તરડાયેલો ત્રિકોણ ધુમ્મસમાં ઓગળતો અંગાર (પ્રકરણ ૨)

03 June, 2025 01:27 PM IST  |  Mumbai | Lalit Lad

સર, તમે નહીં સમજો, પોતાના જ પુરુષને બીજી સ્ત્રી સાથે આ રીતે જોયા કરવું પડે એ પોતે જ એક સજા છે

ઇલસ્ટ્રેશન

રાતના દસ વાગી રહ્યા હતા.

રણજિત તનેજાના બંગાલમાં સન્નાટો છવાઈ ગયો હતો.

મારી સામે સોફામાં બેઠેલી ૪૦-૫૦ વર્ષની પાતળી સરખી સુકલકડી કાયાવાળી આ દમયંતી તનેજા નામની સ્ત્રી જે હજી પણ તેના કાળા ગાઉનમાં કોઈ ભૂતકથામાંથી ઊતરી આવેલી ડાકણ જેવી લાગતી હતી, તેણે જે રીતે પોતાના જ પતિને એક બીજી સુંદર સુદૃઢ કાયા ધરાવતી સ્ત્રી સાથે કામક્રીડા કરતો જોયો...

માત્ર જોયો જ નહીં, સળંગ ૪૫ મિનિટ સુધી જે રીતે તે આ બધું નહોતી જોવા માગતી છતાં જોઈ જ રહી હતી એ દરમ્યાન તેનું મગજ, તેનું શરીર કેવી યાતનામાંથી પસાર થયું હશે?

આ વર્ણન તેના પોતાના શબ્દોમાં સાંભળ્યા પછી મારી સાથે આવેલી મહિલા કૉન્સ્ટેબલની આંખો છલકાઈ આવી.

મેં તેને કહ્યું, ‘રાધિકા, કન્ટ્રોલ યૉરસેલ્ફ... આમ આપણાથી ગુનેગાર તરફ સિમ્પથી ન બતાડી શકાય.’

‘સિમ્પથી?’ રાધિકા તેની આંખ લૂછતાં બોલી, ‘સર, તમે નહીં સમજો. પોતાના જ પુરુષને બીજી સ્ત્રી સાથે આ રીતે જોયા કરવું પડે એ પોતે જ એક મોટી સજા છે. દમયંતી મૅડમે મર્ડર કર્યું હોય કે ન કર્યું હોય, તેમણે ઑલરેડી આ સજા તો ભોગવી જ લીધી છે.’

મારો અવાજ ઊંચો થયો, ‘યુ મીન, તને હજી એમ લાગે છે કે મિસિસ તનેજાએ આ મર્ડર નથી કર્યું?’

‘મર્ડર કરવું અને ગુનેગાર હોવું એ બે અલગ વસ્તુ છે સર!’ રાધિકાએ જઈને મિસિસ તનેજાના ખભે હાથ મૂકતાં કહ્યું. ‘મ‍ૅડમ, સાચું કહું? તમારો કોઈ જ વાંક નથી.’

‘રાધિકા, સ્ટૉપ ધિસ!’ હું બોલી ઊઠ્યો.

‘ઇન્સ્પેક્ટર ધારીવાલસાહેબ,’ દમયંતી તનેજાએ રાધિકાનો હાથ પોતાના ખભા પરથી ખસેડતાં બિલકુલ ઠંડા અવાજે કહ્યું :

‘આ તમારી મહિલા કૉન્સ્ટેબલ છેને એ બિચારી હજી માસૂમ છે. તેને હજી તમારા ડિપાર્ટમેન્ટની બેત્રણ એક્ઝામો આપવાની બાકી લાગે છે. નહીંતર તે આ રીતે ‘વાંક’ અને ‘ગુના’ વચ્ચેના તફાવતની વ્યાખ્યાઓ ન કરતી હોત.’

‘આપણે તમારા કન્ફેશનમાં આગળ વધીએ?’ મેં મારો મોબાઇલ સામો ધરતાં મિસિસ તનેજાને મૂળ વાત પર આવવા માટે કહ્યું.

