કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે...)1

24 June, 2019 12:44 PM IST  |  મુંબઈ | રશ્મિન શાહ - કથા સપ્તાહ

કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે...)1

પ્રતીકાત્મક તસવીર

કથા સપ્તાહ

મહાત્મા ગાંધીએ તેમની આત્મકથાને ‘મારા સત્યના પ્રયોગો’ નામ આપ્યું છે. ચાર ભાગમાં પથરાયેલી હરિવંશરાય બચ્ચનની આત્મકથાનું નામ ‘ક્યા ભૂલું, ક્યા યાદ કરું’ છે. સુનીલ ગાવસકરની આત્મકથા ‘સન્ની ડેઇઝ’ છે અને મારી આત્મકથાનું ટાઇટલ તમે વાંચ્યું એ એટલે કે ‘હું શીલા જિતેન્દ્ર દવે...’ છે.

હા, મારું નામ શીલા જિતેન્દ્ર દવે.

કૉલેજના દિવસોમાં મને ‘શીલાજિત’ કહેતા. મને વાંધો નહોતો. કારણ એ નથી કે શીલાજિત કોને કહેવાય છે એ મને ખબર નહોતી, પણ કારણ એ છે કે, મારી પીઠ પાછળ આવું બોલવામાં આવતું. પાછળ, પીઠ પાછળ થતી વાતોનો મને કોઈ ફરક પડ્યો નથી. ફિલ્મ ‘ગુરુ’માં અભિષેક બચ્ચન કહે છે ને, ‘અગર આપ કે પીછે બાત હોને લગે તો સમજો કી તરક્કી કર રહે હો...’ અભિષેક તો હવે કહે છે, પણ હું તો વર્ષો પહેલાં આ જ ફિલસૂફીમાં માનતી. જ્યારે કોઈ તમારી સામે બોલવાની હિંમત ન કરે અને પીઠ પાછળ વાતો કરે ત્યારે ધારવું કે હવે તમારી નોંધ લેવી પડે એ તબક્કે તમે પહોંચી ગયા છો. ઍની વે, આજથી આ અને આવી બધી મારી ફિલોસૉફીથી તમે વાકેફ થશો અને સાથોસાથ હું તમને એવી વાતો પણ કહેતી રહીશ કે જે મેં કોઈને કહેવાની જરૂર નથી સમજી. એવી વાતો કે જો એ જાહેર થાય તો બોફર્સકાંડને પાછળ છોડી દે અને તેલગી કેસ લોકોને સાવ ફિક્કો લાગવા લાગે. મારી વાત, મારી જિંદગીની વાત, મારા સંઘર્ષની વાત અને આ સંઘર્ષમાંથી બહાર આવવા માટે મેં લીધા લાભની વાત. મેં લીધેલા લાભની વાત અને મારા આ લાભના બદલામાં લેવામાં આવેલો મારા ગેરલાભની વાત.

***

અમદાવાદથી જ્યારે મુંબઈ સેટલ થવાની અને સ્ટ્રગલ કરવાની વાત ઘરમાં કરી ત્યારે ઘરમાં તો જાણે કોઈ એનાકૉન્ડા છોડી દીધો હોય એવું વાતાવરણ થઈ ગયું હતું. માનું મોઢું ખુલ્લું રહી ગયું અને પપ્પાના હાથનો કોળિયો હવામાં જ છૂટી ગયો.

‘મુંબઈ... મુંબઈ જવું છે તારે એમ?’

પપ્પાની લાલ થતી આંખો સામે જોવાની મારી કોઈ હિંમત નહોતી, પણ મક્કમ થયા વિના છૂટકો પણ નહોતો. અગાઉ પણ તેમણે આવી જ રીતે લાલ આંખો કરીને અમારી બોલતી બંધ કરી દીધી હતી. મેં હા પાડી દીધી. પહેલાં મોઢું હલાવીને અને પછી મોઢેથી બોલીને પણ.

‘હા, અને આમ પણ મને ન્યુઝપેપર મોકલવા તૈયાર છે. કહે છે કે મુંબઈમાં જગ્યા છે અને જો મારી જવાની તૈયારી હોય તો તે લોકો મને મોકલવા માટે તૈયાર છે...’

