સત્યમેવ જયતે ઉપરવાલા સબ જાનતા હૈ (પ્રકરણ ૫)

10 January, 2025 01:12 PM IST  |  Mumbai | Rashmin Shah

તમને મેં કહ્યું’તું કે તમારી વાઇફના હાથમાં વાળ હતા, એ વાળ હજી પણ પોલીસ-કસ્ટડીમાં છે

ઇલસ્ટ્રેશન

ત્રણ દિવસ... આપણી પાસે ફક્ત ત્રણ દિવસ છે. આ ત્રણ દિવસમાં તમારે ડિટ્ટો એવું જ ઘર તૈયાર કરવાનું છે જેના તમને ફોટોગ્રાફ્સ મળે.’ ડિટેક્ટિવ સોમચંદ શાહે નમ્રતા સાથે કહ્યું, ‘જો તમે આટલું કરશો તો મુંબઈ પોલીસ તમારી આભારી રહેશે.’

‘કરી આપવામાં કોઈ પ્રૉબ્લેમ નથી સર, પણ ટાઇમ... ટાઇમ થોડો
વધારી આપો.’ ઓમંગ કુમારે કહ્યું, ‘કારીગરો મળી જશે, પણ જગ્યા માટે કદાચ થોડો વધારે સમય જોઈશે. બસ થોડો વધારે ટાઇમ...’

‘એ જ નથી અમારી પાસે... બાકી માગો એ મળશે. તમને પરમિશન જોઈતી હોય તો એ પણ મળી જશે, જ્યાંની પરમિશન જોઈતી હોય ત્યાંની...’

‘ફિલ્મસિટી?’

‘ડન...’

‘તો હું ત્યાં તમને જોઈએ છે એવા ઘરનો સેટ ઊભો કરી આપી શકું.’

‘બસ તો માનો પરમિશન તમને મળી ગઈ.’ સોમચંદે ઘડિયાળમાં જોયું, ‘કલાકમાં તમારી ઑફિસે મળીએ. ત્યાં તમને બધા ફોટોગ્રાફ્સ પણ આપી દઈશ. એ પહેલાં એટલું કહી દઉં કે અંધેરી-ઈસ્ટમાં હતું એવું ઘર તૈયાર કરવાનું છે. એ ઘરના ડ્રૉઇંગ્સની તમે તૈયારી શરૂ કરો ત્યાં હું આવું છું.’

‘ઓકે... આઇ ઍમ વેઇટિંગ.’

ફોન પૂરો કરીને રિયલિટી શો ‘બિગ બૉસ’ના સેટ-ડિઝાઇનર ઓમંગ કુમારે તરત સેક્રેટરીને ટીમની ઇમર્જન્સી મીટિંગનું કહી દીધું અને પાંચમી મિનિટે મીટિંગ શરૂ પણ થઈ ગઈ, જેમાં કલાકમાં ડિટેક્ટિવ સોમચંદ પણ જૉઇન થઈ ગયા.

અનેક ફિલ્મો, ટીવી-સિરિયલ અને રિયલિટી શોના સેટ ડિઝાઇન કરી, એને ખડા કરનાર ઓમંગ કુમારને ખબર નહોતી કે આજે તે પહેલી વાર એક એવી ઘટનાના સાક્ષી બની રહ્યા છે જેનો આરોપી ૧૭ વર્ષ પછી પોલીસના હાથમાં આવવાનો છે.

lll

સુબોધ મહેતાની આંખો ચાર
થઈ ગઈ.

ડિટ્ટો તેમનું ‘મહેતા મૅન્શન’ તેમની આંખ સામે ઊભું હતું.

સવારે જ્યારે ઇન્સ્પેક્ટર પાલેકર સુબોધ મહેતાને લેવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમને નવાઈ લાગી હતી,

‘ફિલ્મસિટીમાં મારે આવીને
શું કરવાનું?’

‘સર, થોડા ડાઉટ્સ છે એ ક્લિયર કરવા છે...’ પાલેકરે ચોખવટ પણ કરી, ‘આપની વાઇફના મર્ડરકેસને લગતા ડાઉટ્સ જ છે એટલે તમારે આવવું કમ્પલ્સરી છે.’

