મોહે ભૂલ ગએ સાંવરિયા… ફ્રૉમ રશિયા વિથ લવ (પ્રકરણ ૩)

17 June, 2026 12:39 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

આપણું યુવાધન યુએસ, કૅનેડા, યુકે કે ઑસ્ટ્રેલિયા જવામાં અગ્રેસર છે, પણ રૂપિયા જેવા જ મોલ ધરાવતા રૂબલમાં એટલું આકર્ષણ નથી. લેનિનના જમાનાનો રહસ્યવાદ હજુય આવરણ બની જાણે રશિયાને લપેટાયો છે.  

ઇલસ્ટ્રેશન

સ્થળ : રશિયાની યુદ્ધભૂમિ

સમય: આજથી સવાચાર વરસ પહેલાં

આકારે ડાયરીમાં લખવા માંડ્યું :

પ્રિય રેવા,

આજકાલ કરતાં નવ મહિનાથી રણમોરચે છું, પણ હૈયે તારી મોહબ્બત પ્રાણવાયુની જેમ વસી છે. મારા બૅન્કખાતાનું બૅલૅન્સ કહે છે કે બહુ કમાઈ લીધું... પણ પછી થાય કે હજુ થોડા મહિના ખેંચી કાઢું તો આપણી પછીની પેઢીને પણ ચિંતા નહી! એટલે તો ઓવરટાઇમ કરીને, હાઈ રિસ્ક ગણાતી કામગીરી સામેથી માગીને હું એક્સ્ટ્રા વેજીસ રળું છુ...

પણ વૉરમાં શું થઈ જાય કહેવાય નહીં. ગઈ કાલે જ માર્શલસાહેબ કહેતા હતા કે યુનિવર્સિટી પરના અટૅકનો બદલો લેવા યુક્રેન બહાવરું બન્યું છે, આજકાલમાં કશીક નવાજૂની થાય પણ ખરી...

અને આકાર ચમક્યો.

બ્લાસ્ટના ધડાકા સંભળાયા ને વળતી પળે દુશ્મનના હુમલા સામે નાગરિકોને અલર્ટ કરતી સાયરન ગુંજવા લાગી હતી.

આવી અલર્ટ તો કોઈ ભયાનક હુમલા માટેની જ હોય...

ઝડપથી ડાયરી શર્ટમાં નાખી આકારે બુલેટપ્રૂફ જૅકેટ ચડાવ્યું કે તનિષ્ક દોડતો આવ્યો : સાવધ, દોસ્ત! આખા મૉસ્કો શહેર પર યુક્રેનનાં ડ્રોન ઊડી તબાહી મચાવી રહ્યાં છે!

હેં!

આકારે ટેન્ટ બહાર ડોકિયું કર્યું.

મોતની જ્યાફત કરવા ગીધડા આવ્યા હોય એમ મૉસ્કોના આકાશમાં ડ્રોન મંડરાઈ રહ્યાં હતાં.

એ જ ક્ષણે નજર સામે ધડાકો થયો ને એના અગનગોળામાં સાથીઓને જીવતા ભૂંજાતા જોઈ આકારની છાતી ધડકી ગઈ : શું ખરેખર મૃત્યુ આવી ગયું?

lll

સ્થળ : સૌરાષ્ટ્રનું અંતરિયાળ ગામ

સમય : વર્તમાન

‘એ મેરે દિલે નાદા...’

રાત્રિવેળા મેડીના ઝરૂખેથી સવારે સૂકવવા નાખેલી પલંગની ચાદર લેતી રેવાની નજર ગીતની દિશામાં ઊંચકાઈ. સામી હવેલીના ઝરૂખે કોણી ટેકવી ઊભા અમરનાથની બાજુમાં રેડિયો હતો.  

