કથા-સપ્તાહ: વહુરાણી (સંબંધોની દોર - 1)

06 May, 2019 12:55 PM IST  |  મુંબઈ | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ: વહુરાણી (સંબંધોની દોર - 1)

વહુરાણી

ચિયર્સ!

જામના ટકરાવથી ગ્લાસનો રણકાર વાતાવરણમાં પ્રસરી ગયો. કોલાબાસ્થિત અજિતરાય મહેતાના આલીશાન બંગલામાં આજે ફૅમિલી ગેટ-ટુગેધર હતું.

દર ત્રીજા મહિને ચારે પિતરાઈઓ આ રીતે વીકએન્ડમાં ભેગા થતા. એક રસોડે બધાએ સાથે જમવાનું, રમતો રમવાની. સમાંતરે પુરુષો ધંધા-પાણીની વાતો માંડે, સ્ત્રીઓ વહેવારની ચર્ચા છેડે, યંગસ્ટર્સ તેમની ટોળી જમાવે. નાનું બાળક તો જાણે હાલ કોઈ નથી. એકંદરે એથી સંપ અને કુટુંબભાવના જળવાઈ રહેતી.

આ પ્રથાના પ્રેરક અજિતરાય.

જુદા થઈને પણ ઐક્ય જાળવી રાખવા માટે મુંબઈના ગુજરાતી સમાજમાં ગર્ભશ્રીમંત મહેતાના કુટુંબનો દાખલો દેવાય છે. આમ જુઓ તો ચારેય પિતરાઈ બંધુઓને સગો ભાઈ કોઈ નહીં એટલે પણ કદાચ તેમના સંબંધમાં સમાનતા રહી.

પિતરાઈઓમાં સૌથી મોટા અજિતરાય. સાઠના ઉંબરે ઊભા અજિતરાયે કારોબારમાં જે શિખરો સર કર્યાં, સમાજમાં જે યોગદાન આપ્યું એથી તેમની ગણના દીર્ઘદ્રષ્ટા તરીકે પણ થતી. સિદ્ધાંતનિષ્ઠ અજિતરાય મૂલ્યોના આગ્રહી.

પોતાના વ્યક્તિત્વની આભાને તેઓ જોકે સહજપણે ઘરના દ્વારે ત્યજી શકતા. ઘરની ભીતર એવા સહજ રહે કે પરિવારનું કોઈ પણ સભ્ય વિનાસંકોચ તેના મનની વાત કહી શકે. ઘરના સૌ તેમને લાડથી અદા કહેતા. આ સંબોધન કોણે-કેમ પાડ્યું એ તો નથી ખબર, પણ અજિતરાયને એ ગમતું. આમ થોડા રૂઢિચુસ્ત, પણ મૂડ હોય તો ક્યારેક છોકરાઓ જોડે ડ્રિન્ક પણ શૅર કરે. એટલે તો અદા વહાલના વડવા જેવા લાગતા.

એવા જ તેમનાં ધર્મપત્ની સુનંદાબહેન. સ્વભાવનાં સાલસ. આમ તો કુટુંબનો દરેક ફાંટો સ્વતંત્ર હતો, વેપારધંધા પણ અલગ, પરંતુ સંસાર યા કારોબારની અટપટી સમસ્યામાં અજિતરાયનો ફેંસલો શિરોમાન્ય ગણાતો. આ શિસ્ત જુવાન નસલમાં પણ સુપેરે ઊતરી હતી. અદાના નિર્ણયનો વિરોધ થાય એવું આજ સુધી બન્યું નથી.

અજિતરાયથી તેમના પિતરાઈઓ નાના, પણ તેમના એકના એક દીકરા અરેનની સરખામણીએ ત્રણ ભત્રીજાઓ મોટા અને જનરેશનમાં સૌથી નાની ઋચા શ્રેયાંશભાઈની, મોટા નચિકેત પછીની બીજા નંબરની દીકરી, પણ ઘરની એક્ની એક કન્યારત્ન જેવી એ સૌની લાડલી.

કુટુંબના નવા ફાલને ખીલવાની મોકળાશ આપનાર અદા તેમના શિક્ષણ બાબત પણ એટલા જ ચોક્કસ રહેલા. નચિકેત વેપારી લાઇનને બદલે મેડિસિનમાં ગયો તો તેને પછીથી દવાખાનું પણ ખોલાવી આપ્યું - છેવટે તો સંતાનને જે લાઇનમાં રસ હોય એ જ કરવું!

