યાર-ગદ્દાર: ભેદ, ભરમ કે કરમ? (પ્રકરણ ૨)

28 January, 2026 03:47 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

આર્કટિક અને ઍટ્લાન્ટિક ઓશનની વચ્ચે આવેલું ગ્રીનલૅન્ડ અમેરિકા માટે બહુ સ્ટ્રૅટેજિક લોકેશન ધરાવે છે એટલે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ એનો કબજો લેવા મરણિયા બન્યા છે

ઇલસ્ટ્રેશન

‘જય હિન્દ!’

ટીવી પર ૨૬ જાન્યુઆરીની પરેડ નિહાળતાં વિદ્યાબહેનની નજર સમક્ષ સૈનિકની વર્દીમાં શોભતા પતિની મોહક મુરત તરવરી ઊઠી.

અમારાં અરેન્જ્ડ મૅરેજ હતાં. સગપણની વાતો ચાલતી હતી ત્યારે જ તેમણે કહેલું ઃ વિદ્યા, મારા જેવા ફૌજીની પત્ની બનવું સરળ નહીં હોય. હું માભોમની સેવામાં રચ્યો હોઈશ ને તારે કચ્છના સીમાડાના સુખસુવિધા વિનાના ગામમાં મારાં માવતરની સેવા કરવી પડશે. આપણા સહજીવનમાં મિલનથી વધુ જુદાઈની રાત્રિઓ હશે, ચૂડીચાંદલો ક્યારે છેકાઈ જાય એ નક્કી નહીં એટલે બધું વિચારીને લગ્ન માટે હામી ભણજે.

અને જવાબમાં પોતે કહ્યું હતું : મગતરાની સોહાગણ કરતાં મરદની વિધવા થવાનું હું પસંદ કરીશ નિરંજન, તમે એનો થડકો રાખશો મા.

સાંભળીને તે કેવા ઝળહળી ઊઠેલા. તેમણે કહેલું એમ અમે સાથે ઓછું રહ્યાં, વર્ષે બે વાર થોડા દિવસો પૂરતા તે ઘરે આવે, પણ એ પળો ચિરસ્મરણીય બની રહે એવી મને ભીંજવી દે. અક્ષત ચાર મહિનાનો હતો ત્યારે તેને રમાડીને નિરંજન ગયા એ ગયા... એના બે મહિને આર્મીમાંથી તાકીદનો સંદેશો આવ્યો: કમ સૂન!

વિદ્યાબહેન કાળજે પથ્થર મૂકી સંભારી રહ્યાં :

lll

અક્ષુને સાસુને સોંપી સસરો-વહુ શ્રીનગર પહોંચ્યાં ત્યાં સુધી જીવ ચૂંથાતો રહેલો. ઍડ્મિન બિલ્ડિંગના વિઝિટર રૂમમાં બેઠા હતા ત્યાં આર્મી યુનિફૉર્મમાં પ્રભાવશાળી દેખાતા આદમીએ દેખા દીધી : નમસ્કાર. હું કર્નલ ચૌધરી.

કર્નલ ચૌધરી! વિદ્યાનો ચહેરો ઝગમગી ઊઠ્યો : આ તો નિરંજનના ફેવરિટ સાહેબ. રજામાં ઘરે આવતા નિરંજન ઘણી વાર તેમની ચોકીની, સાથીઓની વાતો કરે એમાં ચૌધરી સાહેબનો ઉલ્લેખ અચૂક હોય.

અને તેમણે જ વીજ પાડી,

‘એક બુરા ખબર છે.’ કર્નલ બાપા સામે ઘૂંટણિયે ગોઠવાયા, ‘નિરંજન હયાત નથી.’

નહીં! 

‘એ શ..હી..દ થયા!’ વિદ્યાની આંખે અશ્રુબિંદુ અટકી ગયું. નિરંજન કાયમ કહેતો : હું રણમોરચે ખપી જાઉં તો રડીને મારી શહીદી લજવીશ નહીં!

‘ખબરદાર જો એ દગાબાજને શહીદ કહ્યો’તો!’ કેટલા આવેશમાં બોલી ગયા કર્નલ.

હેં!

