કથા-સપ્તાહ : રંગ દે ચુનરિયા (હોલી કે દિન... - 4)

22 March, 2019 11:40 AM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : રંગ દે ચુનરિયા (હોલી કે દિન... - 4)

રંગ દે ચુનરિયા

હોલી કે દિન...

અહર્નિશે કલ્યાણીદેવીનો નંબર જોડ્યો. સામા છેડે રિંગ ગઈ. કૉલ રિસીવ થયો, ‘બોલ તારિકા.’

‘મૅમ, હું તારિકાનો હસબન્ડ અહર્નિશ,’ તેણે અદબથી શરૂઆત કરી. તારિકા તમારી તારીફ જ કરતી હોવાનો મલાવો કરી લઈ હળવેથી પૂછી લીધું, ‘મૅમ, ચાર-પાંચ દિવસ અગાઉ તમારી સ્કૂલમાંથી દાદરના જૉગર્સ પાર્કમાં બાળકોની ટ્રિપ મોકલાવી હતી આપે, તારિકા સાથે?’

‘નો,’ પ્રિન્સિપાલ મૅડમ હસ્યાં પણ, ‘તારિકાને તો અસાઇમેન્ટ આપવાનું શક્ય જ ક્યા છે? તેને ટર્મિનેટ કર્યાને તો એક ટર્મ થવાની.’

હેં!

***

હોલિકાનું દહન થયું. મહિલા વર્ગ હોળી ફરતે પૂજા માટે ગોઠવાયો. આજુબાજુથી પણ લોકો પૂજા માટે આવ્યા હતા, ભારે ભીડ હતી.

‘મા, પહેલાં તમે પૂજા પતાવી લો, પછી હું બેસું છું.’ તારિકાએ દમયંતીબહેનને જગ્યા ખોળી આપી. તેમને બેસાડી પાછી વળતાં નવાઈ લાગી.

અરે ઋત્વી ક્યાં? હજુ હમણાં તો અમે અહીં પાર્કિંગ આગળ ઊભાં હતાં!

તેણે નજર દોડાવી. જમણે સિનિયર સિટિઝન ગ્રુપમાં પપ્પાજી ઊભા છે, તેમની પાસેય નથી.. રૂમ પર ગઈ હશે? કે પછી બહાર? ઉપર જતાં પહેલાં બહાર ડોકિયું કરવા ગઈ તો ચોંકી જવાયું. ગેટથી થોડે દૂર ઋત્વી અજિત સાથે ગુફતેગૂ કરતી દેખાઈ. હે ભગવાન. આ છોકરીના માથેથી હજુ ઇશ્કનું ભૂત ઊતર્યું નથી?

તેને ખેંચી તાણવા ધસી જતી તારિકા નિકટ ગઈ એમ તેમનો વાર્તાલાપ કાને પડતો ગયો.

‘તેં મને બ્લૅકલિસ્ટ કર્યો? મારો મોબાઇલ ડેટા ડિલીટ કરી નાખ્યો?’

‘હા. કેમ કે હું જાણી ગઈ કે તું પરણેલો છે, કાનપુરમાં તારી બીવી ને બચ્ચાં પણ છે.’ ઋત્વી હાંફી ગઈ. ખૂલેલી સચ્ચાઈએ અજિત થોડો બઘવાયો. આ બધું કેમ બન્યું એ સમજાયું નહીં. ગઈ કાલે મોબાઇલ બ્લૅન્ક થયો ને આજે ઋત્વીએ કૉલ ન લીધો એટલે કશુંક અણધાર્યું બનવાની સ્ફુરણા તો થઈ હતી, પણ પોતાનો ભાંડો ખૂલી ચૂક્યો હશે એવી ધારણા નહોતી. સારું થયું પોતે ઋત્વીને ટટોલવા રૂબરૂ આવ્યો. તેને હજુ ભોળવી શકાય એમ છે...

‘મૉડર્નએજ ગર્લ થઈ તું ભૂલી ઋત્વી કે મોબાઇલ ડેટાનો બૅકઅપ પણ લઈ શકાતો હોય છે... હવે તારી સાથે પ્રેમનું નાટક નહીં કરું. કાલની ધુળેટી તારા યૌવનના રંગથી રંગીન બનાવવાનો ખરો. આવી રહેજે દુકાન પર, શટર પાડી મોજ કરીશું. નહીંતર તારા ફોટા...’ એ ખંધુ હસ્યો.