‘તો કહેવાયને... સ્મશાનમાં પણ જગ્યા છે. મારા બાપને પહેલાં ત્યાં મોકલી દ્યો પછી મારો મુંબઈમાં વરઘોડો કાઢજો...’

‘તમે કારણ વિનાના વાંધાવચકા ન કાઢો...’ મારી કમાન છટકી ગઈ હતી. દરેક વાતમાં એક્સપર્ટ હોય એવી રીતે વર્તનારાઓ પર આમ પણ મારી કમાન પહેલાં છટકી જાય છે. એ દિવસે સૉરી, રાતે તો મારી પપ્પા પર ગજબનાક છટકી હતી. નાનપણથી જ તેમણે ઘરમાં એકચક્રી શાસન ચલાવ્યું હતું. કોઈ ઑપિનિયન ક્યારેય નહીં આપવાનો, કોઈએ ઑપિનિયન ક્યારેય નહીં સૂચવવાનો. બધી બાબતમાં ફાઇનલ નિર્ણય તેમનો જ ગણાય. થૅન્ક ગૉડ કે અમારે કયા સૅનેટરી નૅપ્કિન વાપરવા એ બાબતમાં મમ્મી તેમને કંઈ પૂછતી નહોતી, નહીં તો કદાચ તે એમાં પણ પોતાનું ડહાપણ અને જ્ઞાનનો પ્રકાશ પાથરી દેત.

‘તું મને કહે છે... મને કહે છે એમ?’ પછી પપ્પા અચાનક મમ્મી સામે ફર્યા, ‘આ જો, હવે તારી આ ઊગીને ઊભી થતી છોકરી મને કહે છે કે હું વાંધાવચકા કાઢું છું... બોલ, તારી આ છોકરી મને કહે છે. એક તો મારા ભાઈબંધના કહેવાથી તેને નોકરી મળી અને હવે મને કહે છે કે મને તો કંપની મુંબઈ મોકલવા પણ તૈયાર છે...’

‘પપ્પા...’

‘ના, તું પહેલાં મારી વાત...’

‘ના, તમે પહેલાં મારી વાત સાંભળો...’ મને ખબર હતી કે હવે પપ્પા કેવાં-કેવાં ત્રાગાં કરશે અને કેવી-કેવી વાતો સંભળાવીને મને મુંબઈ જતી અટકાવશે. પપ્પા પોતાના પ્લાનમાં સફળ થાય એ પહેલાં મારે આખી બાજી મારા હાથમાં લઈ લેવાની હતી. હું સોફાની ખુરશી પરથી ઊભી થઈ ગઈ, ‘...તમને ગમશે નહીં, પણ એક વાત કહીં દઉં કે મમ્મી સાથે બેસીને સાસ-બહુની સિરિયલ જોઈ-જોઈને તમે પણ પેલી ટિપિકલ ગુજરાતી બૈરા જેવા થઈ ગયા છો. ઝઘડાખોર અને કારણ વિનાના વાંધાવચકા કાઢીને આખા ઘરમાં રાજ કરનારી બૈરા જેવા...’

***

હા... હા... હા...

મારા જવાબ પછીના પપ્પાના ચહેરાના મને રીઍક્શન યાદ આવે છે ને આજે પણ મને હસવું આવી જાય છે. ખરેખર. મેં બોલવાનું પૂરું કર્યું અને પછી એકાદ મિનિટ સુધી હું પપ્પાના જવાબની રાહ જોઈને ઊભી રહી, પણ પપ્પા તો મને એકાદ સેકન્ડ માટે મમ્મીને જોઈને હાથના ઇશારા કરતા રહ્યા. તેમની પાસે કોઈ શબ્દો બચ્યા નહોતા. તે બિલકુલ સ્પીચલેસ થઈ ગયા હતા અને બસ, મારે આવી જ કોઈ મોમેન્ટનો ફાયદો ઉઠાવવાનો હતો. બાકી, તો પપ્પા વાઘ જેવા છે. જો એ રાતે મેં સામી ત્રાડ ન આપી હોત તો મને આખેઆખી ખાઈ ગયા હોત અને આજે તમે મારી આત્મકથાનાં પાનાંઓ પર અટક્યા ન હોત. અલબત્ત, ક્યારેક-ક્યારેક એવો વિચાર પણ આવે છે કે એ દિવસે જો પપ્પાની વાત સાંભળી લીધી હોત તો કેટલીયે તકલીફોનો ભેટો ન થયો હોત. ન તો મુશ્કેલીઓ ભોગવવી ન પડી હોત અને ન તો તકલીફો વેઠવી પડી હોત...

