24 August, 2026 05:19 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
શ્રી ગજાનન જય ગજાનન...
લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગળમય થઈ ગયું. ‘મા, ભાભીના આવ્યા બાદ ઘરની રોનક કેવી બદલાઈ ગઈ છે!’ ઘરમંદિરમાં આરતીનો દીવો પ્રગટાવતી વૈદેહીને નિહાળીને રિયા ભાવથી બોલી એટલે રસોઈઘરમાં રોટલીનો લોટ બાંધતાં ઉષાબહેનના હોઠ જરાતરા વંકાયા. દાઢમાં બોલી જવાયું, ‘હાસ્તો! તારા ભાઈને પરણાવ્યા પહેલાં ઘરનું તંત્ર ખાડે ગયું હતું... મારામાં તારી ભાભી જેવી હોશિયારી ઓછી હતી!’
રિયા સહેજ ઓઝપાઈ. પોતે માની નબળી નસ દબાવી બેઠી હોવાનો અંદાજ આવ્યો એટલે દીકરી જ માને કરી શકે એવા છણકાભેર સંભળાવ્યું, ‘આમાં તારે વાંકું બોલવાની શી જરૂર છે! દોઢ વર્ષથી ભાભી પરણીને આવી છે અને આખા ઘરનો ભાર ઉપાડી લીધો છે એ તને દેખાતું નથી? અને દેખાતું હોય તોય ભાભી માટે બે સારા શબ્દો બોલતાં મેં તને સાંભળી નથી.’
‘વાહ, જે હોય એ બધા માને જ સંભળાવો.’ દબાતા સ્વરે ઉષાબહેને સામો છણકો જતાવ્યો, ‘અરે, ઘરમાં આપણે ઇન મીન તીન જણ છીએ. ચોથી તે પોતે. હું પરણીને આવી ત્યારે વસ્તારી કુટુંબ હતું, પિતરાઈઓ સહિયારા રહેતા. ઘરની મોટી વહુ હું. તારાં દાદી તો હજી નરમ બિચારાં, પણ જમાદાર જેવી ચાર-ચાર કાકીસાસુઓને મેં સહી છે. ભલું થજો લગ્નના ત્રીજા વર્ષે ભાગલા પડ્યા એમાં ભાગડા ગામની આ હવેલી આપણા હિસ્સે આવી અને બીજા પોતપોતાનો ભાગ લઈને નજીકના વલસાડ-વાપી રહેવા જતા રહ્યા ત્યારે માથેથી ઘાત ગઈ હોય એવું લાગ્યું હતું.’
પછી દીકરી તરફ ચપટી વગાડી, ‘બોલ, તારી લાડલી ભાભીમાં આવું સહન કરવાની શક્તિ છે?’
રિયાના હોઠે દલીલ આવી ગઈ કે સાસુએ વેઠ્યું એ વહુએ વેઠવું જ જોઈએ એવી માનસિકતા જ ઘણી વાર ઘરકંકાસનું કારણ બનતી હોય છે.
પણ એમ તો મામાં સમજ નથી એવું ઓછું! નવીનપપ્પાનો દેહાંત થયો ત્યારે મોટા ભાઈ ૧૨ વર્ષના હતા અને હું તો માંડ પાંચ વર્ષની. માએ જ મક્કમ રહીને અમને ઉછેર્યાં, ઘડ્યાં. પિતાની યાદમાં આંસુ વહાવીને તે રડતી રહી હોત તો કદાચ અદ્વયભાઈનું બાળપણ છીનવાઈ ગયું હોત, પરિવારને સંભાળવા તેમણે કુમળી વયે મોટા બની જવું પડ્યું હોત. માએ એવું થવા ન દીધું. અરે, પિતાને સંભારીને અમે નબળાં ન પડીએ એ માટે તે પતિનાં સંભારણાં વાગોળવાથી દૂર રહી છે એ કેમ ભુલાય! બાકી તો અદ્વયભાઈ ભણી-ગણીને વલસાડમાં હાયર સેકન્ડરીના શિક્ષકની સરકારી નોકરીમાં લાગ્યા ત્યારથી મા તેમનાં લગ્ન માટે થનગનતી હતી. નવસારીનાં વૈદેહીભાભીને પહેલી વાર જોઈ-મળીને આવ્યાં ત્યારે ભાઈથી વધુ મા ઉત્સાહી હતી : સંસ્કાર છૂપા ન રહે, વૈદેહી ઘર ઉજાળશે. રૂપાળી પણ એવી કે ગામની બીજી વહુવારુઓ તેની આગળ પાણી ભરે. હાસ્તો, મારો અદ્વય પણ કલૈયા કુંવરથી કંઈ કમ છે, બેઉની જોડી રામ-સીતા જેવી જામે છે.
