સમણાંનો સ્વામી - મૈં દિલ તૂ મેરી ધડકન (પ્રકરણ ૨)

13 January, 2026 08:25 AM IST  |  Mumbai | Rashmin Shah

ઇન્ડિયા પેરન્ટ્સ સાથે, મહિમા સાથે વાત કરતી વેળા ઊર્જા ઍલનને સાચવીને વખાણતી. હવે તો ઍલન જ મારો ફેવરિટ છે એવું કહેવામાં હૈયાભાવ ઊઘડી જવાની દહેશત હતી

ઇલસ્ટ્રેશન

ઍલન ઍન્ડરસન. વિમ્બલ્ડનની પહેલી મૅચની પહેલી જીતના અભિવાદન સાથે ઍલન મારા મનનો માણીગર બની ગયો. કહો કે લંડન પ્રવાસની પહેલી નજરની પ્રીત પર મહોર લાગી ગઈ.

અત્યારે હવાઈ જહાજની વિન્ડોમાંથી દેખાતું આકાશ ઊર્જા માટે સિનેમાનો પડદો બની ગયું હોય એમ ગયો ખંડ ઊપસતો ગયો.

વિમ્બલ્ડનની પહેલી મૅચના કેફમાં હજી તો તે સ્ટેડિયમમાંથી નીકળી મેટ્રોનો રસ્તો પકડે એ પહેલાં એક કૅબ લગોલગ આવીને ઊભી રહી. 

જોયું તો : ઍ..લન!

‘આપણે તો અહીં મળવાનાં હતાંને!’ તેના હોઠો પર કેવું મધુરું સ્મિત હતું. 

‘કમ.’

તેણે દરવાજો ખોલ્યો ને ચાવી દીધેલા પૂતળાની જેમ ઊર્જા કારમાં ગોઠવાઈ.

‘લંડન ફરી લીધું?’

તેની પૂછપરછના જવાબમાં ડોક ધુણાવતી ઊર્જાની રીસ ઊઘડી : તમે કહ્યું કેમ નહીં કે તમે પ્લેયર તરીકે વિમ્બલ્ડન આવ્યા છો?

‘રમતવીરને તેની રમતથી ઓળખવાનો હોય, ઊર્જા.’ તે વળી આંખના ખૂણે મલક્યો: અને તારે તો જૉનને જીતતો જોવો હતોને, પછી કેમ કહું કે હું તેને હરાવવા આવ્યો છું!’

તેના આત્મવિશ્વાસ પર ઊર્જા મનોમન ઓવારી ગઈ.

‘ફ્રૅન્ક્લી સ્પીકિંગ, હું હાર-જીત માટે ટેનિસ નથી રમતો. આઇ લવ ધ ગેમ. મારા ફાધર અમારા ટાઉનની ક્લબના ટેનિસ કોચ હતા. માસ્ટર પ્લેયર. અમારા ઘરે ટેનિસ રૅકેટ્સ હૉલમાં જ રહેતાં. ચાર વર્ષની ઉંમરે મેં જે રીતે રૅકેટ પકડ્યું એ જોઈ ડૅડે મૉમને કહી દીધું કે આપણે ત્યાં જીનિયસ પાક્યો છે અને બસ, ત્યારથી હું એક જ રમત શીખ્યો છું, જીવ્યો છું - ટેનિસ!’

એકના એક દીકરાને ટેનિસમાં ઘડવા પાછળ પિતાને નામ-શોહરતનો મોહ નહોતો, પોતાનો હુન્નર દીકરાને આપી જવાની મનસા જરૂર હતી.