‘હાઉ ડૅર યુ’ ઋત્વી તો ધમકીથી ડઘાઈ, પણ સાવ નજીક આવી ગયેલી તારિકાએ સીધો જ લાફો ઠોક્યો, ‘તું શાનો બ્લૅકમેલિંગની ધમકી આપે છે. ધમકી તો મારે આપવી છે. ખબરદાર જો મારી નણંદના માનભંગનું વિચાર્યું કે તેની આસપાસ આજ પછી મંડરાયો તો-’

તો? ગાલ પંપાળતો અજિત હેબતાયાની જેમ ઋત્વીની ભાભીને તાકી રહ્યો.

‘તો કાનપુર જઈ હું તારી કરણીનો હવાલો તારાં બૈરી-છોકરાને આપી દઈશ.’

હેં!

‘ઋત્વી, તારા ફોનમાં કૉપી કરેલું રેકૉર્ડિંગ સંભળાવતો.’

ઉધમ સાથેની વાતચીતનો પુરાવો સાંભળી અજિતના ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ. મુંબઈમાં ગમે એટલા શિકાર ફસાવે, ગામમાં પત્ની-બાળકો તો મને દેવતા જેવો માને છે, તેમને ખાતર હું શહેરમાં તન તોડું છું એવું માનનારા મારી કાળી બાજુ જાણે તો તો મારો સંસાર ભાંગે! ગામમાં ઇજ્જત જાય એવું કેમ થવા દેવાય? ઋત્વીની તસવીરનું કોઈ બૅકઅપ નહોતું, પણ એ બહાને ગેરલાભ લેવાની ચેષ્ટા ઋત્વીની ભાભીએ ફોક કરી. બોલેલું પાળી બતાવવાનો તારિકાનો રણકો જ કહે છે કે આ જોગમાયાને છંછેડવામાં મજા નથી! ઋત્વીને છોડવાથી મારું સીક્રેટ અકબંધ રહેતું હોય તો એ જ વિકલ્પ સ્વીકારાયને!

નીચી મૂંડીએ અજિત નીકળી ગયો, ને ઋત્વી તારિકાને વળગી પડી. હવે હું ખરા અર્થમાં મુક્ત થઈ ભાભી!

***

આટલું ભયંકર જૂઠ!

અહર્નિશ ખળભળી ઊઠ્યો. તારિકાની નોકરી કાયમી હતી જ નહીં, અરે, જે હતી એય લગ્ન પહેલાંની છૂટી ગયેલી! આવું છળ? એમાં તેનાં માબાપ પણ સામેલ! પોતાનું જૂઠ છુપાવવા તે સ્કૂલના ટાઇમે ઘરબહાર રહી અહીં-ત્યાં ફરતી રહી... ફરંદીની જેમ!

અહર્નિશને ચોક્કસપણે ખોટું લાગ્યું. સહજીવનના પાયામાં જ જૂઠનું શ્રીફળ વધેરતાં તારિનો જીવ કેમ ચાલ્યો? નોકરી બાબત જૂઠોનો ગુણાકાર કરનારીએ જાણે બીજાં કેટલાં સત્યો છુપાવ્યાં હશે? નહીં તારિ, હવે કદાચ જિંદગીભર હું તારો વિશ્વાસ નહીં કરી શકું.

જિંદગીભર. થાક્યો હોય એમ અહર્નિશ હૉલની ખુરશી પર બેસી પડ્યો.

જૉગર્સ પાર્કમાંની હાજરીનો ખુલાસો કરવામાં તારિકાએ આવતી કાલે ધુળેટીની ઉજવણીની મુદત કેમ રાખી એ હવે સમજાય છે... શી નૉઝ કે સત્ય કહ્યા પછી તેનું આ ઘરમાં કોઈ સ્થાન નહીં હોય. કમસે કમ જૂઠની મુરત સાથે હું તો સંસાર નહીં નિભાવી શકું એની તારિને તો જાણ હોય જ.

- છતાં તેણે જૂઠનો પર્દાફાર્શ થવાના સંજોગો સર્જા‍વા દીધા?

અહર્નિશ ટટ્ટાર થયો. યસ, તારિમાં એટલી સમજ તો હોય જ કે જૉગર્સ પાર્કની ઘટનાની ગવાહી તેની ખુદની ત્યાંની હાજરી અને અલ્ટિમેટલી નોકરીનો ભેદ ખુલ્લાં કરી દેશે...