‘જોકે વાંક તેનો નથી. દુશ્મન દેશે રૂપાળું પંખી મોકલ્યું ને નિરંજન જાળમાં ફસાઈ ગયો.’

એટલે! વિદ્યાનું હૈયું ધબકારો ચૂકી ગયું.

‘તેને દુશ્મન દેશની જાસૂસ સાથે સૂવાના સંબંધ હતા. તેના મોહમાં તે જાણે કે અજાણે અહીંની વિગતો ત્યાં મોકલતો રહ્યો એવા ખબર અમને ત્યાંથી અમારા ખબરી દ્વારા મળ્યા. અને બીજી બાજુ અમારા અન્ય એક ઑફિસરે નિરંજન-હસીનાને કઢંગી હાલતમાં ઝડપી લીધાં...’

હસીના. કઢંગી હાલત. બાપાની આંખો ફાટી રહી, વિદ્યાના હૈયે ઝંઝાવાત ઊમડતો હતો.

‘ઑફિસરને આવેલો જોઈ નિરંજને ગન હાથવગી કરી, બીજી બાજુ ઑફિસરના ખુફિયા ખબરના બયાને પોતાનો દાવ ખુલ્લો પડી ગયાનું સમજી ગયેલી હસીના જીવ પર આવી.’ કર્નલે નિશ્વાસ નાખ્યો, ‘ફસાવા ન માગતી હસીનાએ પહેલાં નિરંજન પર વાર કર્યો, તેનો ઇરાદો બીજી ગોળી અમારા બીજા ઑફિસરને જ મારી ભાગી છૂટવાનો જ હોય, પણ પ્રેમિકાના દગાથી હતપ્રભ બનેલા નિરંજને હસીનાને ગોળી મારી ડોક ઢાળી દીધી. હસીનાનું પ્રાણપંખેરું ત્યાં જ ઊડી ગયું... ઑફિસરે મને રિપોર્ટ કર્યો અને અમારી તપાસમાં હસીનાને ત્યાં નિરંજન નિયમિત જતો હોવાના પુરાવા પણ મળ્યા. તેની સિગાર, પૉકેટ ડાયરી, તેનાં બે જોડી કપડાં...’

નહીં, નહીં! જેના રોમ-રોમમાં હું શ્વસતી હોઉં તે મારો હક પરસ્ત્રીને આપે એમાં મારા સ્ત્રીત્વનું અપમાન છે અને એ નિરંજનથી કદી થવાનું નહીં!

વિદ્યાનું તેજ ઝળહળી ઊઠ્યું.

‘મને મારા પતિ પર વિશ્વાસ હતો – છે. આમાં જરૂર ક્યાંક ખોટું છે,’ કહેતાં તેની કીકીમાં ચમકારો ઊપસ્યો, ‘સાહેબ, તમે નિરંજનના સાથીમિત્રને પૂછો. મેજર યાદવ! નિરંજન તમારી સાથે તેમનો ઉલ્લેખ પણ ખાસ કરતા. કાશ્મીરમાં બેઉ સાથે જ ડ્યુટી પર હતા. એક જ તંબુમાં રહેતા. તેમને પૂછી જુઓ સાહેબ, પોતાના યાર, મિત્ર, સાથીની સાચી ગવાહી મેજર યાદવ આપશે.’

વિદ્યાની યાચનામાં આશા પડઘાતી હતી. હરિયાણાના મેજર યાદવને પોતે મળી નથી પણ નિરંજનની વાતોથી જાણું છું,, ફોટોમાં જોયા છે.

‘મેજર યાદવ!’ કર્નલ ફીકું મલક્યા, ‘આમ તો નિયમ મુજબ મારે તમને આ જાણકારી આપવાની રહેતી નથી, પણ ઑફ ધ રેકૉર્ડ કહું છું કે... નિરંજનને ઝડપનાર ઑફિસર બીજું કોઈ નહીં, યાદવ જ હતો!’

હેં!

‘નૅચરલી, બેઉ સાથે રહેતા એટલે પોતાના યારમાં આવેલો બદલાવ તેણે પહેલાં નોંધ્યો... પણ સત્ય પકડાયું ત્યારે મોડું થઈ ચૂક્યું હતું!’      