આ મુંબઈએ મને પુષ્કળ સુખ આપ્યું છે. પુષ્કળ સુખ અને થોકબંધ દુઃખ પણ. સુખ અને દુઃખનો હિસાબ કરવા બેસું તો કદાચ મારે ભગવાન પાસેથી પચીસ-ત્રીસ વર્ષ એક્સ્ટ્રા માગવા પડે. મુંબઈ આવ્યા પછી કેટલીયે વખત એવો વિચાર પણ આવી ગયો હતો કે અમદાવાદ પાછાં ચાલ્યા જવું, પણ પછી દરેક વખત એક જ વિચાર આવતો કે અમદાવાદ પાછાં ગયા પછી લગ્ન કરીને છોકરાઓ કાઢવાની ફૅક્ટરી બનવા સિવાય કોઈ કામ કરવા મળશે નહીં અને ફૅક્ટરી બનવાના વિચારના કારણે જ મુંબઈમાં ટકી રહેવાનું ઝનૂન આવી જતું હતું. આ જ ઝનૂન અને આ જ તાકાતને મારુ અસ્તિત્વ બનાવી રાખ્યું.

***

મુંબઈમાં આવ્યા પછીના શરૂઆતના દિવસો તો ખાસ કોઈ પરેશાની વિના પસાર થયા હતા, પણ એક દિવસ અચાનક જ મને ન્યુઝપેપરની ઑફિસમાંથી કહેવામાં આવ્યું કે મંદીને ધ્યાનમાં રાખીને આવતા મહિનેથી તમને છૂટાં કરવામાં આવી રહ્યાં છે. મારી સાથે શકુન સહાની, તીર્થ મેહરા, જિતેશ બાલન અને ગુજરાતી મુક્તિ પંડ્યાને પણ છૂટાં કરવામાં આવ્યાં હતાં. હવે, હવે શું કરવું એ વિશે ક્યારેય કોઈ કલ્પના પણ નહોતી કરી. નોકરી છૂટી જાય તો ઘરે પાછાં ફરી શકાય એવો કોઈ રસ્તો મેં રહેવા નહોતો દીધો. અમદાવાદ છોડીને આવ્યાને સાત મહિના થયા હતા, પણ આ સાત મહિનામાં મેં ક્યારેય ઘરે કોઈનો કૉન્ટૅક્ટ નહોતો કર્યો. સામા પક્ષે પણ એવું જ હતું. ઘરેથી પણ કોઈએ મને ફોન કરવાની દરકાર નહોતી કરી. આવા સમયે પાછા પગ કરવા તો કેવી રીતે અને પાછા પગ કર્યા પછી જવાબ પણ શું આપો.

યુ નો... ઈગો.

