વિદ્યાનો વાઇરલ વિડિયો પાંચ સેકન્ડ અને ખેલ ખતમ પ્રકરણ ૩

30 October, 2024 12:21 PM IST  |  Mumbai | Rashmin Shah

સિસ્ટરે મજાકના સૂરમાં પૂછ્યું, ‘તારી એકની હા નહીં ચાલે, તે છોકરીની પણ હા હોવી જોઈશે...’

ઇલસ્ટ્રેશન

તું અહીં?!’

પરવીન હજી પણ એવી જ દેખાતી હતી જેવી વર્ષો પહેલાં દેખાતી. હા, તેનું શરીર થોડું ભરાવદાર ચોક્કસ થયું હતું, જેને કારણે તે પહેલાં કરતાં સારી પણ લાગતી હતી. બીજી એક ખાસ વાત સોમચંદે નોટિસ કરી હતી. પરવીન પહેલાં કરતાં હવે મૉડર્ન પણ હતી. એવું નહોતું કે પરવીનને સોમચંદે સાવ નાનપણમાં જોઈ હોય. અગાઉ પણ સોમચંદ રાજકોટ ગયા હતા ત્યારે તેણે પરવીનને જોઈ હતી અને એવું બે-ત્રણ વખત બન્યું હતું, પણ એ દિવસો અને આજના આ દિવસમાં ખાસ્સો ફરક હતો. એ સમયે પરવીન ખોજાઓના ટિપિકલ કૉસ્ચ્યુમમાં જ જોવા મળતી. શરીર પર આખો કુરતો પહેર્યો હોય અને માથું પણ ઢંકાયેલું હોય. જોકે આજે... આજે પરવીન જીન્સ અને શૉર્ટ ટી-શર્ટમાં હતી.

‘યસ, હું આ ટીનટીનની ડૉક્ટર છું...’

પરવીનના હાથમાં રહેલા ટીનટીને સોમચંદ સામે જોવાની તસ્દી પણ નહોતી લીધી. એ જમીન સૂંઘતો હતો.

‘તું અહીં કેમ... ઍન્ડ બાય ધ વે, પ્લેઝન્ટ સરપ્રાઇઝ...’ પરવીને સ્માઇલ સાથે કહ્યું, ‘તારા પર વર્ષોની કોઈ અસર નથી થઈ.’

‘થઈ છે. બિઅર્ડમાં પણ હવે વાઇટ હેર આવવા માંડ્યા.’ સોમચંદના ચહેરા પર સ્માઇલ હતું, ‘થૅન્ક્સ ટુ બિગેન. બિઅર્ડ કલર કરી શકાય છે.’

‘તું અહીં કેમ?!’

પરવીને બિલ્ડિંગ તરફ નજર કરતાં એ તરફ ઇશારો કરીને પૂછ્યું અને સોમચંદે પણ તરત હા પાડતાં માર્મિક રીતે કહી દીધું કે તે ત્યાં જ આવ્યો છે.

‘ઍક્ચ્યુઅલમાં આ ટીનટીનને ત્યાં જ આવ્યો છું.’

‘કેમ?’ પરવીનને સ્ટ્રાઇક થયું અને તેણે કહ્યું, ‘ઓહ, બન્ટીના કારણે?’

‘રાઇટ...’

‘બન્ટી તારો સ્ટુડન્ટ કે...’

આગળની વાત પરવીને પડતી મૂકી એટલે સોમચંદને સ્ટ્રાઇક થયું કે પોતે ડિટેક્ટિવ છે અને મુંબઈ પોલીસ વતી કામ કરે છે એ વાત ફૅમિલીમાં કોઈને ખબર નથી. જોકે હવે એ વાત પરવીન પાસે છુપાવવાનો કોઈ અર્થ રહેતો નહોતો. જો પરવીન ટીનટીનની ડૉક્ટર હોય તો બને કે વિદ્યાએ તેને પોતાની ઓળખ આપી હોય અને જો એવું બન્યું હોય તો...