‘મારી મૉમ વહેલી જતી રહી. ગયા વર્ષે ડૅડને કૅન્સર ડિટેક્ટ થયું. જીવનના છેલ્લા ત્રણ મહિના તેમણે હૉસ્પિટલમાં ગાળ્યા. ઍન્ડ યુ નો વૉટ, ઊર્જા?’ ઍલનનો કંઠ સહેજ ભીનો થયો, ‘હૉસ્પિટલના બેડ પર હી યુઝ્ડ ટુ રેકૉર્ડ ટિપ્સ ફૉર મી. વર્ષો પછી મને શીખવ્યું એનો નિચોડ એમાં ઠાલવી તે છેલ્લા વિડિયોમાં કહે છે : રમતને પ્રેમ કરજે, એનાથી મળતી પ્રસિદ્ધિને નહીં. એ ક્ષણિક હોય છે. તું સારુ તો રમશે જ, પણ સાચું રમજે એ જ મારી ગુરુદક્ષિણા!’

ઊર્જાએ ઍલનનો ખભો પસવાર્યો: માબાપ હોય છે જ આવાં.

‘મારા કોઈ પ્રોફેશનલ કોચ નથી. ઇન ફૅક્ટ, મારો બહુ લિમિટેડ સ્ટાફ છે. એક મૅનેજર છે જે ફાઇનૅન્સ, કૉન્ટ્રૅક્ટ્સ બધું જ જુએ છે.’

એ જ વખતે ઍલનનો

મોબાઇલ રણક્યો:

‘ઍલન, વેર આર યુ?’ સામેથી સ્ત્રીસ્વર સંભળાયો, ‘આમ કૉમન મૅનની જેમ રખડવા નીકળી પડવાની તારી ટેવ હવે નહીં ચાલે. જાણે છે, આજની જીત પછી પીપલ આર સર્ચિંગ ફૉર યુ.’

ઊર્જા સહેજ દૂર સરકી. તે સ્ત્રી કેટલા અધિકારથી વાત કરતી હતી. ઍલન મૅરીડ તો નથી, તેની પ્રેયસી હશે? ઊર્જાએ એટલા જોરથી દાંત દબાવ્યો કે હોઠે ટશિયો ફૂટી નીકળ્યો.

‘લિસન મારિયા, હું કૅબ લઈને નીકળ્યો છું, કલાકમાં ઝ્યુરિક પહોંચું છું.’ તીરછી નજરે ઊર્જાને નિહાળી ઍલને ઉમેર્યું, ‘યુ હૅન્ડલ પીપલ બેટર ધૅન આઇ ડૂ. એટલે તો તું મારી મૅનેજર છે.’

મૅ...નેજર! ઊર્જાના રોમ-રોમમાં રાહત પ્રસરી ગઈ.

કૉલ કટ કરી તેને નિહાળી ઍલને ખોંખારો ખાધો: મારિયા, માય મૅનેજર, વેરી એફિશિયન્ટ. સ્વિસ ગર્લ, યુ નો. યંગ ઍન્ડ વેરી બ્યુટિફુલ.’

ઊર્જા વળી સહેજ ઝંખવાઈ.

‘વેન આર યુ લીવિંગ, ઊર્જા?’

‘બાર જુલાઈએ ફિનાલે પતશે અને તેરમીની મારી મૉર્નિંગની ફ્લાઇટ છે, લંડન ટુ મુંબઈ.’

‘મતલબ ફિનાલેની રાત્રે તું અહીં જ હશે. આપણે ક્યાંક મળી શકીએ?’ ઍલને ઊર્જાની આંખોમાં આંખ પરોવી, ‘થેમ્સ નદીના પૂર્વ કાંઠે હું તારી રાહ જોઈશ. મારું પહેલું ગ્રૅન્ડ સ્લૅમ હું જીતું એના સેલિબ્રેશનમાં હું માગું એ મને મળશે?’

‘મારી પાસે!’ ઊર્જા ઍલનની આંખોમાં ખોવાતી હતી કે પછી તેને પોતાની આંખોમાં સમાવતી હતી, ‘મારી પાસે તમને આપવા જેવું શું છે?’

‘વેલ, ફૉર ઇન્સ્ટન્સ, તારા અધરોનું ચુંબન.’

ઊર્જા થોડી સહેમી, થોડી લજાઈ, ‘ઇન્ડિયન છોકરી આવી ગિફ્ટ મૅરેજ પછી જ આપી શકે.’

