કથા સપ્તાહ : બાઝી (જાને ક્યા બાત હૈ – 2)

16 April, 2019 01:20 PM IST  | 

કથા સપ્તાહ : બાઝી (જાને ક્યા બાત હૈ – 2)

બાઝી

કાલે હું તીનસૌ છે નહીં હોઉં. જેલની કોટડીમાં બેઠેલી તેણે ઊંડો શ્વાસ લીધો - કાલથી હું હોઈશ લજ્જા.

‘અરે, લજ્જા...‘ દૂર કાળનાં પડળ વીંધતી બૂમ સંભળાઈ. લજ્જાની સમક્ષ દૃશ્યપટ્ટી ઊપસી આવી.

‘અરે, લજ્જા...‘

નિહારિકાબહેને કૅબિનમાંથી બૂમ મારી. બીજી મિનિટે બહાર ઝાડુ વાળતી લજ્જા સાવરણો મૂકી હાજર, ‘બોલો બહેન.’

બાળપણમાં માબાપ ગુમાવી દેનારી લજ્જા અંધેરીમાં તેનાં નાના-નાની પાસે ઊછરી. સંસારમાં બીજું હતું પણ કોણ? જોકે લજ્જા દસ વરસની થતાં સુધીમાં નાનાજીનો દેહાંત થતાં મહાશ્વેતાનાની ભાંગી પડેલાં. દમની બીમારીથી આમેય ત્રસ્ત. પૈસાની ખેંચ. એમાં દવાદારૂનો ખર્ચો પોષાય પણ કેમ! ભાડાના ઘરમાં ઝાઝી ઘરવખરી રહી નહીં. મકાનમાલિકનો મુનિમ રોજ માથું ખાતો - આ મહિને ભાડું ન ભર્યું તો ઘરની બહાર!

નાની કરગરતાં એમાં એક વાર તે બોલી ગયો - નાખ તારી નાતીનને આશ્રમમાં ને તું તો ભીખ માગી ગુજરબસર કરી જ લઈશ, ડોશી!

નાનીએ માઠું ન લગાડ્યું. બલકે મુનીમના ગયા બાદ તેમણે ઈશ્વરની છબી સમક્ષ ખુશીથી હાથ કેમ જોડેલા એ લજ્જાને ત્યારે નહોતું સમજાયું.

એનો ફોડ અઠવાડિયા પછી પડ્યો. એ રાત્રે નાની સૂતાં એ ઊઠ્યા જ નહીં. સૂતાં પહેલાં કેટલું વહાલ કરેલું - તું તો બહાદુર બચ્ચી છે, લજ્જા, કાલે હું ન રહું તો રડતી નહીં, તારા માથે છત્રનો બંદોબસ્ત કરતી જાઉં છું...

‘નાની, તું ક્યાં જવાની?’ દસ વરસની બાળકીએ ચિંતાથી પૂછેલું.

નાનીને દમનો ઊથલો આવ્યો - જવાબ ન આપવો હોય એટલે, કે પછી સાચે જ. પણ એ રાત્રે પહેલી વાર એવું બન્યું કે નાનીની ખાંસીએ ઊથલો ન માર્યો હોય!

સવારે નાનીને ચત્તીપાટ પડેલી જોઈ ધ્રૂજી જવાયું, મોંમાંથી નીકળેલા ફીણે ગભરાવી મૂકી - ના...ની!

તેણે આજુબાજુવાળાને ભેગા કરી દીધા. બેચાર મિનિટમાં ટોળું જામી ગયું.

‘અરેરે. તારી નાનીએ ઝેર પી લીધું! જો, પાડોશીઓ જોગ ચિઠ્ઠી લખી ગઈ કે હું મારી મરજીથી શરીરથી છૂટી થાઉં છું. મારી લજ્જાને ચર્ની રોડના કન્યાઆશ્રમમાં ભરતી કરજો, મેં એની ભાળ કઢાવી છે, ત્યાં લજ્જા સુરક્ષિત રહેશે એવો મને વિશ્વાસ છે... 

અને બસ, નાનીના અગ્નિદાહ પછી લજ્જા ‘દેવીબહેન મહેતા’ કન્યા આશ્રમમાં આવી એ આવી!

લગભગ એ જ અરસામાં અહીં સંચાલિકા તરીકે જોડાયેલાં નિહારિકાબહેને તેને હૂંફથી જાળવી.