સોમચંદની આંખો સહેજ પહોળી થઈ અને તેના એક્સપ્રેશન પરવીને નોટિસ કર્યા.

‘શું થયું?’

‘નથિંગ...’ સોમચંદે તરત કહ્યું, ‘હું અત્યારે નીકળું છું... પણ આપણે મળવું હોય તો ક્યારે મળી શકાય?’

‘ઍની ટાઇમ...’ પરવીને ચોખવટ કરી દીધી, ‘ક્લિનિકના ટાઇમ સિવાય. હા, તું ક્લિનિક પર આવે તો મને વાંધો નથી...’

‘શ્યૉર, હું ફોન કરું છું...’

સ્વર્ગ સોસાયટીમાં એન્ટર થવાને બદલે સોમચંદ બહારથી જ રવાના થઈ ગયો અને સોમચંદની પીઠ પર પરવીનનું સ્માઇલ હતું.

ક્રૂર અને વિકૃત એવું સ્માઇલ અને એ સ્માઇલ સાથે પરવીનના મનમાં વિચાર પણ ઝબકી ગયો હતો : ડોન્ટ વરી વિદ્યા. સોમચંદ તારા કેસને બહુ ઝડપથી પૅક-અપ કરી દેશે. મારી જવાબદારી...

અલબત્ત, પરવીનને ખબર નહોતી કે સોમચંદના મનમાં પણ વિચારોનો વંટોળ શરૂ થઈ ગયો હતો.

lll

વિદ્યાના ઘરમાં પરવીન કેવી રીતે હોઈ શકે?

આ કો-ઇન્સિડન્ટ હતો કે પછી કોઈએ બનાવેલો પ્લાન હતો?

સોમચંદનું દિમાગ ચકરાવે ચડી ગયું હતું. પોતે જે જાણવા માગતા હતા એ બધી વાત તે એ જ વ્યક્તિને પૂછે જે વિદ્યા અને સંજય પટેલની ફૅમિલી સાથે જોડાયેલી હતી. એ સંભવ જ નથી કે ટીનટીનને આપવામાં આવેલા ક્લોરોફૉર્મ વિશે પરવીનને ખબર ન હોય અને જો તેને ખબર હોય તો જે વાત ચાલતી હતી એ વાતમાં તેણે એ ઘટનાનો ઉલ્લેખ પણ કરવો જોઈતો હતો; પણ ના, પરવીન એ વિશે એક શબ્દ પણ બોલી નહોતી.

આવું કેમ?

સોમચંદે ફોન હાથમાં લીધો અને બહેનને લગાડ્યો.

lll

‘જો સાંભળ, આ વાત તારી ને મારી વચ્ચે...’

‘કન્ફર્મ, છોકરી શોધી લીધી?’ સિસ્ટરે મજાકના સૂરમાં પૂછ્યું, ‘તારી એકની હા નહીં ચાલે, તે છોકરીની પણ હા હોવી જોઈશે...’

‘વેરી બૅડ જોક... હવે સાંભળ.’ સોમચંદના અવાજમાં ગંભીરતા અકબંધ હતી, ‘પરવીન સાથે તારે શું વાત થઈ?’

‘એવી કોઈ ખાસ વાત નહીં. કેમ શું થયું?’

‘પરવીને તારી પાસે મારી વાત કઈ રીતે કાઢી? અચાનક જ તમારી વાતમાં હું ટૉપિક કેવી રીતે બન્યો?’ સોમચંદે કહી પણ દીધું, ‘બરાબર યાદ કર અને યાદ ન આવતું હોય તો ફોન ચાલુ રાખીને બધું યાદ કર...’

‘કેમ, કંઈ થયું? પરવીન સાથે તારે વાત થઈ?’

‘હું તને પૂછું એનો જવાબ તું આપીશ?’