તેણે જાણે સાંભળ્યું જ ન હોય તેમ થોડે દૂર ઊભેલા એક નોકરને કહ્યું, ‘બધા માટે સરસ એસ્પ્રેસો કૉફી બનાવોને? અને સાથે થોડી કુકીઝ પણ...’

મને નવાઈ લાગી રહી હતી કે આ બાઈ આટલી હદે ‘નૉર્મલ’ શી રીતે રહી શકે છે?

થોડી મિનિટો પછી જ્યારે કૉફી અને કુકીઝ અમને સર્વ કરવામાં આવ્યાં ત્યારે મિસિસ દમયંતી તનેજાએ કૉફીની એક સિપ લેતાં રાધિકાને પૂછ્યું :

‘તારાં મૅરેજ થઈ ગયાં છે?’

‘હા મૅડમ.’

‘અને તારો ધણી તને પ્રેમ કરે છે?’

રાધિકા જરા શરમાઈ ગઈ. તે ગામડાની છે. તેનો પતિ તો સાવ અભણ છે. તેણે કહ્યું, ‘મૅડમ, અમારામાં લવ... પ્રેમ એવું બધું નથી હોતું. ધણી બસ ધણી હોય છે.’

‘છતાં માની લે કે તારો ધણી તારા ઘરમાં કોઈ બીજી બાઈને લાવે અને તારી સામે જ તેને પોતાની સાથે સુવાડે... અને તને રૂમમાંથી બહાર પણ ન જવા દે... તો તું શું કરે? તારા ધણીને મારી નાખે?’

રાધિકા આવા વિચિત્ર સવાલથી સમસમી ગઈ. તે ઊભી થતાં બોલી, ‘મૅડમ, આ તે કંઈ સવાલ છે? મારો ધણી આવો નથી! અને હોય તો પણ...’

‘એક્ઝૅક્ટ્લી!’ દમયંતી તનેજાની આંખોમાં હવે અચાનક એક લાલાશ ચમકી ઊઠી. તે બોલી :

‘મારો ધણી તો આવો જ હતો! છતાં હું તેને મારી નાખવા માગતી નહોતી. હકીકતમાં હું મારા રણજિતને મારી પાસે પાછો લાવવા માગતી હતી. અને એટલે જ ...’

દમયંતી તનેજાએ પોતાની ઊંડી આંખોના ખૂણે બાઝેલું આંસુ લૂછી નાખ્યું અને મને ઇશારો કર્યો કે મોબાઇલમાં પોતાનું બયાન આગળ રેકૉર્ડ કરે.

lll

માંડ-માંડ ડગલાં માંડતી હું મારી કારમાં પહોંચી, બેસતાંની સાથે ફસડાઈ પડી. બહુ વાર પછી મારો શ્વાસ કંઈક ચાલતો થયો. મેં ચાવી ફેરવીને કાર સ્ટાર્ટ કરી. એ ક્ષણે જ મેં મનોમન નિર્ધાર કર્યો કે હવે હદ થઈ ગઈ, આનો કોઈ ઉપાય નહીં શોધું ત્યાં લગી મને ચેન નહીં પડે.

મેં તપાસ કરીને એટલું તો જાણી લીધું કે એ સ્ત્રીનું નામ ગીતાંજલિ ઐયર છે. તે કોઈ મોટી કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવની પોસ્ટ પર હતી. તેનો પગાર બહુ મોટો હતો. કંપનીની કાર અને કંપનીનો બંગલો હતો અને તે ડિવૉર્સી હતી. છેલ્લાં છ વર્ષથી તે આ શહેરમાં રહેતી હતી.