લજ્જા ટકી ગઈ. ધબકતી થઈ. ધીરેધીરે સમજાયું કે અહીં ઘણી છોકરીઓને તો તેમનાં મૂળ-કુળની ખબર નથી હોતી. મને એવું તો દુ:ખ નથી! તેણે મન મનાવી લીધું. આશ્રમના નીતિનિયમ અપનાવી લીધા.

ત્રણ માળનાં ત્રણ મકાન ઉપરાંત નિવાસી શાળા અને સંચાલિકાનાં ક્વૉર્ટર સહિતની સગવડ ધરાવતું કૅમ્પસ હરિયાળું હતું. શિસ્તપ્રિય નિહારિકાબહેન રિટાયર્ડ થયેલા વનલતાબહેન કરતાં વધુ ‌સ્ટ્રિક્ટ હોવાનું સિનિયર ગર્લ્સ કહેતી એમ તેઓ મમતાળુ હોવાનું પણ કબૂલતી.

આશ્રમમાં આવ્યાં ત્યારે ત્રીસેક વરસનાં નિહારિકાબહેન અપ‌રિણીત હતાં. ખરેખર તો તેમની સગાઈ થયેલી, પણ પછી તે પુરુષ બીજી જ સ્ત્રીને ભગાડી લઈ ગયો પછી તેમણે એ દિશામાં વિચારવાનું જ માંડી વાળેલું. જાતઅનુભવની કડવાશ તેમના વદનમાંથી છલકાતી નહીં. આશ્રમના ઉત્થાન માટે તેમણે ઘણાં પગલાં લીધાં. કન્યાઓને સ્વરક્ષણની તાલીમ શરૂ કરાવી, આશ્રમના સ્થાપના દિનને કલ્ચરલ ઇવેન્ટ તરીકે ઊજવવાની પ્રથા પાડી. તેમના વિઝનનો લાભ કન્યાઓને મળતો થયો. લજ્જા એનું શ્રેષ્ઠ ઉદાહરણ હતી.

ભણવામાં તે હોશિયાર હતી. કામકાજમાં પાવરધી. અહીં કન્યાઓને વિવિધ હુન્નર શીખવાડાતા, એમાંય તે પ્રવીણ.

‘ઈશ્વર કંઈક લે છે તો અનેક ઘણું આપે છે.’ નિહારિકાબહેન લજ્જાનું રિપોર્ટકાર્ડ જોઈ ટીચર્સને કહેતાં, ‘તેની નાની બિચારીએ સુસાઇડ કર્યું, પણ છોકરીનો ભવ સુધારતી ગઈ.... હા, આપઘાતનો દાખલો ખોટો બેસાડ્યો.‘

‘હું નથી માનતી મારી નાનીએ કંઈ ખોટું કર્યું હોય-’ તેમની વાતો સાંભળતી લજ્જા ટપકી પડતી, ‘અનાથ થયા વિના તમે અહીં મને લેત નહીં. એથી વિશેષ, તમે તેમની બીમાર હાલત નથી જોઈ, મેં જોઈ છે. બિચારાં રાત્રે મટકું નહોતું મારી શકતાં. જસ્ટ બિકૉઝ સુસાઇડ નહીં કરવું જોઈએ એ માટે તડપી તડપીને જીવવાનો શું અર્થ!’

પંદર વર્ષની છોકરીની દલીલ મોટેરાંને જરા હેબતાવી જતી. નિહારિકાબહેન પછી તો એ વિષય જ ઉખેળવાનું ટાળતાં.

જોકે એથી લજ્જાની વિચારસરણી બદલાઈ નહોતી. શરૂમાં કોઈ પોતાની નાનીનું ઘસાતું બોલી જાય એટલે, અને પછીથી તેમનો છુટકારો ખુદને જ‌સ્ટિફાઇડ લાગ્યો એટલે.   

અંગે યૌવન ફૂટ્યું એમ તેનો આત્મવિશ્વાસ નીખરતો ગયો. રૂપાળી એવી કે જાણે કાચની નાજુક પૂતળી. ન કશાની નાનમ, ન પોતાના રૂપ-ગુણનું અભિમાન. મેતરાણી ન આવી હોય તો આશ્રમમાં ઝાડુપોતાંય કરી નાખે ને ટીચર્સની ગેરહાજરીમાં બાળાઓનું લેસન પણ બગડવા ન દે. નિહારિકાબહેનની ગાડી ક્યાંય પણ અટકે એટલે પહેલું નામ લજ્જાનું જ આવે!

- આજે પણ તેમની બૂમે લજ્જા કૅબિનમાં હાજર થઈ. જરાતરા અચરજથી નિહારિકાબહેનને નિહાળી રહી.

