23 March, 2026 01:27 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
શ્રી ગજાનન જય ગજાનન...
લતા મંગેશકરના સ્વરમાં ગુંજતી ગણેશ ધૂનથી વાતાવરણ મંગલમય બની ગયું.
‘અમારા અખિલેશ્વર આશ્રમમાં સવાર આમ જ ઊગે.’
કોઈનો સાદ પડઘાતાં નિરાલી ઊલટી ફરી : ઓહ, અનસૂયામા!
પ્રણામ કરી તેણે સ્મિત વેર્યું,
‘જાણું છું દાદીમૈયા, અજાતશત્રુએ મને કહ્યું છે.’
અજાતશત્રુના ઉલ્લેખે અનસૂયામાએ મલકીને નિરાલીના માથે હાથ ફેરવ્યો, ‘હું બહુ ખુશ છું બેટા કે મારા અજાતની જીવનસંગિની તું થવાની.’
નિરાલી રતુંબડી થઈ.
ક્યાં હું મુંબઈની ગોરી ને ક્યાં એ અવધનો જુવાન! કોણે ધાર્યું હોય કે આવી પણ જોડી જામે?
મા સેવામાં નીકળી ગયાં એટલે આંગણાના હીંચકે ગોઠવાઈ નિરાલી સાંભરી રહી:
વકીલ પિતા અને સોશ્યલ ઍક્ટિવિસ્ટ માતાની એકની એક દીકરી તરીકે નિરાલી લાડકોડમાં ઊછરી એમ તેના સંસ્કારઢાંચામાં બુદ્ધિમત્તા અને આત્મવિશ્વાસનો અર્ક આપોઆપ ભળતો ગયેલો. રૂપાળી તો તે હતી જ. સમાજમાં માતા-પિતાનો પ્રભાવ હતો, પણ એથી નિરાલીને તેમણે નિયમો-રૂઢિમાં બાંધી નહોતી. દીકરીને તેનું ગમતું આકાશ આપવાની ક્ષમતા હતી દિવાકરભાઈ-નિર્મળાબહેનમાં.
નિરાલી કૉલેજમાં આવી ત્યારે કલકત્તાનો મેડિકલ કૉલેજનો રેપકેસ બહુ ગાજ્યો. એમાંથી મહિલામંડળનાં પ્રમુખ તરીકે નિર્મળાબહેને નવીન પહેલ કરી. મુંબઈનાં મહિલા કમિશનર સાથે તેમને ઓળખાણ હતી. છોકરીઓને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી તાલીમ મળે એ નવતર આઇડિયાને સ્મિતા મૅડમે વધાવી લીધો. નિર્મળાબહેન મંડી પડ્યાં. કૉલેજોને ભેગી કરી, ભવન્સના ગ્રાઉન્ડનું વેન્યુ પાકું કર્યું ને પોલીસના કાબેલ ઑફિસરો દ્વારા ઉનાળુ વેકેશનમાં છોકરીઓને સ્વરક્ષામાં નિપુણ કરવાના અભિયાનનો આરંભ થયો.
ટ્રેઇનિંગમાં ઉત્સાહભેર આવેલી છોકરીઓને જોકે પ્રવેશદ્વારે જ વરવો અનુભવ થયો. ગેટની સામી બાજુ એક ટપોરી બાઇક આગળ સિગારેટ ફૂંકતો ઊભો હતો ને છોકરીઓ આવતી કે અશ્લીલ ઇશારા કરતો, બુચકારા બોલાવતો, ડબલ મીનિંગની ગંદી કમેન્ટ ફેંકતો.
સખીઓ સાથે ટૅક્સીમાંથી ઊતરતી નિરાલીથી સહ્યું ન ગયું.
‘એ ય... ભાગ અહીંથી...’ કહી સૅન્ડલ કાઢી તેના તરફ ફંગોળ્યું.
તેના રણચંડી અવતારે તે
ભડક્યો હોય એમ બાઇક પર ઉતાવળે છૂ થઈ ગયો.
‘ધૅટ વૉઝ ધ ફર્સ્ટ લેસન...’