બે દિવસ અગાઉ સવારના પહોરમાં ઘરે આવેલા અમરનાથે પોતાના પક્ષમાં અવાજ ઉઠાવ્યો ત્યારથી રેવાને એ આત્મીય લાગવા માંડ્યા હતા. કલાકેકની બેઠકમાં તેમણે જાણે ઘરની ભૂગોળ અને ઘરવાળાનો ઇતિહાસ પરીક્ષા આપવાની હોય એમ જાણી લીધો હતો. 

સાંજે પાછું ડોકિયું કર્યું : ભાનુભાઈ, આજે તો વાળુ તમારે ત્યાં કરવું છે! હાંડવાની ખુશ્બુ સામા ઘર સુધી

પહોંચી છે!

રસોડામાં થાળી તૈયાર કરતી રેવાને તેમનું આગમન ગમ્યું એમ થોડું અજુગતું પણ લાગ્યું હતું : આમ સામેથી કોણ પરોણો થાય! 

પણ વણનોતર્યા મહેમાનનું ગજું ભાનુભાઈના ધ્યાન બહાર નહોતું એટલે મીઠાશથી આવકારી ભાણે બેસાડ્યા. વારે વારે તેમની નજર રસોઈઘર તરફ વળી જતી : હાંડવો બહુ સરસ થયો છે!

આકુને પણ મારા હાથનો હાંડવો કેટલો ભાવતો!

બે દહાડામાં પગપેસરો કરી અમરનાથે શ્વશુર-નણદોઈ સાથે સારાસારી કેળવી લીધી છે. ગઈ કાલે અમને ડિનર માટે નોતર્યા. આમ તો સામાજિક વહેવારમાં મને લઈ જવાતી નથી, પણ તેમની સામે વિરમે મને હડધૂત કરવાથી ખરડાયેલી ઇમેજ સુધારવી હોય એમ ઘરના મનેકમને સામા ઘરે સાથે લઈ ગયા. અમરનાથનું ઘર ચોખ્ખુંચણક હતું. નોકર રાજા ખરેખર અચ્છો બાવરચી હોય એમ રસોઈનાં સ્વાદ-સોડમ અનેરાં હતાં. અને મારી પસંદ માલૂમ હોય એમ પૂરણપોળીથી ખમણ સુધીનું બધું જ મારું ફેવરિટ!

‘આભાર.’ મારાથી બોલાઈ ગયું. અમરનાથ મલકયા. તેમના સ્મિતમાં પણ કેવુ સંમોહન હતું!

પછી સમજાયુ કે અમરનાથ તો બધા સાથે જ સારા છે. પુરુષો સાથે વાઘના શિકારની વાતો કરી, ચાંદીનો ડિનર સેટ ભેટમાં દઈ કામિની-સાસુમાને આંજી નાખ્યાં... બસ, મને નિહાળતી તેમની આંખો મને સમજાતી નથી.

રાતે મારું ઝરૂખે આવવું ને તેમનું આમ ગીતો સાંભળતાં મને તાકી રહેવું... ગીતો પણ આકુને ગમતાં એ જ!

અને અમરનાથમાંથી ચિત્ત વાળવું હોય તેમ તે આકારની યાદો વાગોળી રહી :

ભવનાથના મેળામાં પોતાની ઓળખ આપ્યા વિના ‘તમે તો હૈયું દીધું છેને, એને ખોજતાં આવી પૂગજો!’નો પડકાર ફેંકી પોતે સરકી આવેલી. રાતભર જોકે નીંદર નહોતી આવી. જુવાનનું સોહામણું મુખડું તરવરતું. જાતને સમજાવતી: એમ ઘડી બે ઘડીની દિલ્લગીમાં જીવનભરનો નાતો બંધાતો હશે? જેનું નામ સુધ્ધાં જાણતી નથી તેના માટે ઉજાગરો

થતો હશે!

રેવાએ મન વાળ્યું, પણ બીજી જ બપોરે તેણે આંગણે દેખા દીધી. કાચની ચૂડીઓનો સૂંડલો લઈને આવ્યો હતો. પોતે ત્યારે આંગણામાં કપડાં સૂકવતી હતી ને જમાદાર જેવી લલિતામા ઢાળિયો ઢાળી સૂડીથી સોપારી કાતરતી હતી.