નિહારિકાબહેન આમ તો સાદગીપસંદ. મોટા ભાગે કૉટનના સાડલા પહેરતાં હોય. અલબત્ત, થોડા મોંઘા ગણાય એવા. સોનાના ચેઇન, બુટ્ટીનાં ઘરેણાં પણ સાદાં. સાદગીમાં તેમનો પ્રભાવ વર્તાતો.

આજે જોકે તેમણે સિલ્કની સાડી પહેરી હતી. શૅમ્પૂ કરેલા કોરા વાળને રોજની જેમ અંબોડામાં ગૂંથવાને બદલે ઢીલા ચોટલામાં બાંધી આગળ બે લટ પણ છૂટી રાખી હતી. અરે, હોઠો પર મરૂન ટોનની લિપ‌સ્ટિક પણ કરી હતી!

તે જોકે ઉતાવળમાં લાગ્યાં,

‘જો, થોડી વારમાં આપણા પેલા ટ્રસ્ટીસાહેબ - અમૃતભાઈ - આવી પહોંચશે. જરા મારી કૅબિન વ્યવસ્થિત કરાવી દે અને જા - આપણા બગીચામાંથી ગુલાબ લઈ આવ.’

એકવીસની થયેલી લજ્જા ટ્રસ્ટીમંડળથી પરિચિત હતી ખરી. જોકે તેમની સાથે નિહારિકાબહેન ખુદ ડીલ કરતાં હોય. સૌને મળવા-મૂકવા જવાનું હોય, ક્યાંક મી‌ટિંગ રાખી હોય તો નિહારિકાબહેન જાતે જ જવાનું પસંદ કરતાં. આશ્રમની બીજી શાખા ખોલવાના પ્રસ્તાવના આધારે વિવિધ ટ્રસ્ટીઓ સાથે નિહારિકાબહેને મુંબઈ-ગુજરાત જઈ લોકેશન્સનો અભ્યાસ પણ કરેલો. ખાસ્સાં બે વરસે વલસાડ પર મહોર મરાઈ છે. જોકે સરકારી ખાતામાંથી પ્લાન મંજૂર થાય ત્યારે ખરો. હા, ઇવેન્ટમાં કે પછી ક્યારેક કોઈ ટ્રસ્ટી આશ્રમની મુલાકાતે આવી ચડે ત્યારે પોતાની ટીમમાં લજ્જાને હાજર રાખવાનું ચૂકે નહીં.

એ બધામાં આ અમૃતભાઈની વાત જુદી. બે વરસ અગાઉ, આશ્રમના અૅન્યુઅલ ડેમાં તેમના ધર્મપત્ની સુભદ્રાદેવી જોડે ચીફ ગેસ્ટ તરીકે પધારેલા અમૃતભાઈ ફરી એકબે વાર આવેલા ત્યારે સામેથી પૂછતા - કેમ છે, લજ્જા?

એમાં તેમની ગરવાઈ પડઘાતી. પારખું ઝવેરી જેવા અમૃતભાઈ પચાસના ઉંબરે પહોંચ્યા હોવા છતાં સ્ફૂર્તિલા દેખાતા, સોહામણાય એવા. સુભદ્રાદેવી સાથે તેમની જોડી શોભતી. શેઠાણીયે કેટલાં સાલસ.

વાર્ષિક પ્રોગ્રામમાં લજ્જાએ લતાનાં ગીતો પર ડાન્સની આઇટમ રજૂ કરેલી, બાદમાં સામેથી તેને મળવા આવી સુભદ્રાદેવીએ માથે હાથ મૂકી પાઠવેલા આશીર્વાદમાં સાચૂકલું વાત્સલ્ય વર્તાયું હતું. ફરી ક્યારેય તે દેખાયાં નહોતાં, આજે પણ અમૃતભાઈ જોડે શેઠાણી આવે તો કેવું સારું! લજ્જાએ હોંશભેર કૅબિન ચોખ્ખી કરી, પોતેય વસ્ત્રો બદલ્યાં પછી સાંભર્યું - નિહારિકાબહેને મહેમાનોના સ્વાગત માટે ગુલાબ લાવવા કહ્યું છે.

બે મકાન વચ્ચે વિવિધરંગી પુષ્પોનો નાનકડો બગીચો હતો. આમ તો ફૂલ તોડવાની મનાઈ, પરંતુ મહાનુભાવો પધારે ત્યારે આશ્રમની બાળાઓ અહીંનાં જ ફૂલોથી સ્વાગતમાળા બનાવતી હોય. આજે પણ ફટાફટ માળા ગૂંથી તે કૅબિન તરફ ભાગી. નિહારિકાબહેન વળી તેને સાદ પાડી રહ્યાં હતાં. કદાચ મહેમાન આવી ગયા હતા.