‘એમાં થયું એવું કે...’ સામેથી રીકૉલ કરતાં-કરતાં વાત શરૂ થઈ, ‘એમ જ પરવીનનો ઘણા વખતે ફોન આવ્યો. અમારી વાત ચાલતી હતી એમાં તેણે... હા, મોસ્ટલી તેણે જ મને પૂછ્યું કે તું શું કરે છે? કદાચ તેને ખબર હતી કે તું મુંબઈમાં છે...’

સોમચંદના કાન સરવા થયા.

‘પછી વાત-વાતમાં જ તેણે કહ્યું કે તું રાજકોટ આવતો હોઉં છું કે નહીં... મેં કીધું કે હા, તું યુઝ્અલી ટ્રાય કરે કે ભાઈબીજ કે રક્ષાબંધનમાં એક વાર તો મળવા આવે જ. આ વખતે રક્ષાબંધનમાં આપણે મળ્યાં નહોતાં એટલે મેં કહ્યું કે હન્ડ્રેડ પર્સન્ટ તું ભાઈબીજના રાજકોટ આવીશ. એટલે પરવીને કહ્યું કે તો-તો હું પણ તેને મળી લઈશ...’ સિસ્ટરે વાત પૂરી કરતાં કહ્યું, ‘બસ, આટલી અમસ્તી વાત છે. હવે કહે થયું શું?’

‘નથિંગ... બાય...’ ફોન કટ કરતાં પહેલાં સોમચંદે તાકીદ કરી,
‘ભૂલથી પણ હવે તું પરવીનને આ વાત કરતી નહીં.’

‘થયું શું...’

સામેથી જવાબ સાંભળવા મળવાને બદલે ફોન કટ થયાનો સાઉન્ડ સંભળાયો અને બહેનની કમાન સોમચંદ પર બરાબરની છટકી.

ખરેખર બહુ તોછડાઈથી વર્તે છે, આને કોઈ છોકરી મળે જ નહીં!

lll

પરવીનને ખબર હતી કે હું મુંબઈમાં છું. આ થયો પહેલો પૉઇન્ટ...

સોમચંદે કાર સાઇડ પર ઊભી રાખી દીધી. તેનું દિમાગ ખરેખર ફાટતું હતું. સામાન્ય લાગતો મર્ડરકેસ અચાનક જ કંઈ એવા ટ‍્વિસ્ટ પર આવ્યો હતો જેમાં અનાયાસ જ નવી એવી વ્યક્તિ ઉમેરાઈ હતી જેને તે વર્ષોથી ઓળખતા પણ હતા અને એ પછી પણ તે વ્યક્તિનું વર્તન અચાનક જ શંકાસ્પદ લાગવું શરૂ થયું હતું.

સોમચંદે મોબાઇલની સ્ટિકી નોટ પર એક પછી એક પૉઇન્ટ લખવાનું શરૂ કર્યું.

૧. પરવીનને ખબર હતી કે પોતે મુંબઈમાં છે અને એ પછી પણ પરવીને મારી સાથે એવી જ રીતે વાત કરી જાણે કે તેને એ વિશે આઇડિયા ન હોય.

૨. પરવીન અને પટેલ ફૅમિલી એકબીજાને ઓળખે છે. પોતે વિદ્યા અને સંજયને મળ્યો છે એ વાતની પરવીનને ખબર હોવાની શક્યતા પૂરેપૂરી છે અને એ પછી પણ તેણે એ વિશે ન તો પોતાની સાથે વાત કરી કે ન તો બેન સાથે એ બાબતમાં સહેજે હિન્ટ આપી.

૩. પોતે જે બધું પૂછ્યું એ ટીનટીનના સંદર્ભની વાત હતી અને એ પછી પણ પરવીન માટે એ વાત સહજ હોય એ રીતે જ તે વર્તતી રહી.