અને અત્યારે આ ‘મહેતા મૅન્શન’ સુબોધ મહેતાની સામે ઊભું હતું અને કાનમાં ઇન્સ્પેક્ટર પાલેકરના શબ્દો દાખલ થતા હતા, ‘આ તમારું જ ઘર છે. એમાં એક ઇંચનો પણ ફરક નથી. સીલિંગની હાઇટથી લઈને એના રૂમની સાઇઝથી માંડીને બધી વાતમાં ઓરિજિનલ ઘરને જ ધ્યાનમાં રાખ્યું છે. તમને કોઈ શંકા હોય તો તમે વિનાસંકોચ પહેલાં જઈને ચેક કરી લો...’

‘હા, પણ આ જોવાનું કામ શું છે?’ સુબોધ મહેતાએ આનાકાની કરતાં કહ્યું, ‘મારે એ યાદોમાં ફરી પાછા નથી જવું.’

‘કેસ રીઓપન કરાવો છો ત્યારે તો તમને કોઈ પ્રૉબ્લેમ નથી થતો. એ સમયે તો તમને આ કેસની યાદ નથી આવતી, અત્યારે આ ઘર જોઈને શું કામ ટેન્શન કરો છો.’ ઇન્સ્પેક્ટર પાલેકરે સુબોધ મહેતાનો હાથ પકડ્યો, ‘હું તમારી સાથે આવું છું.’

પ્રેમથી પકડાયેલા હાથના એ સ્પર્શમાં પોલીસ-ઇન્સ્પેક્ટરની કડકાઈ પણ વર્તાતી હતી. સુબોધ મહેતાએ ઘરમાં ફરીને નજર કરી અને તેમની આંખોમાં અચરજનું આંજણ વધતું ગયું. જાણે ઝેરોક્સ કૉપી હોય એ પ્રકારનું આખું ઘર ઊભું થયું હતું.

‘બધું એવું જ છે...’

‘આ બાજુએ તમારી રૂમ છે, એમાં પણ તમે જઈ આવો...’

‘ના, એની જરૂર નથી.’

‘વાંધો નહીં, હવે આપણે બહાર આવી જઈએ.’

સુબોધ મહેતાને લઈને ઇન્સ્પેક્ટર પાલેકર ઘરની બહાર નીકળ્યા અને મેઇન ગેટ પાસે ઊભા રહ્યા.

‘એ પાંડુ...’ પાલેકરનો અવાજ સાંભળીને એક કૉન્સ્ટેબલ આગળ આવ્યો, ‘દરવાજો અંદરથી બંધ કરી દે...’

દરવાજો અંદરથી બંધ થયો કે તરત પાલેકરે સુબોધ મહેતાની સામે જોયું.

‘તમને કહ્યું છે એમ, એક ઇંચનો પણ ફરક ઘરમાં રહેવા નથી દીધો. મને બસ, તમારી પાસેથી એટલું જોઈએ છે કે હવે તમે આ સિક્યૉરિટી ડોરને હાથ નાખીને ખોલો.’ મર્ડર પછી સુબોધ મહેતાએ લખાવેલા સ્ટેટમેન્ટની કૉપી પાલેકરે હાથમાં લીધી, ‘તમે લખાવ્યું છે કે દરવાજો અંદરથી બંધ હતો એટલે તમે હાથ નાખીને સિક્યૉરિટી ડોર ખોલ્યો. અત્યારે તમારે એ ડોર ખોલવાનો છે...’

સુબોધ મહેતાએ પહેલાં પાલેકરની અને પછી દરવાજાની સામે જોયું અને એ પછી તેઓ મક્કમ પગલે આગળ વધ્યા અને સિક્યૉરિટી ડોર પર લગાડેલા સ્ટીલના ઊભા સળિયા વચ્ચેથી અંદર હાથ દાખલ કર્યો. સુબોધ મહેતાનો હાથ અંદર દાખલ થયો કે તરત તેમણે એ હાથ ઉપરની સાઇડ પર લઈ જવાની કોશિશ કરી, પણ તેમનો હાથ પહોંચ્યો નહીં.