જોકે એ જ નચિકેત તેની સહાધ્યાયી સ્મૃતિને ચાહતો હોવાનો ઘટસ્ફોટ થયો ત્યારે પરન્યાતની છોકરીને અદાએ ઉમળકાથી વધાવેલી, પણ હા, ડૉક્ટર થયેલી સ્મૃતિને કામ કરવાની પરવાનગી નહોતી આપી - અમારા ઘરની વહુ નોકરીધંધો કે પ્રૅક્ટિસ કરે એ મને પસંદ નથી, અમારા પરિવારની એ પરંપરા નથી.

સ્મૃતિને આનો કચવાટ થયેલો. નચિકેત પણ અકળાયેલો - ડૉક્ટર થઈને ઘરે કોણ બેસે!

‘ઇનકાર ફરમાવવાના અદાનાં પોતાનાં કારણો છે.’ શ્રેયાંસભાઈએ સ્વસ્થપણે દીકરા અને તેની પ્રેમિકાને સમજાવેલી - અદા જુનવાણી નથી, પણ આજે છોકરીઓ કમાતી થયા પછી તેમનું મનસ્વીપણું વધી જાય છે. નચિકેત, તું તો જાણે છે અમારાં દૂરનાં કુસુમફોઈને તેમની વહુએ ઘરડાઘરમાં મૂકી દીધેલાં. એ હકીકત મોટા ભાઈને આકરા થવા પ્રેરે છે.’

વેલ, એવું થયેલું ખરું. બૅન્કમાં નોકરી કરતી સુધાવહુ વિધવા ફોઈના દીકરા કરતાં વધુ કમાતી હતી, પછી શું કામ વરની માને સંઘરે! પાછી ઘરડાઘરમાં ધકેલી કહે છે, આ તો મારી ભલમનસાઈ કે મેં તેમને માથે છત વગરનાં તો નથી રાખ્યાંને!

લો બોલો. અદાનું તો મગજ છટકેલું - અમારાં ફોઈ ઘરડાઘરમાં રહેતાં હશે! ધરાર તેમના માટે ગામમાં ઘર ખરીદ્યું, મેઇડ રાખી તેમના નિર્વાહનો બંદોબસ્ત કરતી વેળા જ અદાએ નક્કી કરી લીધું હતું કે મારા ઘરમાં જૉબ યા ધંધો કરતી છોકરી વહુ બનીને નહીં આવે!

છેવટે અદા સામે દલીલ ન હોય એમ માની સ્મૃતિ-નચિકેત પરણી ગયાં. નચિકેત પછી મધુરભાઈના વિક્રાંતનાં લગ્ન લીધાં. તેની વાઇફ જાહ્વવી ઇન્ટીરિયર ડિઝાઇનનું ભણેલી, તેનેય કામની છૂટ નહીં. હા, વહુઓનાં માનપાન, લાડમાં કોઈ કમી નહીં. પરિણામે જાહ્નવી, સ્મૃતિએ મન

મનાવી લીધેલું.

અને પિતરાઈઓની વહુ પૂરતા જ અદાના નિયમ હતા એવુંય નહીં. અદાની તટસ્થતાનો પરચો સૌને વરસ અગાઉ મળી ગયો, તેમના ખુદના દીકરા અરેનની પસંદ થકી!

અત્યંત સોહામણો અરેન અભ્યાસમાં તેજસ્વી. લતાનાં ગીતોનો ચાહક. ઠરેલઠાવકો અરેન ભાભીને નટખટ દિયરની જેમ પજવેય ખૂબ એમ ખાનગીમાં અદાની મિમિક્રી કરી કાકા-કાકીઓનેય હસાવી દે. એન્જિનિયરિંગનું ભણતા અરેનની હૃદયપાટી કોરી.

ગયા વરસે ત્રીજા મોહિતભાઈના સત્યેનનાં લગ્ન લીધા ત્યારે અણવર બનેલો અરેન જાણે કેટલાને ગમી ગયો!

‘આર યુ સિંગલ?’ ચોલીસૂટમાં અત્યંત સોહામણી જણાતી અદિતિએ સીધું અરેનને જ પૂછી લીધેલું. અદાના બિઝનેસ સર્કલમાંથી તેની ફેમિલીને ઇન્વાઇટ હતું એ તો અરેને પછીથી જાણેલું. ડાયમન્ડ વેપારી દિવાકર જરીવાલાની એકની એક દીકરી પૂછે એથી જરાય ફેર પડતો ન હોય એમ અરેને હસી નાખેલું, ‘થૅન્કસ ફૉર આસ્કિંગ, પણ સિંગલમાથી ડબલ થવાનો હાલ મારો કોઈ ઇરાદો નથી; સૉરી.’