લખેલા બધા પૉઇન્ટ્સ સોમચંદે ફરી વાંચ્યા અને પછી મોબાઇલનો ડેશબોર્ડ પર ઘા કર્યો. હવે સોમચંદના મનમાં પિક્ચર ક્લિયર થતું હતું અને કાં તો ધુમ્મસથી ઘેરાયેલા એ દૃશ્યમાં વધુ એક શંકાસ્પદ ઉમેરાયું હતું.

પરવીન આ કેસ સાથે કાં તો ઇન્વૉલ્વ છે અને કાં તો તે આ કેસમાં નાહકની મદદગાર બનીને જાતે ફસાઈ રહી છે. જે હોય એ, પરવીનને ઓળખાણનો કોઈ લાભ ન તો લેવા દેવો કે ન તો તેને પણ એ લાભથી બચવા દેવી.

સોમચંદ હવે સ્પષ્ટ હતા, પણ તેણે હજી અનેક સ્પષ્ટતાઓ લાવવાની હતી અને એ સ્પષ્ટતાઓમાં સૌથી અગત્યની સ્પષ્ટતા હતી : પરવીનને શું માત્ર ટીનટીન પૂરતો જ આ ફૅમિલી સાથે સંબંધ છે કે પછી કોઈ વિશેષ રિલેશન છે?

જો વિશેષ સંબંધ હોય તો નૅચરલી એ સંજય સાથે જ હોય.

‘એક નંબરની બધી ડીટેલ જોઈએ છે...’ સોમચંદે ફોન પર સૂચના આપી, ‘વૉટ્સઍપનો ડેટા પણ રિટ્રાઇવ કરવાનો છે.’

‘શ્યૉર સર... નંબર મોકલો.’

lll

‘પૉસિબલ જ નથી યાર...’

‘સર, જે મળ્યું એ બધું તમને મોકલી આપ્યું છે.’ મોબાઇલ કંપનીના મૅનેજરે ચોખવટ પણ કરી, ‘કંઈ ખાસ દેખાયું નહીં એટલે તો મેં છેલ્લાં બે વર્ષનો ડેટા કાઢીને એ પણ મોકલ્યો...’

સંજય અને પરવીન વચ્ચે છેલ્લાં બે વર્ષમાં વીસેક વખત વાત થઈ હતી, જેમાં સૌથી લાંબો કૉલ અઢી મિનિટનો હતો. ફોન પર થયેલી એ વાતચીતની ટ્રાન્સ્ક્રિપ્ટ પણ દરેક કૉલની નીચે આપી હતી. વાત ટીનટીનની જ હતી. વૅક્સિન પછી ટીનટીનની હેલ્થ બગડી એ વિશે સંજયે સવાલો કર્યા હતા. બે વર્ષમાં થયેલા એ વીસ કૉલમાંથી એક પણ કૉલ એવો નહોતો જેમાં ટીનટીન સિવાયની ચર્ચા હોય.

સોમચંદે હવે વૉટ્સઍપ ડેટા ચેક કર્યો.

વૉટ્સઍપ પર બે વર્ષમાં પરવીન અને સંજય પટેલ વચ્ચે પચાસથી વધારે ફોટોની આપ-લે થઈ હતી, જેમાં ૪૨ ફોટો ટીનટીનના હતા. એની આંખથી માંડીને પૂંઠના ફોટો સંજયે પરવીનને ફૉર્વર્ડ કર્યા હતા. ફૉર્વર્ડ થયેલા ફોટોની સાથે વિગત પણ મોકલવામાં આવી હતી, જેના પરથી સ્પષ્ટ થતું હતું કે તમામ વખતે ટીનટીનની હેલ્થ જ મુદ્દો હતો.

