19 May, 2025 02:20 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
‘અનિકેત.’
સાદ નાખતી તર્જની કૅબિનમાં ધસી આવી એટલે અનિકેતે ઉતાવળે ટેબલ પરનાં કાગળ-પેન ડ્રૉઅરમાં સરકાવી દેવાં પડ્યાં.
તર્જનીની ચકોર નજરથી કેતુની ક્રિયા છૂપી નહોતી રહી. કેતુ શું કરતો હતો અને ટેબલમાં શું છુપાવ્યું એનું કુતૂહલ કૂદાકૂદ કરવા લાગ્યું, પણ તેણે ધીરજ ધરી. હાલમાં ઓમ ડિટેક્ટિવ એજન્સીમાં કામનો ભરાવો ખૂબ હતો અને બે-ત્રણ કેસનું અપડેટ કેતુ સાથે તત્કાળ ચર્ચવું પડે એમ હતું.
તે સામી ખુરસી પર ગોઠવાઈ ત્યાં સુધીમાં કેતુ તેને નિહાળી રહ્યો.
મુંબઈનો સૌથી બાહોશ, જુવાન ખાનગી ગુનાશોધક અનિકેત દવે અને તેની મુખ્ય મદદનીશ તર્જની દવે એકમેકના ગળાડૂબ પ્રેમમાં હોવાનું જાણનારા જાણતા, પછી તે બન્ને ભલેને જાહેરમાં એની અજાણવટ રાખીને બેઠાં હોય!
લંડનમાં જાસૂસીની ટ્રેઇનિંગ લઈને પરત થયેલા કેતુએ મુંબઈમાં ઓમ ડિટેક્ટિવ એજન્સીનો પાયો નાખ્યો, તર્જની તેની મદદનીશ તરીકે જોડાઈ અને એજન્સી ખોલ્યાનાં આ બે વરસમાં તેમનું નામ એવું જામ્યું કે ઇન્ટરપોલ સુધ્ધાંએ તેમની મદદ માગ્યાના કિસ્સા બન્યા છે, ઝીરો ફેલ્યરની તેમની સિદ્ધિને સ્વયં લતાજીએ જાહેરમાં બિરદાવી હતી.
પોતાની સફળતાની સઘળી ક્રેડિટ કેતુ-તર્જની તેમના નવલોહિયા સ્ટાફને આપે. ચિતરંજન-ચૈતાલી તેમનાં મુખ્ય સહાયક.
પચીસનો થયેલો કેતુ પૂર્ણ પુરુષની પ્રતિકૃતિ જેવો હતો તો તર્જની સાક્ષાત્ સૌંદર્યમૂર્તિ. કેતુ રણમેદાનમાં ગજકેસરી જેવો શોભી ઊઠે તો નમણી એવી તર્જનીના વીફરેલી વાઘણ જેવા તેવર અપરાધીને ઘૂંટણિયાં ટેકવવા મજબૂર કરી દેતા.
‘તારું ધ્યાન ક્યાં છે કેતુ?’ તર્જનીની ટકોરે તેને ઝબકાવ્યો.
એ જ ક્ષણે તેનો ફોન રણક્યો.
તનીષા D કૉલિંગ. કેતુ ટેબલ પર વચ્ચે પડેલો ફોન પોતાના તરફ સરકાવે એ પહેલાં તર્જની પણ કૉલરનું નામ વાંચી ચૂકી હતી.
તનીષા ચોકસી. બૉલીવુડની સેક્સ-બૉમ્બ ગણાતી આઇટમ-ગર્લનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ બે-ત્રણ વાર હૅક કરીને ત્યાં મૅડમની નગ્ન તસવીરો મૂકવામાં આવી. એ ભલે નકલી હતી, પણ પોતાની સાથે કોણે આવી હિમાકત કરી એની તપાસ તેણે કેતુને સોંપી હતી. હજી બે મહિના અગાઉની જ વાત.
