કથા સપ્તાહ : તેરા ‌જિક્ર હૈ યા ઇત્ર હૈ... (4)

30 May, 2019 01:08 PM IST  |  | રશ્મિન શાહ - કથા સપ્તાહ

કથા સપ્તાહ : તેરા ‌જિક્ર હૈ યા ઇત્ર હૈ... (4)

એક લોહિયાળ લવસ્ટોરી

કથા સપ્તાહ

‘અવિશ્વાસ તને કોના પર છે, મારા પર કે તારા પર...’

મનગમતા બંધન માટે ક્યારેય કોઈને તકલીફ નથી હોતી, પણ શંકાના પરિઘ પર જો બંધન આવતું હોય તો વ્યક્તિ એ મેળવતાં ખચકાટ અનુભવતી હોય છે. ઇર્શાદને પણ એ સમયે એવો જ અનુભવ થયો હતો. જોકે તેનો એ અનુભવ ખોટી દિશામાં અને ખોટા તર્કની અટારી પર ઊભો હતો.

‘બેમાંથી કોઈ પર અવિશ્ર્વાસ નથી... અવિશ્વાસ છે તો મારી ફૅમિલી પર છે.’ કરિશ્માએ અન્ડરગાર્મેન્ટ પહેરવાનાં શરૂ કર્યાં, ‘મરી જતાં અને મારી નાખતાં એ લોકો ખચકાશે નહીં, પણ મૅરેજ માટે એ કોઈ દિવસ રાજી નહીં થાય.’

આશંકાઓ ઘણી વખત તત્કાળ આવતી હોય છે. કરિશ્માના મનમાં રહેલી આશંકા બીજા દિવસે સવારે જ ઇર્શાદની સામે વાસ્તવિકતા બનીને આવી ગઈ જ્યારે તેને ફ્રેન્ડ પપ્પુને મારવામાં આવેલા મારની ખબર પડી.

‘થયું શું?’

પપ્પુને મળવા ગયા પછી ઘરમાંથી બધા દૂર થયા એટલે ઇર્શાદે ધીમેકથી પપ્પુને પૂછયું હતું. પપ્પુ પણ એકાંત મળે એની રાહ જોઈ રહ્યો હતો. જેવા બધા ગયા કે તરત જ એ ઇર્શાદ પર ચિલ્લાયો હતો: ‘તું કરિશ્માથી દૂર થઈ જા... નહીં તો એ લોકો તને પણ જીવતો નહીં મૂકે.’

‘પણ મારા રિલેશન સાથે તને શું લાગેવળગે યાર...’

‘એ મને નથી ખબર, પણ ગઈ કાલે રાતે ચાર લોકો આવ્યા હતા. હું પાનના ગલ્લા પાસેથી પસાર થયો ત્યારે મને તારા નામથી જ બોલાવ્યો...’

*****

‘એય, તું જ ઇર્શાદનો ફ્રેન્ડને...’

‘હા કેમ...’

પપ્પુ કંઈ આગળ બોલે એ પહેલાં તો તેના પગ પર હૉકી સ્ટિકનો ઘા આવ્યો. પપ્પુના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.

‘રાડો નહીં પાડ... આ તો ટ્રેલર છે.’

ધાડ, ધડામ, ધાડ...

પપ્પુના શરીર પર લાતો પડવી શરૂ થઈ ગઈ અને પપ્પુ ચિલ્લાતો રહ્યો. માર સહેજ અટક્યો એટલે પપ્પુથી સાવ જ સહજ રીતે બોલાય ગયું: ‘હું પોલીસમાં કમ્પલેન કરીશ...’

પપ્પાના પેટ પર વધુ એક લાત જડી દેવામાં આવી. લાતનો માર સહેજ અમસ્તો સહન થયો અને ઘાનો સદમા ઓસર્યો એટલે પપ્પુએ આંખ ખોલી. તેનાથી માત્ર એક ફૂટના અંતર પર એ જ આદમી ઘૂંટણભેર બેઠો હતો, જેણે તેને લાત ફટકારી હતી.

‘હાવરા પોલીસ-સ્ટેશન... ઇન્સ્પેક્ટર સદાશિવ ભટ્ટાચાર્ય...’ સદાશિવે પપ્પુની હડપચી પકડી, ‘ફરિયાદ કરવા તારે મારા જ પોલીસ-સ્ટેશને આવવું પડશે... માર ખાવો હોય તો ફરી આવજે અને ન ખાવો હોય તો... સમજાવી દેજે તારા ફ્રેન્ડને કે કરિશ્માથી દૂર રહે. કાપી નાખીશ નહીં તો...’

*****

‘તું રેડી છે મૅરેજ માટે?’

એક જ સેકન્ડમાં ટેક્સ્ટ મેસેજનો રિપ્લાય આવ્યો.