‘આ ફોટોગ્રાફ્સ જુઓ, જે સમયે ઘટના ઘટી હતી એ સમયના આ ફોટોગ્રાફ્સ છે. એના પરથી જ આ ડોર ડિઝાઇન થયો છે.’ પાલેકરની કૉમેન્ટરી ચાલુ હતી, ‘એક ઇંચનો પણ એમાં ફરક નથી અને એવું પણ ન બને કે આટલાં વર્ષોમાં તમારી હાઇટ ઘટી હોય. ટ્રાય કરો, મારે જોવું છે કે તમે ડોર ખોલી શકો છો કે નહીં...’

પહેલાં સરળતાથી અને પછી તકલીફ વચ્ચે પણ સુબોધ મહેતાએ દરવાજો ખોલવાનો પ્રયાસ ચાલુ રાખ્યો, પણ વ્યર્થ.

lll

‘સર, તમે દરવાજો ખોલ્યો જ નહોતો...’ અડધા કલાકની સુબોધ મહેતાની મહેનત પછી પાલેકરે જજમેન્ટ આપતાં કહ્યું, ‘કારણ કે એ સમયે તમે ઘરની બહાર નહીં, તમારા ઘરની અંદર જ હતા.’

‘મિસ્ટર, તમે મારા પર આક્ષેપ
કરો છો...’

‘ના, આરોપ લગાડું છું... તમારી વાઇફ છાયા મહેતાના મર્ડરનો.’ પાલેકરના શબ્દોમાં દૃઢતા હતી, ‘મને ખાતરી છે કે તમે કોર્ટમાં એવો દાવો પણ કરશો કે આ જે ઘર બનાવ્યું હતું એમાં પોલીસે માપસાઇઝમાં ભૂલ કરી હતી એટલે તમારાથી દરવાજો ખૂલ્યો નહીં, પણ સર, તમારો એ જવાબ ખોટો છે. આ જુઓ...’

ખાસ્સી જૂની એવી ફાઇલ
હાથમાં લઈને પાલેકરે સુબોધ મહેતાની સામે મૂકી.

‘આ તમારા ઘરના ઓરિજિનલ પ્લાન છે, જે ફાઇલ કૉર્પોરેશનમાંથી અમે કઢાવ્યા છે. એમાં તમે બંગલો બનાવવાનો જે પ્લાન આપ્યો હતો એ પ્લાન પણ જોડાયેલો છે. મને આ ફાઇલ લાવવાનું સૂઝ્‍યું ન હોત, પણ તમે જ મને આઇડિયા આપ્યો. જ્યારે તમે કહ્યું કે બૅન્કે તમને જમીન આપી છે એટલે મને સમજાયું કે બંગલો તમે બનાવ્યો છે તો પૉસિબલ છે કે કૉર્પોરેશનમાં એનો રેકૉર્ડ પડ્યો હોય.’

‘તમે, તમે મને ફસાવો છો...’ સુબોધ મહેતાના શબ્દોમાં હવે વજન નહોતું, ‘એવું હોય તો હું શું કામ કેસ રીઓપન કરાવવા માટે ઍપ્લિકેશન કરું?’

‘એનો જવાબ આપતાં પહેલાં હજી એક પુરાવો આપી દઉં કે છાયા મહેતાનું મર્ડર તમે જ કર્યું છે.’ જવાબની રાહ જોયા વિના જ ઇન્સ્પેક્ટર પાલેકરે પૂછ્યું, ‘તમારા ઘરમાં જે કાચના ગ્લાસ હતા એમાં એકાદ ઓછો થયો હોય એવું તમને લાગ્યું?’

સુબોધ મહેતાની આંખો પહોળી થઈ ગઈ.

‘એ ગ્લાસ મારી પાસે છે... એ ગ્લાસ, જેમાં મેં તમને પાણી ભરી આપ્યું હતું.’ પાલેકરે સુબોધ મહેતાના ખભા પર હાથ મૂક્યો, ‘તમને મેં કહ્યું’તું કે તમારી વાઇફના હાથમાં વાળ હતા. એ વાળ હજી પણ પોલીસ-કસ્ટડીમાં છે. એ વાળનો DNA રિપોર્ટ અને તમે એઠા કરેલા ગ્લાસનો DNA રિપોર્ટ બન્ને એક છે.’