‘ઓ..હ!’ ઍલન કંઈક બોલવા જતાં અટકી ગયો, સીટને અંઢેલ્યો, ‘ઠીક, પહેલાં ફિનાલે પતવા તો દે.’

ઊર્જાને સમજાયું નહીં : ઍલન નારાજ થઈ ગયો કે શું? પણ એમ તો ચુંબનની છૂટ કેમ અપાય?

તેને ઝ્યુરિક ડ્રૉપ કરતી વેળા ઍલને ફરી મુલાકાતનો વાયદો કરતાં ઊર્જા જરા મૂંઝાઈ પણ ખરી : ચુંબનના ઇનકાર છતાં ઍલન મને મળવા માગે છે? કદાચ તેને હશે કે જીતના આવેશમાં હું તેને છૂટ લેવા દઈશ પણ એ બનવાનું નથી.

અને ઍલનમાં મારા સંસ્કારને આદર આપવાની સમજ છે. તે વહેશી જ હોત તો આવું કંઈ કહ્યા-પૂછ્યા વિના ટૅક્સીમાં જ હોઠ એઠા કરી લીધા હોત.

મોટા ભાગે આપણે આપણી ગમતી વ્યક્તિમાં આપણને અનુકૂળ એવાં ધારાધોરણ ધારી લેતા હોઈએ છીએ. ઊર્જાની એ જ અવસ્થા હતી. 

એક તરફ ઍલન દરેક રાઉન્ડ જીતી ફિનાલેમાં પહોંચી ગયો ને દરેક મૅચ સાથે ઊર્જાના હૈયે ઊંડો ને ઊંડો ઊતરતો ગયો.

‘યા, હી ઇઝ અમેઝિંગ.’

ઇન્ડિયા પેરન્ટ્સ સાથે, મહિમા સાથે વાત કરતી વેળા ઊર્જા ઍલનને સાચવીને વખાણતી. હવે તો ઍલન જ મારો ફેવરિટ છે એવું કહેવામાં હૈયાભાવ ઊઘડી જવાની દહેશત હતી. ઍલન સાથે તો હું લંડન ફરી છું એવું પણ ક્યાં કહેવાયું! ષોડશી વયનો પહેલો ધબકારો હોય છે જ એવો જેને દુનિયાથી અદીઠો રાખવાની સભાનતા અજાણતાં જ કેળવાઈ જાય.

છેવટે એ ક્ષણ પણ આવી પહોંચી. દિલધડક ટાઇ બ્રેકમાં ઍલને નંબર વન ગણાતા જૉનને હરાવી અપસેટ સર્જ્યો ત્યારે ઊર્જાની આંખો હરખથી વરસી પડેલી.

‘ધિસ ઇઝ ફૉર માય પેરન્ટ્સ.’

ટ્રોફી લેતાં ઍલનના કંઠે ડૂમો બાઝ્યો હતો અને તેના અંતરનાં ડૂસકાં ઊર્જાના હૈયા સુધી પહોંચતાં હતાં.

અને એ રાત પણ આવી પહોંચી.

થેમ્સના કાંઠે બત્તીના થાંભલા નજીક મૂકેલી બેન્ચ પર બેસી ઊર્જા અડધી રાત સુધી રાહ જોતી રહી પણ ઍલન ફરક્યો જ નહીં!

મે બી થાકી ગયો હશે, ફુરસદ નહીં મળી હોય. આજની જીત પછી પહેલાંની માફક કૉમન મૅનની જેમ નીકળાય એવું પણ ક્યાં રહ્યું છે? પાપારાઝી અમારું મિલન ઝડપી પાડે તો ક્યાંક હું બદનામ ન થઈ જાઉં એ માટે જ ઍલન આવવાનું ટાળી ગયો હોય.

ઊર્જાએ પાર વિનાના એક્સ્ક્યુઝિસ વિચારી નાખ્યા અને દરેકમાં ઍલનને તો ક્લીનચિટ જ હતી.