તેણે ધાર્યું હોત તો તે અજાણ રહી શકત. નણંદનું થવાનું હોય એ થાય, હું મારું સુખ શું કામ દાવમાં મૂકું? ઋત્વીને તેણે બરબાદ થવા દીધી હોત તોય તેના જાણીને ચૂપ રહ્યાના દોષની કોઈને જાણ ન થાત...

પરંતુ તારિ ચૂપ નથી રહેતી. પોતાનું સુખ જોખમમાં મૂકીનેય તે ઋત્વીને, આ ઘરની આબરૂને સાચવે છે, અજિતના મોબાઇલડેટા ક્લીન કરવાની કુનેહ દાખવે છે... આ એક ગુણ તેનાં હજાર જૂઠ પર ભારે ન ગણાય? નોકરી ન હોવા છતાં તે દર મહિને પગારની રકમ પપ્પાને હોંશે-હોંશે દેતી રહી. આમાં શ્વશુરજી જ તેને મદદ કરતા હોય, પણ પૈસાની ઝંઝટથી બચવા તે અલગ ચોકો રચી શકત, પણ તારિના એવા સંસ્કાર જ નથી... અહર્નિશની સમજબારી ખૂલી ગઈ - નોકરીનું જૂઠ તે બોલી પણ હોય તો કેવળ મને ન ગુમાવવા ખાતર, ડોળ ચાલુ રાખ્યો કેવળ મારો પ્રેમ ન ખોવા કાજ. તારિ મને એટલું ચાહે છે કે પોતાના સુખ પહેલાં મારી બહેનના સુખનું વિચારે છે!

હૈયું ઊમડઘૂમડ થયું. એ જ વખતે ડોરબેલ રણકી. પૂજા પતાવી સૌ પાછા ફર્યાં હતાં.

***

‘ભાભી ઇઝ ગ્રેટ. અજિતની પત્નીને જાણ કરી દેવાની ધમકી આપવાનું તેમને જ સૂઝે.’

પપ્પા-મમ્મી સૂવા માટે કિચનમાં ગયાં એટલે ક્યારની તક શોધતી ઋત્વીએ ભાઈને બાજુમાં બેસાડી હેવાલ આપ્યો.

અહર્નિશ તારિકાને નિહાળી રહ્યો. કશુંક નવું જ હતું એ નજરમાં. તારિકા સંકોચાઈ, લજાઈ. અહર્નિશને પોતાના તારણની દ્વિધા ન ૨હી.

***

પડદાની આડશમાંથી આવતા અજવાશે તારિકાને બેઠી કરી દીધી. ઓહ, રાતે અહર્નિશની આજની પ્રણયચેષ્ટા અલગ જ લેવલની હતી, મોડાં સૂતાં એમાં તહેવારને દહાડે જ ઊઠતાં સાડા આઠ વાગી ગયા? જોયું તો બાજુમાં અહર્નિશ નહોતો. લો, એય ખરા છે, જાગ્યા છે તો મને કેમ જગાડતા નથી!

ફટાફટ તૈયાર થવાની લહાયમાં તેણે અટૅચ્ડ બાથરૂમનો દરવાજો ખોલ્યો એવી જ છતમાં લટકાવેલી ડોલ ઊંધી વળી ને તારિકા રંગીન પાણીથી તરબોળ! પળવાર તો સમજાયું નહીં, આ શું થયું!

‘હૅપી હૉલી’ હાસ્ય સાથે રૂમના દરવાજેથી અહર્નિશનો સાદ ગુંજ્યો, ‘મૅડમ, જલદીથી તૈયાર થઈ તમારો ફેવરિટ વ્હાઇટ ડ્રેસ પહેરી લો... બંદા રંગ સાથે તૈયાર છે!’

પતિનો થનગનાટ તારિકાને ખીલવી ગયો. ધીસ ઇઝ ઍઝ સેમ ઍઝ માય ડ્રીમ હૉલી!

અને ખરેખર એ વ્હાઇટ ડ્રેસ પર ચુનરી નાખતી બહાર નીકળી કે અહર્નિશે પિચકારીથી એમાં રંગોની ભાત સર્જી‍ દીધી. કોરા રંગથી તેના અંગો રંગ્યાં. તારિકા પણ પાછી ન રહી. ઘણો મોડો ખ્યાલ આવ્યો - અહર્નિશ, આપણે તો ઘરમાં જ રમવા માંડ્યાં, મમ્મી વગેરે શું માનશે-

‘ઘરે કોઈ હોય તોને,’ અહર્નિશ લુચ્ચું મલક્યો, ‘ઋત્વીને પટાવી મેં પપ્પા-મમ્મીને તેની સાથે તારે ત્યાં મોકલી આપ્યાં છે...’

