કથા-સપ્તાહ : રિશ્તે-નાતે (સંબંધોની દુનિયા 5)

22 February, 2019 01:35 PM IST  | 

કથા-સપ્તાહ : રિશ્તે-નાતે (સંબંધોની દુનિયા 5)

રિશ્તે-નાતે

અતીતને શુભરાત્રિ કહીને તાનિયા રોમા સાથે ઉપરના માસ્ટર બેડરૂમમાં પ્રવેશી ત્યારે તેની રિસ્ટવૉચ રાતના દોઢનો સુમાર દેખાડતી હતી. પોતાની અટેચીમાંથી તેણે ગાઉન કાઢીને ચેન્જ કર્યું ત્યાં સુધીમાં રોમાએ બેડ તૈયાર કરી દીધેલો.

‘થાકી હોય તો સૂઈ જ જા તાનિયા, ગપસપ સવારે કરી લઈશું.’

‘થૅન્ક્સ રોમા...’ તાનિયા સાચે જ થાકી હતી. પડી એવી આંખો ઘેરાવા લાગી.

ઊંઘમાં સરી જાત, ત્યાં હળવી ઘરરાટીએ તેની તંદ્રા તોડી. રોમા વૉશરૂમમાં છે, બટ મે બી તેનો ફોન...

તાનિયાએ નજર દોડાવી. બાજુના ડ્રેસિંગ ટેબલ પર વાઇબ્રેટ થતો સેલફોન નિહાળીને અચરજ થયું. અડધી રાતે કોણ ફોન કરતું હશે! ના, નંબર સેવ નથી. થોડી વાર પહેલાં કોઈએ અતીતના ફોન પર મારા નામે મજાક કરી એમ હવે રોમાને તો હેરાન કરવા નથી માગતુંને!

આમ તો બીજાનો ફોન લેવો મૅનરલેસ ગણાય, પણ પોતાનું નામ વટાવી ખાના૨ માટેની ખાંખણી પ્રેરતી હોય એમ તાનિયાએ કૉલ રિસીવ કર્યો‍ - હલો.

‘ફોન લેવામાં પણ કેટલી વાર ડાર્લિંગ!’ સામેથી અધીરાઈભર્યા પુરુષના સ્વરમાં સંભળાયું, ‘ક્યારનો તારા કૉલની રાહ જોઉં છું... શું થયું? અતીત જીપ લઈને નીકળી ગયોને?’

અતીત. જીપ. તાનિયાના દિમાગમાં કડાકો બોલ્યો. પહેલા વાક્ય પછી રૉન્ગ નંબર જણાયેલો નંબર ખરેખર તો જ્વાળામુખી જેવો વિસ્ફોટક નીવડવાનો એવું કેમ લાગે છે મને?

‘તું બોલતી કેમ નથી રોમા?’ પુરુષના અવાજમાં કાળજી ભળી, ‘બહુ વિચાર ન કરવો. અતીતના જવામાં આપણું સુખ છે. ક્યારનો નીકYયો હશે તો હવે તો

જીપની ફેઇલ થયેલી બ્રેકે અક્સ્માત સર્જી‍ દીધો હશે...’

તાનિયા ખળભળી ઊઠી. પોતે જે સાંભળી રહી છે એનો ગર્ભિત અર્થ કાળજું કંપાવતો હતો.

એ જ ક્ષણે ત્રણ ઘટના સાથે બની. જીન્સમાં ઊંઘવાની ફાવટ આવી નહીં હોય એટલે નાઇટસૂટ લેવા અતીત રૂમના દરવાજે ડોકાયો ને તેને ઉંબરે ભાળીને અણધારી પરિસ્થિતિને ટૅકલ કરવા

ટેવાયેલી તાનિયાએ મોબાઇલનું સ્પીકર ચાલુ કરી દીધું.

‘ઈશ્વરનું કરવું હશે તો અતીતની લાશ જ આપણને મળશે. મેં તો નીકળવાની તૈયારી પણ કરી લીધી છે.’

આ તો અનુરાગ જીજુનો અવાજ! અતીત હતપ્રભ બન્યો. ત્રીજી બાજુ અટૅચ્ડ બાથરૂમનું નૉબ ઘુમાવતી રોમા થંભી ગઈ, પૂતળા જેવી થઈ - ખલાસ!