તેનો જવાબ અદિતિને જરાય ફની નહોતો લાગ્યો, નૅચરલી. મોં વંકાવીએ જતી રહેલી. જોકે પછીના અઠવાડિયામાં અરેન માટે ઘણાં કહેણ આવ્યાં એમાં દિવાકરભાઈએ તેમની લાડલી દીકરી માટેય પુછાવ્યું હતું, પણ સુનંદાબહેન રેડીમેડ જવાબ વાળતાં - હજુ તો અરેન માસ્ટર્સ કરે છે, એ નોકરી યા ધંધામાં સેટ થયા પછી જ લગ્નનું વિચારાય.

ત્યારે ક્યાં જાણ હતી કે પોતે આમ બોલ્યાંના મહિનામાં જ અરેન પોતાને ગમતું પાત્ર શોધી કાઢશે!

અરેનની કલ્પનામૂર્તિ મૂલ્યોમાં અદા જેવી, વલણમાં મા જેવી હતી. એનો સાક્ષાત્કાર નીમામાં થયો.

ગયા વર્ષે, ન્યાતના ફંક્શનમાં સાઇકિયાટ્રીનું ભણતી નીમાએ જનરેશન ગૅપ પર દશેક મિનિટની સ્પીચ આપેલી. એકદમ ઓરિજિનલ સ્પીચ. સ્ટેજ પર ઊભી નીમા રૂપાળી એટલી જ ગ્રેસફુલ લાગી. પહેલી વાર અરેનને ક્લિક થયું કે આ છોકરીને જોઈને મને કંઈક થાય છે! આ સ્પંદન નવાં હતાં.

અરેને ઠાવકાઈથી કામ લીધું. ફંક્શન દરમિયાન નીમા વિશે પ્રથમ તો જાણ્યું - તે શાહ પરિવારની લાડકી દીકરી છે. પિતા અનિલભાઈનું સમાજમાં નામ છે. અદા તેમને ઓળખે છે તો તેનાં મધર શકુંતલાબહેન માને હવેલીમાં મળી જતાં હોય છે... તેમની એકની એક દીકરી નીમા કુંવારી છે, સાઇકિયાટ્રીમાં માસ્ટર્સ કરી કાઉન્સેલિંગ કરવા માગે છે.

‘હાય નીમા’ છેવટે નીમા સાથે પાંચ-સાત મિનિટનો મેળાપ ગોઠવી લઈ અરેને તેની સ્પીચનાં વખાણ કર્યાં, તેણે એ વિષય પણ જે રીતે ચર્ચ્યો એ જોઈ નીમા પણ પ્રભાવિત થઈ.

બીજા આઠ-દસ દિવસ વીત્યા તોય નીમા વિચારોમાંથી હટી નહીં ત્યારે અરેને આગળ વધવાનું નક્કી કરી લીધું. ક્યાંયથી નંબર મેળવી તેણે નીમાને મોબાઇલ જોડેલો. ઓળખ આપી આગળ વધ્યો, ‘નીમા, હું અમારી કૉલેજની ઇવેન્ટ ટીમનો કૅપ્ટન છું. આ શનિવારે અમારા કૅમ્પસના મલ્ટિપર્પઝ હૉલમાં તમારું લેક્ચર રાખવા માગું છું. સબ્જેકટ તમારી પસંદનો. તમે હા પાડશો તો જ આ ઇવેન્ટ થશે.’

નીમાએ પણ પડકાર ઝીલી બતાવ્યો. સ્ટ્રેસ પરની તેની સ્પીચને સ્ટૅન્ડિંગ ઓવેશનથી વધાવી લેવાઈ. ઓડિયન્સ યંગ હતું, સૌ સ્ટુડન્ટસ હતા એટલે છેવટના કવેશ્ચન-આન્સર સેશનમાં એકાદે તોફાની ગણાય એવો પ્રશ્ન પૂછી લીધો, ‘મૅમ, તમે કોઈ મગજના નિષ્ણાતને જ પરણશો?’

નીમાએ હસીને કહી દીધું, ‘ઍટ લીસ્ટ મગજ હશે એવા માણસને જ પરણવાનું પસંદ કરીશ.’

તેનો જવાબ સીટી-તાળીઓ મેળવી ગયો.