તોય વિદ્યા ન જ માની ત્યારે કર્નલે તેની તસલ્લી ખાતર મેજરને બોલાવ્યો. ઊંચા, પહોળા, સશક્ત જુવાનના વદન પર ઉદાસી લપેટાઈ હતી. બાપાને પગે લાગી તેણે વિદ્યા સમક્ષ હાથ જોડ્યા, ‘હમારી પહલી મુલાકાત ઇસ હાલાત મેં હોગી કભી સોચા નહીં થા. નિરંજન તો મને કેવો વહાલો! થોડા મહિના પહેલાં મારા ઘરે દીકરો આવ્યાના ખબરે તેણે શું કહેલું જાણો છો? કહે, મેરી બીવી ભી પેટ સે હૈં. હમારી લડકી હુઈ તો તેરે લડકે કે સાથ ઉસકા બ્યાહ કરેંગે...’

તેનો સાદ ભીંજાયો, 

‘પણ પાછલા બેત્રણ મહિનામાં મને તે બદલાયેલો લાગ્યો...’

વિદ્યા ટટ્ટાર થઈ.

‘તેનો પગ ક્યારે, કેમ લપસ્યો એ તો નથી જાણતો પણ થોડા વખતથી તે ઑફ ડ્યુટી દરમ્યાન કલાક-બે કલાક ગામમાં લટાર મારવાના બહાને ગાયબ થઈ જાય, પાછો આવે તો ઉડાઉ જવાબ આપે - આ બધું મને ખટકવા લાગ્યું. બે-ચાર વાર પીછો કરી મેં હસીના સાથેનો તેનો મેળ ઝડપ્યો. એવામાં સરહદપારથી જાસૂસીના ખબર આવ્યા. હસીનાના મોહમાં ડૂબેલા નિરંજનને તો એનીય ભનક નહોતી.’

મેજરે કર્નલ તરફ જોઈ ગળુ ખંખેર્યું, ‘ખરેખર તો જાસૂસી બાબત જાણી મારે કર્નલ સરને નિરંજનના અફેર બાબત બ્રીફ કરવાના હોય, પણ યાર ગદ્દાર પુરવાર થાય ત્યારે સાચો સૈનિક તેને ઝડપવામાંથી પણ પાછો નહીં પડે એ નાતે મેં હસીનાના ઘરે રેડ પાડી, મારો ઇરાદો તેમને જીવતાં પકડી કર્નલને હવાલે કરવાનો હતો, પણ દુશ્મન દેશની જાસૂસે ખાનાખરાબી સર્જી દીધી.’

‘હું આ નથી માનતી, ક્યારેય નહીં માનું.’ 

મેજર યાદવ સાથે બહાર નીકળતા કર્નલ અટક્યા, વિદ્યાને નિહાળી ઊંડો શ્વાસ લીધો: નિરંજન-હસીનાનું પોસ્ટમૉર્ટમ થઈ ચૂક્યું છે અને મેડિકલ રિપોર્ટ તેમના સંસર્ગની ગવાહી પૂરે છે એ જાણ્યા પછી તમારે ન્યાયની દુહાઈ લઈ કોર્ટમાં જવું છે કે ચૂપચાપ અહીં નિરંજનના અગ્નિસંસ્કાર પતાવી દેવા છે એનો ફેંસલો તમારા પર છોડું છું. બાકી કોર્ટમાં જશો તો અત્યાર સુધી જે કેવળ આર્મીના રેકૉર્ડ પર છે એ કિસ્સો જાહેરમાં ઊછળશે ને દેશદ્રોહી તરીકે નિરંજનનું ગામગજવણું થશે.’

એ જ ડરે મૂંગા રહેવું પડ્યું : નિરંજન ગદ્દારી કરે નહીં, પણ એને પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા તો મોટા થતા અક્ષુ માટે એ કલંક જીવતરના વિષ જેવું બની રહેવાનું! નિરંજનને તે નફરત કરશે, એના કરતાં જે બન્યું એને નસીબનો ખેલ સમજી અક્ષતની પરવરિશમાં ધ્યાન આપવામાં સમજદારી હતી.

અને બસ, પોતે એ જ કર્યું. નિરંજનને અંતિમ વિદાય આપી ગામ પરત થઈ સાસુને વળગી જનમભરનું રડી લીધું. પછી અક્ષુને છાતીસરસો ચાંપ્યો : તારી નજરમાં તારા પિતાની છબી તો નહીં જ ખરડાવા દઉં!