પંદર મિનિટ પછી એ જ જુવાન પોલીસની વર્દીમાં આવી ઊભો ત્યારે ગર્લ્સને ખ્યાલ આવ્યો કે તે અમારી કસોટી કરવા ટપોરી બની ઊભો હતો!
‘હું અજાતશત્રુ, તમારો ટ્રેઇનર.’ તેણે શરૂઆત માંડી, ‘બુરાઈનો વિરોધ પહેલાં તમારી અંદર ઊઠવો જોઈએ. તમારામાંથી એક જ છોકરીએ એ હિંમત દાખવી. ધૅટ રેડ મિડી ગર્લ ઇન સેકન્ડ લાસ્ટ લાઇન!’
નિરાલી છુઈમુઈ થઈ.
અજાતશત્રુએ નિરાલીને કૅપ્ટનની પદવી આપી. પછી તો ટ્રેઇનિંગ પુરજોશમાં ચાલી.
ના, અજાતશત્રુ મુંબઈ પોલીસમાં નહોતો. કૅપ્ટન તરીકે નિરાલીએ તેની સાથે રહેવાનું વધુ બનતું એટલે જાણી શકી કે અજાતશત્રુ કેન્દ્રની સ્પેશ્યલ બ્રાન્ચમાં હજી નવો-નવો સિલેક્ટ થયો છે જેમાં પહેલું વર્ષ તેણે દેશભરમાં અલગ-અલગ જગ્યાએ જુદા-જુદા ડિપાર્ટમેન્ટની ટ્રેઇનિંગ લેવાની હોય છે. મહિલા કમિશનરે ભલે આદેશ આપ્યો, મહિના માટે એક ઑફિસરને રોજ અડધો દિવસ ફ્રી પાડવા મુંબઈ પોલીસ માટે શક્ય નહીં હોય એટલે તેમણે આવા ટ્રેઇની પર નજર દોડાવી એમાં ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રેઇનિંગ લેવા આવેલા અજાતશત્રુએ સામેથી કામ માગી લીધું...
‘કેમ, છોકરીઓનો બૅચ હતો એટલે?’ નિરાલીએ મશ્કરીની ઢબે કહ્યું.
ટ્રેઇનિંગમાં પંદર-વીસ મિનિટનો ચા-નાસ્તાનો વિરામ રહેતો, એમાં ઘણી વાર નિરાલી અજાતશત્રુને કંપની આપવાના ઇરાદે સાથે રહેતી ને આવી કોઈ મશ્કરીથી અજાતશત્રુના કાનની બૂટ લાલ થતી જોવાની તેને મોજ પડતી.
ટ્રેઇનર તરીકે અજાતશત્રુ બેમિસાલ હતો, પણ એ સિવાય છોકરીઓ સાથે બહુ બોલવાનું નહીં.
ચોવીસ-પચીસ વર્ષનો જુવાન વર્દીમાં બેહદ સોહામણો લાગતો. તેની કસાયેલી કાયા વિશે છોકરીઓ શું-શું ગુસપુસ કરે છે એ નિરાલીથી અજાણ્યું નહોતું પણ અજાતશત્રુ તો પોતાના આ આકર્ષણની ભનક ન હોય એવો ભોળોરામ હતો.
નિરાલીની મશ્કરીએ તે ભડકી જતો : ના, ના, છોકરાઓનો બૅચ હોત તો પણ હું તૈયાર થયો હોત. ટ્રેઇનિંગના બહાને મારી પ્રૅક્ટિસ થઈ જાય છે એ મારો ફાયદો છે. આમેય ક્રાઇમ બ્રાન્ચમાં બપોર પછી કામ શરૂ થતું હોય છે. મુંબઈમાં બીજું કરવાનું શું?
મુંબઈ માટે કોઈ આવું બોલી જાય એ કેમ સાંભળી લેવાય?
એટલે નિરાલી રવિવારની રજામાં અજાતશત્રુને સંન્યાસ આશ્રમના મંદિરથી એલિફન્ટાની ગુફાઓ ફેરવી લાવી. મંદિરમાં સાષ્ટાંગ પ્રણામ કરતો અજાતશત્રુ આસ્થાળુ લાગતો. દરિયાની સહેલગાહમાં તે નિરાલીના ફરફરતા કેશને તાકી રહે ને નિરાલીને પરખાય તો શરમાઈને નજર વાળી લે!