‘તમારો જવાબ મને ગમ્યો, નીમા,’ અરેને હવે દેર ન કરી. ફંક્શન પત્યા પછી ગેસ્ટને ડ્રૉપ કરવાની ફૉર્માલિટીમાં એકાંત મેળવી કહી દીધું, ‘મારી પાસે મગજ ઉપરાંત હૃદય પણ છે, જો તમારે રાખવું હોય તો!’

નીમા શરમથી લાલચોળ. વીત્યા દિવસોમાં લેક્ચર અંગે ઘણી વાર અરેન જોડે ટેલિટૉક થતી, એકબે વાર એ ઘરે આવી ગયેલો. આ તમામ મેળાપમાં કામ ઉપરાંતની ઘણી વાતો થતી. અરેનની ઊર્મિ એનાથી છૂપી નહોતી. ધ્યાનમાં આવતું કે અમારો મેળ ગોઠવવા જ તેણે કૉલેજનો પ્રોગ્રામ ઊભો કર્યો. મોબાઇલ સ્ક્રીન પર અરેનનું નામ ઝળકતું ને પોતાના હૈયે થઈ જતી થથરાટી તો છૂપી કેમ જ હોય!

એમાં હવે અરેનની પ્રપોઝલ, જેનો અણસાર હતો જ.

‘થૅન્કસ નીમા.’ અરેનના સાદે તે જરા ચમકી, બોલી ગઈ, ‘અરે, મેં હજુ હા ક્યાં પાડી છે?’

‘ના પણ તો નથી પાડી.’ અરેન શરારતભર્યું હસ્યો. એ સ્મિતમાં ખોવાતી નીમાએ સ્વીકારી લીધું - યસ, આઇ ઍમ ઇન લવ!

અરેનનો પ્રણય કઝિન્સથી છૂપો રહે એમ ક્યાં હતો! ધીરે ધીરે વાત પ્રસરી. બન્ને પરિવારો રાજી જ થયા. નીમાને મળી કઝિન્સ ખુશ થયેલા. નીમા પણ બહુ જલદી બધા સાથે ભળી ગઈ. દીકરાની પસંદનો માને સંતોષ હતો, અદા પણ નીમાની સંસ્કારપરખે જિતાઈ ગયેલા. અરેનને આની સંતુષ્ટિ હતી. ગોળધાણા ખવાયા પછી નીમા બેરોકટોક ઘરે આવી શકતી. ક્યારેક મોડે સુધી રોકાય ત્યારે અદા સાથે ચેસની બાજી પણ રમતી. જોકે અદાને હરાવવા મુશ્કેલ હતા, પણ રવિની એ સાંજે - 

‘અદા, આ હું શું સાંભળું છું?’

નીમા ઘરે આવી સીધી અદાના રૂમમાં ગઈ એથી અરેનનેય જરાતરા અચરજ થયેલું - એકાએક નીમાને શું થયું? તેણે એવું તે શું સાંભળ્યું?

‘એ જ કે ઘરની વહુ કામ ન કરી શકે એવો તમારો નિયમ છે?’

નીમા સહેજ હાંફી ગઈ. અરેન ફિક્કો પડ્યો. પ્રણયરાગમાં આ મુદ્દો કદી ચર્ચાયો જ નહોતો. સ્મૃતિ-જાહ્નવીભાભી પોતાની મરજીથી પ્રૅક્ટિસ નહીં કરતી હોય એવું ધારી લીધેલું નીમાએ - એ તો અદાને જાણતા એક સગા હરખ કરવા આવ્યા ત્યારે બોલી ગયા કે અજિતરાય વહુઓ પાસે કામ કરાવવામાં માનતા નથી.

‘હું તો માની ન શકી. મારા અદા આટલા સ્નેહાળ, આવા વિઝનરી, તે આટલા સંકુચિત હોય જ નહીં.’

નીમાના સ્વરમાં અદા માટે ભારોભાર આદર હતો. 

‘તેં ભલે ન માની નીમા, વાત સાચી છે. આજની પેઢીની કન્યાઓ પગભર થવાને કારણે જે રીતે આપખુદ બનતી જાય છે એનાથી સંસાર ભાંગતો વધુ જોવા મળે છે. મને એ દૂષણ મારા પરિવારમાં નથી જોઈતું.’ કુસુમફોઈનો કિસ્સો કહી અદાએ ધીરજથી સમજાવ્યું, ‘બાકી ધંધામાં ઘરની સ્ત્રીઓનાં નામ ભાગીદારીમાં લઈએ જ છીએ. તમારી આર્થિક સ્વતંત્રતા ક્યારેય જોખમાશે નહીં.’

