમાતા, અને એ પણ હકીકત છે કે એ જ કારણે મારે વસિયતનામું કરી દેવું છે.’

બેઠકમાં ગોઠવાતાં ભવાનીસિંહે વિલની અર્જન્સીનો મુદ્દો વણી લીધો, ‘મારે દીકરા-દીકરીમાં ભેદ નથી કરવો એમ દીકરો બેભાન છે એટલે તેનો હક ઝૂંટવાઈ જાય એવું પણ થવા નથી દેવું.’ સુલોચનાદેવી સહેજ ઝંખવાયાં.

‘પુત્રની બેહોશીને કારણે તમારી અસ્વસ્થતા માન્ય હિઝ હાઇનેસ, છતાં એટલું કહીશ કે..’ રાજમાતાએ સુલોચનાદેવીનો પહોંચો દબાવ્યો અને ભવાનીસિંહે કહ્યું, ‘જે સ્ત્રીએ પારકીના જણ્યાને પોતાનો ગણ્યો હોય તેનો અંશ બીજાના હક પર નજર નાખે પણ નહીં એટલો ભરોસો તમને હોવો ઘટે મહારાજ.’

તર્જની પ્રશંસાભર્યાં નેત્રે મીનળદેવીને નિહાળી રહી. તેનું મન તો જોકે દુર્લભગઢના સ્લીપિંગ પ્રિન્સને જોવા તલપાપડ હતું.

(ક્રમશ:)

columnists gujarati mid-day mumbai exclusive Sameet Purvesh Shroff