ત્યારે હું તો હજી ટ્વેલ્થમાં હતી, ભારે રમતિયાળ. એટલે પછી શું બન્યું એ ખબર નથી, પણ વેવિશાળ વખતે મામાં આવો ઉત્સાહ નહોતો રહ્યો એ તો ચોક્કસ. અરે, લગ્નની પત્રિકા છપાવવા આપવાની હતી ત્યારે ભાઈને બહુ ગંભીરભાવે પૂછ્યું હતું : ‘તને વૈદેહીની ચાલચલગતમાં વિશ્વાસ તો છેને? આજકાલની છોકરીઓ બહુ હોશિયાર થઈ ગઈ છે, પોતાનું પેટ આપતી નથી. એમાં છોકરાવાળાએ બિચારાઓએ પસ્તાવાનું જ રહેતું હોય છે!’
અદ્વયભાઈએ માનો પહોંચો પસવાર્યો, ‘તું સહેજે ચિંતા ન કરીશ મા. વૈદેહીમાં નામ જેવા જ ગુણ છે...’
‘તો-તો સારું... અગ્નિપરીક્ષામાં પણ તે ઊણી નહીં ઊતરે.’
બોલો, આવું કોણ કહે. અધરવાઇઝ તો મા કેવી સાલસ, મમતામયી છે. મોહલ્લાના, ન્યાતના કૌટુંબિક વિખવાદમાં તેની મધ્યસ્થી લેવાતી હોય છે. અને એવું પણ નથી કે મા લલિતા પવાર બનીને ભાભી પર જુલમ વરસાવતી હોય કે ભાઈની કાનભંભેરણી કરીને વર-બૈરીને લડાવતી હોય. બલ્કે ભાભી ના કહે તો પણ ઘરનાં કેટલાંય કામો તે હોંશે-હોંશે આજે પણ કરતી હોય છે, પણ મંદિરના ઓટલે કે ગામના ચોતરે કોઈ કહે કે ‘ઉષાબહેન, તમારી વહુ તો લાખોમાં એક છે’, ત્યારે સામો પોરસ કરવાને બદલે મા વણસાંભળ્યું કરે કે પછી હસીને ‘મારો અદ્વય તો કરોડોમાં એક છે એનું શું!’ એવું કહી જાય એ ખટકે.
મા સામાના ગુણ પારખી ન શકે એટલી અબુધ નથી અને સ્વીકારી ન શકે એટલી સંકુચિત પણ નથી. જાણે ભાભી બાબતે તેને શાનો ખટકો હશે? કે પછી વહુ માટેનું સાસુનું એ સ્વભાવગત લક્ષણ જ રહેતું હશે?
‘ક્યાં ખોવાણાં નણંદબા?’
વૈદેહીના સાદે રિયા ઝબકી. વિચારમેળો સમેટતાં જોયું તો મા રોટલીના લોટને થાળીથી ઢાંકી રહી હતી અને પૂજામાંથી પરવારીને ભાભી પ્રસાદ ધરી રહી છે.
