20 May, 2025 01:33 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
રાજમાતા મીનળદેવી!
હિંમતગઢનાં રાજમાતા મીનળદેવીના ઉલ્લેખે તર્જની ઝગમગી ઊઠી. જમીનના એક સોદા અંતર્ગત સામી પાર્ટીની ચકાસણી માટે રૂપનગરનાં ઠકરાણાંની ભલામણે રાજમાતાએ કેતુ-તર્જનીને તપાસનું કામ સોંપ્યું ત્યારથી બંધાયેલો સંબંધ આજે તો આત્મીય બની ચૂક્યો છે. કેતુ-તર્જની રાજમાતાને પંડનાં સંતાન જેવાં જ વહાલાં છે તો જાસૂસજોડી માટે મીનળદેવી ઘરનાં વડીલતુલ્ય છે.
મીનળદેવી હિંમતગઢનું સૌથી આદરપાત્ર નામ છે.
અકાળે આવેલું વૈધવ્ય, બે કુંવરોનો ઉછેર, ઉપરાંત સ્ટેટની જવાબદારી - રાજમાતા દરેક મોરચે યશસ્વી રહ્યાં. સિદ્ધાંતપ્રિય માતાનો સંસ્કારવારસો બન્ને પુત્રો – સમીરસિંહ અને અર્જુનસિંહે - સુપેરે જાળવ્યો. રાજમાતાને વહુઓ પણ એવી જ ગુણિયલ મળી. રાજપરિવારનાં સામાજિક સૂત્રો વહુઓને સોંપી રાજમાતા પૌત્ર-પૌત્રીઓને રમાડવાની નિવૃત્તિ માણે છે. લોકકલ્યાણનાં કાર્યોમાં વધુ વ્યસ્ત રહેતાં રાજમાતા પંચાવનની વયે પણ એવાં જ મૂર્તિમંત લાગે છે.
કેતુને હવે રાજમાતા જ સખણો કરી શકશે!
તર્જનીએ દમ ભીડ્યો.
lll
‘ચિંતા ન કરો રાજાસાહેબ, સૌ સારાંવાનાં થશે. તમે મહિના પછીનો રાજકુમારનો પચીસમો જન્મદિન રંગેચંગે ઊજવવા માગો છો એ અભિલાષા જ પરિસ્થિતિ પલટી કાઢશે.’
ફોન પર મીનળદેવીએ આશ્વસ્ત કરતાં દુર્લભગઢના મહારાજા હિઝ હાઇનેસ ભવાનીસિંહે સંતાપ ઓસરતો અનુભવ્યો.
‘જોયું રાજમાતા? તમારી સાથે થોડી વાર વાતો કરી એમાં જીવ કેવો હળવો થઈ ગયો. તમારે કુંવરની વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે તો સપરિવાર વેળાસર આવી જ રહેવાનું છે. રાજમાતા, શક્ય હોય તો હમણાં એકાદ આંટોફેરો કરી જાઓ તો વધુ સારું.’
ભવાનીસિંહ ખચકાતા હોય એવું લાગ્યું રાજમાતાને.
‘શું વાત છે, મહારાજ? નિ:સંકોચ કહો.’
‘મારી ઇચ્છા છે કે હું મારી વસિયત બનાવી દઉં.’
હેં! ચમકી ગયાં રાજમાતા. હજી તો સત્તાવનના થયેલા હાઇનેસ શરીરે સાજાનરવા છે. પૈસાપાત્ર માણસ વિલ બનાવી રાખે એમાં શાણપણ જ છે, પણ મહારાજને એકદમ કેમ વસિયતનું સૂઝ્યું જાણવું એ જોઈએ.
‘એ બધું રૂબરૂમાં ચર્ચીએ, રાજમાતા. હમણાં ફાવે એમ ન હોય તો કુંવરની વરસગાંઠે લાંબું રોકાવાનું કરીને આવજો.’
‘ભલે. એવું જ કંઈક ગોઠવીશું, ભવાનીસિંહજી.’
ફોન મૂકી રાજમાતા વિચારમાં પડ્યાં.