‘અલા એય! શાને ઘૂસતો આવે છે? અહીં કોઈએ ચૂડી નથી લેવી, નીકળ!’

એથી સહેજે ઓઝપાયા વિના તે અંદર આવ્યો, ‘અરે મારાં બહેન, તમારે ન લેવી હોય તો તમારી આ નાની બહેન માટે લો!’

દીકરીને બહેન કહી એથી સાચે જ પોતાની ઉંમર ઘટી ગઈ હોય એમ લલિતામા પોરસાયાં, ‘બહેનને હજુ વાર છે, તું મને જ ચૂડી બતાવ!’

લલિતામાને ખટાવી તેણે રેવાને ઇશારો કર્યો, ‘તમારાં મોટાં બહેને બોણી કરાવી, એક સેટ મારા તરફથી તમને ભેટ, આવો, માપ જોઈ લો!’

માની હાજરીમાં મારી ગોરી કલાઈ પર લીલી ચૂડી પહેરાવી ગયો. આવા પાણીદાર જુવાન પર કોણ ન મોહે! 

લલિતામા ચૂડી મૂકવા ઘરમાં ગયાં કે તે કાનમાં કહેતો હોય એમ બોલી ગયો: મારા હૈયાનું ઠેકાણું મેં શોધી કાઢ્યુંને! મારું નામ આકાર, તમારાથી બે ગામ દૂર રહેવાનું, ખોરડું સાધારણ છે, બહોળો પરિવાર છે, પણ તમને સ્નેહની કમી નહીં વર્તાય એટલું માનજો...

અને બે હૈયાં એક થયાં. અમે સીમમાં મળતાં, આકુ ક્યારેક મારી કૉલેજે આવી ચડતા. મારા ઘરે કોઈને અમારા પ્રણયની ગંધ સુધ્ધાં નહોતી, પણ તે મને તેમના ઘરે લઈ ગયેલા. નાનકડું પણ પાકું મકાન હતું, માબાપુની આંખોમાંથી વાત્સલ્ય નીતરતું.

‘અત્યારે ઘરમાં એક જ ઓરડો છે વહુ, પણ તમારાં લગ્ન પહેલાં મેડીએ રૂમ લઈ લઈશું...’ માએ કહેતાં પોતે કેવું શરમાઈ ગયેલી! એ રૂમમાં આકુ કેવાં તોફાનો આદરશે! હાય હાય. એની કલ્પનાએ એવું તો લાજી મરાતું.

રેવાની પરિસ્થિતિ આકુથી અજાણ નહોતી, લગ્નની વાતે તે કહેતો : તને સુખી કરવાના મને ઓછા ઓરતા છે? પણ મારા ઘરના હાલાત તારાથી ક્યાં છૂપા છે! ત્રણ નાનાં ભાઈ-બહેન છે, થોડીઘણી ખેતીમાં માબાપ નિચોવાઈ જાય એવો પસીનો પાડે ત્યારે બે ટંક ભેગાં થવાય છે. બધાની ઉમ્મીદ મારા પર છે, ને મારું નસીબ હંમેશાં બે ડગલાં પાછળ જ પડે છે!’

આકુના સ્વરમાં ખેદ ઊપસ્યો, ‘મારે તો પોલીસ ફોર્સ જૉઇન કરવી હતી, છ મહિના સખત ટ્રેઇનિંગ લીધી ને ભરતીના સમયે ટાઇફૉઈડ થતાં શરીરનો બાંધો એવો પાતળિયો થઈ ગયો કે પાસ ન થવાયું... હવે મામૂલી ગ્રૅજ્યુએટ થઈ હું ઘરનાને, તને કેટલાં સુખી કરી શકીશ નથી જાણતો... પણ સુખ નહીં તો દુઃખ વહેંચી લઈશું, હેંને રેવા? માને વાત કરું છું, બે-ચાર દહાડામાં સારું મુરત જોઈ એ તારું કહેણ લઈને આવશે. હવે તને તે નરકમાં નહીં રહેવા દઉં...’