પિયુની તત્પરતા મહોરાવી ગઈ છતાં નારાજગીની છાંટ તો પ્રગટી જ, ‘પણ મારે તો એમના ભેગાય રમવું’તું.’

‘રમશુંને - જમવા માટે જઈશું ત્યારે રમી લેજેને. અત્યારે તું કેવળ મારી, હું તારો.’

‘સાવ ઘેલા છો,’ તારિકા મેંશના ટપકા જેવું બબડી, ‘પત્નીને રંગવા માટે એકાંતની જરૂર હોય?’

‘રંગવા માટે થોડું એકાંત જોઈએ.’ અહર્નિશે તેને જકડી, ‘આ ગોરા બદન પરથી રંગ ઉતારવા માટે તો એકાંત જોઈશેને.’

‘હાય હાય તમે તો સાવ નફ્ફટ!’

‘એ તો એકમેકના અંગ પરથી રંગ ઉતારીશું ત્યારે ખબર પડશે, કોણ કેટલું નફ્ફટ છે!’ અહર્નિશે ઠાવકાઈથી કહ્યું ને લજાતી તારિકા પર લાલ રંગ છાંટી વધુ રતાશવર્ણી કરી દીધી!

***

‘હું ધન્ય થઈ, અહર્નિશ.’

છેવટે બે વાગ્યે પતિ-પત્ની સ્વચ્છ થઈ તારિના પિયર જવા નીકળ્યાં. તારિકા ગંભીર છે. ઘરે પહોંચતાં પહેલાં અહર્નિશને સત્ય કહી દેવું હતું, પણ તેને જાણે કંઈ સાંભળવું જ હોય એમ જુદી જ ચર્ચા છેડતો રહે છે! મારે તો સારું. અહર્નિશનું એટલું વધુ સાંનિધ્ય સાંપડશે!

………

પિયરમાં વળી થોડુંઘણું રમ્યાં. જમવાનું પત્યા પછી ઋત્વી-તારિકા રસોડું આટોપવામાં વ્યસ્ત બન્યાં, બેઉ વેવાણ આડે પડખે થયાં ત્યારે શ્વશુરજીને ‘હું હમણાં આવ્યો’ કહી અહર્નિશ બહાર નીકળ્યો. એક અગત્યનું કામ હજુ બાકી હતું!

***

બગાસું ખાળતાં અજિતે દરવાજો ખોલ્યો. ગઈ કાલે સરખું ઊંઘાયું નહોતું. ઋત્વીની ભાભીએ બૈરીછોકરાંને જાણ કરવાનો એવો ડારો આપ્યો કે આજે સવારથી પીધા કરી સમસમી ગયેલા દિલદિમાગને લાઇન પર લાવવા મથું છું... એવામાં આ કયો રંગારો આવ્યો?

હોળીના રંગોથી કાબરચીતરા થઈ ગયેલા જુવાનને ઓળખ આપવામાં રસ પણ નહોતો. અજિતને એ વિશે કંઈ સમજાય એ પહેલાં હાથમાં પકડેલો રંગ તેણે અજિતના ચહેરા પર ઘસ્યો, ‘બૂરા ન માનો હોલી હૈ!’

કહી તે તરત ઊડનછૂ પણ થઈ ગયો. તેણે હાથમાં ગ્લવ્ઝ પહેર્યાં હોવાનો અંદેશો અજિતને નહોતો આવ્યો, જોકે રંગનારના ગયાની બીજી મિનિટે તે કાળી ચીસો પાડી ઊઠ્યો - આ રંગ તો બળે છે!

બળશે એવું રંગનારો તો જાણતો હતો, કેમ કે એ ઍસિડિક રંગો હતા!

***

‘વૉટ!’ તારિકા ડઘાઈ. અહર્નિશ આ શું કરીને આવ્યા! અજિત પર ઍસિડિક રંગનો પ્રયોગ...

‘મારી બહેનને ભોળવનારને કંઈક સજા તો મારે દેવી હતી. ચહેરો બળ્યા પછી તે બીજી કન્યાઓને ફોસલાવી નહીં શકે.’