દુર્લભગઢની રિયાસત પ્રમાણમાં નાની, પણ ખાનદાની ખમીર વેંત ઊંચું. હિંમતગઢ સાથે તેમનો સંબંધ સદા મૈત્રીપૂર્ણ રહ્યો છે. મહારાણી મધુબાઈના થકી તેમને કલૈયાકુંવર જેવો દીકરો થયો અજયસિંહ. જોકે દીકરો ત્રણ વર્ષનો થતાં રાજરોગમાં મહારાણીએ પિછોડી તાણી.
નમાયા દીકરાના ઉછેર માટે ભવાનીસિંહ ફરી પરણ્યા. સાવકી મા દીકરાનું જીવતર ઝેર જેવું ન કરી દે એ માટે સાસરીના પરિવારમાંથી જ કન્યા પસંદ કરી. મધુની કાકાની દીકરી બહેન સુલોચનાદેવી સાથે તેમણે હથેવાળો કર્યો, તેના થકી તેમને એક દીકરી થઈ શુભાંગી. કુંવર-કુંવરીમાં ભેદ એટલો જ હતો કે...
અને મોબાઇલની રિંગે રાજમાતા ઝબક્યાં. વિચારમેળો સમેટી લીધો. સ્ક્રીન પર ઝબૂકતું નામ જોઈને રાજમાતા ખીલી ઊઠ્યાં : તર્જનીનો ફોન!
‘સો વર્ષની થવાની તર્જની તું!’ રાજમાતાની ખુશી તેમના સ્વરમાં પડઘાઈ રહી, ‘આજે સવારે જ તને-કેતુને યાદ કર્યાં. કેરીગાળા માટે આવી જાઓ એ કહેવા ફોન કરવાની જ હતી ને તારો ફોન આવી ગયો. હાસ્તો. માના હૈયાની જાણ દીકરીને તો થઈ જ જાયને.’
રાજમાતા અમને કેટલું વહાલ કરે છે! તર્જની ગદ્ગદ થઈ.
‘કેતુ કેમ છે?’
રાજમાતાએ પૂછતાં જ તર્જનીને પોતાનાં રીસ-રોષ સાંભરી ગયાં.
‘તમારો દીકરો બદલાઈ ગયો છે રાજમાતા.’ આટલું કહેતાં તો તર્જનીની આંખમાં પાણી છલકાયાં.
‘તર્જની, તું રડે છે?’ તેના દબાયેલા ડૂસકાએ મીનળદેવીને અણસાર વર્તાયો, ‘એવું તે શું બન્યું તર્જની? ક્યાં છે કેતુ? હમણાં તેની ખબર લઉં.’
‘તેની બરાબર ખબર લેજો રાજમાતા, પણ હમણાં નહીં, અમે હિંમતગઢ આવીએ ત્યારે રૂબરૂમાં.’
કેતુ-તર્જની હિંમતગઢ આવે છે એની ખુશી પર પહેલી વાર ઉચાટ હાવી થયો: તર્જની બહુ પરેશાન લાગી. રડતી પણ હતી. કેતુએ એવું તે શું કર્યું હશે! કેટલા વખતથી કહું છું કે પરણી જાઓ. પણ કામના ભારણનું બહાનું કાઢી બેઉ છટકતાં રહે છે. તેમનાં રિસામણાં-મનામણાંમાં પછી માવતરે પણ પિસાવું પડે એ આજના જુવાનિયાને કોણ સમજાવે! આવવા દો બેઉને, આ વખતે લગ્નનું પાકું કર્યા વિના છોડવાની નથી!
lll
‘કેતુ, મારી રાજમાતા જોડે વાત થઈ. તેમણે કેરીગાળો કરવા આપણને નિમંયાં છે.’
‘ઇન વીક ડેઝ!’ કેતુની નજર ડેસ્ક કૅલેન્ડર પર ગઈ. ‘તર્જની, તું જાણે છે હમણાં આપણને શ્વાસ લેવાની ફુરસદ નથી. કેટલાય કેસ પર કામ ચાલી રહ્યું છે...’