સાસુ-સસરા પછી ઝાઝું જીવ્યાં નહીં, પિયરમાં કોઈ રહ્યું નહોતું. આમ તો ગામમાં નિરંજનના આકસ્મિક મૃત્યુની જ વાત કરેલી, પણ ક્યારેક ક્યાંકથી સચ્ચાઈ ગામ સુધી આવી પહોંચે એ પહેલાં વિદ્યાએ ત્રણ વર્ષના થયેલા અક્ષત સાથે ગામ-ઘર છોડ્યાં ને સાવ જ અજાણ્યા પ્રદેશમાં વસ્યાં. સંઘર્ષમાં સ્મિત ઓસરવા ન દીધું, અક્ષતના ઉછેરમાં ક્યાંય ચૂક્યાં નહીં. પતિ કચ્છમાં ખેડુ હતા ને એરુ આભડતાં અવસાન પામ્યા એ સ્ટોરી એવી રટી કે અક્ષુ માટે તો આજે પણ એ જ સચ્ચાઈ છે!

ક્યારેક થાય કે અક્ષુને સઘળું કહી દઉં. પિતાનું સત્ય દીકરો નહીં સમજે?

પણ પછી થાય, સત્યને પામવા તે પુરાવાનો આધાર લેવા માગે તો માની શ્રદ્ધા કેટલીક ટકશે!

એટલે મારા હોઠ ઊઘડતા નથી, હૈયે ખંભાતી તાળું મારી દઉં છું.

અને દીવાલે લટકતી છબીમાંથી નિરંજનને નિહાળતાં વિદ્યાબહેનની પાંપણે એની ભીનાશ છવાઈ ગઈ.

lll

‘ઇન્ટર્નશિપ કેવી જાય છે?’

છવ્વીસ જાન્યુઆરીના લૉન્ગ વીક-એન્ડમાં મુંબઈ આવી ચડેલા પોતાનાથી આઠેક વર્ષ મોટા માસીના દીકરા ભાઈ મોહિત જોડે સ્તુતિને ખૂબ ભળતું. અક્ષતની ભલામણ તેણે જ કરેલી: અક્ષત ઇઝ સિમ્પ્લી બ્રિલિયન્ટ. તે ના પાડે તો મારું નામ વાપરજે.

ભારતના જાસૂસી ખાતામાં ફરજ બજાવતો મોહિત જોકે વગ વાપરવામાં માને નહીં અને સ્તુતિને તેના રેઝ્યુમે પર જ અક્ષતનું ગ્રીન સિગ્નલ મળ્યું એટલે મોહિતનો ઉલ્લેખ પણ નહોતો થયો.

જાસૂસ સંસ્થાની જૉબમાં મોહિતને રજાની લક્ઝરી ઓછી મળતી, પણ ભાઈ-બહેન એકમેકના જીવનપ્રવાહથી અપડેટેડ રહેતાં. ઇન્ટર્નશિપથી સ્તુતિ ખુશ લાગી, પણ પછી મોહિતે નોટિસ કર્યું કે સ્તુતિની વાતોમાં કોઈ ને કોઈ બહાને અક્ષતનો ઉલ્લેખ અચૂક થાય છે! ક્યાંક તે અક્ષત પર ઢળી તો નથી પડીને! મોહિતને બહેનનું હૈયું ટટોલવુ જરૂરી લાગ્યું. આમાં શનિ-રવિ હરવાફરવામાં નીકળી ગયા. આજે સોમવારની બપોરે બંગલાની અગાસીના હીંચકે ગોઠવાઈ તેણે ઇન્ટર્નશિપનું પૂછ્યું ને સ્તુતિ મનગમતો ટૉપિક નીકળ્યો હોય એમ મહોરી ઊઠી.

‘યુ લવ હિમ?’ એક તબક્કે મોહિતે સીધું જ પૂછ્યું.

હેં! સ્તુતિની લજ્જામાં પ્રણયભાવ છલકાઈ ગયો.

