12 December, 2022 02:30 PM IST | Mumbai | Rashmin Shah
શિકારી ખુદ યહાં... (પ્રકરણ ૧)
ફોર્ટના ડૉ. દાદાભાઈ નવરોજી રોડને ક્રૉસ કરતી ગલીમાં અંધકાર પ્રસરેલો હતો. ગલી આમ તો માંડ ચારસો ફુટની હતી પણ ગલીમાં લાઇટનો અભાવ હોવાના કારણે ગલી વધારે ભયાનક લાગતી હતી. ગલીમાં મોટા ભાગનાં બિલ્ડિંગોનો પાછળનો ભાગ પડતો હતો અને પ્રોફેશનલ એરિયાને કારણે એ બિલ્ડિંગોની ઑફિસે બંધ થઈ ગઈ હોવાથી એ બિલ્ડિંગમાંથી પણ લાઇટ આવતી નહોતી.
ગલીમાં કૉર્પોરેશનનું મસમોટું ડસ્ટબિન પડ્યું હતું. આ ડસ્ટબિનની પાછળના ભાગમાં થતી હલચલ સહેજ અમસ્તી દેખાતી હતી પણ સ્પષ્ટતાપૂર્વક કશું દેખાતું નહોતું અને દેખાતું હોત તો પણ કોઈએ એ પ્રત્યે ધ્યાન આપ્યું ન હોત, કારણ કે રાતના સમયે આ ગલીનો ઉપયોગ મોટા ભાગે ચરસી અને ગંજેરીઓ જ કરતા હતા.
ખટાક... ખટાક...
લાકડાના સૉલ પહેરેલા શૂઝના અવાજ ગલીમાં દાખલ થયા કે બીજી જ ક્ષણે ડસ્ટબિનની પાછળ થતી પેલી ચહલપહલ અટકી ગઈ. જાતને સહેજ અમસ્તી બહાર લાવીને ડસ્ટબિનની પાછળ બેઠેલી વ્યક્તિએ ગલીના નાકે નજર કરી ખાતરી કરી લીધી કે પોલીસ તો નથી આવી રહીને?
ના, એ જ છે.
બ્લૅક પૅન્ટ, વાઇટ શર્ટ અને ખાસ તો પૅન્ટ પર પહેરેલા સોનાનું પાણી ચડાવેલા બેલ્ટનું બકલ સ્પષ્ટ દેખાતું હતું. આવનારી વ્યક્તિના હાથમાં બૅગ હતી. બૅગ તો ન કહેવાય, પણ થેલો હતો.
ખટાક... ખટાક...
આવતો અવાજ ધીમે-ધીમે નજીક આવવા માંડ્યો અને જેવો એ અવાજ નજીક આવ્યો કે ડસ્ટબિનની પાછળ રહેલી વ્યક્તિએ જાતને સહેજ સંકોરી લીધી. હવે તેના હૃદયના ધબકારાની રીધમ પેલાં પગલાંની સાથે જ ચાલવા માંડી હતી.
ખટાક... ખટાક...
ગલીમાં પ્રવેશ કરનારી વ્યક્તિએ આ બંધ ગલી પસાર કરીને મેઇન રોડ પર પહોંચવાનું હતું. મેઇન રોડની એક્ઝૅક્ટ સામે બૅન્ક હતી. બૅન્ક પણ એ વ્યક્તિની જ પ્રતીક્ષા કરતી હોય એમ રાતે દસ વાગ્યા સુધી ખુલ્લી હતી.
ખટાક... ખટાક...
ગલીમાં પ્રવેશ કરનારી વ્યક્તિ ધીમેથી કૉર્પોરેશનની ડસ્ટબિનને ક્રૉસ કરી આગળ વધી અને ત્યાં જ તેની પાછળથી મસ્તકના ભાગ પર જોરથી ઘા આવ્યો. પોતે પાછળ ફરે કે તેના મોઢામાંથી ચીસ બહાર નીકળે એ પહેલાં જ ભરાવદાર હાથ સાથે બીજો ઘા ખોપરી પર આવ્યો. પહેલા ઘાએ ખોપરી તોડવાનું કામ કર્યું હતું તો ખોપરી પર આવેલા આ બીજા ઘાએ મગજના છેક અંદરના ભાગ સુધી હથોડાનો ઘા પહોંચાડ્યો હતો.
આહ...
આછાસરખા ઉદ્ગાર સાથે એ વ્યક્તિ જમીન પર પછડાઈ. હાથમાં રહેલા થેલા પરની તેની પકડ ઢીલી પડી ગઈ. થેલો જમીન પર પડે એ પહેલાં તો એ શખસ વેતરાયેલા ઝાડની જેમ જમીનદોસ્ત થયો.
