13 December, 2024 01:08 PM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
પેલો બૉડીગાર્ડ ઝાડીમાં કુદરતી હાજત માટે બેઠો કે તરત કામિયાને એક નટખટ વિચાર આવ્યો.
તે દબાતા પગલે માંચડાની સીડી ઊતરી ખેતરમાં લાંબા ડગ ભરતી ઍક્ટિવા સુધી પહોંચી ગઈ. પછી અચાનક સ્કૂટર સ્ટાર્ટ કરીને તેણે ભગાવી મૂક્યું!
સ્કૂટરનો અવાજ સાંભળતાં જ પેલો બૉડીગાર્ડ તેનું પૅન્ટ સરખું કરતો દોડ્યો. ‘મૅડમ...! ઓ મૅડમ...!’
કામિયાને મઝા પડી ગઈ. તેણે ઍક્ટિવાનું ઍક્સેલરેટર ઘુમાવ્યું. સ્કૂટર શેઢા પરથી ઊતરીને કોઈ કાચા રસ્તા પર દોડવા લાગ્યું. કામિયાને અહીંના રસ્તાની કશી ખબર નહોતી. તેણે ઍક્ટિવાને ધમધમાવીને ઢાળ પર ચડાવવા માંડ્યું. તે લગભગ આખી ટેકરી ચડી ગઈ હતી.
ત્યાં જ તેને દૂરથી એક જાણીતી ઘરઘરાટી સંભળાઈ. આ તો શેખરની મોટરબાઇકનો અવાજ હતો! કામિયા ચોંકી. તેણે તળેટીમાં જોયું તો શેખર તેની બાઇક પર આ તરફ જ આવી રહ્યો હતો! હવે?
કામિયાને થયું, ચલો વાંધો નહીં, શેખરને પણ પકડદાવ રમાડીએ. તેણે ઍક્ટિવા ભગાવ્યું.
આગળ જતાં આ કાચો રસ્તો એક પથ્થરવાળી સડકને મળતો હતો. કામિયાને એમ કે પથરાળ માર્ગ પર તેની સ્પીડ ડબલ થઈ જશે. પણ ત્યાં જ તેની ગફલત થઈ. સડકનું લેવલ ઊંચું હતું, જેના કારણે ઍક્ટિવાનું આગલું પૈડું ઊછળ્યું! કામિયા હજી કાબૂ મેળવે એ પહેલાં આખું ઍક્ટિવા પણ ઊછળ્યું અને ત્રાંસું થઈને પટકાયું.
સારા નસીબે કામિયાને ખાસ કંઈ વાગ્યું નહીં પણ શેખરની બાઇક નજીક આવી રહી હતી.
એ જ વખતે પાકી સડક પર
એક ખુલ્લી જીપ આવતી દેખાઈ. કામિયાએ ઝડપથી બે હાથ ફેલાવીને જીપ રોકવા બૂમ પાડી, ‘બચાવો... બચાવો! પેલો બાઇકવાળો ગુંડો મારી પાછળ પડ્યો છે!’
શેખરની બાઇક નજીક આવે એ પહેલાં આગળ બેઠેલા માણસે હાથ લંબાવીને તેને અંદર લઈ લીધી અને ડ્રાઇવરની બાજુમાં બેસાડી દીધી. પછી તરત જ ડૅશબોર્ડમાંથી રિવૉલ્વર કાઢીને પાછળ શેખરની બાઇક તરફ બે ગોળીઓ ચલાવી દીધી!
કામિયા ચોંકી ગઈ....
તેને છેક હવે ભાન થયું કે જીપમાં બેઠેલા બે માણસો કોઈ મામૂલી પ્રવાસીઓ નહોતા. કામિયા જોરથી ચીસ પાડવા ગઈ. એ જ ઘડીએ પેલા માણસે તેનો હાથ ગરદન ફરતે વીંટાળીને તેનું મોં સખતાઈથી દાબી દીધું, ‘શટઅપ, બેબી!’
lll
વીસ મિનિટ પછી કામિયા એક ખખડધજ ઓરડીમાં હતી. તેના હાથપગ બંધાયેલા હતા. મોં પર પાટો હતો. કામિયાએ ઓરડીમાં જોયું. પોતે જે ખાટલા પર પડી હતી એ સિવાય અહીં ફાલતુ ડબલા-ડૂબલી જેવો જ સામાન હતો. લાકડાનું એક બારણું હતું અને પાછલી દીવાલે સળિયાવાળી એક ખુલ્લી બારી હતી.