‘ગૉડ! છોકરી, તું અક્ષત વિશે જાણે છે શું?’ મોહિતે હીંચકો અટકાવ્યો, ‘અક્ષતના ચારિત્રમાં કહેવાપણું નથી, તેને એટલો તો જાણું છું કે તારો હાથ વિના સંકોચ તેના હાથમાં મૂકી શકું, પણ...’

તેના અધ્યાહારે સ્તુતિ અધ્ધર થઈ ગઈ.

‘તેનુ કામ, તેની સ્કિલ રિસ્કી છે...’ મોહિતને થયું સ્તુતિ સાથે ખુલાસીને વાત કર્યા વિના છૂટકો નથી, ‘તું જાણે છે, અક્ષત વચમાં ડેન્માર્ક શું કામ ગયેલો? એ અમારા કહેવાથી.’

‘મતલબ! અક્ષત જાસૂસ છે?’

‘નો, ડિયર સિસ, જાસૂસ નહીં, જાસૂસનો મદદગાર.’

ઓ..હ! સ્તુતિએ ડોક ધુણાવી. મોહિત-અક્ષતનું કનેક્શન હવે સમજાયું.

‘આર્કટિક અને ઍટ્લાન્ટિક ઓશનની વચ્ચે આવેલું ગ્રીનલૅન્ડ અમેરિકા માટે બહુ સ્ટ્રૅટેજિક લોકેશન ધરાવે છે એટલે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ એનો કબજો લેવા મરણિયા બન્યા છે. ગ્રીનલૅન્ડને સ્વાયત્તતા આપનાર ડેન્માર્ક પ્રમુખની લશ્કરી કાર્યવાહીની ધમકીને ગાંઠે એમ નથી.’

‘આજે વિશ્વભરમાં તંગદિલી છે. હવે જાસૂસી કેવળ પોતાના દેશના સીમાડા સુરક્ષિત રાખવા પૂરતી સીમિત નથી રહી સ્તુતિ, બીજા દેશોની આંતરિક સ્થિતિ પર પણ ચોંપ રાખવી જરૂરી છે.’ મોહિતે ઉમેર્યું, ‘દુનિયાની મોટી-મોટી ઇન્ટેલિજન્સ એજન્સીઓ આવું કરતી હોય છે ને પોતપોતાની શરતોએ ખુફિયા માહિતીનું આદાનપ્રદાન પણ થતું હોય છે... અક્ષત થકી આપણે ડેન્માર્કની યુદ્ધની તૈયારીઓ વિશે ગુપ્ત માહિતી મેળવી. હવે એને અમેરિકા સાથે ડીલમાં વાપરીશું. અક્ષતની ડિફેન્સ સિસ્ટમ ક્રૅક કરવાની માસ્ટરી છે.’

સિસ્ટમ ક્રૅ...ક કરવી- મતલબ!

‘યસ, તું બરાબર જ સમજી છે. અક્ષત હૅકર છે, એથિકલ હૅકર.’

હેં!

‘હી ઇઝ જીનિયસ. હું તો કહીશ દુનિયામાં તેના જેવો હૅકિંગમાં ચબરાક કોઈ નથી. ડેન્માર્કમાં અમેરિકાનું CIA ન કરી શક્યું એ અક્ષતની મદદથી આપણે કરી દેખાડ્યું.’ મોહિતે શ્વાસ લેવા રોકાઈ ઉમેર્યું, ‘અને એ જ મારી કન્સર્ન છે. તું જાણતી હશે, એથિકલ અને મિનલ હૅકિંગ વચ્ચે પાતળી ભેદરેખા છે. અક્ષત ક્યારેક એ ઓળંગી બેઠો તો...’

‘અસંભવ. એવું બને જ નહીંને.’ કહી એણે દાખલો આપ્યો, ‘એમ તો જાસૂસીમાં પણ ક્યાં ડબલક્રૉસનો ભય નથી હોતો?’

અને આવા જ જુસ્સાભેર તેણે બીજી સવારે સાથે ઑફિસ આવેલા મોહિતની હાજરીમાં જ પૂછી લીધું : ‘અક્ષત, વિલ યુ મૅરી મી?’

હેં! અક્ષતના ચહેરા પર લોહી ધસી આવ્યું.

(વધુ આવતી કાલે)

columnists exclusive gujarati mid day Sameet Purvesh Shroff