તનીષાનો કેસ તો ચિતરંજને પંદર દિવસમાં સૉલ્વ કરી દીધેલો. ખરેખર તો તનીષાએ પોતાની મહિલા સ્ટાફની સાથે મિસબિહેવ કરનારા પોતાના પી.આર. મૅનેજરને નોકરીમાંથી કાઢ્યો એનું વેર વાળવા પેલા કામથે જ મિસ્ચીફ કરી હોવાનું પુરવાર થતાં ગુનેગાર કાયદાને હવાલે થયો. કેસ ત્યાં પત્યો જ ગણાય. તોય આ તનીષા કેતુનો કેડો નથી મૂકતી!
તર્જનીએ દાઝ ઘૂંટી.
તર્જનીને ‘એક્સક્યુઝ મી’ કહી, કૉલ રિસીવ કરી, સહેજ દૂર જઈને મલકીને વાતો કરતા કેતુનો અવાજ તર્જની સુધી નથી પહોંચતો એ પણ તર્જનીને ચચરતું હતું.
મારી સામે વાત કરવામાં કેતુને શું વાંધો હતો? અને ખરેખર તો પેલીએ ફોન શું કામ કરવો જોઈએ? ડિટેક્ટિવે તેનો કેસ સૉલ્વ કરી આપ્યો, તેણે ડિટેક્ટિવની ફી ચૂકવી દીધી. ખતમ. હવે શું છે કે દર બે-ચાર દહાડે ફોન જોડી કેતુ સાથે ગુટરગૂ કરતી રહે છે? વાંક કેતુનો પણ છે. વાંદરીને નિસરણી આપો તો એ માથે ચડે જને! કેતુને તો આમ પણ તેનો ચાવ હતો એ શું હું નથી જાણતી?
ચચરતા જીવે તર્જની મનોમન બબડતી રહી.
‘શી હૅઝ ઑલ ધ રિયલ થિન્ગ્સ!’
હિન્દી ફિલ્મોમાં હિરોઇનો જ ઉઘાડી થઈને અશ્લીલ અંગમરોડ કરવા લાગી ત્યારથી હેલન, બિન્દુ કે અરુણા ઈરાનીના સમયનો વૅમ્પનો દબદબો નથી રહ્યો. આવામાં ચારેક વર્ષ અગાઉ આવેલી બી ગ્રેડની ‘કૉલગર્લ’ નામની ફિલ્મે એની ન્યુડિટી અને વલ્ગૅરિટીના મામલે તહલકો સરજ્યો. ફિલ્મના ઍડલ્ટ સીન્સથી વધુ બેખોફ તો નટી તનીષાનાં પ્રમોશનલ ઇવેન્ટ્સમાં વિધાનો રહેતાં : અમારી ફિલ્મની નાયિકા એટલે કે કૉલગર્લ કંઈ ગઈ સદીની હિન્દી ફિલ્મોની હિરોઇનોની જેમ મજબૂરીથી કોઠે બેસતી યુવતી નથી. તે પોતે પોતાની મરજીથી આ વ્યવસાયમાં આવી છે. આજે યુવતીઓ વિમાન ઉડાવે છે કે ટ્રેન દોડાવે છે એમ કોઈ દેહના વ્યવસાયમાં કરીઅર બનાવવા માગે એમાં ખોટું શું છે?