ફૉર્વર્ડ થયેલા અન્ય આઠ ફોટોમાંથી સાત ફોટો પરવીને ફૉર્વર્ડ કર્યા હતા, જે તેની ક્લિનિકની વૉટ્સઍપ ઍડ હતી. એ દરેક ફોટો પર સંજયે રિઍક્શન પણ નહોતું આપ્યું. એક ફોટોમાં થમ્બનું ઇમોજી મોકલાયું હતું તો એક ફોટોમાં સંજયે બે હાથ જોડીને મોકલ્યા હતા. વાત ક્લિયર હતી કે સંજય અને પરવીન વચ્ચે વાર્તાલાપ હતો અને એ પણ માત્ર ને માત્ર ટીનટીનને લઈને, એ સિવાય કંઈ નહીં.

સંજય અને પરવીનના રિલેશન પર હવે પોતે વિચારવાનું નથી એટલે સોમચંદે બીજી દિશામાં વિચારો લઈ જવાનો પ્રયાસ કર્યો, પણ એમાંય ખાસ કોઈ વાત મનમાં આવતી નહોતી. વિદ્યા સાથે એવું કશું હોય નહીં એટલે એ વિશે વધારે વિચારવાની જરૂર નથી અને વાત રહી બન્ટીની તો... તે તો નાનું બચ્ચું હતો એટલે...

બને, પૉસિબલ છે.

ચાઇલ્ડ-અબ્યુઝના અઢળક કિસ્સાઓ આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ તો એવી કોઈ ઘટના બન્ટીની લાઇફમાં ન બની હોય એવું સીધું કેમ ધારી લેવું?

બન્ટી અને પરવીનના નંબરની તપાસ કરવી જોઈએ, પૉસિબલ છે કે કંઈક એવું મળે જે બન્ટી મર્ડરકેસમાં પ્રકાશ પાડે. જોકે બન્ટીનો નંબર અને નંબર કરતાં પણ વધારે અગત્યનું તેની પાસે મોબાઇલ હતો કે નહીં?

એકલા રહેતા બાળકને પેરન્ટ્સ મોબાઇલ આપે જ આપે. મતલબ કે બન્ટી પાસે મોબાઇલ હતો. હવે એ નંબર મેળવવાનો હતો. કામ અઘરું નહોતું, પણ જો એ કરવામાં ચીવટ રાખવામાં ન આવે તો શંકાસ્પદ ચેતી જવાની પૂરી શક્યતા હતી.

lll

‘હાય સંજય... એક હેલ્પ જોઈએ છે.’

પરવીન અને સંજયના સંબંધોની સ્પષ્ટતા ડેટા પરથી થઈ ગઈ હોવાથી સોમચંદને સંજય યોગ્ય વ્યક્તિ લાગ્યો.

‘મને બન્ટીનો નંબર જોઈએ છે...’

‘શ્યૉર... લખાવું કે ફૉર્વર્ડ કરું?’

‘લખાવી દે...’ સોમચંદને નંબર લખવાનો શરૂ કર્યો, ‘નાઇન..એઇટ... ટુ...’

lll

‘તને એક નંબર ફૉર્વર્ડ કર્યો છે. એ નંબરનો ડેટા જોઈએ છે, તાત્કાલિક.’

‘કોઈની સાથે કનેક્ટેડ હોય એવો કે પછી ઓવરઑલ...’

ખબર નહીં કેમ પણ સોમચંદના મોઢામાંથી નીકળી ગયું...

‘ઓવરઑલ... એ નંબરના ડેટાની મિરર જ લઈ લે...’

સૂચના આપ્યાની પંદરમી મિનિટે સોમચંદના મોબાઇલ પર બન્ટીના મોબાઇલનો બધો ડેટા આવી ગયો. સોમચંદને ખબર નહોતી કે મર્ડરકેસની અંધારી ટનલમાં હવે તેને પ્રકાશનું પહેલું કિરણ જોવા મળવાનું છે.

(વધુ આવતી કાલે)

columnists gujarati mid-day exclusive Rashmin Shah