‘રોમા, તું સાંભળે છેને! ડોન્ટ બી નવર્સસ ડાર્લિંગ! જીપની બ્રેક તેં ફેઇલ કર્યાનું કોઈને નહીં ગંધાય. જરૂર પડ્યે અતીતના ખૂનનો ઇલજામ હું લઈ લઈશ, પણ તને આંચ નહીં આવવા દઉં!’

નીરવ વાતાવરણમાં સ્પીકરમાં ફૂટતો અવાજ ઘરના ગુંબજમાં ઘૂમરાઈને અસ્તિત્વ પર તૂટી પડતો હોય એમ અતીત ધબ દઈ બેસી પડ્યો, અંદર રોમા દીવાલસરસી થઈ - ઇટ્સ ઑલ ઓવર નાઓ!

‘આઇ નો, આવું બધું ફોન પર કહેવાનું ન હોય... તું અત્યારે નિરાંતે સૂઈ જા, સવારે અતીતના મરશિયા ગાવા આપણે સ્વસ્થ રહેવું પડશે. એનો શોક ઊતરે પછી તને અમદાવાદમાં સેટ કરી દઈશ. પછી આપણા મિલનમાં કોઈ રુકાવટ નહીં રહે. આનાં શમણાંમાં ખોવાઈ જા તો

જલદી ઊંઘીશ!’

‘જી...’ તાનિયા આટલું જ બોલી. ફોન કટ કર્યો.

રૂમમાં ધારદાર ખામોશી છવાઈ રહી. અતીત માટે પત્નીનો દરેક સંદર્ભ હવે સ્પષ્ટ હતો. તાનિયા મુસીબતમાં હોવાનું કહીને પોતાને બ્રેક વિનાની જીપમાં રવાના કરી મોતને ઘાટ ઉતારવાનું કાવતરું મારી પત્ની-સાઢુભાઈએ ઘડ્યું, કેમ કે તેમની વચ્ચે આ...ડો સંબંધ છે! હે રામ. અણીના સમયે તાનિયા ન આવી હોત તો? મૃત્યુ

પોતાની કેટલું લગોલગ હતું એ વિચારે થથરી જવાયું.

રોમામાં દરવાજો ખોલીને અતીતનો સામનો કરવાની હિંમત નહોતી. વૉશરૂમ તરફ અછડતી નજર ફેંકીને તાનિયા અતીત તરફ વળી, ‘આઇ ઍમ સૉરી અતીત...’ તાનિયાની દિલગીરીમાં દર્દ સમજવાની ભાવના હતી. ‘તમારી જિંદગીનો કદાચ સૌથી વસમો ભેદ ખોલવામાં હું અજાણતાં જ નિમિત્ત બની. તમે કદાચ અવાજ પરથી પુરુષને ઓળખ્યો પણ હશે, પરંતુ આ પળ પ્રતિક્રિયાની નથી.’ તાનિયા ધીરજથી સમજાવી રહી, ‘તમને લાગેલો આઘાત નફરત પ્રેરતો હશે, આવેશ ગૂંથતો હશે. એને આ રાત પૂરતું સાચવી લો. બને તો કાલે રેણુદીદીને તેડાવીને તેમની હાજરીમાં રોમા પાસે ખુલાસા માગો.’

તાનિયાની કોઠાસૂઝ સ્પર્શતી હોય એમ ડોક ધુણાવીને અતીત ઊભો થયો. તેનો હાથ પકડીને તાનિયા તેને સીડી તરફ દોરવા લાગી. ગેસ્ટરૂમ પહોંચતાં સુધીમાં તાનિયાએ વિડિયોની વાત છેડીને વિષયાંતર પણ કર્યું.

અમારા લગ્નજીવનનું પોલાણ પકડાયું હોવા છતાં તાનિયા એની નિંદા, કૂથલી યા પંચાત કરવામાં નથી માનતી. રોમાને ફોન કરનાર પુરુષ કોણ છે એનીયે જિજ્ઞાસા દાખવતી નથી. આ સંજોગોમાં પણ બીજાના અંગતને માન આપવાની તેની સૂઝ પ્રભાવિત કરતી હોય એમ ઉંબરે ઊભો અતીત પૂછવાની ઢબે કહી બેઠો, ‘તેં દીદીને તેડાવવાનું કહ્યું તાનિયા... પણ જાણે છે, આ પુરુષ...’ અતીતના દાંત કચકચ્યા, ‘અનુરાગ જીજુ હતા!’

તાનિયાએ ઊંડો શ્વાસ લીધો.