બીજી સવારે તેણે લંડનથી ઉડાન ભરી ત્યારે એટલું નક્કી હતું કે પોતે આવી હતી એવી નથી જઈ રહી. મારું હૈયું કોઈને દઈને જઈ રહી છું, મારા રુદિયે કોઈની મૂરત વસાવીને જઈ રહી છું!

મુંબઈ પરત થઈ ઘરેડમાં પરોવાતી ઊર્જા મા-પિતાથી તો પ્રણયભેદ છુપાવી શકી, મહિમા સમક્ષ દિલ ખોલી નાખવું હતું, પણ એ પહેલાં...

‘ટેનિસ વન્ડર ઍલન લગ્નના ખીલે બંધાયો! તેની મૅનેજર-કમ-લૉન્ગ ટર્મ ગર્લફ્રેન્ડ મારિયા જોડે ઍલ્પ્સના રિસૉર્ટમાં યોજાયો ભવ્ય સમારોહ.’

ત્રીજા મહિને અખબારના ખબર છાતીમાં તીરની જેમ ખૂંપ્યા. અહેવાલ સાથે કપલની સમારોહની તસવીર હતી. બેઉ કેવા ખુશહાલ લાગ્યા. બૉક્સમાં મારિયાનું સ્ટેટમેન્ટ હતું: ઍલન સાથે હું બે વર્ષથી કામ કરું છું અને આ પળનો અમે સજોડે ઇન્તેજાર કર્યો છે. વિમ્બલ્ડન જીત્યાની રાતે ઍલને મને પ્રપોઝ કર્યું એ મારા જીવનની અણમોલ ઘડી હતી.

ઊર્જાથી હળવો નિસાસો નખાઈ ગયેલો. પછી જાતને ટપારી : ઍલનના ખબર પર મારાથી નિસાસો નખાય જ કેમ!

ઊર્જા-ઊર્જા, તને હજીયે ઍલનનું દાઝે છે? તને મળવા બોલાવી જે જુવાન તેની મૅનેજરને પ્રપોઝ કરવામાં બિઝી રહેતો હોય તેને હજીયે હૈયે રાખવામાં કયો તર્ક છે?

દિમાગ વળી લગામ કસવા ગયું, પણ પ્રણયબદ્ધ હૈયું કોઈ લગામથી વશ નથી થતું. તેણે જવાબ ખોળી કાઢ્યો: ઍલને ભલે જે કર્યું, મેં તો તેને સાચા દિલથી જ ચાહ્યોને! અને ચાહતી રહીશ. જીવનના આખરી પડાવ સુધી. આખરે હૈયું હારેલી દરેક ગોપી સાથે તો શ્યામ પણ ઓછા પરણ્યા હતા!

પ્રીતઘેલું હૈયું કેવાં-કેવાં સમાધાન ખોળી કાઢતું હોય છે!

અલબત્ત, પરદેશી અને પાછા પરણેલા પુરુષ માટેની મહોબત શું માવતર કે શું સખી, કોઈ પચાવી શકવાના નહીં એટલે એને હૃદયના પેટાળમાં દફનાવાનું પણ ઊર્જાને

ફાવી ગયું.

દીકરીને અચાનક જર્મન, ફ્રેન્ચ જેવી ભાષા શીખવાની ધૂન કેમ ચડી કે પછી ઍર-હૉસ્ટેસ થવામાં રસ કેમ જાગ્યો એનું મૂળ કારણ માબાપ જાણી શક્યાં નહીં. ઊર્જા કહેતી : ઍર-હૉસ્ટેસ થઈ હું આખી દુનિયા ઘૂમી શકીશ, એ માટે બેચાર વિદેશી ભાષા તો આવડવી જ જોઈએને!

હકીકતમાં તો એ ઍલનની નિકટ રહેવાનું બહાનું હતું. દોઢેક વર્ષ અગાઉ બાવીસ વર્ષની વયે ઍર-હૉસ્ટેસ તરીકે તેણે સ્વિસ ઍરલાઇન જૉઇન કરી એ પણ એ જ આશાએ : એ બહાને જિનીવાનો ફેરો મળે, ઍલનના શહેરમાં શ્વસવાનો મોકો મળે એ સૌભાગ્ય પણ કંઈ કમ કહેવાય! બાકી મારે મેળ સાધી તેમના સુખી સંસારમાં ચંચુપાત નથી કરવો. અરે, ઍલનને હું યાદ પણ હોઈશ ખરી? ન હોઉં તો પણ શું?

