કથા સપ્તાહ : બાઝી (જાને ક્યા બાત હૈ – 5)

22 April, 2019 03:30 PM IST  | 

કથા સપ્તાહ : બાઝી (જાને ક્યા બાત હૈ – 5)

બાઝી

‘આ શું થઈ ગયું?’

અમૃતભાઈએ ધગધગતો નિ:સાસો નાખ્યો. નિહારિકાબહેને તેમની પીઠ પસવારી.

ખરેખર જે બન્યું એ આઘાતજનક એટલું જ અણધાર્યું હતું. કલાકેક પહેલાં લજ્જાનો અમૃત પર ફોન આવ્યો, તેણે અર્ણવને લકવો લાગ્યાનું કહ્યું એ માનવું મુશ્કેલ લાગ્યું હતું, પણ સિટી હૉસ્પિટલના આઇસીયુમાં અર્ણવને ભાળી હેબતાઈ જવાયું.

અર્ણવનું આખું શરીર ચાદરમાં સમાયું હતું. ચહેરો જમણી બાજુ ઢળી ગયેલો. તેના મોંમાંથી વહેતી લાળ જોઈ અમૃત ભાંગી પડેલા, માની જેમ અર્ણવનીયે કેવળ પાંપણ હાલે છે એ સમાનતા મનેય કંપાવી ગયેલી. ડૉક્ટર રજા આપતાં તોય ત્યાં ઊભા ન રહેવાત. એટલું સારું છે કે અર્ણવના સુપર સ્પેશ્યલ આઇસીયુમાં અટૅચ્ડ રૂમ છે. અહીં બેસી કાચના પા‌‌‌ર્ટિશનની બીજી બાજુ અર્ણવને જોઈ તો શકાય છે. એક નર્સ તેની સંભાળમાં ખડે પગે છે.

અર્ણવ કદી મારા માનમાં ચૂક્યો નથી. નવા સંસારમાં મને પૂરતી સ્પેસ મળે એની ચીવટ રાખી એટલે લાગણીનો તંતુ તો ખરો. લજ્જા, લજ્જા તું આ શું કરી ગઈ! અર્ણવને તારા વેરનું નિશાન બનાવ્યો? તેને લકવો લગાડનારીએ કોઈક રીતે અર્ણવને હૉસ્પિટલ પહોંચાડ્યો એમાં દયા નહીં, અર્ણવ મૃત્યુ ન પામે, રિબામણીભરી જિંદગીમાંથી છટકી ન જાય એની તકેદારી હોવી જોઈએ.

શા માટે અમે તેને વિસારે પાડેલી! જેલમાંથી છૂટી તે બદલો લેશે જ એવું કદી સૂઝ્યું પણ નહીં? આખરે તે પોતે તો જાણે જ છે કે સુભદ્રાને તેણે નથી મારી –

‘આપણું પાપ મારા દીકરાને ડંખ્યું.’ અત્યારે ગરદન ઝુકાવી બોલતાં પોતાના શબ્દો ડઘાવી ગયા.

પાપ. નિહારિકાબહેન આંખો મીંચી ગયાં. બધું યાદ છે, કશું ભુલાયું નથી.

મંગેતરે ધોકો આપ્યો, પછી લગ્નની દિશામાં જોવાનું મૂકી પોતે એવી જૅબ પસંદ કરી જ્યાં કન્યાઓના ઉદ્ધારનું કામ કરવાનું થાય. ‘દેવીબહેન મહેતા’ આશ્રમમાં જોડાયાં ત્યારે તો ખાસ્સી પરિપક્વતા કેળવાઈ ચૂકેલી. ઘણી નવી પહેલ પોતે કરી. ટ્રસ્ટીઓનો વિશ્વાસ જીત્યો. આમાં અમૃતભાઈ પહેલેથી નિરાળા લાગ્યા. દાદા-દાદીની જન્મજયંતીએ નિયમિત ડોનેશન કરતા અમૃતભાઈ પછીથી ટ્રસ્ટીમંડળમાં જોડાતાં મળવાનું વધતું ગયું. પોતે એકાદ બે વાર તેમના બંગલેય ગયેલાં. અર્ણવને જોકે અલપઝલપ જોયેલો, સાલસ સ્વભાવનાં સુભદ્રાદેવી આગતાસ્વાગતામાં ચૂકતાં નહીં. મારા આગ્રહે એક વાર તેઓ પતિ સાથે એન્યુઅલ ડે ઇવેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલાં.

ત્યારે ક્યાં જાણ હતી કે આ સ્ત્રીનું સુખ ઝૂંટવવાનું મારા નસીબમાં લખાયું છે!