‘અમદાવાદ સેટલ થવાની વાત આવી એટલે મને લાગ્યું તો એવું જ.’ તાનિયા સહેજ અથરા અવાજે બોલી ગઈ, ‘એ હિસાબે રેણુદીદી પર તો વજ્રાઘાત થવાનો. તેમણે તો તેમના છોકરાનુંય વિચારવાનું. માટે જ કહું છું અતીત, પ્રતિક્રિયા આપવાની ઉતાવળ ન કરશો. અનુરાગ-રોમાની છેતરપિંડી ચલાવી ન લેવાય એમ નાનકડા અયનનું ભાવિ પણ જોખમાય નહીં એવો કોઈ રસ્તો વિચારજો.’ તાનિયાએ નજરો મેળવી, ‘તમે એ કરી શકશો. તમારી નિર્ણયશક્તિમાં મને

શ્રદ્ધા છે.’

અતીતની પાંપણે બૂંદ જામી. પછી વજ્રના થઈ જવું પડ્યું તેણે, ‘તું સાચું કહે છે તાનિયા. આજની રાત્રે ઘણા અનર્થ રોકવા જ મહાદેવે તને અહીં મોકલી. હું સ્વસ્થ છું, તું રૂમ પર જા. નાહક રોમા ચેતી જાય એવું અત્યારે ક્યાં કરવું?’

તાનિયા નીકળે એ પહેલાં જોકે દરવાજે કાન માંડનારી રોમા ઉપલા માળે સરકી ગઈ!

€ € €

અતીત-તાનિયા તો પછી મન મક્કમ કરીને પોઢી ગયાં, પણ રોમાની આંખોમાં નીંદર નથી. મારો ભેદ પકડાયાનું હું જાણું છું એવું મેં જતાવ્યું નથી, પણ હવે શું?

ખુલ્લી આંખે છતને તાકતી તે ક્યાંય સુધી વિચારી રહી. પરોઢની વેળા નિર્ણય દૃઢ બન્યો. અવાજ ન થાય એમ પૅડ-પેન લઈ રૂમમાંથી નીકળીને તે ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ.

€ € €

અતીત,

તમને પ્રિય કહેવાનો હક ગુમાવી બેઠી છું એવું નહીં લખું, કેમ કે તમે મારા પ્રિય હતા જ ક્યારે? આપણાં લગ્નથી મારું તન તમારું બન્યું, મન તો પહેલેથી હું અનુરાગ જીજુને અર્પી ચૂકેલી! અને તન પણ, અફકોર્સ!

આજે આમ લખતાં મને શરમ-સંકોચ નથી નડતાં. આને નફટાઈ તરીકે પણ ન જોશો. હું જાણું છું કે તમે અમારો આડો સંબંધ જાણી ચૂક્યા છો, પછી પડદો કેવો? અમારો નાતો બંધાવાનાં પોતીકાં કારણો હતા. દીદીની પ્રેગ્નન્સી દરમ્યાન એકમેકના મોહવશ ખેંચાયા, પછી પ્રીત જાગી. સગી બહેનના ધણીને ચાહવામાં મને પાપ ન લાગ્યું, કેમ કે દીદીનો સંસાર મારે ક્યારેય ભાંગવો નહોતો. સમાજને એનો વહેમ ન આવે કેવળ એટલા ખાતર પરણવું પડ્યું. લગ્ન પછી પણ પરપુરુષને પૂજવામાં મને પાપ ન વર્તાયું. પ્રણય તો આવો જ હોયને? દરેક આડા સંબંધમાં કેવળ વાસના નથી હોતી અને દરેક સીધા સંબંધમાં કેવળ પ્યાર નથી હોતો. રિયલી, કિતને અજીબ રિશ્તે હૈં યહાં પે.

ખેર, તમને પરણીનેય હું જીજુને ચાહતી તો રહી; એમ તમારો મારા માટેનો પ્રેમ, મારા પરનો વિશ્વાસ મારા હૈયાને કનડવા લાગ્યા. જીજુને ચાહવાની નહીં, તમને છેતરવાની ગિલ્ટ હાવી થતી ગઈ. જીજુ દીદી-મારી વચ્ચે સંતુલન બનાવી શકેલા, આખરે અમે બે બહેનો. તમારા-જીજુ વચ્ચે મારાથી સંતુલન સધાવાયું નહીં એની ગૂંગળામણ મારા માટે અસહ્ય બનતી ગઈ. ડિવૉર્સ પણ કયા બહાને માગવા? તમે દરેક કારણને ડિલીટ કરી દો એવા. તમારો મારા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ ક્યારેક મને ભેદ ખોલવા મજબૂર કરી દેશે એવી શક્યતા પ્રબળ બનતી લાગી ત્યારે તમારી એક્ઝિટ સિવાયનો કોઈ વિકલ્પ રહ્યો નહીં! જીપની બ્રેક ફેઇલ કરી તાનિયાના નામે તમને મધરાતે રવાના કરવાનો પ્લાન તમે જાણી ચૂક્યા છો.