વૈદેહી સહેજ ઝંખવાઈ. ભાભીનું રાજ કહીને મા પોતે તેમને હાંસિયામાં ધકેલી દીધાં હોય એવું જતાવવા માગે છે? જાણે કેમ માનું મન મારા પ્રત્યે આળું જ રહ્યું છે...
‘મારી વૈદેહી ભારે ગુણવંતી!’ પિયરમાં મા કેટલા પોરસથી
કહેતી – હજીયે કહેતી હોય છે.
વૈદેહી સંભારી રહી:
દિવાકરભાઈ-સ્નેહાબહેનની એકની એક દીકરી તરીકે વૈદેહી ભારે લાડકોડમાં ઊછરી. એથી તેનું સંસ્કારપોત ન બગડે એ માટે પણ માવતર ખબરદાર રહ્યાં. પરિણામે વૈદેહીમાં આપોઆપ રૂપ-ગુણનો સમન્વય સધાતો ગયેલો. વૈદેહી ભણવામાં હોશિયાર હતી, પણ પોતાની કરીઅર બાબત ખાસ મહત્ત્વાકાંક્ષી નહોતી.
‘મને તો ગૃહિણી બનીને ઘર સંભાળવાનું ઑફિસ ચલાવવા કરતાં વધુ ચૅલેન્જિંગ અને વધુ રિવૉર્ડિંગ લાગે છે.’
વૈદેહીની નિખાલસતા અદ્વયને ગમી ગયેલી. તે પોતે ઓલ્ડ ફૅશન્ડ હતો એવું નહીં, પણ જીવનસાથીને તેનું ગમતું આકાશ આપવાની સૂક્ષ્મ સમજ તેનામાં હતી. લતાનાં ગીતોથી ક્રિકેટના શોખ સુધીની બેઉની પસંદ મેળ ખાતી હતી.
દીકરા-દીકરીને લઈને વહુ જોવા નવસારીના ઘરે આવેલાં ઉષાબહેન સૌથી વધુ ખુશ હતાં. માફકસરનું ઘર અને માણસો ખાનદાન. પરિવારમાં ૩ જ જણ અને છોકરી દૂધમાં સાકરની જેમ ભળી જાય એવી.
આ બાજુ અદ્વય માટે મમ્મી-પપ્પાનેય આવો જ હરખ ઊભરાયો હતો. બીજી વાર તેમનું ઘર જોવા ભાગડા ગામ આવવાનું બન્યું એ કેવળ ફૉર્માલિટીરૂપ હતું. ત્યારે તો ઉષામા ઘરે લક્ષ્મી પધાર્યાં હોય એવા ઉમંગમાં હતાં... પણ પછી...
અને વિચારવમળમાં અટવાયેલી વૈદેહીનો ફોન રણક્યો.
‘અરેનભાઈનો ફોન!’ વૈદેહી ઝળહળી ઊઠી.
ખરેખર તો વૈદેહીથી બે વર્ષ મોટો અરેન દિવાકરભાઈના પરમ મિત્રનો એકનો એક દીકરો હતો. બેઉનું આજુબાજુના મોહલ્લામાં રહેવાનું. વૈદેહીને ભાઈ નહીં અને અરેનને બહેન ન મળે એટલે શરૂથી વૈદેહી અરેનને રાખી બાંધતી. બન્નેને ખૂબ ભળતું. જોકે ૧૪ વર્ષની ઉંમરે અરેને માર્ગ-અકસ્માતમાં માબાપ ગુમાવ્યાં પછી કાકાના આશરે અમદાવાદ રહેવાનું બન્યું, પણ વેકેશનમાં દિવાકરભાઈ તેને નવસારી તેડી લાવતા અને રક્ષાબંધને સ્નેહાબહેન અચૂક વૈદેહીને રાખડી બાંધવા અમદાવાદ લઈ જતાં.