કામિયા માંડ-માંડ તે બારી પાસે પહોંચી. બહાર જોયું તો નીચે ઊંડી ખાઈ હતી! કામિયાના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું.
કામિયાને અહીં પડ્યા રહીને રાહ જોયા કરવા સિવાય બીજો કોઈ રસ્તો સૂઝતો નહોતો, તે ખાટલા પર ટૂંટિયું વળીને સૂઈ ગઈ...
બેઅઢી કલાક પછી કામિયાને બારીમાંથી કંઈક વિચિત્ર અવાજ સંભળાયા. સાવધાનીથી પડખું ફરીને જોયું તો બારીની આખી લાકડાની ફ્રેમ હલી રહી હતી! કામિયા ચોંકી ગઈ...
પણ બીજી જ ક્ષણે બારીની પેલી તરફ તેને શેખરનો ચહેરો દેખાયો! તે ઊછળીને બેઠી થઈ ગઈ.
શેખરે નાક પર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઇશારો કરતાં દીવાલમાં ફિટ થયેલી બારીની ફ્રેમ છૂટી પાડવાની મથામણ ચાલુ રાખી. બીજી દસેક મિનિટની ગડમથલ પછી બારી છૂટી થઈ ગઈ. શેખર કૂદકો મારીને અંદર આવ્યો.
તરત જ તેણે કામિયાના મોં પર બાંધેલો પાટો છોડ્યો. ‘શેખર! વાઓ! અહીં કેવી રીતે...’
‘શી...શ.’ શેખરે તેને ચૂપ કરી. હાથ અને પગનાં દોરડાં છોડતાં તે ધીમે અવાજે બોલ્યો, ‘મૅડમ, તમારી માઉન્ટેનિયરિંગની કિટ આખરે કામમાં આવી ખરી!’
lll
માઉન્ટેનિયરિંગ કિટના દોરડાથી ઊતરતી વખતે જ નહીં પણ ગેસ્ટહાઉસ પાછા ફરતી વખતે પણ કામિયા બાઇકની પાછલી સીટ પરથી શેખરની પીઠને વળગી રહી હતી... હકીકતમાં તે આસમાનમાં ઊડી રહી હતી!
ગેસ્ટહાઉસ પર પહોંચતાંની સાથે જ શેખરે કહ્યું, ‘મૅડમ, પહેલાં એક કામ કરો. અહીં એક લૅન્ડલાઇન ફોનનું ડબલું છે, એનો જરા સદુપયોગ કરો. તમે અહીં સહીસલામત છો એવો મેસેજ જેને પહોંચાડવાનો હોય તેને તાત્કાલિક પહોંચાડી દો.’
‘ઓકે. તો એક પર્સનલ નંબર ડાયલ કરો. અને જે ઉપાડે તેને કહેજો, ગુડ મૉર્નિંગ મિસ્ટર દિગ્વિજયસિંહ માલ્યા, તમારી દીકરી તમારી સાથે વાત કરવા માગે છે.’
‘હેં?’ શેખરનું મોં ખુલ્લું જ
રહી ગયું.
lll
બૅન્ગલોર ઍરપોર્ટ પર ઊતરતાંની સાથે જ કામિયા દોડીને તેના ડૅડીને વળગી પડી, ‘ડૅડી, ડૅડી, ડૅડી! આઇ ઍમ ઇન લવ!’
દિગ્વિજય માલ્યા હસી પડ્યા. ફિલ્મી અદામાં બે હાથ ઊંચા કરીને કહેવા લાગ્યા, ‘અય ખુદા! તેરા લાખ લાખ શુકર હૈ. આખિર હમારી બેટી કો કોઈ લડકા પસંદ તો આયા! કોણ છે એ લકી છોકરો?’
‘શેખર! જેણે તમને ફોન જોડીને મારી સાથે વાત કરાવી હતી એ શેખર.’