ફિલ્મની પબ્લિસિટી માટે, પોતાના પ્રમોશન માટે આર્ટિસ્ટ્સ આવા લવારા કરતા રહે છે. ‘કૉલગર્લ’ની મુખ્ય ભૂમિકા ભજવતી તનીષાને એ ફળ્યા પણ ખરા. ‘બી’ ગ્રેડની હિરોઇન ‘એ’ ગ્રેડની આઇટમ-ગર્લ બની ગઈ. મૂળ જામનગરની તનીષા કોઈ ઍન્ગલથી ગુજ્જુ ગર્લ લાગે નહીં. એનું કારણ એ જ કે પેરન્ટ્સના ડિવૉર્સ પછી તે છ વરસની ઉંમરે મા સાથે કૅનેડા જતી રહેલી. મા ફરી પરણી, સ્ટેપ ફાધર જોડે તનીષાને ભળ્યું નહીં એટલે અંગે યૌવન ફૂટતાં પંખી માળો છોડીને ઊડી ગયું એનો જોકે કોઈને અફસોસ નહોતો. ૧૮ની ઉંમરે તે વર્જિન રહી નહોતી અને ઉત્તેજક તસવીરો પડાવીને પૉકેટમની કાઢવાનો રસ્તો તેને ફાવી ગયેલો. આવી જ લગભગ નગ્ન કહી શકાય એવી તસવીર કૅનેડાના ગ્લૉસી મૅગેઝિનમાં છપાઈ અને એણે બૉલીવુડના દરવાજા ખોલી આપ્યા. તેને ‘કૉલગર્લ’ની ઑફર મળી ઍન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટરી!
તનીષા બહુ વટથી કહેતી, ‘મારે ઝીરો ફિગરની જરૂર નથી. પબ્લિક મારાં ભરાવદાર વક્ષ:સ્થળ અને ઘેરાવદાર નિતંબના લટકાઝટકા જોવા થિયેટરમાં આવે છે, આઇ કાન્ટ સ્ટીલ ધેર પ્લેઝર!’
આઇટમ-ગર્લ તરીકે તનીષાનો સિક્કો ચાલતો હતો. ઇન્સ્ટા પર તેના લાખો ફૉલોઅર્સ હતા.
તર્જનીને જોકે તે દીઠી ગમતી નહીં.
‘તમે હેલનને જુઓ. તેમના કૅબ્રે હૉટ હતા, અશ્લીલ લગીરે નહીં. એ ગ્રેસ આજે તો હિરોઇનોમાં જ જોવા નથી મળતો પછી આવી બે બદામની આઇટમ-ગર્લની શું વિસાત!’
ક્યારેક ફૅમિલી-ગૅધરિંગ કે ઑફિસની પાર્ટીમાં યંગસ્ટર્સ વચ્ચે બૉલીવુડની વાત નીકળે એમાં તનીષાના ગીતનો ઉલ્લેખ થતાં તર્જની બોલી ઊઠતી. કેતુનો અભિપ્રાય તર્જનીથી જુદો હોય જ નહીં, પણ તર્જનીને ચીડવવાની મજા માણવી હોય એમ તે હસી પડે.
‘યુ ગર્લ્સ! તમે તો તનીષાથી જલવાની જ. બિકૉઝ શી હૅઝ ઑલ ધ રિયલ થિન્ગ્સ....’
સાંભળીને તર્જનીનું મોં ચડી જાય. પોતાના બફાટનો ખ્યાલ આવતાં કેતુને ફાળ પડે. તે બિચારો વાત વાળવા માગે, પણ તર્જની એમ માને! તેને મનાવતાં કેતુને નવ નેજાં પાણી ઊતરે.
- તે તનીષા એક સવારે અચાનક જ ઑફિસે આવી ચડી. સ્ટાફના ગણગણાટે તર્જનીનું ધ્યાન દોરાયું. તનીષાને જોઈને પળભર તો તેય અવાક થઈ ગઈ : આ વળી અહીં ક્યાં આવી ચડી! પાછી શૂટિંગમાં જવાની હોય એમ ટૂંકાં ભડકાઉ વસ્ત્રો પરિધાન કર્યાં છે. અમે સૌ તુચ્છ હોઈએ એમ મૅડમ અમારા પર નજર પણ નથી નાખતાં. આધેડ વયનો પ્યુન રવજી પણ કેવા થનગનાટભેર તેને કેતુની કૅબિન તરફ દોરી રહ્યો છે. બન્ને કૅબિન સુધી પહોંચે એ પહેલાં તો કેતુ જ તેને આવકારવા બહાર આવી ગયો. અફકોર્સ, CCTVમાં તેને મૅડમનું આગમન દેખાયું જ હોય.
‘તનીષાજી આપ! આઈએ... પ્લીઝ કમ ઇન!