નિરાલીને હૈયે એવું તો ધડક-ધડક થઈ જાય.
રાત્રે ડિનર નિરાલીના ઘરે હતું. માતા-પિતા અજાતશત્રુને મળી રાજી થયાં.
‘અભી આપ લોગ અયોધ્યા આઇએ... દાદીમૈયા આપસે મિલકે બહોત ખુશ હોગી.’
અજાતશત્રુ અયોધ્યા નજીકના ભરતગઢ ગામનો વતની હોવાનું નિરાલી જાણતી. અજાતશત્રુ ગામને, અખિલેશ્વર આશ્રમને, આશ્રમના સર્વેસર્વા એવાં અનસૂયામૈયાને ઘણીવાર સંભારતો, ઉલ્લેખતો : અમારું ગામ અયોધ્યાથી વીસેક કિલોમીટર અંતરિયાળ આવેલું છે જેનો પટ્ટો નૅશનલ હાઇવેને મળે છે. અહીં દાદીમૈયાનો આશ્રમ છે. આશ્રમ તો નામ પૂરતો, ખરેખર તો બસો એકરની જગ્યામાં ખેતી અને એને લગતા ગૃહઉદ્યોગોથી દાદીમૈયાએ ગામની સ્ત્રીઓને સ્વાશ્રયી બનાવી છે. ખેતરોની વચ્ચે બેઠા ઘાટનું નાનકડું મકાન છે એ દાદીમૈયાનું રહેણાક. ગામમાં સૌ તેમને અનસૂયામા કહે, પણ મારી એ દાદીમૈયા...
અને મા-બાપ?
આવું પુછાયું તો નહીં પણ પછી એક વાર અજાતશત્રુએ જ સામેથી કહેલું : ‘હું અનાથ છું, નિરાલી. મને મારા મૂળ-કુળની નથી ખબર પણ મને એની પજવણી નથી. દાદીમૈયાએ મને હેતવર્ષામાં એવો તરબોળ રાખ્યો કે મેં જાતને અનાથ ગણી જ નથી.’
દિવાકરભાઈ-નિર્મળાબહેનને આ પૃષ્ઠભૂમિની જાણ હતી એટલે તેનું અંગત કુરેદવાથી દૂર જ રહ્યાં. ખરેખર તો અજાત બહુ આત્મીય લાગ્યો. તેના નિમંત્રણે નિર્મળાબહેન બોલી ઊઠ્યાં, ‘અયોધ્યા!’
નિર્મળાબહેનના રણકામાં મહિયરનો લગાવ ઊપસી આવ્યો, ‘મારા ફાધર ક્લાસ વન ઑફિસર હતા અજાત, એટલે અમે ઘણાં સ્ટેટ્સમાં રહી આવ્યાં. મારા કૉલેજકાળમાં તેમનો મુકામ ત્યારના અલાહાબાદમાં હતો એટલે એ તરફ ઘણું ફરી છું પણ ત્યારે જોકે અયોધ્યામાં રામ નહોતા.’ અદૃશ્યમાં તાકતાં તે બોલી ગયાં, ‘અને જે કોઈ સખીઓ હતી તે કાળના પ્રવાહમાં વછૂટતી ગઈ.’
નિરાલીથી માનો વસવસો છૂપો નહોતો. મા ઘણી વાર કહેતી : પપ્પાની જૉબને કારણે અમને વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, લોકબોલી જાણવા-સમજવાનો અવસર મળ્યો એ સાચું, પણ સંબંધો દીર્ઘજીવી ન રહ્યા. શું પાડોશ કે શું બહેનપણીઓ, બીજા સ્ટેટમાં જઈએ એના થોડા દિવસ કે મહિના સંપર્ક રહે, પણ પછી નવા પાડોશ કે બહેનપણીઓની માયા વળગે એમાં જૂનું વિસરાતું જાય.