‘એ?’ માલ્યા ચોંકી ગયા. ‘કામિયા, હી ઇઝ જસ્ટ અ મૅનેજર!’
‘સો વૉટ ડૅડી? હી
ઇઝ સચ અ નાઇસ જેન્ટલમૅન! ઍન્ડ યસ, હી ઇઝ સો બ્રેવ! અત્યારે હું તમારી આગળ જો જીવતી ઊભી છું તો માત્ર તેના કારણે.’
માલ્યા ગંભીર થઈ ગયા, ‘કામિયા, હું તને બાળપણથી ઓળખું છું. તને કોઈ રમકડું ગમી જાય તો તું જીદ કરીને મારી પાસે લેવડાવ્યા વિના રહે નહીં. પણ બેટા, મેં જોયું છે કે બેપાંચ દિવસમાં જ તારો રસ એ રમકડામાંથી ઊડી જતો હોય છે...’
‘તમે કહેવા શું માગો છો ડૅડી?’
‘કામિયા, પ્રેમ એ કોઈ રમત નથી. કોઈની જિંદગીનો સવાલ છે. જે દિવસે તું શેખરને જૂના રમકડાની જેમ ફેંકી દઈશ એ દિવસે તેની શું હાલત હશે?’
કામિયા હસવા લાગી, ‘તેને તો મેં કહ્યું પણ નથી કે આઇ લવ હિમ! ઍન્ડ યુ નો સમથિંગ ડૅડી? તેને તો છેલ્લી ઘડી સુધી ખબર જ નહોતી કે હું કોણ છું! તે તો મને એક ગેસ્ટ સમજીને ટ્રીટ કરી રહ્યો હતો! હી વૉઝ જસ્ટ ડૂઇંગ હિઝ ડ્યુટી.’
‘કામિયા, ફરી વિચારી જો. હી ઇઝ જસ્ટ અ મૅનેજર.’
‘મિસ્ટર માલ્યા, તમારા એક મૅનેજરને તમે પ્રમોશન ન આપી શકો? મેક હિમ સમ ડિરેક્ટર ઑર સમથિંગ ઇન યૉર કંપની ઓકે? બટ આઇ વૉન્ટ શેખર! આઈ લવ હિમ!’
કામિયા જાણતી હતી કે ડૅડી ગમે તેમ કરીને એની જીદ પૂરી કરવાના જ છે.
‘ઓકે. હું શેખરને તારી પાસે લાવી આપું છું. તેની બૅન્ગલોરમાં ટ્રાન્સફર કરીને કોઈ મોટી પોસ્ટ આપું છું. હવે ખુશ?’
‘ઓ ડૅડી! આઇ લવ યુ!’ કામિયા ડૅડીને વળગી પડી.
lll
ઘરે પહોંચતાંની સાથે જ કામિયાએ શેખરને ફોન લગાડ્યો, ‘હાય શેખર! યુ નો સમથિંગ? યુ આર ગેટિંગ પ્રમોટેડ! નાઓ ટેલ મી, વેન આર યુ કમિંગ ટુ બૅન્ગલોર? ટુમૉરો?’ કામિયા ઉતાવળી થઈ રહી હતી. તેને તેના પ્રેમનો એકરાર કરવો હતો.
પણ શેખરે કહ્યું, ‘કાલે તો નહીં, કારણ કે મારે કાલે કોલકાતા જવાનું છે. મારી એક ફ્રેન્ડ છે, સુનીતા. તેનું કાલે ‘સારેગામા’નું ઑડિશન છે.’
‘ડૂ યુ રિયલી હૅવ ટુ ગો વિથ સુનીતા?’ કામિયાનો અવાજ ઢીલો થઈ ગયો.
‘આઇ હૅવ ટુ મૅડમ!’ શેખરે જરા ઉત્સાહથી કહ્યું, ‘આફ્ટર ઑલ, આઇ લવ હર! અમે બન્ને છેલ્લાં બે વર્ષથી એકબીજાના પ્રેમમાં છીએ. તે અત્યારે MBBSના ફાઇનલ ય૨માં છે. સુનીતા ભણી રહે પછી અમે લગ્ન કરવાનાં છીએ. શી ઇઝ સચ અ નાઇસ ગર્લ ! તમે મળશો તો...’