અરેનના રણમલકાકા ખમતીધર હતા. અરેનથી મોટો તેમનો દીકરો સાગર, તેનાથી નાની બે દીકરીઓ સાથે પતિ-પત્ની વિશાળ બંગલામાં એશઆરામથી રહેતાં. જોકે એક તો કાકા પોતે દિલના ટૂંકા અને ભામિનીકાકીના કડપ આગળ તેમનું કંઈ ઊપજે નહી. અનાથ ભત્રીજાને તેમણે લોકલાજે રાખવો પડેલો. બાકી અરેનને મા-બાપનું હેત દેવાની તેમની ક્ષમતા જ નહોતી. અરેન જોકે પૉકેટમનીમાંથી બચત કરીને વૈદેહી માટે તેની પસંદની પસલી લાવે એ ભામિનીકાકીને બહુ ગમતું નહીં. રૂપિયા-પૈસાનો વહેવાર ચીવટાઈથી જોતાં ભામિનીકાકીએ એકાદ વાર સ્નેહાબહેનને મોં પર સંભળાવેલું : પૉકેટમની આપીએ અમે અને એ અમારી દીકરીઓને બદલે તમારી દીકરી પાછળ ઉડાવાય છે.
નાહક અરેને અમારા ગયા પછી સાંભળવાનું થશે એમ વિચારી સ્નેહાબહેન ગમ ખાઈ ગયાં, પણ અરેનની ખુમારી રણઝણી ઊઠેલી : વૈદેહી, આ વર્ષે તને ગિફ્ટ નહીં આપી શકું, પણ આવતા વર્ષથી મારી કમાણીની ભેટ આપીશ.
‘મને ગિફ્ટ નથી જોઈતી વીરા, આ બહેન પર સદા હેત રાખજે એટલું જ માગું છું.’
સ્નેહાબહેને ભીની આંખે
ભાઈ-બહેનનાં ઓવારણાં લીધાં હતાં.
અરેન માત્ર બોલવા ખાતર નહોતો બોલ્યો, સત્તરની ઉંમરે ટ્યુશન્સ આપવાનું શરૂ કરીને તે પગભર થયો અને કાકાનો આશરો છોડીને હૉસ્ટેલમાં રહેવા લાગ્યો. ભામિનીકાકી તેને વારતહેવારે પણ ઘરે તેડાવતા નહીં.
‘સંસારના અનુભવોએ મને સંવેદનાશૂન્ય બનાવી દીધો હોત જો તમારા હેતની વર્ષામાં ભીંજાવાનું ન બન્યું હોત...’
અરેન દિવાકરભાઈ-સ્નેહાબહેનને કહેતો. વૈદેહી માટે એટલો જ પ્રોટેક્ટિવ. અમદાવાદથી અચાનક ટપકી પડે એમાં ખરેખર તો વૈદેહી પર મોટા ભાઈની જેમ ચોંપ રાખવાની કાળજી હોય : વૈદેહીનાં કૉલેજમાં કોની સાથે બહેનપણાં છે, ક્લાસમાં હાજરી આપે છે કે નહીં એ બધા પર તેની નજર રહેતી. પાછી બહેન એટલી લાડલી કે વૈદેહીની કોઈ જીદમાં દિવાકરભાઈ-સ્નેહાબહેન આડાં આવે તો ભાઈ તેના હુકમનું પત્તું બને. અરેનની હા થાય પછી માબાપે કશું બોલવાનું જ ન રહે.
દરમ્યાન ભણી-ગણીને અરેન ગાંધીનગરના સચિવાલયમાં ઊંચા હોદાની નોકરીમાં જોડાયો હતો. ક્લાસ વન ઑફિસર તરીકે તેને સરકારી બંગલો-ગાડી મળ્યાં એની સૌથી વધુ ખુશી વૈદેહીએ અનુભવી હતી : હવે મારા ભઈલા માટે હું રૂડીરૂપાળી ભાભી ગોતીશ.