‘કામ તો આખી જિંદગી રહેવાનું કેતુ,’ તર્જનીની ઘવાતી લાગણી સપાટી પર આવવા લાગી, ‘એમ કહેને તારે મારી કંપનીમાં હિંમતગઢ નથી જવું. હમણાં પેલી તનીશાએ કહ્યું હોત તો લટુડોપટુડો થઈને ગયો હોત.’
તેના શબ્દપ્રયોગે કેતુને સહેજ હસવું આવી ગયું. એથી તો પેલી વધુ ભડકી.
‘મેં તો રાજમાતાને કહી દીધું છે કે હું આવું છુ, તારું તું જાણે!’
તોય નિર્લેપ રહી કેતુ ભળતું જ બોલ્યો,
‘સારું થયું તેં તનીશાનું નામ લીધું. આઇ મસ્ટ વિશ હર. આજે તેનો બર્થ-ડે!’
અફકોર્સ! તેના બર્થ-ડેનું તું ધ્યાન નહીં રાખે તો કોણ રાખશે? તર્જનીને ચચરાટી થઈ.
એ જ વખતે કેતુનો ફોન રણક્યો.
તર્જનીએ ઝડપથી નજર નાખી. ના, તનીશાનો ફોન તો નથી. નંબર અજાણ્યો છે.
‘યસ અનિકેત હિયર.’ કેતુએ પણ અજાણ્યા જોડે વાત થાય એ રીતે શરૂઆત કરી.
‘ગુડ મૉર્નિંગ મિસ્ટર ડિટેક્ટિવ. તનીશા હિયર...’
આટલું તો તર્જનીને પણ સંભળાયું. લુચ્ચી. અલગ-અલગ નંબરથી ફોન કરે છે!
‘હાય તનીશા, હૅપી બર્થ ડે ટુ યુ...’
અનિકેત તર્જનીને ‘એક્સક્યુઝ મી’નો ઇશારો કરી દૂર સરક્યો. તર્જનીને એવી તો રીસ ચડી કે કૅબિનની બહાર નીકળી દરવાજો એટલા જોરથી બંધ કર્યો કે કેતુના ટેબલ પર પડેલું લૅપટૉપ પણ ધ્રૂજી ગયું!
lll
‘વાત થઈ ગઈ.’
આ બાજુ કેતુ સાથેની ટેલિટૉક પતાવી તનીશાએ તેની હેરડ્રેસરને કહ્યું, ‘આજકાલમાં તું તેની ઑફિસ જઈ આવજે. ત્યાં ચિત્તરંજનને મળજે. તારું કામ થઈ જશે.’
સાંભળીને કૃતિકાએ આભારદર્શક સ્મિત વેર્યું, ‘થૅન્ક યુ મૅમ!’
હવે જોઈએ આ ‘ઓમ પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી’વાળા છ મહિનાથી ગુમ મારી સહેલીની કેવી રીતે ભાળ કાઢી આપે છે!
lll
‘હું કહું છુંને નયનામાસી, હવે ચિંતા છોડી દો. તમારા ગામના પોલીસપટેલ તો કંઈ ઉકાળી ન શક્યા, પણ આજે હું જેને મળવાની છું એ જાસૂસનું મોટું નામ છે. એ જરૂર આપણી સિયાને શોધી કાઢશે.’
કામના બ્રેક દરમ્યાન કૃતિકાએ મોસાળ ફોન જોડી પોતાની સહિયરની માતાને હૈયાધારણા પાઠવી.
‘તેં તારી બહેનપણી માટે આટલું વિચાર્યું એનો આભાર માનું છું ને આશીર્વાદ પણ પાઠવું છું. બાકી ગરીબનો તો આજે કોણ બેલી છે?’ નયનાબહેનનો સાદ ભીનો બન્યો, ‘બસ, એક વાર મારી સિયા હેમખેમ ઘરે આવી જાય, મને ‘મા’ કહી વળગે પછી મોત આવે તોય ફરિયાદ નહીં કરું ઈશ્વરને!