ટ્રસ્ટીમંડળે ગુજરાતમાં બીજો આશ્રમ કરવો હતો. એ માટે જુદા-જુદા ટ્રસ્ટીઓ સાથે ગુજરાતની અલગ-અલગ જગ્યાએ જવાનું બનતું. આમાં એક વાર અમૃતભાઈ મારી જોડે આવ્યા.

વરસાદના દિવસો. વડોદરા શહેર. પ્લૉટ જોવા ગયેલાં અમે અચાનક ત્રાટકેલા ઝાપટામાં ભીંજાયા. ચીપકી ગયેલાં વસ્ત્રોમાં ઊઘડતી મારી દેહલતા અમૃતમાંના પુરુષને જાગ્રત કરી ગઈ, ભીની મોસમમાં તેમના સહેવાસ માટે હું તડપી ઊઠી. કોણે ક્યાં પહેલ કરી એ અગત્યનું ન રહ્યું, બસ કામના આવેગમાં અમે તણાતાં ગયાં - સાવ જુવાનિયાની જેમ.

એ એક રાત પછી સંસારી પુરુષ સાથેના સંબંધમાંથી પાછાં વળવા જેવું ન રહ્યું… અમૃતની દશા પણ લોહી ચાખી ગયેલા વાઘ જેવી હતી. અમે તનમેળ યોજતાં રહ્યાં. અલબત્ત, મુંબઈ બહાર. અમૃત ઝવેરાતના સોદા માટે ક્યાંક ગયા હોય એ શહેરમાં હું જુદા કોઈ બહાને પહોંચી જતી. પછી એ કેવળ જિસ્મની જરૂરત ન રહી, દેહનો સંબંધ પ્રણયના ઠેકાણા સુધી પહોંચી ચૂકેલો. અલબત્ત, એ સમજ સાથે કે અમૃતના દેખીતા સંસારમાં એથી ક્યારેક ભંગાણ ન પડે, સુભદ્રા-અર્ણવને અમૃત ત્યજી ન શકે, એવું હુંય ક્યાં ઇચ્છતી હતી?

જોકે, અર્ણવના વેપારમાં જોડાયા બાદ તે અમૃત સાથે જતો હોય એટલે અમારે બ્રેક પાડ્યા વિના છૂટકો ન હોય. આવામાં અમૃત કદી આશ્રમે આવવાના હોય ત્યારે એવો તો ઉમળકો થતો કે ખુદને શણગાર્યા વિના ન રહેવાય. લજ્જા જેવીના ધ્યાનમાં આવે તો તેને નવાઈ પણ લાગતી. અમૃત જોકે ગરવાઈ જાળવી રાખતા. પહેલી વાર અર્ણવને આશ્રમમાં મળવાનું બન્યું ત્યારેય અમૃત એવા ઠાવકા રહેલા કે કોઈને ગંધ ન આવે!

જોકે અમે ભૂલ્યા કે સત્ય સદા માટે ઢંકાયેલું પણ રહેતું નથી! અમારા મિલનમાં પડતા અંતરે પાણીનો પ્યાસો ખાબોચિયું જોઈને બહાવરો બની જાય એવું કંઈક બન્યું.

રવિવારનો એ દિવસ. અર્ણવ ધંધાના કામે બહારગામ હતો, સુભદ્રાને મહિલામંડળની મી‌ટિંગ હતી. ઘરનો નોકરવર્ગ પણ બપોરની વેળા ઊંઘી ગયેલો. એ સમયે ખરે જ મારે અમુક કાગળિયાં પર ટ્રસ્ટીઓની સહી લેવાનું બનતાં અમૃતના ઘરે જવાનું બન્યું. મેદાન સાફ જોઈ હૈયું હાથ ન રહ્યું. પહેલી વાર હું અમૃતના બેડરૂમમાં પહોંચી...

- અને દસમી જ મિનિટે રૂમનો દરવાજો ખોલી સુભદ્રાએ અમને ફિઝિકલ થતાં ઝડપી પાડ્યાં!

બાપ રે! તમાશો થાય એ પહેલા પર્સ લઈ હું એવી તો છટકી.

પણ પછી પતિ-પત્ની વચ્ચે બંધબારણે બહુ મોટો ઝઘડો જામ્યો. મંડળની મીટિંગમાં અનઇઝીનેસ જણાતાં કામકાજમાંથી પાછાં વળેલાં સુભદ્રા માટે પતિનું સ્ખલન અક્ષમ્ય હતું.