‘જોકે અયોધ્યામાં રામમંદિર થયા પછી આવવું તો છે જ. પણ ખરું પૂછો તો બીક લાગે છે.’ પત્નીને નિહાળી લઈ દિવાકરભાઈએ ઉમેર્યું, ‘યુ નો, આ OTTની સિરીઝ જોઈને તો લાગે કે યુપી-બિહારમાં માફિયારાજ ચાલે છે. વૉટ ઇઝ ધૅટ વર્ડ? યા, બાહુબલીઓનું રાજ...’
દિવાકરભાઈની કમેન્ટે અજાતશત્રુ હસેલો: બેશક પરિસ્થિતિમાં ફરક છે, પણ આજે પણ બાહુબલી કલ્ચર સાવ નામશેષ થયું એવું પણ નથી. જોકે આમ જુઓ તો અભ્યાસ અને પછી નોકરીને કારણે છેલ્લાં આઠ-દસ વર્ષથી હું ગામ બહાર જ વધુ રહ્યો છું અને મારા રહેતાં કોઈ ગામ ભણી હવે નજર તો નાખે!’
આમ કહેતો અજાતશત્રુ કેવો પાણીદાર લાગ્યો!
‘તમે બાહુબલીની સામે પડશો?’
છેવટે અજાતને મલબારહિલના ઘરથી તેના વરલીના રેન્ટેડ હાઉસ સુધી ડ્રૉપ કરવા કાર લઈ નીકળેલી નિરાલીએ પૂછ્યું એમાં ફડકો વર્તાયો હોય એમ તે હસ્યો : કેમ, એવું નહીં કરું તો મારાં સંતાનોને મારા પર ગર્વ કઈ રીતે થશે?
નિરાલીથી હસી જવાયું : પહેલાં સંતાનો માટે મમ્મી તો લાવો.
અને નિરાલીને નિહાળતો તે અણધાર્યું બોલી ગયો : તમે હા પાડો તો માનો મમ્મીનો બંદોબસ્ત થઈ ગયો!
લુચ્ચા!
નિરાલી એવી તો રાતી-રાતી થઈ ગયેલી: કેવી સિફતથી લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો!
તેને ઇનકાર હોય જ નહીં, તોય પોતે તરત હકાર નહોતો ભણ્યો:
પહેલાં મારં ગ્રૅજ્યુએશન તો
પતવા દો...
પછીના આ વરસદહાડામાં પ્રીતનો રંગ પાકો થતો ગયો. તેના અનાથપણાની સૂગ રાખે એવાં સંકુચિત મમ્મી-પપ્પા નહોતાં, બલકે અજાત માટે એ લોકો પહેલેથી રાજી હતાં.
‘એટલી જ રાજી મારી દાદીમૈયા છે.’ અજાત કહેતો. અનસૂયા દાદી સાથે ફોન પર વાતો થતી. અજાતશત્રુ પાસેથી સાંભળેલું એવાં જ દાદીમૈયા લાગ્યાં : વાત્સલ્યમૂર્તિ!
‘તમે સૌ રામનવમી પર આવો.’ તેમણે માને કહેલું, ‘મારો અજાત રામનવમીએ જન્મેલો એ જાણો છોને! અજાતનું પોસ્ટિંગ દિલ્હી છે પણ તેના જન્મદિને આમેય જાહેર રજા હોય છે એટલે એય આવી પહોંચશે. નિરાલી બિટિયા ભલે થોડી વહેલી આવતી.’
દાદીમૈયાના આગ્રહે પોતે બે દિવસ અગાઉ અહીં આવી હેતમાં તરબોળ જ થઈ ગઈ. રામનવમી આવતા અઠવાડિયે છે. મમ્મી-પપ્પા એના ચાર દિવસ અગાઉ આવશે, જ્યારે અજાતશત્રુ તો આગલી અડધી રાતે આશ્રમ પહોંચશે.
જોકે મને અહીં ગોઠી ગયું છે. આસપાસની મહિલાઓ માટે દાદીમૈયાએ કેવા પરિશ્રમથી સ્વાશ્રયની સવલત ઊભી કરી છે.
