20 March, 2026 10:41 AM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
કાંદિવલીની વિઠ્ઠલ હાઈ સ્કૂલનો ઍસેમ્બલી હૉલ લાઇટ્સથી ઝાકઝમાળ હતો. સ્કૂલના ઍન્યુઅલ ડે નિમિત્તે હજારથી વધારે સ્ટુડન્ટ્સ, તેમના પેરન્ટ્સ અને સ્ટાફ હાજર હતા. સ્ટેજ પર સેન્ટર ચૅરમાં સુનીતા મહેતાને બેસાડવામાં આવ્યાં હતાં. તેમણે ચહેરા પર પરાણે સ્મિત રાખ્યું હતું પણ સુનીતાબહેનની આંખોમાં અજાણ્યો ડર હતો અને મનમાં ગઈ કાલ રાતની ઘટના હતી.
ડિટેક્ટિવ સોમચંદે હર્ષદભાઈને જે રીતે રાતે બચાવ્યા અને બચાવ્યા પછી જે રીતે બૉક્સમાંથી ચિઠ્ઠી મળી એ જોઈને સુનીતાબહેન હેબતાઈ ગયાં હતાં. તેમણે રાતે જ નક્કી કરી લીધું હતું કે પોતે આ ફંક્શનમાં નહીં જાય. જોકે સોમચંદે જ તેમને હિંમત આપી ફંક્શન માટે તૈયાર કર્યાં હતાં.
‘સુનીતાબહેન, તમે સમજો. આરોપી સામે ચાલીને અહીં આવે છે ત્યારે ભાગવું બરાબર નથી.’ સોમચંદની દલીલ વાજબી હતી, ‘ધારો કે તમે ફંક્શનમાં નહીં જાઓ તો એનો અર્થ એવો નથી કે આરોપી તમને છોડી દેશે. કાલ નહીં તો પરમ દિવસે પણ તે હુમલો કરશે જ અને હવે જે હુમલો થશે એમાં કદાચ કોઈ બચાવવાવાળું ન પણ નીકળે.’
‘રાઇટ.’ ઇન્સ્પેક્ટર સાવંતે સોમચંદની વાતમાં હામી ભરી, ‘કેટલો સમય અમે આ કેસમાં અટવાયેલા રહીશું? વધીને અમે તમને પોલીસ-પ્રોટેક્શન આપી શકીએ પણ એ પણ લાંબો સમય નહીં મળે.’
‘આપણા માટે આ એક બેસ્ટ તક છે. આપણે આ માણસને કાલે પકડી જ લેવો પડે.’
‘સાહેબ, તમે આવું કરીને મારી વાઇફનો જીવ જોખમમાં મૂકો છો...’
‘સૉરી મિસ્ટર મહેતા...’ સોમચંદે કહ્યું, ‘તમારી વાઇફનો જીવ ઑલરેડી જોખમમાં જ છે. અમે એ બચાવવાની કોશિશ કરીએ છીએ.’
સુનીતાબહેન અને હર્ષદભાઈની નજર મળી. બન્નેએ એકબીજાને આંખથી સહમતી આપી અને સુનીતાબહેને નિર્ણય લઈ લીધો.
‘ઠીક છે, પણ એક રિક્વેસ્ટ છે. ત્યાં કોઈને હેરાનગતિ ન થવી જોઈએ.’
lll
સુનીતાબહેનના શબ્દોને માન આપીને ઍન્યુઅલ ફંકશનમાં એકેક પોલીસ-કર્મચારી સહિત સાવંત અને સોમચંદ પણ સિવિલ ડ્રેસમાં પહોંચ્યા હતા. ડિટેક્ટિવ સોમચંદ ઍસેમ્બલી હૉલની વચ્ચે ઊભા રહીને એકેક હિલચાલ પર નજર રાખતા હતા. સોમચંદના કાનમાં રહેલું વાયરલેસ સાવંત સાથે કનેક્ટેડ હતું.
‘સાવંત, યાદ રાખજે, રજનીકાંત કોઈ નૉર્મલ ક્રિમિનલ નથી. વર્ષો સુધી રાહ જોયા પછી એક ઘાયલ બાપે અટૅક કર્યો છે. તે પોતે પણ ઇચ્છે છે કે તે પકડાઈ જાય, પણ એ પહેલાં રજનીકાંત પોતાનું કામ પૂરું કરવા માટે મરણિયો થશે...’
lll
ઍન્યુઅલ ડેના પ્રોગ્રામની શરૂઆત થઈ. ઍન્કરે સૌથી પહેલાં સ્કૂલનાં પ્રિન્સિપાલ એવાં સુનીતાબહેનને સ્પીચ આપવા માટે માઇક પાસે બોલાવ્યાં. જેવાં સુનીતાબહેન ઊભાં થયા કે બીજી જ સેકન્ડે આખા ઍસેમ્બલી હૉલની લાઇટ્સ ગઈ અને હૉલમાં અંધકાર પ્રસરી ગયો. સોમચંદ કે સાવંત કંઈ કરે એ પહેલાં જ સ્ટેજ પરની વિશાળ LED સ્ક્રીન ચાલુ થઈ અને બધાનું ધ્યાન એ દિશામાં ખેંચાયું અને સ્ક્રીન પર સુનીતાબહેનનો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની હેલ્પથી તૈયાર થયેલો વિડિયો શરૂ થયો.