ઘા મારનારાએ સહેજ ઊંડો શ્વાસ લીધો અને જમીન પર પડેલી વ્યક્તિના કપાળ પર છેલ્લો વાર કર્યો. ઘા કરનારાની ઇચ્છા હતી કે જેના પર હુમલો કર્યો છે તે હવે ક્યારેય આંખ ખોલવો ન જોઈએ. જો જીવી ગયો તો તેના બાર વાગી જશે એ નક્કી હતું.
ત્રીજો અને ચોથો ઘા.
પેલા શખસના તરફડતા હાથ-પગ પણ સ્થિર થઈ ગયા.
ડસ્ટબિન પાછળથી બહાર આવેલા શખસનું અડધું કામ પૂરું થઈ ગયું હતું.
તેણે પકડ ઢીલી થઈ ગયેલા હાથમાંથી પેલો થેલો છોડાવ્યો અને ઉપરની દિશામાં જોઈ આછુંસરખું સ્મિત કરી ત્યાંથી રવાના થઈ ગયો.
થેલો લઈને ભાગનારી વ્યક્તિના મનમાં એમ જ હતું કે તેણે સત્તર લાખ રૂપિયાની ચોરી કરી છે, પણ ના, એવું નહોતું. તેની આ લૂંટ મુંબઈઆખાને ધ્રુજાવી દે એવી તોતિંગ રકમની હતી.
lll
રાતના ૧૦ વાગી ને ૧૪ મિનિટે ફોર્ટ પોલીસ-સ્ટેશનની રિંગ વાગી અને ઇન્સ્પેક્ટર ચંદ્રકાન્ત પંડિતે રિસીવર ઊંચક્યું. ઘરે જવાનો સમય તો ક્યારનો થઈ ગયો હતો, પણ મળવા આવેલા ફ્રેન્ડને કારણે થોડું મોડું થઈ ગયું એટલે તે હજુ પણ પોલીસ-સ્ટેશનમાં હતા.
‘હેલો...’
‘સર, જલદી આવો...’ સામેથી આવતા અવાજમાં ગભરાટ હતો, ‘અહીં મર્ડર...’
‘અહીં એટલે ક્યાં?!’ ઇન્સ્પેક્ટર પંડિતને મર્ડર કરતાં પણ વધારે ચિંતા ઘરે પહોંચવાની હતી, ‘લોકેશન કયું છે?’
‘ફોર્ટ... ફોર્ટમાં.’
‘ફોર્ટમાં ક્યાં...’ મોઢામાં આવી ગયેલી ગંદી ગાળ દબાવીને પંડિતે સભ્યતા સાથે પૂછ્યું, ‘એરિયા બોલશો તમે...’
‘હા... હા...’ ફોન પર વાત કરનારી વ્યક્તિએ આજુબાજુમાં જોયું અને પછી કહ્યું, ‘દાદાભાઈ નવરોજી રોડ...’
શિટ, મારો જ એરિયા...
ઇન્સ્પેક્ટર પંડિતના મોઢામાંથી ગાળ નીકળી ગઈ. મૅરેજ ઍનિવર્સરીના દિવસે પણ જો એ સમયસર ઘરે પહોંચશે નહીં તો ખરેખર બરાબરની બબાલ થવાની છે. એક તો વાઇફ આમ પણ ડિવૉર્સના મૂડમાં આવી ગઈ છે. તે એવું માને છે કે સાથે ડ્યુટી કરતી સબ-ઇન્સ્પેક્ટર સુમન વાઘમારે સાથે હસબન્ડને અફેર છે અને એવામાં આજે...
‘ઓકે... તમે કોણ?’
સામેથી જવાબ આપવાને બદલે ફોન કટ કરી નાખવામાં આવ્યો.
lll
‘હેલો...’
‘હા, બોલો...’ પાયલના અવાજમાં ઉત્સાહ હતો, ‘આવી ગયા તમે?’
‘ના, મને આવતાં સહેજ મોડું...’ ચંદ્રકાન્ત પંડિતે તરત જ વાતમાં સિરિયસનેસ ભરી, ‘દાદાભાઈ રોડ ઉપર મર્ડર થયું છે તો મારે ત્યાં...’
સામેથી અવાજ આવતો બંધ થયો એટલે પંડિતે બેત્રણ વખત ફોન પર હેલો-હેલો કર્યું પણ કોઈ પ્રત્યુત્તર આવ્યો નહીં એટલે નેટવર્ક ડ્રૉપ સમજીને તેણે ફરી ફોન લગાવ્યો પણ પ્રયાસ વ્યર્થ.
સામેથી ફોન રિસીવ કરવામાં આવ્યો નહીં.