‘તમે મને આ હદે છેતરી શકો અમૃત?’ બબ્બે વરસથી અમારું રિલેશન છે એ જાણી તેમનું મગજ ફાટફાટ થતું હતું.

ગિન્નાયેલા દુભાયેલાં સુભદ્રા કંઈ પણ કરી શકત, પણ કુદરત અમારી ફેવરમાં થઈ. ઑલરેડી અસ્વસ્થ સુભદ્રાનું આ તનાવમાં શુગર લેવલ એકદમ ડાઉન થઈ ગયું કે શું, તે ઢળી પડ્યાં - તેમને લકવો લાગી ગયો!

અત્યંત તાણભર્યા કલાકો પછી અમૃતે જાણ કરી ત્યારે પહેલાં તો હાશકારો જ થયો હતો - હવે સુભદ્રા અમારો ભેદ કોઈને કહેવા નહીં પામે!

દીકરાને તેડાવી અમૃતે કુશળતાથી પરિસ્થિતિ સંભાળી, મારા આગમનને નેપથ્યમાં રાખ્યું. અમૃતને જોકે પત્નીની ચિંતા હતી. અર્ણવ સાથે તેની સારવાર માટે મથ્યા એમાં બનાવટ નહોતી, પણ તેની હાલતમાં કોઈ સુધારો થયો નહીં. જોકે આજે બોલી નહીં શકતી કાલે સાજી થઈ અમારો ભેદ ખોલી દે તો! મેડિકલ સાયન્સમાં આવો ચમત્કાર આવતી કાલે થાય પણ ખરો. એના કરતાં મરવાના વાંકે જીવી રહેલી સુભદ્રાને મોક્ષ આપી એનું સ્થાન હું લઈ લઉં તો!

મારી અબળખાઓ આભ આંબવા લાગી. અમૃતથી આનો ઇનકાર ન થયો. એનું કારણ હતું. બોલી નહીં શકતી સુભદ્રાની આંખો તેમને વઢતી, દીકરાને કહી દેવાનો સંદેશ પાઠવતી. અરે દેખાડા ખાતર હું ખબર કાઢવા જાઉં તો કેવી ભાવશૂન્યતા જોવા મળે, જે મને અને તેને જ પરખાય... એના કરતાં સુભદ્રા જ ન રહે તો અમે લાઇફમાં મૂવઓન કરવાના બહાને એક તો થઈ શકીએ!

અલબત્ત, પથારીવશ સુભદ્રાને ખતમ કરવી મુશ્કેલ નહોતી, પણ તેને મારી અમારે જેલ નહોતું જવું એટલે કોઈ પ્યાદાની જરૂર વર્તાતા મારા ધ્યાનમાં આવી લજ્જા!

મર્સી કિલિંગની તેની માનસિકતા જાહેર છે, એ અમારું ટ્રમ્પ કાર્ડ બનશે. તેને સુભદ્રાની સારવારમાં મૂકી હોય અને પછી એ જ ઝેર દઈ સુભદ્રાને મોક્ષ આપી દે છે એવો કારસો રચવામાં અમે ધરાર સફળ નીવડ્યાં.

ધાર્યા પ્રમાણે લજ્જા સુભદ્રાની ચાકરીમાં ગોઠવાઈ ગયેલી. દરમ્યાન અર્ણવને વિદેશ જવાનું બન્યું. તેની ગેરહાજરીમાં જ કામ પાર પાડી દેવાનું હતું. સ્ટાફનાં લગ્નના બહાને નોકરવર્ગને અમૃતે છુટ્ટી દઈ દીધેલી.

- અને એ અડધી રાત્રે અંતરાત્મા પર વીંટો વાળી અમૃત પત્નીના રૂમમાં પહોંચ્યા. ઝેરી પ્રવાહી ઇન્જેક્શન વાટે બાવડામાં ઉતાર્યું તોય સુભદ્રા ઝબક્યાં સુધ્ધાં નહોતાં. તેમને સંવેદના જ ક્યાં હતી? એ જાગી જાય એ પહેલાં પસીને રેબઝેબ અમૃત તેમના રૂમમાં પહોંચી ગયેલા. સવારે તેમનું ધ્યાન લજ્જાની ગતિવિધિમાં જ હતું. તે રસોડામાં જતાં ઝેરની શીશી, સિરિંજ તેના સામાનમાં છુપાવી પોતના રૂમમાં જઈ ગ્લવ્ઝ ફાડી ફલશમાં વહાવી દીધા...

પછી સુભદ્રાના ‘ખૂન’થી લજ્જાની સજા સુધીનો તબક્કો હેમખેમ વીત્યો.