‘નમસ્તે...’
માઇક પાસે ઊભેલાં સુનીતાબહેન માટે આ દૃશ્ય શોકિંગ હતું તો હાજર રહેલા પેરન્ટ્સ અને સ્ટુડન્ટ્સ માટે કૌતુક અને કાર્યક્રમનો એક ભાગ.
‘આજે હું તમને એક વાત કહેવાની છું.’ LEDમાં રહેલાં સુનીતાબહેને બોલવાનું શરૂ કર્યું, ‘વાત પણ કહેવાની છું અને સાથે એક વિડિયો પણ દેખાડવાની છું.’
સ્ક્રીન પરથી સુનીતાબહેન દેખાતાં બંધ થયાં અને એની જગ્યાએ એક જૂનો બ્લૅક ઍન્ડ વાઇટ CCTV વિડિયો પ્લે થયો. આ વિડિયો ૧૨ વર્ષ જૂનો હતો.
વિડિયોમાં પ્રિન્સિપાલની ઑફિસ દેખાતી હતી. સુનીતાબહેન અને હર્ષદભાઈ કોઈ ત્રીજી વ્યક્તિ સાથે વાત કરતાં હતાં. વિડિયો ઓરિજિનલ હતો.
lll
સુનીતાબહેને એક માણસને એક કવર આપ્યું.
‘આ પૈસા રજનીકાંત વોરાના ટેબલના ખાનામાં મૂકી દે. તેના પર ચોરીનો આક્ષેપ લાગવો જ જોઈએ, નહીંતર તે પ્રિન્સિપાલ બની જશે.’
‘કામ થઈ જશે બેન...’
માણસ રવાના થયો અને સુનીતાબહેને પતિની સામે જોયું.
‘સુનીતા, હવે સ્કૂલ પર કબજો તારો...’
‘અને મારી સાથે તમારો પણ...’
બન્ને પતિ-પત્નીએ એકબીજાને તાળી આપી અને સુનીતાબહેને તરત જ હર્ષદભાઈને કહ્યું, ‘હર્ષદ, જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી આ સ્કૂલ અને આ મૅનેજમેન્ટની બીજી બધી સ્કૂલની સ્ટેશનરીનો કૉન્ટ્રૅક્ટ તમને મળશે. મન ભરીને કમાઈ લેવાનું છે. ખબર છેને, આપણો એક દીકરો છે જેને ફૉરેન ભણવા જવું છે.’
‘હા, સુનીતા... એ દીકરાને ફૉરેન ભણવા જવું છે ને મારે મારા એકના એક દીકરાની ઇચ્છા પૂરી કરવી છે.’ હર્ષદભાઈએ ખર્ચનો અંદાજ પણ આપી દીધો, ‘દર વર્ષે ઓછામાં ઓછા પચાસ લાખ રૂપિયા તો ખાલી તેની ફીના થશે અને પચીસેક લાખ રૂપિયા તેના ખર્ચના. બધું મળીને પાંચ વર્ષમાં આપણને ચારેક કરોડ રૂપિયા જોઈશે.’
‘તે પાછો આવે એટલે તેને અહીં સેટ કરવાનો ખર્ચો, નવા અને મોટા ફ્લૅટના પૈસા અને કાર્તિકનાં મૅરેજનો ખર્ચ. આ બધું કોણ જોશે?’
‘તું છો,’ હર્ષદભાઈએ નિશ્ચિંત બનીને જવાબ આપ્યો, ‘દૂઝણી ગાય જેવી આ સ્કૂલ છે, પછી મારે શું કામ બીજું ટેન્શન લેવાનું? રોજ એને દોહતા જશું ને તાજા દૂધમાંથી આપણું જીવન તરબતર કરતાં જશું.’
lll
CCTV કૅમેરાનું ફુટેજ જોઈને આખો ઍસેમ્બલી હૉલ સ્તબ્ધ થઈ ગયો. સોમચંદે તરત સુનીતાબહેન સામે જોયું. તેમનો ચહેરો ફીકો પડી ગયો હતો. ૧૨ વર્ષ પહેલાં રજનીકાંત વોરાને સ્કૂલમાં ભ્રષ્ટાચાર કરવા માટે કાઢી મૂકવામાં આવ્યા હતા એ ખરેખર એક ડર્ટી ગેમ-પ્લાન હતો જે હવે આખી દુનિયા સામે આવી ગયો હતો.