એના સાકાર થવાની ક્ષણો અગાઉ ખુદ તાનિયા જ ઘરે આવી ચડી એ જોગાનુજોગે જ મને કુદરતની ઇચ્છા સમજાઈ જવી જોઈતી’તી. જેનો આધાર લઈને હું તમને મોતના મુખમાં ધકેલવા માગતી હતી તે જ ખરા વખતે આંગણે આવતાં તમે મૂંઝાણા, ગૂંચવાણા. તમારા સવાલોમાંથી છટકવા મેં તાનિયાને સાથે રાખી તો અનુરાગનો ફોન તેણે રિસીવ કરવાનું બન્યું ને અમારો ભેદ ખૂલી ગયો!

શા માટે આવું થવું જોઈએ? બ્રેક વગરની જીપથી તમે વીસ ડગલાં દૂર હતાં, જીપમાં સવાર થવામાં માત્ર મિનિટ જેટલી વાર હતી. એટલું અંતર, એટલો સમય પણ ઈfવરે ન વળોટવા દીધું એમાં એનો ફેંસલો સ્પક્ટ છે - એ તમને જિવાડવા માગે છે!

તો પછી મારે મરવું રહ્યું. તાનિયાએ તમને ગમે એટલું સમજાવ્યું; તમે એને અનુસરો પણ ખરા, આડા સંબંધને ગુપ્ત રાખીને મારાથી છૂટા થઈ જાઓ; પરંતુ દીદીને કોઈ કારણ ગળે નહીં ઊતરે; રાધર તે ફરી મને પરણાવવાની જીદ કરે તો હું કેટલા અતીતને છેતરતી રહીશ, તેની હત્યાની યોજનાઓ ઘડતી રહીશ? નહીં, આજે મને સમજાયું છે કે જીજુ માટેનો મારો પ્યાર ગમે એટલો સાચો હોય, અમારા સંબંધનું કોઈ ભવિષ્ય નથી. વી હૅવ કમ ટુ ડેડ એન્ડ. એનું સત્ય ઉજાગર થતાં દીદીના માથે પહાડ તૂટે એવું તો થવા કેમ દેવાય?

આનો એક જ માર્ગ મને સૂઝે છે. તમારા માટે તૈયાર કરેલી જીપ હું લઈને નીકળું છું. તમને આપવા ઇચ્છેલું મોત મને મળે એટલી સજા તમને પૂરતી લાગે અતીત તો એક વચન માગતી જાઉં છું - મારો-જીજુનો સંબંધ દીદી સમક્ષ ક્યારેય ન ખૂલે એટલું જોજો. દીદી-અયન માટેની મારી છબિમાં તિરાડ ન પડે એટલું તો તમે કરશો જ એવી શ્રદ્ધા છે.

અનુરાગને આ ચિઠ્ઠી વંચાવીને મારા છેલ્લા જુહા૨ કહેજો.

અને હા, તમને ઉગારવામાં કુદરતે તાનિયાને જ કેમ મોકલી એનો જવાબ ત૨ાશશો તો એનો બીજો ઇશારો પણ સમજાઈ જશે.

જાઉં છું અતીત, સ્વેચ્છાએ. જીજુ તમે પણ એનો શોક ન રાખશો. આ ભવની આટલી જ લેણદેણ. સૌને છેવટના રામ રામ.

લિ. રોમા હૉલના ટેબલ પર કાગળ મૂકીને રોમાએ જીપની ચાવી લીધી. દરવાજો ખોલી, ઉંબરો ઓળંગ્યો ને પાછળ જોવાની લાલસા રાખ્યા વિના જીપમાં ગોઠવાઈ.