પણ એ બને એ પહેલાં માને છાતીમાં દુખાવો ઊપડ્યો, રાતોરાત મુંબઈ લઈ જવાં પડ્યાં, મોટા ઑપરેશનની નોબત આવી એ બધામાં કહેણનું તો અટવાઈ જ ગયું, પણ - 

રેવા સમક્ષ દૃશ્ય ઊપસ્યું :

મુંબઈની સખાવતી હૉસ્પિટલનો કૉરિડોર. માનું ઑપરેશન ત્યારે થઈ ચૂકેલું, ને રિકવરી ફાસ્ટ હતી. બહેનપણી સાથે ફરવાના બહાને મુંબઈ આવેલી રેવા માને મળી,  આકારના પિતાની હિંમત બંધાવી, ભાઈ-બહેનોને સાચવ્યાં. ક્યાંય સુધી આકાર તેને નિહાળી રહ્યો.

રાતે કૅન્ટીનમાં બેઉ એકલાં બેઠાં ત્યારે તેનો હાથ હાથમાં લઈ આકુએ વાત માંડી, ‘મને ખાતરી હતી જ રેવા કે મારી ગેરહાજરીમાં તું મારા પરિવારને મારાથી વધુ જાળવી જાણીશ.’

‘એ તારે કહેવાનું ન હોય...’ કહેતાં રેવા ટટ્ટાર થઈ, ‘તારી ગેરહાજરી - મતલબ?’

‘તું જાણે છે રેવા, માના કેસમાં જ જોયુંને, વી આર નૉટ પ્રિપેર ફૉર ઍની ઇમર્જન્સી... ક્યાં સુધી દાનના સહારે રહીશુ? આઇ નીડ ટુ અર્ન રેવા, ચાલીસ-પચાસ હજારની નોકરીમાં દહાડો નહીં વળે. એટલે હું મૉસ્કો જવાનું વિચારું છું.’

મૉ...સ્કો! રેવાનું મોં પહોળું થઈ ગયું.

આપણું યુવાધન યુએસ, કૅનેડા, યુકે કે ઑસ્ટ્રેલિયા જવામાં અગ્રેસર છે, પણ રૂપિયા જેવા જ મોલ ધરાવતા રૂબલમાં એટલું આકર્ષણ નથી. લેનિનના જમાનાનો રહસ્યવાદ હજુય આવરણ બની જાણે રશિયાને લપેટાયો છે.  

‘હવે પરિસ્થિતિ બદલાઈ છે રેવા. ભારતના ઘણા સ્ટુડન્ટ્સ ફર્ધર સ્ટડીઝ માટે રશિયા જાય છે. જોકે મારે ભણવા નથી જવાનું.’

તો?

તેની આંખોની ઉઘરાણીએ આકાર સહેજ સંકોચાયો,

‘તું જાણે છે, વરસેકથી રશિયા યુક્રેન સામે યુદ્ધે ચડ્યું છે... એને રણમોરચે લડવા માટે માણસો જોઈએ છે. રિટર્નમાં તેમને અનેકગણું વળતર મળે છે એટલે બેઉ પક્ષ માટે આ

વિન-વિન સિચુએશન છે.’

આ માટે એજન્ટ્સનું આખું ચક્ર ચાલે છે જાણી સ્તબ્ધ બનાયું.

‘હું ઠીક સમજી હોઉં આકુ તો તમે રશિયાની કૉન્ટ્રૅક્ટ આર્મી તરીકે યુક્રેન વિરુદ્ધ રણમોરચે લડવા માગો છો - તમારો જીવ જોખમમાં મૂકવા માગો છો? ફૉર સેક ઑફ મની?’

‘ફૉર સેક ઑફ અવર ફ્યુચર...’ 