બ્રાહ્મણની દીકરી છું એટલે અહંનું સ્વમાન તો પહેલાં જાળવું અને એટલે જ મેં કોઈ પણ સંજોગોમાં મુંબઈ નહીં છોડવાનું નક્કી કરી હું નોકરી શોધવામાં લાગી ગઈ હતી. પત્રકારત્વ સિવાય બીજું તો કશું આવડતું નહોતું અને સાવ સાચું કહું તો કશું કરવું પણ નહોતું. પત્રકારત્વની તાકાત અને મીડિયા ફીલ્ડના ઊભા થઈ રહેલા ગ્લૅમરની ભવિષ્યમાં શું તાકાત હશે એ હું જે તે સમયે પણ બહુ બારીકાઈથી જોઈ શકતી હતી. એ જ કારણોસર મેં ગમે તે ભોગે જર્નલિઝમ ફીલ્ડમાં જ ટકી રહેવાનું નક્કી કરી લીધું હતું. કાળ કપરો હોય ત્યારે સરળતા પણ આકરી લાગતી હોય છે. મારી સાથે પણ એવું જ થઈ રહ્યું હતું. શકુનની સાથે રૂમ શૅર કરતી હતી, પણ શકુને નક્કી કરી લીધું હતું કે તે ચંડીગઢ પાછી ચાલી જશે. હવે હૉસ્ટેલમાં રહેવા સિવાય કોઈ ઉપાય નહોતો. બે મહિના હૉસ્ટેલમાં રહી, પણ એ બે મહિના દરમ્યાન પણ જૉબ ન મળી એટલે છેવટે એક ચાલમાં રહેવા ગઈ. ચાલમાં પંદર બાય પંદરની એક ઓરડી અને આ એક ઓરડીમાં કુલ છ છોકરીઓ રહે છે. ચાલની બાવીસ રૂમના છેવાડે ટૉઇલેટ હતાં. નિયમિત જે સમયે કુદરતી હાજત લાગતી હોય એ સમયથી પોણો કલાક પહેલાં લાઇનમાં ઊભાં રહીએ તો વાંધો ન આવે. બાકી, તમારાથી તમારી કુદરતી હાજત ન દબાવી શકાય તો બધા વચ્ચે શરમ મૂકીને આગળ વારા માટે વિનંતી કરવાની. મેં આ દિવસો લગભગ સાતેક મહિના કાઢ્યા. આ સાત મહિના દરમ્યાન ન સમજાય એવી મનોદશા ભોગવી અને કેટલીયે વખત જુહુના દરિયામાં ઝપંલાવીને સુસાઇડ કરવાનો વિચાર પર કરી લીધો. મેં આગળ કહ્યું એમ, જ્યારે કાળ કપરો હોય ત્યારે સરળતા પણ આકરી લાગતી હોય છે.

નોકરી મળતી નહોતી અને દોસ્ત બની ગયેલી ચાલની બાકીની ફ્રેન્ડ્સ પાસેથી ઉછીના લીધેલા પૈસા પાછા આપવા માટેના ખોટા જવાબો પણ હવે ખૂટી ગયા હતા. આજે તમને પહેલી વખત કહું છું, કોઈને ખબર નથી, પણ હકીકત એ છે કે એ દિવસોમાં મને ઉધારી વધુ વખત ટકી રહે એ માટે મારી જ કહેવાતી ફ્રેન્ડ્સ મારી પાસે માસ્ટરબૅશન કરાવતી. માસ્ટરબૅશન એટલે કે હસ્તમૈથુન... મુંબઈમાં સર્વાઇવ કરવા માટે, મુંબઈમાં ટકી રહેવા માટે, માયાનગરી મુંબઈની માયા અકબંધ જાળવી રાખવા માટે મેં તેમણે જ કંઈ કરાવ્યું, જે કંઈ કહ્યું એ કરી આપ્યું.

શરૂઆતમાં સંકોચ સાથે અને પછી આ સંકોચને સંઘર્ષનું રૂપાળું ગર્વિષ્ઠ નામ આપીને. સંઘર્ષના આ દિવસો દરમ્યાન મફતનું જમવા માટે હું પાર્ટીમાં જનારી કંપનીઓ શોધતી ફરતી. મારી સાથે રૂમમાં એક સ્ટ્રગ્લર મૉડેલ પર રહેતી હતી. એક રાતે તેણે કોઈ પાર્ટીમાં જવાનું હતું. અગાઉ હું ત્રણેક વખત તેની સાથે પાર્ટીમાં ગઈ હતી. તેનો અને મારો પાર્ટીમાં જવાના હેતુઓ અલગ-અલગ હતા, પણ એ રાતની પાર્ટીના કારણે મારો હેતુ પૂરો થયો હતો. એક સક્સેસફુલ જિંદગીની શરૂઆત એ દિવસથી થઈ.

એ દિવસે, સૉરી રાતે, પાર્ટીમાં મને એન. કે. મેહરા મળ્યા.

એન. કે. મેહરા.

નારાયણ કૃષ્ણ મહેરા. ચીફ સેક્રેટરી, મહારાષ્ટ્ર...

