સરદાર - ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 34

14 April, 2019 02:03 PM IST  |  | ગીતા માણેક

સરદાર - ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 34

સરદાર પટેલ

તેજ ગતિએ પ્રવેશેલી ઍમ્બેસેડર કાર ચિચિયારી પાડતી આંચકા સાથે સરદારના બંગલાના પૉર્ચમાં આવીને ઊભી રહી. આગળની સીટ પરથી ગાંધીજીના અંતેવાસી બ્રિજકૃષ્ણે બૂમ પાડીને મણિબહેનને કહ્યું, ‘સરદાર ક્યાં છે? બાપુ પર ગોળી છોડવામાં આવી છે. બાપુ મરી ગયા છે.’

બંગલાના પૉર્ચમાં કોઈ પ્રજ્ઞાચક્ષુ અને એક કૉંગ્રેસી બહેન સાથે વાત કરી રહેલાં મણિબહેનના કાન સુધી બ્રિજક્રૃષ્ણના શબ્દો તો પહોંચ્યા, પણ તેમનું મન એ શબ્દોનું અર્થઘટન કરી ન શકતું હોય એવું તેમને લાગ્યું. હજુ હમણાં જ તો તેઓ પોતાના બાપુ (વલ્લભભાઈ) સાથે બાપુજીને મળીને આવ્યાં હતાં. એ વાતને હજુ થોડીક મિનિટો પણ વીતી નહોતી અને બ્રિજકૃષ્ણ કહી રહ્યા હતા કે બાપુજી મરી ગયા છે. આ કઈ રીતે સંભવ હતું. મણિબહેનનું મન ચક્કરભમ્મર થઈ ગયું, પરંતુ આ સમય વેડફવાની ઘડી નહોતી. વધુ કંઈ જ વિચારવા રોકાયા વિના તેઓ રીતસર દોડતાં જ અંદર ગયાં.

‘આપણે બિરલા હાઉસ જવું પડશે...’ મણિબહેન શબ્દો ગોઠવ્યા વિના જ બોલી રહ્યાં હતાં, ‘બ્રિજકૃષ્ણ આવ્યા છે. તેઓ કહે છે કે બાપુજીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.’ મણિબહેનના શબ્દો સાંભળી સરદારના હાથમાંનું અખબાર ભોંય પર પડી ગયું. એક ક્ષણ માટે તેમને લાગ્યું કે અખબાર જ નહીં, જાણે પોતાનું આખું જગત જ હાથમાંથી સરી ગયું છે.

બે અઠવાડિયાં અગાઉ પ્રાર્થનાસભામાં બાપુ પર હુમલો થયો હતો ત્યારથી જ પેટમાં ફડકો તો હતો જ. માત્ર શિષ્ય અને સાથીદાર તરીકે જ નહીં, પણ ગૃહપ્રધાન તરીકે પણ બાપુના સંરક્ષણની જવાબદારી પોતાની હતી. બિરલા હાઉસમાં કે પ્રાર્થનાસભામાં આવનાર દરેક વ્યક્તિની તપાસણી થવી જોઈએ એવા તેમના આગ્રહ અને વિનવણીઓને તે બોખા મોં ધરાવતા વૃદ્ધે નકારી કાઢી હતી. આવું કંઈક થઈ શકે છે એવો અંદેશો હોવા છતાં પોતે કંઈ કરી શક્યા નહોતા.

સરદારે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના દરવાજા તરફ દોટ મૂકી અને પૉર્ચમાં ઊભેલી સફેદ ઍમ્બેસેડર કારની પાછલી સીટ પર બેસી ગયા. તેમની પાછળ આવેલાં મણિબહેન ડાબી બાજુના દરવાજાથી કારમાં ગોઠવાઈ ગયાં. સરદારના બંગલાથી બિરલા હાઉસ આમ તો ત્રણ મિનિટ જ દૂર હતું, પણ આ અંતર આ ક્ષણે જોજનો દૂર લાગતું હતું. મગજ થંભી ગયું હતું અને લાગણીઓ ધસમસતી હતી. બારીની બહાર હજુ ઉજાસ હતો તેમ છતાં ચારેતરફ અંધકારના ઓળા ઊતરી આવ્યા હોય એવું લાગતું હતું. વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય જાણે એકમેકમાં ભળીને ભયાવહ ચિત્ર સર્જી‍ રહ્યું હતું. સરદારે છાતી પર ખસેડી ન શકાય એવું તોતિંગ વજન અનુભવ્યું.