તેમને આશ્વસ્ત કરી કૃતિકાએ ફોન મૂક્યો.
આમ જુઓ તો કૃતિકા મુંબઈમાં જન્મી અને ઊછરી, પણ મોસાળ સૌરાષ્ટ્રનું હરિયા ગામ અને ઉનાળુ વેકેશનમાં મામાને ત્યાં જ ધામા નાખવાના.
ગામ પણ મામા-મામીના હેત જેવું રળિયામણું. ચોખ્ખાં હવાપાણી, ઉત્તરમાં ખળખળ ગોમતી નદીનો કિલ્લોલ, દક્ષિણમાં લીલાછમ ડુંગરોની હારમાળા. સવાર પડે કે પાદરના શિવમંદિરે દોડી જવાનું. સીમનાં ખેતરોમાં ધમાલમસ્તી કરવાની. વળતામાં વાડીમાંથી કેરીઓ તોડી ઘરે ભાગી આવવાનું... કેટલી મઝા! સરખેસરખી વયનાં છોકરા-છોકરીઓની ટોળીમાં વધતેઓછે અંશે સહુ કોઈ તોફાની, નટખટ; એક સિયાના અપવાદ સિવાય!
કૃતિકા વાગોળી રહી.
સિયા આમેય સૌથી નાની. કૃતિકાથી ત્રણેક વર્ષ નાની હશે. ગોરી, નમણી, નાજુક. તોફાન કરવામાં માને નહીં. કૃતિકા પરાણે તેને કેરી ચોરવામાં સામેલ કરે તો ભાગવામાં પાછળ પડે, રખેવાળના હાથમાં સપડાઈ જાય.
‘ખરી છે તું. આટલું ભગાય નહીં?’ પછીથી કૃતિકા વઢે તો તે સરળતાથી બોલી જાય, ‘હું તો ભાગી શકું, પણ પછી બિચારા જેન્તીકાકા (રખેવાળ) કેટલું દોડે? વાડીના માલિકનો ઠપકો પણ તેમને પડે.’
લો બોલો, આવું તો કોઈએ વિચાર્યું જ નહોતું. એ દિવસથી કેરીઓ તોડવાનું બંધ.
‘માસી, તમારી છોકરી નમૂનો છે. આટલું ડાહ્યું વળી કોઈ કેમ હોય?’
સિયાનો સ્વભાવ ઊઘડતો ગયો એમ કૃતિકાને તેની સાથે વધુ ને વધુ ભળતું ગયું.
મામાના મહોલ્લામાં જ તેનું ઘર હતું. છેવાડે નળિયાંવાળું કાચુંપાકું મકાન, પાછળ વાડામાં ચાર ગાયોનું ધણ. સિયાના પિતા ખેતમજૂર હતા, મા માથે બેડાં મૂકી દહીં-છાશ વેચવા નીકળતી. ગરીબ છતાં સ્વમાનભેર પેટિયું રળતાં માબાપના જીવનના એકના એક આધાર જેવી હતી સિયા. કૃતિકા તેના ડાહ્યાપણાની મીઠી ફરિયાદ કરતી તો નયનામાસી મલકી જતાં.
‘એ તો તેનાં પૂર્વજન્મનાં પુણ્યોનો જ પ્રતાપ હશે. દીકરીને ઘડવાની અમારી લાયકાત નહીં, અમને તો કેવળ તેને વહાલ કરતાં આવડે.’
સિયાનું, તેના માવતરનું નિર્દંભપણું કૃતિકાને આકર્ષતું. સિયા ભણવામાં હોશિયાર હતી. કૃતિકા વેકેશનમાં થેલો ભરીને બુક્સ તેના માટે લેતી આવે. બીજા સખા-સહિયરોની જેમ કૉલેજમાં આવ્યા પછી કરીઅરમાં જોતરાયા પછી મહિનોમાસ સુધી મોસાળ રોકાવાનું બનતું નહીં. મામાનાં દીકરા-દીકરી પણ અભ્યાસ-કારકિર્દી માટે અમદાવાદ-રાજકોટ જેવા શહેરમાં વસ્યાં હતાં. છતાં બેચાર દહાડા પૂરતુંય વરસમાં એક વાર તો આજેય કૃતિકા હરિયા જાય છે. મામા-મામીનું હેત માણવા ને સિયા જોડે ખૂબબધું ગપાટવા!