***

એ રાતે થયેલી એન. કે. મેહરા સાથેની દોસ્તી આગળ વધશે એની મને ખાતરી હતી. સામાન્ય રીતે રાતે પાર્ટી પૂરી થયા પછી હું અને મારી સ્ટ્રગ્લર દોસ્ત બંને સ્ટેશને પહોંચવા માટે ટૅક્સીની રાહ જોઈને ઊભાં હતાં ત્યાં જ અમારી પાસે હૉન્ડા સિવિક કાર આવીને ઊભી રહી. અમને એમ કે કોઈ પૈસાદાર પપ્પુ અમને સેક્સવર્કર માનીને અમારી પાસે ઊભો રહી ગયો હશે. મારા મોઢામાંથી તો સાવ દેશી, મા-બહેનસમાણી ગાળ બહાર આવવાની તૈયારી જ હતી ત્યાં જ સિવિકની પાછળની સીટની વિન્ડોનો ગ્લાસ નીચે આવ્યો અને અંદરથી એન. કે. મેહરાનો ચહેરો બહાર આવ્યો.

‘કૅન આઇ પાસ યુ લિફ્ટ...’

***

અનુરાગ મહેતાએ હાથમાં રહેલી ડાયરી છાતી પર મૂકીને આંખ પરથી ચશ્માં ઉતાર્યાં.

ધાર્યુ નહોતું એવી રીતે તેને આ ડાયરી મળી હતી.

હજુ ગઈ કાલે તો આખું ઘર સાફ કર્યું હતું અને ત્યારે ડાયરી ક્યાંય દેખાઈ નહોતી અને આજે સવાર સાવ અચાનક જ બેડરૂમના અંદરના ખાનામાંથી ડાયરી મળી આવી હતી. એ ખાનામાંથી જે ખાનામાં સામાન્ય રીતે બૈરાઓ તેના સોનાના દાગીના મૂકતી હોય છે.

અનુરાગે આંખ ચોળીને ફરીથી ચશ્માં પહેર્યાં અને પછી આખા બેડરૂમમાં નજર કરી.

હજુ પંદર દિવસ પહેલાં જ ફ્લૅટનો સોદો કર્યો હતો. આજુબાજુવાળાઓનું કહેવું હતું કે આ ઘરમાં રહેતી શીલા જિતેન્દ્ર દવે નામની પત્રકારનું ખુન થયું હતું. પડોશીઓ પાસેથી શીલા નામની મહિલા વિશે સાંભળ્યા પછી અનુરાગે એસ્ટેટ બ્રોકરને આ બાબતમાં પૂછી લીધું હતું.

‘વાત સાચી, પણ હકીકત એ છે કે પડોશીને આ ફ્લૅટ નાખી દેવાના ભાવે જોઈતો હતો એટલે... બાકી મૃત્યુ તો ગમે ત્યાં અને ગમે તે રીતે આવી જાય...’

‘વાંધો નહીં, પણ એક વાત સાંભળો... ફ્લૅટમાં જે ફર્નિચર પડ્યું છે એ હવે રહેવા દેજો... આમ પણ બાકી એ ભંગારમાં જ આપવાનું છેને.’

એસ્ટેટ બ્રોકરે થોડીક દલીલ કરી હતી, પણ જિતેન્દ્ર દવેએ કોઈ વાંધો ઉઠાવ્યા વિના હા પાડી દીધી હતી અને અનુરાગને બહુ સરળતાથી બે ટેબલ, એક કબાટ, ડબલ બેડનો એક બેડ અને ડાઇનિંગ ટેબલ મળી ગયાં હતાં. બસ આટલું જ મળ્યું હતું?

આ પણ વાંચો : કથા સપ્તાહ : અગ્નિપરીક્ષા (5)

ના, આટલું જ નહીં. આ બધા સામાનની સાથે અહીં રહેનારી શીલા દવેની ડાયરી પણ. શીલાના શબ્દોમાં કહીએ તો તેની આત્મકથા પણ. અનુરાગે ફરીથી ચશ્માં આંખે લગાડીને છાતી પરથી ડાયરી હાથમાં લીધી. (વધુ આવતી કાલે)

Rashmin Shah columnists