શેકહૅન્ડ કરી એ હાથ પકડીને તનીષાને કૅબિનમાં દોરી ગયો. હવે બધાની નજર તર્જનીને ટાંપી રહી. ‘ડૂ યૉર વર્ક!’ સ્ટાફ જોડે ભાગ્યે જ ઊંચા અવાજે વાત કરતી તર્જનીએ દમામથી કહ્યું. હોઠ કરડતી, જીવ બાળતી કેતુની કૅબિન તરફ જોતી તે બેઠી રહી.
તર્જનીથી વધુ બેસી ન રહેવાયું. પૅડ અને પેન લઈને તે નૉક કર્યા વિના સીધી કૅબિનમાં દાખલ થઈ.
હા...શ. બેઉ કઢંગી અવસ્થામાં નહોતાં. લૅપટૉપ સરખું કરીને અનિકેત પોતાની રિવૉલ્વિંગ ચૅર સામી તરફ સરકાવતો દેખાયો. ક્લાયન્ટની આટલા નજીક આવવાની તેણે શું જરૂર?
તર્જનીએ હોઠ કરડ્યો. કેતુનું ધ્યાન તો જોકે તનીષા પર જ રહ્યું. ‘ઇન્સ્ટા પર ગઈ કાલે તમારા ન્યુડ ફોટો પોસ્ટ થયા એ બાબતમાં જ તમારે આવવું થયું હશે, રાઇટ તનીષા?’
તર્જનીથી પણ આ ન્યુઝ અજાણ નહોતા. બલ્કે ગઈ કાલે ન્યુઝ-ચૅનલ્સ પર એ જ હૉટ ટૉપિક હતો. મૅડમનું અકાઉન્ટ હૅક થયું હતું અને પોસ્ટ થયેલા ફોટો ફેક હતા એટલી ચોખવટ તો ગઈ કાલે જ થઈ ગયેલી. તનીષાએ ક્રાઇમ બ્રાન્ચના સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવ્યાનું પણ વિદિત હતું.
બીજા સંજોગોમાં કેતુ અપડેટેડ હોવા વિશે તર્જનીને નવાઈ ન લાગી હોત બલ્કે ગર્વ જ થયો હોત, પણ અત્યારે તો દાઝ જ ઘૂંટાઈ : ભલું હશે તો અત્યારે લૅપટૉપમાં પણ કેતુ તેની ફેક તસવીરો જ નિહાળતો હશે. આફ્ટરઑલ શી હૅઝ ઑલ ધ રિયલ થિન્ગ્સ!
‘મિસ્ટર ડિટેક્ટિવ, મને સરકારી ખાતા પર ભરોસો નથી. કોઈકે મને તમારું નામ સજેસ્ટ કર્યું પછી મેં અપૉઇન્ટમેન્ટ લેવાનીયે ધીરજ ન ધરી.’
આમ કહેતી વેળા તનીષા કારણ વિના ખુરસીમાં હાલતી હતી એટલે તેનાં હાલકડોલક થતાં અંગો પર કેતુની નજર જકડાઈ કે તર્જનીએ ખોંખારો ખાતાં કેતુએ પાતાની ખુરસી જરા પાછળ સેરવી, ‘અફકોર્સ, વી આર ધેર ફૉર યૉર સર્વિસ!’
‘ઓહ, આઇ રિયલી અપ્રિશિએટ ધૅટ.’ તનીષાએ પાંપણ પટપટાવી, ‘તમારો રેફરન્સ આપનારે તમે અતિ કાબેલ છો એવું તો કહ્યું હતું; પણ તમે આટલા કાઇન્ડ, કો-ઑપરેટિવ અને આઇ રિયલી મીન ઇટ - આટલા એક્સ્ટ્રીમલી હૅન્ડસમ છો એવું કહેવાનું ચૂકી ગયા.’
તર્જની વારાફરથી બેઉને જોતી રહી. આછું શરમાતો કેતુ એકદમ બોલી ઊઠ્યો:
‘તર્જની, ડૂ યુ ઍગ્રી વિથ હર કમેન્ટ?’