‘સવાલ કેવળ આર્થિક સ્વતંત્રતાનો નથી, અદા... બીજે બનતા દાખલાઓને આધારે પોતાના નિયમ ઘડવામાં ક્યાં સમજદારી છે અદા? તમને તમારી વહુઓમાં વિશ્વાસ નથી?’

‘આ મામલે દલીલને અવકાશ જ નથી. અગાઉ ત્રણ વહુઓએ મારો નિર્ણય માથે ચડાવ્યો છે. મારા દીકરા માટે એમાં અપવાદ સરજું તો હું મોભી બનવાને લાયક ન ગણાઉં. તું નક્કી કરી લે. ક્યાં આ નિયમનું બંધન, ક્યાં નિર્ણયની આઝાદી.’ 

અરેન-સુનંદાબહેન હેબતાયાં. નીમાને મનાવી જોઈ, પણ વ્યર્થ!

‘તમારા આશીર્વાદ વિનાની કોઈ આઝાદી મને નહીં ગમે, અદા, આજે ફેંસલો નહીં બદલી તમે મારા માટે મૂઠીઊંચેરા બની ગયા, સાથે એ પણ સાચું કે હું તમારો નિર્ણય બદલવાની રાહ જોઈશ...’

માબાપે દીકરીને સમજાવી, સ્મૃતિ, જાહ્નવીએ અદાને મનાવવા ઇચ્છ્યા- તમે નીમાને કામ કરવાની પરવાનગી આપી દો અદા, અમને ખોટું નહીં લાગે. અરેનના સ્મિતથી કંઈ વધારે નથી અમારા માટે.

પણ માને તો એ અદા શાના? નીમા એની રીતે સાચી છે - હું કરીઅર-ઓરિયેન્ટેન્ડ નથી, પણ મારા જ્ઞાનથી સમાજને લાભ આપવાની આ વાત છે, અદા એનો કેમ ઇનકાર કરી શકે? મારા અદા આવા ન હોય, હું મારા અદાને અપૂર્ણ જોવા નથી ઇચ્છતી.

પોતપોતાની માન્યતા-સિદ્ધાંતો પર અડગ રહેનારી બે વ્યક્તિઓની મડાગાંઠનો કોઈ ઉકેલ ક્ષિતિજે દેખાતો નથી. અદાના નિયમ સામે નીમાએ વિરોધ નોંધાવતાં સગપણ મોકૂફ રહ્યું. બેમાંથી કોઈ જતું કરવા તૈયાર ન થતાં સંબંધ સ્થગિત કરવા સિવાય આરો ક્યાં રહ્યો!

આજના ગેધરિંગમાં ફરી સૌએ અદાને સમજાવી જોયા, પણ ઊલટું અદા બગડયા - કોઈ એકની જીદને કારણે પરિવારની પરંપરા નહીં બદલાય... આજકાલ કરતાં આઠ મહિના થઈ ગયા, અરેન, નીમાને કહી દેજે કે તેની પાસે વધુમાં વધુ ચાર માસનો સમય છે, હજુય ન માને તો જૂના સંબંધની વરસી વાળી હું નવી વહુરાણી ગોતી લઈશ!’

તેમના ફેંસલાએ બધાં હેબતાવેલાં, પણ એમાં અપીલને અવકાશ ક્યાં હતો?

અત્યારે વડીલો, ઋચા સૂતાં પછી કઝિન્સ ટેરેસ પર ડ્રિન્ક પાર્ટી માટે ભેગા મળ્યા એમાં ખરેખર તો અદાના નિર્ણયે મૂઢ બની ગયેલા અરેનને ધબકાવાનો હતો.

આ પણ વાંચો : કથા સપ્તાહ - જીવનજ્યોત (જલ કી ધારા - 5)

અદાએ નક્કી કર્યું છે એટલે ચાર મહિનામાં મને પરણાવ્યા વિના નહીં રહે. અદા માનતા નથી, નીમા આજે પણ નહીં માને. ખરેખર આ ઘરની વહુરાણી કોઈ બીજું જ બનશે?

ચિયર્સ કરી અરેને જામ એવી રીતે પતાવ્યો જાણે અદાના નિર્ણયનું વિષ ગટગટાવતો હોય!

(ક્રમશ:)

Sameet Purvesh Shroff columnists