પંડિત સમજી ગયા કે ડ્યુટીમાં આવેલા આ અણધારા વળાંકે તેમની પર્સનલ લાઇફમાં પણ નવો ટર્ન ઉમેરી દીધો છે.
આછાસરખા નિસાસા સાથે પંડિત પોતાની ચેમ્બરમાંથી બહાર આવ્યા.
‘રેડી... દાદાભાઈ રોડ પર જવાનું છે.’ પંડિતે માથા પર કૅપ મૂકી, ‘કન્ટ્રોલ-રૂમને કહી ડૉગ-સ્ક્વૉડ મગાવો, ક્વિક...’
lllઆ પણ વાંચો : મને આપો ઉછીનું સુખ થોડું (પ્રકરણ ૧)
વિક્ટોરિયા ટર્મિનસ પર ઊભેલા સોમચંદ શાહ લાંબા સમય પછી પહેલી વાર વેકેશન પર જતા હતા. ક્યાં જવું એ નક્કી નહોતું પણ એટલું નક્કી હતું કે એવી જગ્યાએ જવું જ્યાં મોબાઇલ નેટવર્કના પ્રૉબ્લેમ હોય. દેશમાં ક્યાં મોબાઇલ નેટવર્કના સૌથી વધારે ધાંધિયા છે એ જાણવાની કોશિશ કરી તો ગૂગલમહારાજનું કહેવું હતું કે સેવન સિસ્ટર્સ સ્ટેટ્સમાં હજુ પણ નેટવર્કની બાબતમાં કંપનીઓમાં જાગૃતિ આવી નથી.
- ક્યાંથી આવે જાગૃતિ, એવાં સ્ટેટ્સ છે એ બધાં જ્યાં રોજીરોટી માટે પણ આજે લોકોએ હેરાનગતિ અને હાલાકી ભોગવવી પડે છે તો કેવી રીતે મોબાઇલ રિચાર્જમાં લોકો પૈસા ખર્ચે?
સોમચંદે આસામ અને નાગાલૅન્ડ જવાનું નક્કી કર્યું અને એવું પણ નક્કી કર્યું કે ફ્લાઇટમાં જવાને બદલે ટ્રેનમાં જવું.
‘ટ્રેનમાં શું કામ જવું છે તારે?’ મોટી બહેને આર્ગ્યુમેન્ટ કરી હતી, ‘ખોટો સમય બગાડવો અને હેરાન પણ થવાનુંને?’
‘ટ્રેનમાં કૅરૅક્ટર જોવા મળે જાતજાતનાં...’ સોમચંદની વાત સાચી હતી, ‘અડધી ઑફિસ સાથે લઈને ફરતા લોકો પણ જોવા મળશે ને નિરાંતે ઘરના પ્રશ્નોનું ડિસ્કશન કરતા લોકો પણ મળશે.’
‘હા, પણ બે દિવસની જર્ની છે...’
‘સો વૉટ...’ સોમચંદે કહ્યું, ‘અહીં પણ મારી રાહ કોણ જુએ છે?!’
‘તારી સાથે આર્ગ્યુમેન્ટ કરવી જ નકામી છે.’
‘ઍકચ્યુુઅલી...’
સોમચંદે ફોન મૂકી દીધો અને ફરીથી પોતાની તૈયારીમાં લાગી ગયા.
સોમવારની ટ્રેન હતી અને ટ્રેન વિક્ટોરિયા ટર્મિનસથી લેવાની હતી.
અંધેરીથી રાતે સાડાઆઠ વાગ્યે નીકળીને વીટી સ્ટેશન પહોંચી ગયેલા સોમચંદ ટ્રેનની રાહ જોતા ઊભા હતાં ત્યારે જ તેની બાજુમાં આવીને એક શખસ ઊભો રહી ગયો. તેના હાથમાં મોટો થેલો હતો અને તેની હાંફ કહેતી હતી કે તે ભાગતો આવ્યો હશે.
સોમચંદે તેનો ચહેરો જોયો.
ક્લીન શૅવ હતી અને આંખોમાં શરીફાઈ ઝળકતી હતી.
સોમચંદે તેની આજુબાજુમાં જોઈ લીધું કે સાથે કોઈ છે કે નહીં, પણ જે રીતે તે પણ કોઈની રાહ નહોતો જોતો એ જોતાં લાગ્યું કે મહાશય એકલા જ હશે.
સોમચંદને હાશકારો થયો. મનમાં થયું કે ચાલો, કોઈ તો એવું છે આ ટ્રિપમાં જેની કંપની કામ લાગશે.
‘ગુજરાતી?’
વાતની શરૂઆત પણ સોમચંદે સામેથી જ કરી.
‘હેં?! હા...’ બાજુમાં ઊભેલા શખસે જવાબ આપ્યો, ‘આમ મારવાડી પણ ગુજરાતી ગણાય...’