વીત્યાં આ વર્ષો ઍલન માટે પ્રગતિનાં, જાહોજલાલીનાં રહ્યાં છે. અનલાઇક અધર સ્પોર્ટ્‍સ લેજન્ડ્સ તે સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ નથી, ઇન્સ્ટા પર તેનું ઑફિશ્યલ પેજ તેનો નવો મૅનેજર ડેવિડ હૅન્ડલ કરે છે એમાં તેની પ્રોફેશનલ લાઇફ સિવાય કશું જ પબ્લિશ નથી થતું. ઍલન પોતે સતત ટેનિસમાં રત રહેતો જોવા મળે છે. 

બટ યસ, મારિયા સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ છે. ઍલનને સમય ન હોય તો એકલી ફરવા ઊપડી જાય ને પછી ઍલનના ફોટો પર કિસિંગના ઇમોજી સાથે ટૅગ મૂકે : મિસ યુ માય લવ! બર્થ-ડે, ઍનિવર્સરીના અવસરે મારિયા મોટા હીરાવાળી એન્ગેજમેન્ટ રિંગ દેખાડી લખતી પણ હોય છે : ડાયમન્ડ્સ આર ફૉરેવર... ઍન્ડ સો ઇઝ માય લવ!

અને એ તો સારું જને. ઍલન ખુશ હોય પછી મને બીજું શું જોઈએ, પછી ભલે એ ખુશીનું મૂળ મારિયા હોય! 

આજે પણ ઍલનની રમત જોઈ ખુશ થાઉં છું ને મારિયાની પોસ્ટ જોઈ ઍલનનું સુખ અકબંધ રહે એ માટે પ્રાર્થના કરતી હોઉં છું.

અને ઊર્જાએ બારીનું શટર ઢાળી દીધું.

lll

‘ઊર્જા, ગેસ વૉટ!’

લંડન ઊતરતાં મહિમાનો કૉલ આવ્યો.

ગયા વર્ષે મહિમા માબાપે બતાવેલો મુરતિયો પસંદ કરી પરણી ગઈ છે. તેનો હસબન્ડ ક્રાઇમ બ્રાન્ચમાં છે. પોલીસ પતિ શુભાંગ જોડે તેનું લગ્નજીવન સુખી છે.

‘ઊર્જા, તારો પેલો ફેવરિટ ટેનિસ પ્લેયર ખરોને - ઍલન, તે આવતા મહિને ઇન્ડિયાની ટૂર પર આવી રહ્યો છે!’

હેં!

lll

ત્યારે ઝ્યુરિકમાં...

‘આ જો,’ પુરુષે સ્ત્રીને મોબાઇલમાં ન્યુઝ વંચાવ્યા :  ભારતના ઇન્દોર શહેરમાં ગંદા પાણીથી પંદર જણનાં મૃત્યુ!

સાંભળીને સ્ત્રીએ જરા મોં મચકોડ્યું : તું મને તારી પત્ની બનાવવાનો હતો એ પ્લાનની વાત કરને!

‘એના અનુસંધાનમાં જ કહી રહ્યો છું. અમે આવતા મહિને ઇન્ડિયા જઈએ છીએ એ તો યાદ છેને!’ તેના હોઠ વંકાયા, ‘થર્ડ કન્ટ્રીમાં આવું બનતું રહે છે. મારી વાઇફને પણ ફૂડ-પૉઇઝનિંગ થઈ જાય તો...’

પેલી અધ્યાહારમાં સમજી ગઈ : પછી તું રાજા ને હું તારી રાણી!

ભારતયાત્રામાં શું થવાનું હતું એની બેમાંથી કોઈને ક્યાં ખબર હતી?

 

(વધુ આવતી કાલે)

columnists exclusive Rashmin Shah