જ્યારથી આ શહેરમાં આવી હતી ત્યારથી તે એકલી જ રહેતી હતી. તેનો પતિ છૂટાછેડા પછી કૅનેડા જતો રહ્યો હતો અને તેમને કોઈ સંતાન પણ નહોતાં. ધીમે-ધીમે તાળો મેળવતાં મને સમજાયું કે રણજિતની આ શનિવારની મીટિંગો પણ છેલ્લાં ચાર વર્ષથી જ મોડી રાત સુધી ચાલતી થઈ ગઈ હતી. એનો મતલબ એમ જ થયો કે રણજિત અને ગીતાંજલિ વચ્ચે આ સંબંધ છેલ્લાં ચાર વર્ષથી છે.

હું જાણતી હતી કે જો રણજિતને ઉઘાડો પાડી દઈશ તો એનાથી મને કંઈ ફાયદો થવાનો નથી, કારણ કે રણજિતને મારામાં કોઈ રસ જ નહોતો. જો મેં આ વાતે ઝઘડા કર્યા હોત તો કદાચ રણજિતે મને છૂટાછેડા જ આપી દીધા હોત અને ગીતાંજલિનો રસ્તો એકદમ સાફ થઈ જાત.

તો પછી કરવું શું?

મારે ગીતાંજલિને ખતમ તો કરી જ નાખવી હતી. કોઈ પણ હિસાબે હું તેની હત્યા કરી નાખવા માગતી હતી. મારે એ આખું કામ એ રીતે કરવું હતું કે હું તો ન જ પકડાઉં, પણ મારો રણજિત આખા મર્ડર-કેસમાં ન ફસાય.

હું સતત એવી તકની રાહ જોતી હતી કે ગીતાંજલિની ઠંડા કલેજે હત્યા કરી શકું, પણ મહિનાઓ લગી મને એવી તક મળી નહીં. એ મહિનાઓ દરમ્યાન શનિવારની તમામ રાતો મારા માટે નરક સમાન હતી.

પણ છેવટે મને એક તક મળી ગઈ.

એ દિવસે મંગળવાર હતો. ચોમાસું બેસી ચૂક્યું હતું. સવારથી વારંવાર વરસાદનાં નાનાં-મોટાં ઝાપટાં પડ્યા કરતાં હતાં. બાકીના સમયમાં આખું મસૂરી શહેર ધુમ્મસથી ઘેરાયેલું રહેતું હતું.

રણજિત બપોરે લંચ માટે બંગલે પાછો આવ્યો હતો. જતાં-જતાં તેણે મને કહ્યું, ‘દમયંતી, મારું એક કામ કરી શકે? એક ચિઠ્ઠી એક માણસને પહોંચાડવાની છે.’

મેં કહ્યું, ‘શ્યૉર, બોલને?’

રણજિતે તરત જ કાગળના એક ટુકડા પર એક મેસેજ લખીને મને આપ્યો. એમાં લખ્યું હતું : ‘આપણે આજે રાત્રે જ મળીએછીએ. એ જ જગ્યા પર, એ જ સમયે. મને પહોંચવામાં મોડું થાય તો પ્લીઝ વેઇટ.’

વાંચીને હું ખોટું હસી. ‘કોઈ છોકરીને મળવાનું છે?’

‘ના ડિયર,’ રણજિત ઉતાવળમાં હતો. તે બોલ્યો, ‘મિસ્ટર કરણ મલ્હોત્રા નામના એક સિનિયર માર્કેટિંગ મૅનેજર આપણી કંપનીમાં જોડાવાના છે, પણ હજી જૉઇન થતાં તેમને દસેક દિવસ લાગે એમ છે. એ દરમ્યાન કોઈને ખબર ન પડવી જોઈએ કે તે કંપની છોડી રહ્યા છે.’

‘સમજી ગઈ.’ મેં કહ્યું, ‘પણ આ ચિઠ્ઠી મારે તેને ક્યાં જઈને આપવાની? અને હું કરણ મલ્હોત્રાને ઓળખીશ શી રીતે?’