‘આ મારા અજાતની થનારી વહુ!’ અનસૂયામા મારી ઓળખાણ આપતાં સ્ત્રીઓ ભોળું હસી લે : તમારો લાડલો તો આખેઆખો ચાંદ લઈ આવ્યો, માડી!
જુવાન બાઈઓ મીઠી મશ્કરી પણ કરે અને ચંદન જેવી ચેતવે પણ ખરી : અહીં એક્લા ક્યાંય જશો નહીં બેન, સાંજ પછી તો નીકળશો જ નહીં. ભૂખ્યા વાઘ માટે શિકાર શોધવા તેના શિકારી કૂતરા ફરતા જ હોય છે!
તેની ચેતવણી બહુ સમજાઈ નહોતી, પણ આમેય મારે ક્યાં બહાર નીકળવું છે?
રાતે જમી પરવારી દાદીમૈયા સાથે બેઠી હોઉં એમાં પહેલા જ દિવસે તેમણે પૂછેલું : અજાતશત્રુનાં માબાપ વિશે તારે કાંઈ પૂછવું હોય...
‘તમે અજાતનાં દાદીમૈયા છો એમાં બધું આવી ગયું...’
ત્યારે તે નિરાલીને તાકી રહ્યાં. તેની પારદર્શિતામાં બનાવટ નથી એની ખાતરી થઈ હોય એમ ઝળહળી ઊઠેલાં : અજાતે તારામાં શું જોયું એ મને હવે સમજાય છે!
દાદી સાથે હેતની ગાંઠ બંધાઈ છે. આશ્રમનો પરિસર પોતીકો લાગે છે.
‘અજાત આવે ત્યારે જોજે. આ ખેતરનો મોલ લહેરાઈ ઊઠશે, પંખીઓ કલરવ કરી મૂકશે. જાણે અવધમાં તેનો રામ આવતાં મહોરી ઊઠે એમ!’
અત્યારે સેવામાંથી પરવારી ઘરમંદિરમાંથી નીકળતાં દાદીમૈયાના સાદે નિરાલીએ વિચારમેળો બંધ
કરી દીધો.
‘અજાત મારા આ આશ્રમનો રામ છે બિટિયા, મારા માટે તો તે મારા અખિલની મમતાનું અનુસંધાન છે.’
દાદીમૈયાનો દીકરો અખિલ યુવાનીમાં પાછો થયો એટલું જાણું છું. તેના નામ પરથી તો દાદીએ આશ્રમનું નામ રાખ્યું છે.
‘બાકી અયોધ્યામાં રામલલા એમ જ નથી બિરાજ્યા. રામની અવધમાં રામ મંદિર માટે કંઈક લોકોએ તપજપ કર્યાં છે, વિરલાઓએ શહીદી વહોરી છે. આપણા આ આશ્રમમાં કારસેવકો માટે ભંડારો ચાલતો.’ કહી દાદીમૈયા ખેતરને તાકતાં ધ્યાનસ્થ બન્યાં, ‘અહીં એક સાંજ રક્તરંજિત બની અને...’
ઝબકીને તેમણે હાથ લંબાવ્યો: આ લે.
નિરાલીના હવે ધ્યાનમાં આવ્યુ કે મંદિરમાંથી દાદીમૈયા ફુલસ્કેપ નોટ લઈને આવ્યા છે.
‘આ શું દાદીમૈયા? શું છે આમાં?’
‘તારી સાસુ. અજાતની જન્મદાત્રી!’
અનસૂયામાના જવાબે હેબતાઈ જવાયું.
‘અજાતે તો માબાપ વિશે જાણવામાં કદી રસ બતાવ્યો નહીં, મારાથી તેને કહેવાયું પણ નહીં.’ અનસૂયામાએ નોટ નિરાલીના હાથમાં મૂકી, ‘પણ તું જાણી રાખ.’
કહી મા આગળ નીકળી ગયાં. સ્તબ્ધ નિરાલીએ નોટબુકનું પહેલું પાનું ઉઘાડ્યું.
મરોડદાર અક્ષરે લખાયું હતું : હું વસુધા...
(ક્રમશઃ)