ના, એવું નહોતું કે સુભદ્રાને મારી અમૃત ખુશ થયા હોય. એની પાછળ વહાવેલાં અશ્રુમાં બનાવટ નહોતી, પણ બીજી બાજુ પોતાનું નામ બચાવવા, મને પામવા જે કર્યું એનો પસ્તાવો પણ નહોતો.

દરમ્યાન મેં અમૃત-અર્ણવ-ઘરની કાળજી રાખવા માંડેલી. વરસ પછી અમે પરણ્યાં એ સમાજમાં બહુ સ્વાભાવિક જણાયેલું. ખુદ અર્ણવ અમારાં લગ્નમાં હાજર રહેલો. દીકરાની અમૃતને કન્સર્ન. મનેય ક્યાં તે અળખામણો હતો? ઇન ફૅક્ટ પોતે આ દસ વરસમાં તેનાં લગ્ન માટેય ઘણું મથ્યા, પણ એ ટાળી જતો.

અને હવે તો જેલમાંથી છૂટેલી લજ્જાએ એવો કેર વર્તાવ્યો છે કે કોણ તેને પરણવાનું!

‘કુદરત કોઈને છોડતી નથી, નિહારિકા.’

પતિના નિ:સાસાએ નિહારિકાબહેન ઝબક્યાં. વર્તમાનમાં આવ્યાં.

‘પણ મારાં પાપોની સજા મારા દીકરાને શું કામ?’

અમૃતભાઈની વિવશતા પોકારી ઊઠી. તેમને વારવા જતાં નિહારિકાબહેનને પણ એમ થયું કે અત્યારે અમે બે એકલાં છીએ તો ભલે તેમનો ઊભરો નીકળી જતો. પા‌‌‌ર્ટિશનની બીજી બાજુ નર્સ સાંભળી શકવાની નથી, ને અર્ણવ તો બિચારો...

‘મેં આપણો સંબંધ જાણી જનારી સુભદ્રાને મારા હાથે મારી નાખી, ને નિર્દોષ બિચારી લજ્જાને એમાં ફસાવી, એનો બદલો આ રીતે લીધો કુદરતે!’

અમૃતભાઈ કહેતા રહ્યા, રડતા રહ્યા.

‘બસ કરો પપ્પા.’

ત્રાડ જેવા અર્ણવના અવાજે બેઉ ચોંક્યાં. છતમાં જડેલા સ્પીકર પર નજર ગઈ. પા‌ર્ટિશનની બીજી બાજુ બેડ પરથી ઊભા થતાં અર્ણવને ભાળી આંખો ફાટી ગઈ - આ બધું શું છે?

‘ટ્રેપ’ અર્ણવ સાથે હવે આ તરફ આવતી નર્સના જવાબથી વધુ તેની ઓળખે ફાળ પડી. પા‌ર્ટિશન તરફ પીઠ ફરીને બેઠેલી નર્સ હવે ઓળખાઈ - આ તો લજ્જા!

અમૃતભાઈ ધ્રૂજ્યા. નિહારિકાબહેન ફસડાઈ પડ્યાં. ઇટ્સ ઑલ ઓવર!

***

હે રામ!

અર્ણવે લજ્જાના છૂટવાના ખબર રાખેલા. પુણે જઈ તેણે લજ્જાને ઉઠાવી, કેમ કે માના ખૂનની તેને મળેલી દસ વરસની સજા અર્ણવ માટે પૂરતી નહોતી.

પણ લજ્જા પાસે અમને ખૂની ધારવાનાં પોતાનાં કારણો હતાં, તેની દરેક તારવણી સાચી હતી. અર્ણવ પાસે તેણે એક તક માગી. અર્ણવે ચોવીસ કલાકની મુદત આપતાં લજ્જાએ પ્લાન માટે ઝાઝું વિચારવું નહોતું પડ્યું.

‘તમને ખબર છે, અર્ણવ, શરીરની કોઈ નસ દબાવો તો પૅરૅલિ‌સિસ થઈ જાય?’ પૂછી એણે અર્ણવની પીઠ પર આંગળી ફેરવી દબાણ આપ્યું.

‘મતલબ, તું મને પૅરૅલાઇઝ્ડ કરવા માગે છે?’ અર્ણવને ઝબકારો થયો.

‘આટલી એક બાજી મારા માટે રમી જુઓ અર્ણવ...’