બિરલા હાઉસના પૉર્ચમાં કાર ઊભી રહેતાંની સાથે જ ધોતિયાનો છેડો પકડીને સરદાર ઝડપથી પગથિયાં ચડીને દીવાનખંડમાં પહોંચ્યા.

વાસાંસિ ર્જીણાનિ યથા વિહાય

નવાનિ ગૃહ્યાતિ નરોઽપાણિ

તથા શરિરાણિ વિહાય ર્જીણા

ન્યન્યાનિ સંયતિ નવાનિ દેહી...

સુગંધિત અગરબત્તીની સુવાસની વચ્ચેથી ભગવદ્ગીતાના શ્લોક સરકીને કાન સુધી આવી રહ્યા હતા. આ શ્લોક અગાઉ સાંભળ્યો હતો. ર્જીણ થઈ ગયેલાં કપડાંઓનો ત્યાગ કરીને માણસ નવાં વસ્ત્રો ધારણ કરે છે તે પ્રમાણે જૂના ર્જીણ દેહને છોડીને આત્મા નવો દેહ ધારણ કરે છે.

વસ્ત્રની જેમ જ ત્યજી દીધો હોય એવો બાપુનો દેહ આરસની સફેદ ભોંય પર નિશ્ચેતન પડ્યો હતો. સરદારના પગ જાણે જમીનમાં ખોડાઈ ગયા. પોતડી પહેરેલા શરીરની ઉઘાડી છાતી પર ગોળીનાં નિશાન જોઈ શકાતાં હતાં. એ વીંધાયેલા દેહ પર લોહી થીજી ગયેલું હતું. એ રક્ત શું ફક્ત મહાત્માનું જ હતું? એ છાતી શું ફક્ત ગાંધીજીની હતી? સરદારને લાગ્યું એ ગોળીઓ ફક્ત તેમના વહાલા બાપુની છાતી પર નહીં, પણ આખા હિન્દુસ્તાનની, એક-એક દેશવાસીની છાતી પર ચાલી હતી. એ ગોળી ભલે બાપુ પર ચાલી હોય, પણ તેણે પોતાના મન પર ક્યારેય ન રુઝાઈ શકે એવા ઘા કર્યા હતા. આ ગોળી કોઈ હિન્દુએ, મુસલમાને, શીખે કે ખ્રિસ્તીએ ચલાવી હતી એ વાત ગૌણ હતી. આ ગોળીઓ માનવતાના એક દુશ્મને ચલાવી હતી અને તેણે એક મહામાનવને ઢાળી દીધા હતા.

૩૧ વર્ષના ઘનિષ્ઠ સંબંધની છેલ્લી ઘડીઓ હજુ હમણાં થોડીક મિનિટો પહેલાં અહીં જ તેમની સાથે વિતાવી હતી. બાપુ સામે પોતાની નારાજગી નિખાલસતાથી વ્યક્ત કરી હતી. પોતે રાજકારણ અને સમાજજીવનમાંથી નિવૃત્ત થઈ જવા માગે છે અને એ માટે બાપુની પરવાનગી પણ માગી હતી. તેમની આ ઇચ્છા બાપુએ નામંજૂર કરી હતી, એટલું જ નહીં, પણ રાજીનામું આપવાનું વિચારશે પણ નહીં એવું વચન માગી લીધું હતું. એકત્રીસ વર્ષ પહેલાં જેમના શબ્દ પર બધું જ ન્યોછાવર કરીને ભેખ લઈ લીધો હતો તેમને આ વચન આપવામાં પણ સહેજય ખચકાટ થયો નહોતો.

ભારે પગલે જાણે કોઈ કઠિન ચડાણ ચડી રહ્યા હોય એમ સરદાર ગાંધીજીના નિશ્ચેતન શરીર પાસે પહોંચ્યા. આંખો પર જાણે એક પાતળો પડદો બાઝી ગયો હોય એવું લાગ્યું. ખભા પરના ખેસ વડે તેમણે આંખો લૂછીને છવાઈ ગયેલું ધુમ્મસ હટાવવાનો પ્રયાસ કર્યો. બાપુના ચહેરા પર એ જ શાંતિ અને સમભાવ હતાં જે તેમણે હંમેશાં જોયાં હતાં. સરદાર ત્યાં જ બેસી પડ્યા.

પોતાના વહાલસોયા બાપુ ખરેખર મૃત્યુ પામ્યા છે એ તેમનું મન સ્વીકારવા તૈયાર નહોતું. તેમણે ગાંધીજીનું કાંડું હાથમાં લીધું. સરદારના ચહેરા પર ચમક આવી. નજીક જ ઊભેલા ડૉ. જીવરાજ મહેતાને તેમણે ઇશારાથી બોલાવ્યા.