‘યેસ, ઍની ટાઇમ... ઇટ્સ માય ડ્રીમ ટુ બી વિથ યુ.’

‘આવતી કાલે રજિસ્ટ્રેશન માટે આપણે જઈએ છીએ.’

ફરી એક જ સેકન્ડમાં સામેથી રિપ્લાય આવ્યો.

‘ક્યાં મળીશું, કેટલા વાગ્યે?’

ઇર્શાદે જવાબ આપ્યો.

‘અગિયાર વાગ્યે કોલકાતા સિવિલ કોર્ટની બહાર...’

*****

એક્ઝૅક્ટ પંદર દિવસ પછી ઇર્શાદ અને કરિશ્માએ સિવિલ મૅરેજ કરી લીધાં. મૅરેજમાં પપ્પુ પણ હાજર હતો અને ઇર્શાદના બીજા ફ્રેન્ડ્સ પણ હાજર હતા. મૅરેજ પછી કરિશ્મા ફરી પોતાના ઘરે ચાલી ગઈ, પણ સાત જ દિવસમાં કરિશ્મા પોતાની બે બૅગ અને બીજો સામાન લઈને ઇર્શાદને ત્યાં રહેવા માટે આવી ગઈ. ઇર્શાદની પૂરી તૈયારી હતી આ સંબંધોને નિભાવવાની અને એટલે જ જ્યારે કરિશ્મા ઘરે આવી ત્યારે તેને એ જ રીતે ઘરમાં લઈ આવવામાં આવી જે રીતે નવી વહુને ઘરમાં લાવવામાં આવે. અમ્મી અને અબ્બુ માટે વહુની આવવાની આ ક્ષણ યાદગાર હતી. અચાનક જ ઘરે આવી ગયેલી કરિશ્માને તૈયાર પણ કરવામાં આવી અને રાતે ઘરે લગ્નગીત સાથે સંગીતસંધ્યા પણ ઊજવવામાં આવી. સાંસારિક રીત મુજબ એ રાત ઇર્શાદ અને કરિશ્માની સુહાગરાત હતી, પણ સંસારિક રીતે, અગાઉ સુહાગદિવસો પ્રેમથી પેટ ભરીને માણવામાં આવ્યા હતા.

‘નાઉ કૅન આઇ આસ્ક વૉટ હેપન્ડ ઍટ હોમ?’

‘ડૅડને બહારથી મૅરેજની ખબર પડી ગઈ. મેં એમને ફોન પર વાત કરતાં સાંભળ્યા એટલે હું મારા રૂમમાંથી નીકળી ગઈ.’

‘ઓકે...’

કરિશ્માને સહેજ વધુ નજીક લાવીને ઇર્શાદે આંખો બંધ કરી. આંખો બંધ હતી, પણ દિલ અને દિમાગ ખૂલી ગયાં હતાં. ખાતરી હતી કે જેટલી અને જેવી શાંતિ એ અત્યારે અનુભવી રહ્યો છે એટલી અને એવી શાંતિ આવતી કાલે સવારે રહેવાની નથી. ચોક્કસ આવતી કાલે એવું તે કંઈ બનવાનું છે જે જીવનમાં અશાંતિનું વહન કરશે. બન્યું પણ એવું જ હતું.

*****

‘સર... પ્લીઝ, અંદર તો આવો.’

ઇશાર્દે નીચે આવતાંની સાથે જ અશોક હાંડાને કહ્યું, પણ અપાર્ટમેન્ટની નીચે આવીને ઊભેલા હાંડાએ એ દિશામાં જોવાની તસ્દી પણ લીધી નહોતી.

‘હું નથી ઇચ્છતો કે મારી દીકરી મુસ્લિમ બને...’

‘મને હિન્દુ બનવામાં વાંધો નથી.’

પહેલી વખત અશોકે જમાઈની સામે જોયું હતું. પહેલાં ચહેરો જોયો અને પછી ઇર્શાદના બન્ને પગ વચ્ચે નજર નાખી.

‘કરાવેલી સુન્નતનું શું કરવાનું???!!!’

ઇર્શાદને અશોક હાંડાની મઝહબ પરની આ કમેન્ટ હાડોહાડ ઊતરી આવી, પણ સંબંધોના બંધાયેલા રૂપ વચ્ચે તેણે જાત પર કાબૂ રાખ્યો હતો.

‘હવે અમે એક છીએ, સ્વીકારાવાનાં છીએ એ પણ નક્કી છે.’

‘જરૂરી નથી કે દરેક વાત અને સંબંધો સ્વીકારવા માટે બને.’

‘વાત ખોટી નથી, પણ દરેક સંબંધને એ લાગુ પણ પડતી નથી...’ ઇર્શાદે સુરવાલના જેબમાંથી ટોપી કાઢી એ ટોપી માથા પર પહેરી, ‘જમાઈ બની ગયો છું હવે પૌત્રને રમાડવાની તૈયારી રાખજો. નામ પણ નક્કી રાખ્યું છે એનું... મઝહબ.’