‘હવે મારે કરવાનું શું છે એ કહો?’

‘ગુનો સ્વીકારવાનો છે...’ પાલેકરે રિસ્પેક્ટ અકબંધ રાખતાં કહ્યું, ‘અરે હા, તમે મને સવાલ કર્યો કે તમે કેસ રીઓપન શું કામ કરો છો તો એનો જવાબ આપી દઉં. કદાચ, તમને અંદરથી સતત ગિલ્ટ ફીલ આવતી હશે. કહો કે સાયકોલૉજિકલ પ્રૉબ્લેમ... અને કાં તો લોકો એવું ન માની બેસે કે આ ક્રાઇમ તમે કર્યું છે એટલે... બીજાં પણ કારણ હોઈ શકે પણ એની ચર્ચા આપણે પોલીસ-સ્ટેશને જઈને કરીએ, પણ એ કરતાં પહેલાં તમારે મર્ડરનું કારણ આપવાનું છે... એક કારણ મને ખબર છે...’

‘કયું કારણ?’

જવાબમાં પાલેકરે એક ફોટોગ્રાફ કાઢીને સુબોધ મહેતાની સામે મૂક્યો.

બેડરૂમમાંના બેડનો એ ફોટો હતો.

‘માન્યું કે એકલી વ્યક્તિ બપોરના સમયે થોડી વાર સૂઈ જાય, જેને લીધે બેડશીટ ચોળાઈ જાય, પણ કિંગ સાઇઝ બેડની બન્ને બાજુ ચોળાઈ જાય તો સમજવું કે બેડ પર સાથે કોઈ હોઈ શકે. ખાસ તો ત્યારે જ્યારે બન્ને સાઇડના તકિયા પણ ચોળાઈ ગયા હોય.’ પાલેકરે અનુમાનને અધ્ધર રાખીને કહ્યું, ‘ચાલો પોલીસ-સ્ટેશન જઈએ સર...’

સુબોધ મહેતાએ જાતને સરેન્ડર કરતાં પહેલાં વિનંતી કરી,

‘હથકડી ન પહેરાવતા...’

ઉંમરને ધ્યાનમાં રાખીને પાલેકરે તેમની વિનંતી માન્ય રાખી, કારણ કે મહેતા પાસેથી હજી હત્યાનું કારણ જાણવાનું બાકી હતું અને આરોપીની ઉંમર જોતાં તેમના પર થર્ડ ડિગ્રીનો પ્રયોગ એ પોતાના પર જોખમ વધારવા જેવું હતું.

lll

‘મને પહેલેથી શંકા હતી કે છાયાનું કૅરૅક્ટર લૂઝ છે...’ સુબોધ મહેતાએ કબૂલ કરતાં કહ્યું, ‘હું દર વખતે આંખ આડા કાન કરી લેતો. તેને સાચવવાનો પ્રયાસ પણ બહુ કરું, પણ તેને એવું લાગે જ નહીં કે હું દરકાર કરું છું. તે આખો દિવસ બસ એક જ વાત કર્યા કરે કે તમે મને સંતાન આપ્યું નહીં... ખોડ તેનામાં નહીં, મારામાં હતી એની મને ખબર હતી અને મેં અઢળક ડૉક્ટરોની સલાહ પણ લીધી હતી, પણ કોઈ ફરક પડ્યો નહીં. IVF ટેક્નૉલૉજી નવી-નવી હતી અને મારી એને માટે તૈયારી હતી, પણ છાયા એને માટે તૈયાર નહોતી. તેને કોઈકે એવું ભૂત ભરાવી દીધું હતું કે એમાં શુક્રાણુ બીજા કોઈના લેવામાં આવે છે. મેં તેને બહુ સમજાવી, પણ તે IVF માટે તૈયાર જ ન થઈ.’

‘ઘટનાના દિવસે શું બન્યું હતું?’