લગ્નની વાતે શરમાઈ ઊઠતો અરેન બહેનનો કાન આમળતો : એ પહેલાં તને વિદાય કરવાની છે. ભાભીના માથે મારે નણંદ નથી રાખવી.
જવાબમાં વૈદેહી ડિંગો દેખાડતી : હવે તો ભાભી લાવ્યા વિના આ ઘરમાંથી જાય એ બીજા.
પણ ભાભી આણવાનું બને એ પહેલાં મારું સગપણ નક્કી થઈ ગયું... એ અરસામાં અરેનભાઈ ટૂરિઝમ ડેવલપમેન્ટના અભ્યાસ અર્થે ડેલિગેશનને લઈને જપાન ગયા હતા એટલે...
‘ઓહોહો, ભાઈનાં એવાં તે કેવાંક સંભારણાં કે બહેન તેની રિંગે જ ખયાલોમાં ખોવાઈ ગઈ.’
સાસુના ધાર જેવા અવાજે વૈદેહીને ઝબકાવી દીધી. આમ તો ભાઈ સાથે વૉટ્સઍપ ચૅટ થતી જ હોય. બે-ચાર દહાડે તેમનો ફોન પણ આવી જાય. હાસ્તો, બહેનની કાળજી રાખવામાં ભાઈ શાનો ચૂકે!
અને હમણાં તો વળી મારાં
મમ્મી-પપ્પા પણ ભાઈને ત્યાં છે. ખરેખર તો પાછલા મહિનાએકથી મમ્મીને શરીરે અસુખ રહે છે એટલે અરેનભાઈએ જ તેડાવેલાં : અહીં આવી જાઓ. અમદાવાદની મોટી હૉસ્પિટલમાં મારે ઓળખાણ પણ છે, આપણે ફુલ ચેક-અપ કરાવી લઈએ. એના રિપોર્ટ્સ જ આવ્યા હોવા જોઈએ. આઇ હોપ, બધું બરાબર જ હોય.
વૈદેહીએ સહેજ કાંપતા હાથે કૉલ રિસીવ કર્યો : ‘બોલો ભાઈ, રિપોર્ટ આવી ગયા?’
પિયરથી ફોન હોય ત્યારે વહુને વાતચીતની મોકળાશ આપવાની ઉષાબહેનમાં સૂઝ હતી, પણ રિપોર્ટના નામે તે રોકાઈ ગયાં.
‘રિપોર્ટ આવી ગયા વૈદેહી. હિંમત રાખજે, કાકીને કૅન્સર ડિટેક્ટ થયું છે... શીશ. ફર્સ્ટ સ્ટેજમાં ખબર પડી ગઈ એટલે જરાય ચિંતા કરવા જેવું નથી, કીમોથી ચાલી જશે... કાકીને હું પહેલાં જેવાં કરીને જ નવસારી મોકલીશ.’
‘હું પણ આવું છું ભાઈ... માની ટ્રીટમેન્ટમાં હું તેની સાથે જ રહેવાની.’
વૈદેહી માની સંભાળ લેવા જાય એ જરાય ખોટું ન ગણાય, તોય ઉષાબહેનનો જીવ કોચવાયો.
શું કામ...
તેમણે ધૂંધવાટભેર પતિની તસવીર પર નજર ટેકવી : એ તમે તો બરાબર જાણો જ છોને નવીન!
lll
આ...હ.
સંવનનની મંજિલે પહોંચી ચૂક્યાના માદક ચિત્કાર નાખતી યુવતીના ઉન્નત ઉરજો પર હાંફતા જુવાને પડતું નાખ્યું. તેના માથામાં હાથ ફેરવીને યુવતીએ તેની પીઠમાં નખ ખૂંતાડ્યા : યુ આર ઍન ઍનિમલ ડાર્લિંગ!
ડાર્લિંગના દિમાગમાં ત્યારે ટૂરિઝમ ખાતાનો ક્લાસ વન ઑફિસર અરેન મહેતા રમી રહ્યો હતો.
(ક્રમશ:)