‘બહુ ખોટુ કર્યું છે તે આ દોસ્ત...’ અશોક હાંડાની આંખમાં આગ હતી અને ચહેરા પર બરફ જેવી ઠંડક, ‘ભોગવવાની તૈયારી રાખવી પડશે.’

‘મંજૂર છે અને તૈયારી પણ છે...’ ઇર્શાદે ધીમેકથી કહ્યું, ‘સંબંધોની દુશ્મની ક્યારેય જોઈ નથી, હવે એ પણ જોઈશ કે જે દીકરીને અનહદ ચાહે છે એ બાપ દીકરી જેને બેહદ પ્રેમ કરે છે એની સાથે શું કરે છે.’

‘એ જ થશે જે ઈશ્વરને મંજૂર હશે.’

ઇર્શાદના ચહેરા પર સ્મિત આવી ગયું.

‘હા, એ જ થશે જે ખુદા ચાહશે અને... ખુદાને મંજૂર હશે.’

*****

હાશ...

ઘરમાં દાખલ થતાંની સાથે જ ઇર્શાદથી હાશકારો નીકળી ગયો. તેની આંખો અમ્મી પર સ્થિર થઈ. છેલ્લા બાર દિવસથી દરવાજો ખોલવાની જવાબદારી કરિશ્માએ સંભાળી લીધી હતી, પણ આજે કરિશ્માને બદલે ફરીથી અમ્મીએ દરવાજો ખોલ્યો હતો. પહેલાંની જેમ જ. અમ્મીના ચહેરા પર આછું સરખું સ્મિત હતું.

‘કિસ કો ઢૂંઢ રહા હૈ... બીવી કો?’

ઇર્શાદ જવાબ આપે એ પહેલાં તો અમ્મીએ આંખના ઇશારાથી ટિપોઈ પર પડેલા મીઠાઈનાં બૉક્સ દેખાડ્યાં.

‘તેરે સાસ-સસુર આયે થે... રિશ્તદારી આખિરકાર માન હી લી.’

ખુશી પણ હતી મનમાં અને ઘમંડ પોસાયાનો આનંદ પણ ઇર્શાદને થયો હતો. અમ્મીની વાત હજુ પણ ચાલુ જ હતી.

‘બહોત સારી ચીઝ લાયે હૈ... તેરે કમરે મેં રખી હૈ. કહા હૈ કિ કલ કરિશ્મા કો વાપસ ભેજ દેંગે ઔર બાદ મેં બડા ફંક્શન ભી રખેંગે.’

કરિશ્માને લઈ ગયા???!!!

લઈ તો ગયા, પણ કરિશ્માએ કંઈ કહ્યું પણ નહીં. એક ફોન પણ નહીં અને એક મેસેજ પણ નહીં. આવું કેવી રીતે બને?

આ પણ વાંચો : કથા સપ્તાહ : તેરા ‌જિક્ર હૈ યા ઇત્ર હૈ... (3)

સંબંધોની ઘનિષ્ઠતાનો અનુભવ જેણે કર્યો હોય એને આવી ક્ષુલ્લક વાતમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ શકે. ઇર્શાદને એ સમયે એવો જ અનુભવ થયો હતો. અગાઉ બન્યું નહોતું અને આવું બને એવી કોઈ ધારણા પણ તેણે નહોતી રાખી કે કરિશ્મા તેને જાણ કરવાની દરકાર પણ ન કરે. અશક્ય લાગતી વાતને અભેરાઈએ મૂકવાની આદત ઇર્શાદને હતી નહીં એટલે જ તેણે પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને એક વાર ચેક કરી લીધો. મોબાઇલ ચાલુ હતો, નેટવર્ક બરાબર હતું, બૅટરી પણ ફુલ હતી અને એમ છતાં, એમ છતાં એમાં કરિશ્માનો કોઈ મેસેજ નહોતો.

જે પરિવારે બિલકુલ સંબંધો કાપી નાખ્યા હતા એ જ પરિવાર આવીને દીકરીને લઈ જાય, રાજીખુશીથી લઈ જાય અને દીકરી પણ વરને જાણ કરવા જેટલી સજ્જતા ન દેખાડે એ વાત ઇર્શાદને અજુગતી લાગતી હતી, પણ ઇર્શાદે મનને બીજી બાજુએ વાળવાની કોશિશ કરી. જો એ સમયે તેણે એવી કોઈ કોશિશ ન કરી હોત તો ચોક્કસ, આવી રહેલું ભવિષ્ય બદલાઈ ગયું હોત. (ક્રમશઃ)

Rashmin Shah columnists