આકુના જવાબ પછી કોઈ દલીલ થઈ નહી... આના બે મહિના પછી આકુએ મૉસ્કોની ફ્લાઇટ પકડી. ઍરપોર્ટ મૂકવા ગયેલી રેવાને તેણે કહ્યું હતું : મારા પરિવારની સંભાળ રાખજે એવું તને કહેવાનું ન હોય રેવા, પણ એટલું તો કહેવું રહ્યું કે તું મારી રેવાનું ધ્યાન રાખજે, એના શ્વાસોમાં વિશ્વાસ ભરજે કે બહુ જલદી હું પાછો આવીશ... આઇ વિલ કમ બૅક!’

lll

આઇ વિલ કમ બૅક!

રેવાની પાંપણ છલકી. આકુ પાછા આવ્યા જ નહીં! 

મોહે ભૂલ ગયે સાંવરિયા

આવન કહે ગયે અજહુ ન આયે

લીની ન મોરી ખબરિયા...

સામે રેડિયો પર લતાજીના સૂરમાં વહેતું દર્દ પોતાનો જ પુકાર હોય એમ રેવા ધ્રુસકું દબાવી અંદર દોડી ગઈ.

સામે ક્યારના એક જ પોઝિશનમાં ઊભા અમરનાથ ટટ્ટાર થયા. રેડિયો બંધ કરી રૂમમાં આવ્યા.         

ઘડીભર રૂમના મિરરમાં ઝિલાતું પોતાનું પ્રતિબિંબ નિહાળી રહ્યા. પછી ભીંતકબાટ ઉઘાડી એનું ચોરખાનું ખોલ્યું.

અંદર લાલ પૂંઠાની ડાયરી હતી. હોઠ કરડી અમરનાથે ડાયરી કાઢી કબાટ બંધ કર્યું ને અરીસા પરથી નજર વાળી ડાયરીનું પાનું ખોલ્યું :

પહેલા પાને લખ્યું હતું :

મારી પ્રિય રેવાને...

અમરનાથ આંખો મીંચી ગયા. પાંપણે એક બુંદ બાજી.

lll

‘તમે પણ અમદાવાદ આવતા હો તો!’ કામિનીએ પતિને લાડ કર્યાં.

‘અહીં ઘણું કામ છે, ડાર્લિંગ’ સુબોધથી ડાર્લિંગને એમ તો કહેવાય એમ નહોતું કે કામનું કામ છે!

પિયરમાં પગદંડો જમાવવાની કામિનીની મનસામાં સાદ પુરાવતાં સુબોધે આગળપાછળનું વિચારી પત્તાં ખેલવા માંડેલાં.

કામિનીની બીજી સુવાવડ પછી ઘરે મોટો ઝઘડો વહોરી અહીં આવતા રહ્યા, પછી આજની ઘડી ને કાલનો દી!

કામિનીએ ઘર પર કબજો જમાવી દીધો, સુબોધે શ્વશુરજીના વિશ્વાસની આડમાં કંઈકેટલું સગેવગે કરવા માંડ્યું, વિરમના બંધાણને એના હિતેચ્છુ બની પોષવા લાગ્યા: શ્વશુરજી, ચરસ બંધ કરશો તો વિરમ વહેલો મરશે...  

ત્યારે ભાનુભાઈ ઢીલા પડી ગયા, ને વિરમને તો જીજામાં ભગવાન જ દેખાયા! બિચારો જાણતો જ નહોતો કે ગાંજામાં આયુર્વેદની જલદ ઔષધિ ભેળવી જીજા તેના પુરુષત્વને નકામું બનાવી રહ્યા છે!

એને કારણે કુંવારી રહેલી તેની પત્ની સાથે હવે સુહાગરાત મનાવી લેવી છે!

સુબોધે ઇરાદો ઘૂંટ્યો.

બીજી બપોરે મોટરકારમાં કામિની મા-બાપ ને બન્ને બાળકોને લઈ અમદાવાદ જવા નીકળી, ત્યારે અમરનાથ ઝરૂખેથી તેમને નિહાળી રહ્યા હતા.

(ક્રમશઃ)

columnists exclusive gujarati mid day