‘ડૉક્ટર જુઓ, મને નાડીનો આછો ધબકાર સંભળાય છે...’ સરદારે ડૂબતા માણસની જેમ તણખલું ઝાલવાનો પ્રયાસ કર્યો.

ગાંધીજીના અંગત તબીબ તરીકે રહેલા ડૉ. જીવરાજ મહેતાએ સરદારના સમાધાન માટે ફરી એક વાર નાડી તપાસી અને પછી ખૂબ જ વેદનાથી નકારમાં માથું ધુણાવ્યું. સરદારે પોતાના જીવનમાં કદાચ આવી લાચારી ક્યારેય અનુભવી નહોતી. તેઓ ધીમેકથી બાપુના પગ પાસે સરકી ગયા. વાસ્તવિકતાને સ્વીકારવાનો પ્રયાસ કરતાં ચૂપચાપ બેસી રહ્યા.

થોડી જ ક્ષણોમાં જવાહરલાલ લગભગ દોડતાં-દોડતાં આવ્યા અને ગાંધીજીના મૃતદેહ પાસે ફસડાઈ પડ્યા. બાપુના માથા પાસે ઘૂંટણિયે બેસીને તેઓ નાના બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા. તેમનું રુદન શમવાનું નામ લેતું નહોતું. માંડ ઊભા થઈને તેઓ સરદારની બાજુમાં ગયા. સરદારના ખોળામાં માથું મૂકીને રડતા રહ્યા. સરદારનું હૃદય કલ્પાંત કરી રહ્યું હતું, પણ લોખંડી કવચ ભેદીને અશ્રુ બહાર આવવાની હિંમત કરી શકતાં નહોતાં. હજુ થોડી વાર પહેલાં જ બાપુની હાજરીમાં જેમની સાથે ઉગ્ર વિવાદ અને વિરોધ વ્યક્ત કર્યા હતા તે જવાહર અત્યારે તેમની પાસે નાના બાળકની જેમ રડી રહ્યો હતો. જવાહરને સાંત્વના આપવાની સાથે-સાથે આ નાજુક સમયે પોતાના ખભા પર અનેક વજનદાર જવાબદારીઓ હતી એ અહેસાસ સરદારને લાગણીશીલ બનતાં રોકી રહ્યો હતો.

બિરલા હાઉસના એ હૉલમાં અને બહાર

પણ ભીડ વધવા માંડી હતી. અચાનક કોલાહલ વધી ગયો.

‘આ હત્યા મુસલમાને કરી છે...૨ મોટેથી કોઈકનો અવાજ આવ્યો.

‘યુ ફૂલ, ડોન્ટ યુ નો હી વૉઝ અ હિન્દુ? (બેવકૂફ, શું તમને ખબર નથી કે તે હિન્દુ હતો).’ તે માઉન્ટબેટનનો અવાજ હતો.

‘હાઉ કૅન યુ પોસિબલી નો (તમને કેવી રીતે ખબર).’ માઉન્ટનબેટન સાથે આવેલા કેમ્બલ-જોન્સને તેમને ધીમેકથી પૂછ્યું.

‘ઇફ ઇટ વૉઝન્ટ, વી આર લૉસ્ટ (જો એવું નહીં હોય તો આપણે ક્યાંયના નહીં રહીએ).’ ગાંધીજીની હત્યા ખરેખર કોણે કરી છે એનાથી બેખબર માઉન્ટબેટને હત્યા કોઈ હિન્દુએ જ કરી છે એવું હવામાં તીર ચલાવ્યું હતું. સદ્ભાગ્યે તેમનું આ અનુમાન સાચું ઠર્યું હતું.