‘ધૅટ્સ વેરી સિમ્પલ.’ રણજિતે કહ્યું, ‘સાંજે સાત વાગ્યા પછી એ મેરિડિયન ક્લબમાં હોય છે. તારે જઈને સીધા એ ક્લબની રિસેપ્શનિસ્ટને જ કહેવાનું. તને કોઈ પટાવાળો કરણ મલ્હોત્રા પાસે લઈ જશે.’

રણજિત જતો રહ્યો કે તરત જ મારું મગજ વીજળીની ઝડપે ચાલવા લાગ્યું. ‘આ ચિઠ્ઠી પર રણજિતના અક્ષરો તો છે પણ તેણે ક્યાંય કરણનું નામ નથી લખ્યું. હવે જો આ ચિઠ્ઠી ગીતાંજલિને પહોંચાડવામાં આવે તો?!’

કરણ મલ્હોત્રાની બાબતે હું જાણીજોઈને રણજિત આગળ જૂઠું બોલી હતી. હકીકતમાં હું કરણને ઓળખતી હતી.

કરણ મલ્હોત્રા અને કામિયા મલ્હોત્રા. આ બે જણની જોડીને હું શી રીતે ભૂલી શકું? જ્યારે લાયન્સ ક્લબનું કોઈ ફંક્શન કે પાર્ટી હોય ત્યારે સૌથી ખૂબસૂરત કપલ એ જ હોય. ૩૦-૩૫ વર્ષની ઉંમરનાં કરણ અને કામિયાની પરી જેવી એક દીકરી પણ હતી.

કોઈ પણ કપલ (અને ખાસ કરીને પતિ-પત્ની) એકબીજાને ખૂબ પ્રેમ કરતું હોય એ જોઈને હું જલીને ખાક થઈ જતી હતી. કરણ મલ્હોત્રા અને કામિયા મલ્હોત્રાને જોઈને પણ હું સખત જલતી હતી એટલું જ નહીં, કરણ અને રણજિત છેલ્લા કેટલાક દિવસોથી એકબીજાના ટચમાં છે એની પણ મને ખબર હતી કારણ કે મને રણજિતની અપૉઇન્ટમેન્ટ ડાયરી, મોબાઇલમાં નોંધેલા નંબરો અને sms ચેક કરવાની આદત પડી ગઈ હતી.

દસ જ મિનિટમાં મેં મારો આખો પ્લાન ઘડી કાઢ્યો.

પછી સાંજે સાત વાગ્યે હું મેરિડિયન ક્લબ ગઈ અને કરણને જઈને ચિઠ્ઠી આપ્યા વિના કહ્યું, ‘હું મિસિસ દમયંતી તનેજા છું. મિસ્ટર રણજિત તનેજાએ કહેવડાવ્યું છે કે તમારે તેમને આજે જ મળવાનું છે. એ જ સમયે, એ જ જગ્યાએ.’

મારા મર્ડર-પ્લાનનો તખતો ગોઠવાઈ ગયો હતો.

પણ હવે મારી પાસે ટાઇમ નહોતો. મારે હવે ખૂબ જ ઝડપ કરવાની હતી. હું કાર લઈને સીધી ગીતાંજલિ ઐયરની ઑફિસે પહોંચી ગઈ. બિલ્ડિંગની બહાર કાર પાર્ક કરીને મેં જોયું કે તેની કૅબિનની લાઈટ ચાલુ હતી. ફુટપાથ પર રખડતા એક છોકરાને ૫૦ની નોટ આપીને કહ્યું, ‘જા, સામેની ઑફિસમાં ગીતાંજલિ મૅડમ નામના બહેનને આ ચિઠ્ઠી હાથોહાથ આપી આવ.’

છોકરો હોશિયાર હતો. તરત જ ઊપડ્યો.

થોડી જ વારમાં મેં ગીતાંજલિને બિલ્ડિંગની બહાર આવતી જોઈ. તે ઝડપથી ચાલી રહી હતી. જેવી તે કારમાં બેઠી કે તરત મેં પણ મારી કાર સ્ટાર્ટ કરી...

(ક્રમશઃ)

columnists gujarati mid-day mumbai exclusive