‘હું ઘરે પહોંચ્યો... છાયાને લાગ્યું કે હું સાડાપાંચ વાગ્યાની આસપાસ આવી જઈશ, પણ એ દિવસે હું ૪ વાગ્યે ઘરે પહોંચી ગયો...’ સુબોધ મહેતા ૧૭ વર્ષ પહેલાંના એ દિવસમાં દાખલ થઈ રહ્યા હતા, ‘ઘરનો દરવાજો બંધ હતો. ઘરે જઈને મેં બેલ વગાડી અને સાથે છાયાના નામની બૂમ પણ પાડી...’

lll

ખટાક...

દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો, પણ એ અવાજ ઘરની પાછળના ભાગનો દરવાજો ખૂલવાનો હતો. મેઇન ડોર પર ઊભેલા સુબોધ મહેતાનું ધ્યાન એ દિશામાં ગયું અને તેમણે જોયું કે ચંદ્ર મુથ્થુ ભાગતો દીવાલ ચડીને બાજુના ઘરમાં ઊતરી ગયો. સુબોધ મહેતાના મન પર ખુન્નસ પ્રસરી ગયું. જોકે જાત પર કાબૂ રાખીને તેઓ ઊભા રહ્યા. દોઢ-બે મિનિટ પછી ઘરનો દરવાજો ખૂલ્યો. છાયાએ કપડાં તો પહેરી લીધાં હતાં, પણ લાગતું હતું કે ઉતાવળમાં કપડાં પહેરાયાં હશે તો વિખેરાયેલા વાળ પણ શરીર સાથે થયેલી મસ્તીની ચાડી ખાતા હતા.

ચૂપચાપ રૂમમાં પહોંચેલા સુબોધ મહેતા દાંત વચ્ચે જીભને દબાવતા હતા, જેથી એ પેઇન વચ્ચે આ પીડાને ભૂલી શકાય, પણ ટોટલી અસ્તવ્યસ્ત થઈ ગયેલા બેડને જોઈને તેમનાથી કન્ટ્રોલ છૂટી ગયો.

સટાક...

પાછળ આવેલી છાયાના ગાલ પર સુબોધ મહેતાનો હાથ છપાયો અને બીજી જ સેકન્ડે છાયાના મોઢામાં ગંદી ગાળ આવી ગઈ, જે મહેતા માટે અણધારી અને તેમના ગુસ્સાને બેલગામ કરનારી પુરવાર થઈ.

‘તારા કરતાં પ્રોસ્ટિટ્યુટ ઘરમાં
લાવ્યો હોત તો તે પણ સીધા રસ્તે આવી ગઈ હોત...’

‘તમે એને જ લાયક છો... એટલે તો જુઓ, ગામઆખાને ઘરમાં ભેગા કરું છું...’ છાયાએ તમામ મર્યાદા ઓળંગી દીધી, ‘તમારા ભાઈબંધને પણ મોકલજો મારી પાસે...’

બોલતાં-બોલતાં કિચનમાં ગયેલી છાયા સુબોધ મહેતાની સામે ફરી અને છાયાના પેટમાં સુબોધ મહેતાએ છરીનો ઘા મારી દીધો. શાક સમારવાની છરીથી છાયાનો જીવ તરત નીકળ્યો નહીં. છાયાએ બચાવમાં સુબોધ મહેતાના વાળ પકડ્યા અને તેમણે પેટમાંથી છરી કાઢીને ઉપરાછાપરી ઘા મારવાનું શરૂ કરી દીધું.

lll

‘મુથ્થુની ખબર છે?’ મહેતાએ હા પાડી એટલે પાલેકરે પૂછ્યું, ‘ક્યાં છે?’

‘તમે જે બિલ્ડિંગ જોયું ત્યાં મોટું પીપળાનું ઝાડ જોયુંને. એ જગ્યાએ મુથ્થુને દાટીને મુથ્થુની લાશ પર જ મેં પીપળો ઉગાડ્યો.’ મહેતાના આગળના શબ્દોએ ઇન્સ્પેક્ટર પાલેકરના શરીરમાં કમકમાટી પ્રસરાવી દીધી, ‘સત્તર વર્ષથી દર અમાસે એ પીપળા પર સુ-સુ કરવાનો નિયમ રાખ્યો છે, જે હવે તૂટશે...’

(સમાપ્ત)

columnists gujarati mid-day exclusive