આ વિચારે અત્યારે પણ કૃતિકાથી હળવો નિ:સાસો નખાઈ ગયો: છેલ્લે આઠેક મહિના અગાઉ હું મોસાળ ગયેલી ત્યારે કેટલી ખુશ હતી સિયા!
અને કેમ ન હોય, એ પ્રણયબદ્ધ જો હતી! બાવીસની થયેલી એ કાચની પૂતળી જેવી નમણી હતી. અંગે યૌવન મહોર્યા પછી તેનો ગોરો વાન ઓર નિખર્યો હતો. કંઠ પણ એવો મધુરો જાણે ગળામાં સાક્ષાત લતા મંગેશકર બિરાજ્યાં હોય.
‘તું તો જાણે છે સિયા, હેરસ્ટાઇલિસ્ટ તરીકે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મારું નામ-કામ જામતું જાય છે. હાલ હું તનીશાની પર્સનલ હેરડ્રેસર છું. તારે તો ફિલ્મો કરવી જોઈએ.’
છેલ્લી મુલાકાતમાં હીંચકે બેસી તેઓ ગપાટતાં હતાં, એમાં કૃતિકાની કમેન્ટ સાંભળીને નયનામાસીએ ટકોર કરેલી, ‘મારી સિયાને એવા શોખ નથી. જોને, ઘર આખું તેણે સંભાળી લીધું છે. રોજ બપોરે પહાડી પર ગાયોને ચરવા લઈ જાય છે. કૉલેજ પણ પૂરી કરી, હવે બેનના હાથ પીળા કરવા છે!’
સાંભળીને સિયા કેવી શરમાઈ હતી!
‘ઓહો તમે કહેતાં હો માસી તો મુંબઈનો કોઈ હીરો જ ખોળી કાઢું.’
‘આપસાહેબાએ તકલીફ લેવાની જરૂર નથી...’
માસી આઘાંપાછાં થતાં શરમથી છૂઈમૂઈ થતી સિયાએ કૃતિકાને ચૂંટી ખણી સંભળાવ્યું હતું, ‘મેં મારા મનનો માણિગર શોધી લીધો છે.’
હેં!
‘લુચ્ચી. છૂપી રુસ્તમ. કોણ છે એ?’
‘નામ છે તેનું રાઘવ. બાજુના જ ગામનો છે. હજી ચારેક માસ અગાઉ અમે પહાડી પર પહેલી વાર મળેલાં. હું ગાયોનું ધણ લઈને જાઉં, તે લાકડાં વીણવા આવ્યો હોય.’
હીંચકાના સળિયે માથું ટેકવી સિયા ભાવવિશ્વમાં ખોવાઈ, ‘હું કોઈ મીઠું ગીત છેડું ને તે એમાં તેની વાંસળીના સૂર ભેળવે. ક્યારેક પહાડના પથ્થર પર બેસી દૂર દેખાતા દુર્લભગઢના રાજમહેલને તાકતાં શમણાનું ઘર સજાવીએ...’
‘હાય મૈં મર જાઉં! તું હજી અઢારમી સદીમાં જીવે છે એટલે મોબાઇલ વાપરતી નથી પણ તેની તસવીર તો રાખી હશેને?’
‘હાસ્તો,’ તે વળી લજાઈ,
‘મારા દિલમાં.’
ભારોભાર મુગ્ધતા, છલોછલ પ્રણય પડઘાતાં હતાં તેના બોલમાં, તેના વદન પર.
તેનો એ કહેવાતો પ્રેમી જ સિયાના ગાયબ થવામાં નિમિત્ત બન્યો હોવાની શંકા પાયા વિનાની નથી... અને એ પણ મારે ડિટેક્ટિવને કહેવું પડશેને... કૃતિકા મનોમન બોલી.
(ક્રમશ:)