‘ઓકે...’ કામિયાએ ફોન કટ
કરી નાખ્યો.
lll
એ સાંજે જ્યારે દિગ્વિજય માલ્યા બંગલે પાછા આવ્યા ત્યારે કામિયાની હાલત જોઈ ડઘાઈ ગયા. તે સાવ ફીકી પડી ગઈ હતી. તેનું શરીર તાવમાં ધખી રહ્યું હતું.
કામિયા બોલી, ‘ડૅડી, શેખર કોઈ સુનીતાના પ્રેમમાં છે. બટ આઇ વૉન્ટ હિમ! આઇ વૉન્ટ શેખર! મને શેખર નહીં મળે તો હું આત્મહત્યા કરી નાખીશ!’
દિગ્વિજય માલ્યા સ્તબ્ધ થઈ ગયા. આ જિદ્દી છોકરી કંઈ પણ કરી શકે...
lll
બે દિવસ પછી માલ્યાએ કામિયાને અસમિયા ન્યુઝપેપરનું કટિંગ બતાડ્યું. એમાં લખ્યું હતું કે સુનીતા નામની એક યુવતીનું એક ભયંકર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કામિયા તેના ડૅડીને બાઝી પડી.
હવે કામિયા ખુશ હતી. તેનો રસ્તો સાફ થઈ ગયો હતો. શેખર હવે તેનો હતો, માત્ર અને માત્ર તેનો...
lll
પરંતુ દસેક દિવસ પછી કામિયાને તેના ડૅડીએ બીજા એક સમાચાર
આપ્યા : ‘કામિયા, શેખરે આત્મહત્યા કરી નાખી!’
બે ક્ષણ માટે કામિયા આઘાતથી પૂતળું બની ગઈ. પછી તે ચક્કર ખાઈને ઢળી પડી...
પૂરા અડતાલીસ કલાક પછી જ્યારે કામિયા હોશમાં આવી ત્યારે તે હૉસ્પિટલમાં હતી. તેના ડૅડી તેની સામે ઊભા હતા.
કામિયાને હવે ભાન થયું કે તેની જીદના કારણે બે નિર્દોષ પ્રેમીઓ આ દુનિયામાંથી ચાલ્યાં ગયાં હતાં. તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. ‘ડૅડી, આ મેં શું કરી નાખ્યું?’
ડૅડીએ તેને પૂરેપૂરી રડી લેવા દીધી. પછી તેના ખભે હાથ મૂકતાં કહ્યું, ‘બેટા, જિંદગીમાં બધું જ ખરીદી શકાય છે, પણ બે ચીજ નહીં. એક ઈમાન અને બીજો પ્રેમ... તું તો જન્મતાંની સાથે જ લાડકોડમાં ઊછરી, પણ તારા આ બાપે દુનિયા બરાબર જોઈ છે. મારા હાથમાં પૈસો અમસ્તો નથી આવ્યો. હું પૈસાની કિંમત જાણું છું. સાથે-સાથે પ્રેમની પણ કિંમત જાણું છું.’
‘પણ ડૅડી, મેં જ તમને સુનીતાને હટાવવા...’ કામિયા ફરી રડી પડી. ‘ડૅડી, હું તો જિદ્દી છોકરી છું, પણ તમે ફક્ત મારી જીદ પૂરી કરવા માટે આવું કામ કર્યું?’
‘મેં જે કંઈ કર્યું એ બરાબર જ કર્યું છે.’
દિગ્વિજય માલ્યા રહસ્યમય રીતે મલકાયા. ‘કામિયા, હકીકત એ છે કે સુનીતા અને શેખરને મેં કંઈ જ કર્યું નથી! એ બન્ને જીવતાં છે...’
‘ઓ ડૅડી...!’ કામિયા તેના ડૅડીને બાઝી પડી.
lll
આજનો દિવસ કામિયા માટે તેની જિંદગીનો સૌથી મહત્ત્વનો દિવસ હતો, કારણ કે હવે તે એક સમજદાર દીકરી હતી, બિલ્યનેરની ‘જિદ્દી’’ બેબી નહીં...
(સમાપ્ત)