‘ક્યાં આસામ જવાનું?’
‘હેં?!’ ફરીથી ઝાટકો લાગ્યો હોય એમ તે શખસે જવાબ આપ્યો, ‘ના, બોરીવલી...’
‘બોરીવલી...’ સોમચંદે આજુબાજુમાં જોયું, ‘આ લોકલ માટેનો ટ્રેક નથી.’
હવે પેલા શખસે પણ આજુબાજુમાં જોયું અને પછી તેની નજર ઇન્ફર્મેશન આપતી એલઈડી પર પડી.
‘ઓહ... મને એમ કે આ પ્લૅટફૉર્મ...’
‘આ છ નંબર છે, લોકલ તમને ચાર નંબર પરથી...’ સોમચંદે ચાર નંબર તરફ હાથ લંબાવ્યો, ‘તમારે બ્રિજ ચડીને જવું પડશે.’
‘હા...’ બે પગ વચ્ચે ભરાવી રાખેલો થેલો પેલા શખસે ઉપાડ્યો, ‘થૅન્કયુ...’
જેવા તેણે જવા માટે પગ ઉપાડ્યા કે સોમચંદની આંખો અલપઝલપ સ્તર પર એવી જગ્યાએ ગઈ કે તેની સિક્સ્થ સેન્સ જાગી.
‘એક્ઝક્યુઝ મી...’ જવા માટે પગ ઉપાડીને આગળ વધતા પેલા શખસના ખભા પર સોમચંદનો હાથ આવ્યો એટલે તે ઊભો રહ્યો. કહો કે નાછૂટકે તેણે ઊભા રહેવું પડ્યું.
‘હા, બોલો...’
આ પણ વાંચો : પેશન્સ
‘તમે પહેલી વાર મુંબઈમાં...’
‘ના, ના. અહીંનો જ છું હું...’ સ્પષ્ટતા પણ આવી, ‘ચાર-પાંચ વર્ષથી.’
‘અત્યારે આવતાં તમારે કોઈ સાથે બબાલ થઈ?’
‘ના રે, ના...’ પેલા શખસે ફરી પગ ઉપાડ્યો, ‘હું નીકળું, મને મોડું થાય છે.’
‘કોઈ સાથે ઝઘડો, તમારો...’
‘ના, ના...’ જીભ કરતાં પણ પેલા શખસની મૂંડી નકારમાં વધારે ફરી, ‘કોઈ સાથે નહીં, કોઈ ઝઘડો નહીં.’
‘હંમ...’
‘હું નીકળું, મોડું થાય છે મને...’
આગળ વધવા માટે પેલા શખસે ફરી પગ ઉપાડ્યો, પણ સોમચંદે તેને ફરી રોક્યો,
‘ઘરે કંઈ પ્રૉબ્લેમ થયો છે?’
‘ના, કીધુંને તમને. મને કંઈ નથી થયું. બસ, મને મોડું થાય છે.’
‘મોડા થવાનું ટેન્શન નહીં કરો તમે...’
‘મારી લોકલ જશે...’
‘હું મૂકી જઈશ તમને, લોકલની ચિંતા નહીં કરો.’ સોમચંદે પ્રેમથી કહ્યું, ‘થયું છે શું એ વાત કરો...’
‘કહું છુંને કંઈ નથી થયું તો પણ તમે એક ને એક વાત પૂછ્યા કરો છો.’ પેલા શખસની અકળામણ બહાર આવવા માંડી હતી, ‘મારે જવું છે, હું જાઉં છું. બીજી વાત મૂકોને તમે... ને મારે તમને કહેવાનું પણ શું કામ, શું કામ મારે તમને જવાબ આપવાનો.’
‘કારણ કે હું ડેપ્યુટી પોલીસ-કમિશનર છું...’
આવું ખોટું બોલવામાં સોમચંદ શાહને જરા પણ તકલીફ નહોતી પડતી. ડિટેક્ટિવ હોવાના કારણે પોલીસ-ડિપાર્ટમેન્ટમાં ઘરોબો હતો અને ઘરોબો હોવાને લીધે ડિપાર્ટમેન્ટ પણ જાણતો હતો કે સોમચંદ અકારણ ક્યાંય આવી ઓળખ આપે નહીં અને એમ છતાં જો તેણે આપી હોય અને કશું નીકળે નહીં તો તે સામેથી જ સાચું પણ કહી દે.
‘નાઉ સે... શું થયું છે?’
સોમચંદને હવે ખાતરી હતી કે તેની સામે ઊભેલો શખસ કાં તો ફસાયેલો છે અને કાં તો કોઈને ફસાવીને અહીં આવ્યો છે.
વધુ આવતી કાલે