સ્ક્રીન ફરીથી બ્લૅક થઈ અને પછી તરત સ્પીકર્સમાં પહાડી અવાજ આવ્યો.
‘ન્યાય આંધળો હોય છે મૅડમ, પણ વેરની આંખો હોય છે. તમે મારી જૉબ જ નહોતી લીધી, પણ મને બદનામ કરીને પહેલાં મારા દીકરાનો જીવ લીધો અને એ આઘાત વચ્ચે મારી વાઇફ પણ છીનવાઈ ગઈ. આજે મેં તમારાં અહંકાર અને આબરૂ લઈ લીધાં, હવે વારો તમારો જીવ લેવાનો...’
બરાબર એ જ સમયે સોમચંદની નજર સ્ટેજની પાછળ લંગડાતા એક માણસ પર પડી. સોમચંદે તરત સાવંતને ઇશારો કર્યો અને સાવંત ભિખારી જેવો દીદાર ધરાવતા એ માણસની પાછળ દોડ્યો. એ માણસનો લુક ડિટ્ટો એવો જ હતો જે વર્ણન સુરતના રિક્ષાવાળાએ કર્યું હતું.
સાવંતે તેને તરત પકડી લીધો, પણ... પણ આ શું?
એ રજનીકાંત વોરા નહોતો! એ તો સ્કૂલનો જૂનો પ્યુન મંગળદાસ હતો.
‘સાહેબ, મને વોરાસાહેબે પૈસા આપ્યા અને આ કપડાં પહેરીને અહીંથી પસાર થવાનું કહ્યું હતું.’
સોમચંદ સમજી ગયો કે ગેરમાર્ગે દોરવાની આ ચાલ હતી, રજનીકાંત વોરા ખેલ કંઈક બીજો જ રમતા હતા.
સોમચંદની નજર સુનીતાબહેન પર ગઈ. સુનીતાબહેન સ્તબ્ધ હાલતમાં માઇક સામે ઊભાં હતાં અને સોમચંદના દિમાગમાં રજનીકાંત વોરા આવી ગયા.
વોરા ફિઝિક્સના પ્રોફેસર હતા. સાઉન્ડ વાઇબ્રેશન એટલે કે ધ્વનિ-કંપન વિષયમાં તેમની માસ્ટરી હતી.
‘માઇકમાં બોલતાં નહીં...’
સોમચંદ દોડતા સ્ટેજ તરફ ભાગ્યા અને સ્ટેજ પર જઈ તેમણે તરત સુનીતાબહેનને માઇકથી દૂર કર્યાં. સાથોસાથ નાક પર આંગળી મૂકી તેમણે સુનીતાબહેનને ચૂપ રહેવાનો ઇશારો કર્યો અને પછી માઇક પર નજર કરી. માઇકના સ્ટૅન્ડ નીચે એક પાવરફુલ સાઉન્ડ-ટ્રિગર્ડ બ્લાસ્ટર ગોઠવાયેલો હતો. સુનીતાબહેન માઇકમાં બોલવાનું શરૂ કરે એટલે તેમના અવાજનાં જે વાઇબ્રેશન જન્મે એનાથી સર્કિટ પૂરી થાય અને બ્લાસ્ટ થાય. વોરા ઇચ્છતા હતા કે સુનીતાબહેનનો પોતાનો જ અવાજ તેમના વિનાશનું કારણ બને.
સોમચંદે સાવચેતી સાથે એ
સર્કિટ કાપી.
lll
કૅમ્પસમાં રહેલી પોલીસ પલટન શકમંદના સ્વરૂપમાં રજનીકાંતને શોધવામાં લાગી ગઈ હતી અને એ જ વખતે સોમચંદની નજર કન્ટ્રોલ રૂમના કાચની પાછળ ઊભેલી એક વ્યક્તિ પર પડી. સફેદ દાઢી, ચશ્માં, આંખોમાં પારાવાર વેદના અને ચહેરા પર સ્માઇલ.
એ રજનીકાંત વોરા હતા.
સોમચંદ ત્યાં પહોંચ્યો. રજનીકાંતે ભાગવાની કોશિશ કરી નહીં.
‘અરેસ્ટની મને બીક નથી મિસ્ટર સોમચંદ, મારે જે કરવાનું હતું એ મેં કરી લીધું છે.’ રજનીકાંતે શાંત અવાજે કહ્યું. ‘સુનીતામૅડમનો દીકરો અને આબરૂ બન્ને છીનવી લીધાં. હવે તે જીવીને દેખાડે.’
lll
રજનીકાંત વોરાની અરેસ્ટ થઈ.