કેતુની ચબરાકી તર્જનીને ખટકી. કેવો કાલો થાય છે!
‘મારા ખ્યાલથી તનીષાનો સમય વધુ કીમતી છે એટલે આપણે મુદ્દા પર આવી જવું જોઈએ.’
કહેતી તે જોમભેર ચૅર સરકાવીને બેઉની વચ્ચે જ બેઠી, ‘પહેલાં તો મૅડમ એ કન્ફર્મ કરો કે ફેક તસવીરનો ક્યાંક તમારો જ પબ્લિસિટી સ્ટન્ટ નહોતોને?’
તેના સીધા સવાલે તનીષા સહેજ ડઘાઈ. ડિટેક્ટિવ પાણીદાર હોય તો તેની સેક્રેટરી પણ ઓછી તેજ નથી!
‘અફકોર્સ નૉટ!’ તનીષાએ ગરદનને ઝાટકો આપ્યો. ‘મારા રિયલ ફોટો હોત તો છે એનાથી ક્યાંય વધુ ઉત્તેજનાભર્યા હોત.’ તેણે કેતુને નિહાળ્યો, ‘આઇ મીન, યુ વિલ ઍગ્રી વિથ મી.’
તર્જની ટાંપી જ રહી હતી. કેતુમાં હા-ના કરવાની હિંમત નહોતી. તેણે વચલો રસ્તો લીધો. ‘મારા ખ્યાલથી આપણે ચિતરંજનને બોલાવીએ... હી વિલ ટેકઅપ યૉર કેસ...’
- એ કેસ પત્યાનેય બે મહિના થયા. તોય તનીષા કેતુનો કેડો નથી મૂકતી. અઠવાડિયે બે-ત્રણ વાર તો તેના ફોન હોય જ - આ તો મારી હાજરીમાં આવતા કૉલ્સ થયા. બેઉની રોજ વાત થતી હોય તો કોણે જાણ્યું! પાછો કેતુએ તેનો નંબર પણ કેટલો સૂચક રીતે સેવ કર્યો છે. તનીષા D - ડી એટલે ડિયર કે ડાર્લિંગ જને!
અત્યારે વર્તમાનમાં ઝબકતી તર્જનીએ મુઠ્ઠી ભીંસી.
આવું પહેલી વાર થયું હતું. જાસૂસીની દુનિયાનાં ખતરનાક કારનામાં દરમ્યાન કેતુએ તનીષા કરતાંય રૂપવતીઓને ક્યાંય ટક્કર આપી દે તેમની સાથે રહી કામ કર્યું છે, પણ ધરાર જો તે તર્જનીમાંથી ચળ્યો હોય! તર્જનીને આનું અભિમાન હતું.
પરંતુ તનીષાના આગમન પછી મેરુ જેવો અચળ કેતુ ચલિત થઈ રહ્યો હોય એવું કેમ લાગે છે!
હળવો નિસાસો તર્જનીના ગળે અટકી ગયો. પછી તે સાવધ થઈ. કૅબિનની વૉલ તરફ મોં ફેરવીને ઊભેલા કેતુની પીઠ તેના તરફ હતી. આનો લાભ (કે ગેરલાભ) લઈને તર્જનીએ કેતુના ડેસ્કનું ખાનું ખોલ્યું. કેતુએ સરકાવેલા પૅડ પર નજર પડતાં તે સહેમી ગઈ.
કાગળ પર હાર્ટનું ચિતરામણ હતું અને હૃદયમાં અંગ્રેજીનો ‘ટી’ ઘૂંટ્યો હતો.
ટી ફૉર તનીષા!
તર્જનીને રડવાનું મન થતું હતું. કેતુ બદલાઈ રહ્યો છે, બદલાઈ ગયો છે એની રાવ-ફરિયાદ કોને કરું?
અને તેની ભીતર એક નામ ઊગ્યું : રાજમાતા મીનળદેવી!
(ક્રમશ:)