ઝાંપો હડસેલીને જીપ પૂરવેગે ભાગી. એના મશીનની ઘરઘરાટીએ જાગી ગયેલાં અતીત-તાનિયા પોતપોતાની રૂમની બારીમાંથી ધૂળના ગોટા ઉડાડતી જીપને ઓઝલ થતી જોઈને દોડ્યા, પણ હજી તો તાનિયાની કાર સુધી પહોંચે એ પહેલાં જોરદાર ધડાકો સંભળાયો ને બીજા જ ધડાકે ખીણમાં ખાબકેલી જીપનું એન્જિન ફાટતાં રોમા પણ ફાટી પડી ને કાળો ધુમાડો ખીણમાંથી ઊભરાવા લાગ્યો.

€ € €

રોમાનાં ક્રિયાપાણી આજે પત્યાં તોય નાની બહેનની યાદમાં વહેતાં રેણુનાં અશ્રુ થમ્યાં નથી.

‘મારી રોમાને જંગલની સવારીનો શોખ નહોતો. સવાર-સવારમાં તે

જીપ લઈને ઊપડી જાય એ મારા ગળે નથી ઊતરતું.’

નૅચરલી, રોમાનો આપઘાત અકસ્માતમાં જ ખપાવાયો હતો જે રેણુદીદીને માનવો મુશ્કેલ લાગ્યો હતો, પણ ‘અકસ્માત’ની પોલીસતપાસમાં કશુંય શંકાસ્પદ ન નીકળતાં છેવટે તો અંતને સ્વીકારવો જ પડ્યો. વહેલી સવારમાં રોમાએ જંગલમાં જવાની ઉતાવળ કરી કે પછી આ જ તેની નિયતિ હશે!

બ્રેક ફેઇલ થયેલી જીપ લઈને રોમા નીકળે જ કેમ? અનુરાગ મૂંઝાયો હતો.

‘અત્યારે જનારીની ઇચ્છાનું માન જાળવીએ.’ તાનિયાએ મોઘમ કહેલું એના અનુસંધાનમાં આજે ક્રિયાપાણી પત્યા પછી જીજુને રૂમમાં દોરીને અતીતે રોમાનો આખરી પત્ર થમાવ્યો.

રોમાની અંતિમ ચિઠ્ઠી વાંચીને અનુરાગ ધ્રુસકાભેર રડી પડ્યો. અતીત-તાનિયા પણ પહેલી વાર પત્ર વાંચીને સ્તબ્ધ બનેલાં.

‘તેના ગયા પછી તેની ચિઠ્ઠી પર ધ્યાન ગયું... તેનું મૃત્યુ ઇચ્છ્યું નહોતું એમ તેની અંતિમ ઇચ્છાને માન આપીને તમારા સંબંધનું રહસ્ય મારી ભીતર દફનાવી દીધું છે. દીદીને તમારે જાળવવાના.’

અનુરાગે ડોક ધુણાવી, ‘તારું જીવન બરબાદ કરવામાં હું પણ નિમિત્ત બન્યો છું અતીત, થઈ શકે તો મને પણ ક્ષમા કરજે. બાકી રોમાની અંતિમ ઇચ્છાને હું

છેલ્લા શ્વાસ સુધી નિભાવીશ તેનો તું સાક્ષી રહેજે.’

છેવટે ભારે હૈયે તેમણે વિદાય લીધી.

રહી કેવળ તાનિયા. વીત્યા દિવસોમાં તેના જ આધારે પોતે ટકી શક્યો છે. રોમાએ સૂચવેલો કુદરતનો એ ઇશારો બરાબર સમજાય છે. વિડિયોના બહાને જીવનમાં પ્રવેશેલી તાનિયા ખરેખર તો મારા જીવનને સંભાળવા જ મને મળી. મૈત્રીના રિશ્તામાં સ્નેહનો નાજુક નાતો એકરૂપ થતો અમે બેઉએ અનુભવ્યો છે. મારાં માવતરને તે ગમી ગઈ છે એમ તેના પેરન્ટ્સની પણ એમાં મરજી હોય તો જ તેનો આવરોજાવરો સંભવ બન્યો હોય.

‘તાનિયા, મારી લાઇફનું એક પ્રકરણ પૂરું થયું...’ અતીતે હાથ લંબાવ્યો, ‘નવી સફરમાં તું મારી સહયાત્રી બનીશ?’

તાનિયાને ઇનકાર ક્યાં હતો? તેણે અતીતના હાથમાં હથેળી થમાવી ને એમાં મંગળધ્વનિ પુરાવતી કોયલ દૂર ક્યાંક ટહુકી ઊઠી. તેમનું સુખ હવે શાfવત રહેવાનું એટલું ચોક્કસ!

(સમાપ્ત)

Sameet Purvesh Shroff columnists