સુનીતાબહેન અને હર્ષદભાઈ મહેતાનું ૧૨ વર્ષ જૂનું પાપ આખી દુનિયા સામે ઉઘાડું પડી ગયું. તેમણે સ્કૂલમાંથી રાજીનામું આપી દીધું અને મૅનેજમેન્ટે ૧૨ વર્ષ જૂના એ કેસની ઇન્ક્વાયરી શરૂ કરી.
‘મને એ નથી સમજાતું કે તમારી પાસે CCTVનાં ફુટેજ હતાં તો તમે એ સમયે કેમ એ રજૂ કર્યાં નહીં?’
‘મારી પાસે ફુટેજ આવ્યાં ત્યાં સુધીમાં હું બધી રીતે બરબાદ થઈ ગયો હતો. દીકરાએ સુસાઇડ કરી લીધું હતું અને વાઇફ ગુજરી ગઈ હતી.’ રજનીકાંતની આંખોમાં પહેલી વાર વિષાદ જોવા મળ્યો, ‘ચારેક વર્ષ પહેલાંની વાત છે. જે મંગળને તમે સ્ટેજ પરથી પકડ્યો એ મંગળ રિટાયર થયો અને એક દિવસ મને અચાનક સુરતમાં મળી ગયો. મંગળ પાસેથી મને આ આખી વાતની ખબર પડી અને મંગળને જ મેં એ ફુટેજ માટે કામે લગાડ્યો.’
‘એ પછી પણ ખાસ્સો લાંબો સમય તમે રાહ જોઈ...’
‘હા... ઑલમોસ્ટ સાડા ત્રણ વર્ષ.’ રજનીકાંતે કહ્યું, ‘પહેલાં તો મને એ જ વિચાર આવ્યો હતો કે હું પોલીસ કેસ કરું, પણ પછી મને થયું કે બધું લૂંટાવી દીધા પછી હવે હું શું મેળવીશ? કંઈ નહીં અને જો મને કંઈ ન મળવાનું હોય તો જેની પાસે બધું છે તેનું એ બધું, એ સર્વસ્વ છીનવી લઉં.’
‘પછી તમે પ્લાન બનાવી સુનીતાબહેનના ઘરે બૉમ્બ મોકલ્યો.’ સોમચંદે સવાલ કર્યો, ‘તમે કાર્તિકને જ શું કામ શિકાર બનાવ્યો, એ બિચારાનો શું દોષ...’
‘મારો દીકરો...’ રજનીકાંતનો અવાજ મોટો થયો, ‘તેનો શું દોષ હતો? તેનો શું વાંક હતો કે સુનીતાએ મારો દીકરો છીનવી લીધો? સાહેબ, પોતાના લોકોને ગુમાવ્યા પછી જે હાલત થાય એ તેને જ સમજાય જે પોતાના લોકોને ગુમાવે.’
‘ધાર્યું હોત તો તમે સુનીતાબહેનને મારી શક્યા હોત, પણ તેને સીધી રીતે મારવાને બદલે છેલ્લે સુધી રમત કેમ ચાલુ રાખી?’
‘મારે એ લેડીને મારવી જ નહોતી!’ રજનીકાંતના શબ્દોએ સોમચંદની આંખો પહોળી કરી નાખી, ‘મારે તેને રોજ મરતાં જોવી હતી. આબરૂ અને દીકરો લીધા પછી હવે તે રોજ સવાર કેવી રીતે પાડે છે એ જોવું છે અને એ જોવું છે કે હવે તે લોકો સામે આંખ કેવી રીતે મિલાવે છે? સોમચંદ, જરૂરી નથી કે દરેક વેરનો અંત હોય. જરૂરી એ છે કે વેર વાળ્યા પછી મળતો સંતોષ કેટલો લાંબો હોય...’
સોમચંદે નિસાસો નાખ્યો.
રજનીકાંતના શબ્દો સાચા
સાબિત થયા.
પોતે જેલમાં ગયા, પણ બહાર આઝાદ ફરતાં સુનીતાબહેન અને હર્ષદભાઈનું જીવન જીવતેજીવ સ્મશાનમાં ફેરવાઈ ગયું.
બન્નેએ દીકરો ગુમાવ્યો હતો તો હર્ષદભાઈએ મા પણ ગુમાવી હતી. હવે એ દંપતીએ એ જ ઘરમાં રહેવાનું હતું જે ઘરની દીવાલો પર પોતાના સ્વજનના ભૂંજાયેલા માંસની દુર્ગંધ પ્રસરી ચૂકી હતી. એવી દુર્ગંધ જે તેમને સતત પોતાની ભૂલનો અહેસાસ કરાવતી હતી.
સંપૂર્ણ