જેનામાં ભારોભાર ભાઈપણું હોય એ જ પુરુષ આવું વિચારી શકે. આની પાછળ ઋત્વીનો હાથ હોવાની અજિતને જાણ થવાની નથી, એ હિસાબે અમારા માટે આ પ્રકરણ અહીં જ પૂરું થયું!

***

‘એક જાહેરાત મારે કરવાની રહે છે.’ છેવટે સાંજની ચા પીતાં અહર્નિશે ઠાવકાઈથી વાત મૂકી, ‘મેં નક્કી કર્યું છે ઋત્વીનાં લગ્ન સુધી તારિકા જૉબ નહીં કરે.’

હેં! તારિકા-ધીરજભાઈ-વિદ્યાબહેન આંચકો ખાઈ ગયાં. ઋત્વીએ માન્યું ભાઈ મારી કેટલી કાળજી લે છે. (જૉગર્સ પાર્કમાં ભાભીની હાજરી બાબત એ તો એટલું જ જાણતી કે સ્કૂલના કામે એ બાજુ આવેલાં ભાભી મને જોઈ જૉગર્સ પાર્કમાં પાછળ પાછળ આવ્યાં.)

સુધીરભાઈ-દમયંતીબહેન તો સંતાનોની ખુશી, ફેંસલામાં ખુશ રહેનારાં.

અહર્નિશે અજિતનો ચહેરો જલાવ્યાનું ઋત્વી નથી જાણતી, પણ હું જાણું છું એટલે સમજું છું કે ઋત્વીને અજિત તરફથી હવે કોઈ ડર નથી, મારે તેના પડછાયાની જેમ રહેવાની જરૂર નથી કે અહર્નિશે જૉબ છોડવાનું કહેવું પડે!

‘હા રે હા, ઘર પહેલું,’ વિદ્યાબહેનથી ન રહેવાયું, કૂદી પડ્યાં, ‘તારિકા, અબી હાલ તારા પ્રિન્સિપાલને વાત કરી લે.’ તેમને બીજા કાર્યકારણ સાથે સ્વાભાવિકપણે નિસબત નહોતી.

‘જી’ તારિએ અમસ્તો હોંકારો પૂર્યો‍. તેની નજર અહર્નિશને માપી રહી હતી. તે આંખોના ખૂણે મલકતા હોય એવું મને કેમ લાગ્યું?

‘તમે જાણો છોને અહર્નિશ કે નોકરી બાબત હું શું જૂઠ બોલી હતી?’

છેવટે ઘરે આવી રૂમમાં એકલાં પડતાં જ તારિકાએ પૂછી લીધું. તેના હાથપગ ઠંડા થતા હતા.

‘જાણું છું,’ અહર્નિશે ઘટનાક્રમ કબૂલતાં તારિકા તેને વળગી પડી, ‘આઇ ઍમ સૉરી, અહર્નિશ મારે તમને ખોવા નહોતા... આઇ ઍમ સૉરી!’

‘ચીલ, તારિ, અહર્નિશે એનું કપાળ ચૂમ્યું. ‘તારું હૈયું મને ન પરખાય? પગલી, તારા જૂઠે તો ઘરની આબરૂ બચાવી. ઋત્વી માટે તેં તારો સંસાર દાવમાં મૂકી દીધો. તને સાચવીને જૂઠમાંથી કાઢવાનો મારો તો ધર્મ હતો. ’

તારિકાએ હિમાલય તરતો અનુભવ્યો. આજે નદીમાં ઘોડાપૂર ઊમડ્યું ને સાગર પરિતૃપ્ત થઈ રહ્યો.

આ પણ વાંચો : કથા-સપ્તાહ : રંગ દે ચુનરિયા (હોલી કે દિન... - 3)

કથાના ઉપસંહારમાં એટલું જ કે બળેલા ચહેરા સાથે અજિત ગામભેગો થઈ ગયો, પત્નીએ મોં ન ફેરવતાં ડાહ્યોડમરો થઈ ગયો છે. ઋત્વી સારા ઠેકાણે પરણી સુખી છે. અહર્નિશ-તારિકાનાં માબાપ મીઠું બબડી લે છે- બબ્બે છોકરાંવ થયા, પણ ધરાર જો વર-બૈરીનું ઘેલાપણું ઘટતું હોય!

પ્રણયના રંગથી રંગાયેલી ચુનરિયામાં લપેટાયેલી જોડીનું સુખ શાશ્વત રહ્યું એ ઉમેરવાની જરૂર ખરી! (સમાપ્ત)

Sameet Purvesh Shroff columnists