તેની વિનવણી ઠુકરાવી ન શકાઈ. સિટી હૉસ્પિટલમાં અર્ણવ મોટું ડોનેશન દેતો એટલે મુખ્ય ડૉક્ટરને મળી, ખાસ કશું કહ્યા વિના આખો સેટ-અપ ઊભો કરવાની મંજૂરી મળી ગઈ. અર્ણવ-લજ્જા તેમના રોલમાં ગોઠવાયાં ને આખા નાટકને સાચું માની અમે જે કબૂલાતો કરતાં ગયાં એ અહીં છુપાવેલા માઇક્રોફોન દ્વારા બાજુમાં સંભળાતી હતી, રેકર્ડ થઈ અને આ જુઓ હવે તો પોલીસ પણ આવી પહોંચી!

અમૃતભાઈ તો નિ:શબ્દ બની ગયા, પણ નિહારિકા અર્ણવ-લજ્જાની માફી માગી ઘણું કરગરી, ખાનદાનની બદનામીની દુહાઈ દીધી.

‘એક નિર્દોષ યુવતીને કેવળ તેના એક દૃ‌ષ્ટિકોણ માટે ખૂનમાં ફિક્સ કરવાની માફી માગો છો, મૅડમ?’ અર્ણવના સ્વરમાં ધાર ભળી, ‘મારી માનું સ્થાન ઝૂંટવવાની માફી માગો છો? માને લકવો લાગ્યો એ ઘટના કુદરતી ભલે હોય, એમાં નિમિત્ત તો તમે બેઉ બન્યાં જ ને. કેટકેટલા ગુનાની માફી આપું? દસ-દસ વરસથી મારી માનો આત્મા મને પોકારતો રહ્યો - એ આ ઘડી માટે. તમને માફ કરી મારે તેના ગુનેગાર નથી બનવું.’ તેણે લજ્જા તરફ હાથ લંબાવ્યો, ‘ચાલ, લજ્જા આ ફરેબીઓની દુનિયામાંથી.’

લજ્જાએ હાથ પરોવામાં દેર ન કરી. આ બંધન હવે સાત જનમોનું રહેવાનું!

હાથકડીમાં જકડાયેલા પિતા પાસે તે પળ પૂરતો ઊભો રહ્યો. તેની દૃ‌ષ્ટિ ઝેલવાની હામ નહોતી અમૃતભાઈમાં.

‘શેઇમ ઑન યુ. કાયદો તો તમને જે સજા આપે એ, આજથી હું કેવળ સુભદ્રાનો દીકરો, તમારી સાથે મને સ્નાનસૂતકનો સંબંધ નહીં!’

કહી તે સડસડાટ લજ્જા સાથે નીકળી ગયો. તેમના મેળનો અચંબો પણ ન રહ્યો.

અમૃતભાઈની પાંપણે બે બુંદ જામી. આજે સર્વ કંઈ ખતમ થઈ ગયું. હળવો નિસાસો નાખી તેમણે દીકરા પાછળ હાથકડીવાળા હાથ ઊંચા કર્યા - સુખી રહેજે દીકરા!

પછી નિહારિકાને કહ્યું - ચાલો, દરેક ગુનાની સજા આ જ જન્મમાં ભોગવી લઈએ! નિહારિકા બીજું કહી-કરી પણ શું શકે?

લજ્જાએ સ્મૃતિમંદિરમાં દીવો કર્યો. એની પીળી જ્યોતમાં હજી થોડી વાર પહેલાં અર્ણવે પૂરેલું સિંદૂર ઝળહળી ઊઠ્યું.

થોડા કલાક પહેલાં હૉસ્પિટલમાં ઘટેલી ઘટના બ્રેકિંગ ન્યુઝ બની સમાજમાં પ્રસરી ગઈ હતી. સર્વત્ર અમૃત-નિહારિકાનું થૂ-થૂ થઈ રહેલું.

પણ હવે એ બધાથી અલિપ્ત થઈ બે જીવ સ્મૃતિમંદિરમાં માની ઓથમાં બેઠા છે.

‘આવો અર્ણવ, હું તમને સુવડાવી દઉં.’

લજ્જાએ ખોળો ધર્યો. અર્ણવે માથું મૂક્યું અને વરસોની અનિદ્રાનું સાટું વાળતો હોય એમ ઘસઘસાટ ઊંઘી ગયો. આજે મા દેખાઈ, પણ આશિષ વરસાવતી.

આ પણ વાંચો : કથા સપ્તાહ : બાઝી (જાને ક્યા બાત હૈ – 4)

અર્ણવની નીંદર ગાઢી થઈ, ને પિયુનું સોહામણું મુખ ચૂમતી લજ્જાએ પાર ઊતરવાનો સંતોષ અનુભવ્યો.

(સમાપ્ત)

Sameet Purvesh Shroff columnists