ગાંધીજીનો મૃતદેહ જ્યાં પડ્યો હતો ત્યાં પહોંચતાં તેમણે ભીડમાંથી રસ્તો કરવો પડ્યો. મહાત્માના મૃતદેહની આસપાસ કૅબિનેટ પ્રધાનોથી માંડીને તેમના અતંરંગ સાથીઓ હતા. એ બધામાં માઉન્ટબેટનની નજર એકબીજાની બાજુમાં બેઠેલા સરદાર અને જવાહરલાલ નેહરુ પર અટકી ગઈ. છેલ્લા કેટલાક સમયથી તે બન્ને વચ્ચે ચાલી રહેલા મતભેદ અને વિવાદથી માઉન્ટબેટન વાકેફ હતા. આજે તે બન્નેના ચહેરા પર એકસરખી વ્યથા અને લાચારી નજરે પડી રહી હતી. ગાંધીજીની હત્યા એ હિન્દુસ્તાન માટે કારમો આઘાત હતો, પણ તેમનું મૃત્યુ દેશ માટે કાળાં વાદળો વચ્ચે રૂપેરી કિનાર સાબિત થવાનું હતું. માઉન્ટબેટનના મગજમાં વિચાર ઝબકી ગયો. આ ભયાનક ઘટનામાંથી પણ કશુંક સારું ઉત્પન્ન કરી લેવાના આશય સાથે તેઓ સરદાર અને જવાહરલાલની નજીક ગયા. બન્નેના ખભા પર હાથ મૂકીને તેમણે પોતાની સાથે ખૂણામાં આવવા ઇશારો કર્યો. સરદાર અને નેહરુ યંત્રવત્ ઊભા થયા. આસપાસની ભીડ વટાવી તેઓ માઉન્ટબેટનની પાછળ-પાછળ ખૂણામાં ગયા. એ તરફ ખાસ કોઈ હતું નહીં. માઉન્ટબેટને જમણો હાથ પોતાના મિત્ર જવાહરલાલ અને ડાબો હાથ સરદારના ખભે મૂક્યો.

‘આ ખરેખર બહુ જ ભયાનક અને દુ:ખદ ઘટના છે. હું સમજી શકું છું કે તમારા બન્નેના હૃદય પર શું વીતી રહ્યું હશે.’ માઉન્ટબેટનના સાંત્વનાના શબ્દો સાંભળી જવાહરલાલની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી, પણ સરદાર પોતાની લાગણીઓને હજુય સાચવીને ઊભા હતા.

‘હું તમને એક વાત કહેવા માગું છું. છેલ્લી વાર અમે જ્યારે મYયા હતા ત્યારે તેમણે મને કહેલું કે તેઓ તમારા બે જણ વિશે અપાર ચિંતા સેવે છે. તમે બન્ને તેમના નિકટતમ મિત્રો છો. સૌથી વધુ તેઓ તમને બે જણને જ ચાહતા. તમે બન્ને જણ અલગ થતા જાઓ તે તેમના માટે સૌથી વધુ ઉદ્વેગની વાત હતી. તેમણે મને છેલ્લે-છેલ્લે કહેલું, તમારું એ બન્ને વધારે સાંભળે છે. તેમને ભેગા લાવવા તમે બધો પ્રયત્ન કરી છૂટજો! આ તેમની છેલ્લી ઇચ્છા હતી. જો તમને તેમની યાદની કોઈ કિંમત હોય - અને તે છે જ એ મને તમારા વિષાદથી દેખાય છે - તો તમારા મતભેદ ભૂલી જજો અને એકમેકને ભેટી લેજો.’

માઉન્ટબેટનની આ વાતના પ્રત્યુત્તરમાં સરદાર અને નેહરુ બન્નેએ ડોકું ધુણાવ્યું અને એક શબ્દ પણ બોલ્યા વિના એકબીજાને ભેટી પડ્યા.

હું તમને એક વાત કહેવા માગું છું. છેલ્લી વાર અમે જ્યારે મYયા હતા ત્યારે તેમણે મને કહેલું કે તેઓ તમારા બે જણ વિશે અપાર ચિંતા સેવે છે. તમે બન્ને તેમના નિકટતમ મિત્રો છો. સૌથી વધુ તેઓ તમને બે જણને જ ચાહતા. તમે બન્ને જણ અલગ થતા જાઓ તે તેમના માટે સૌથી વધુ ઉદ્વેગની વાત હતી. તેમણે મને છેલ્લે-છેલ્લે કહેલું, તમારું એ બન્ને વધારે સાંભળે છે. તેમને ભેગા લાવવા તમે બધો પ્રયત્ન કરી છૂટજો! આ તેમની છેલ્લી ઇચ્છા હતી. જો તમને તેમની યાદની કોઈ કિંમત હોય - અને તે છે જ એ મને તમારા વિષાદથી દેખાય છે - તો તમારા મતભેદ ભૂલી જજો અને એકમેકને ભેટી લેજો.

આ પણ વાંચો : સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 33

ગાંધીજીની હત્યા સમયે ગમગીન બનેલા સરદાર અને નહેરુને માઉન્ટબેટને કહેલા શબ્દો.

(ક્રમશ:)

sardar vallabhbhai patel columnists