તેમની કૅબિનના બિલ્ડિંગનાં પગથિયાં ચડતી લજ્જા કોઈ જોડે અથડાઈ પડી.

‘અરે-!’ બોલતાં જુવાને તેને પકડી, સંભાળી.

ચાર નેત્રો મળ્યાં. આકાશમાંથી ઊતરી આવેલા દેવદૂત જેવા જુવાનને લજ્જા અવાકપણે તાકી રહી. જુવાન પણ જાણે સ્વર્ગની અપ્સરાને તાકતો હોય એમ સમાધિમાં ઊતરી ગયો.

‘લજ્જા’ નિહારિકાબહેનના સાદે બેઉ ઝબક્યાં. છૂટાં પડ્યાં.

લજ્જા શરમાઈ. અનાયાસે પોતાના હાથોમાં રહેલી ફૂલમાળા જુવાનના ગળામાં પડી ગયેલી.

‘જી...’ તેણે ઇશારો કરતાં જુવાન મલક્યો. ‘ઓહ આ મારા માટે નથી?’

લજ્જાનું હૈયું એવું તો ધડક ધડક થઈ રહ્યું. ત્યાં નિહારિકાબહેને દેખા દીધી,

‘તું અહીં છે, લજ્જા!’ તેમનું ધ્યાન ગયું, ‘આ શું, તું ગુલાબનો હાર બનાવી લાવી?’

એકાએક લજ્જાને સમજાયું. બહેને ગુલાબ ટ્રસ્ટીના સ્વાગત માટે નહીં, પોતાના કેશમાં સજાવવા મગાવ્યું હતું! જરૂર આજે કોઈ ખાસ દિવસ હોવો જોઈએ. બહેનની વર્ષગાંઠ તો નથી, તો પછી?

‘કેમ, માણસને એમ જ સજાવટનો શોખ ન થાય?’ હસી લઈ તેમણે ઉતાવળ દર્શાવી, ‘જો, અમૃતભાઈ અંદર બેઠા છે. તેમના માટે પાણીનો પ્રબંધ કરો અને સાંભળ, આ છે અર્ણવ, અમૃતભાઈનો દીકરો.’

અર્ણવ.

સમયની ખીણ કુદાવી સીધી વર્તમાનમાં ઝબકતી લજ્જાથી હળવો નિ:સાસો સરી ગયો.

જે ગુનો મેં કર્યો નથી, એ બદલ અર્ણવ મને ક્ષમા કરી શક્યો હશે ખરો?

- ત્યારે પુણેની હોટેલના સ્વીટની બાલ્કનીમાં ઊભો અર્ણવ પણ તેને જ સંભારી રહ્યો છે - આઇ વૉન્ટ ફરગિવ યુ, લજ્જા.

તેં મારી માને મારી? તેં?

બાકી અમારા મેળાપની પ્રથમ ક્ષણ કેવી મીઠડી હતી. જાણે વનદેવીએ ફૂલોનો હાર પહેરાવી હૃદયદાન દીધું હોય!

પછીથી જાણ્યું કે તે અનાથ કન્યા આશ્રમની આશ્રિત હતી.

ખરેખર તો આશ્રમ જેવા સ્થળે જવાનો અર્ણવ માટે એ પ્રથમ પ્રસંગ હતો. આશ્રમનાં સંચાલિકા નિહારિકાબહેન વિશે તો પપ્પાએ રસ્તામાં બ્રીફ કર્યો હતો. સાંભળ્યા એવાં જ ગૌરવવંતાં જણાયાં તેઓ. જોકે કારમાં રહી ગયેલાં સ્વીટ પેકેટ્સ લેવા અર્ણવ કૅબિન બહાર નીકળ્યો, લજ્જા સાથે ભટકાયો પછી તેનું ધ્યાન તો તે છોકરીમાં જ પરોવાયેલું રહેલું. પપ્પાને પાયલાગણ કરી સુભદ્રામાના ખબરઅંતર પૂછતી લજ્જા મુગ્ધતા પ્રેરી રહી. અર્ણવ સાથે તો આવું પહેલી જ વાર બન્યું.

‘લજ્જા વિના હું પાંગળી.’ ચા-નાસ્તાની વ્યવસ્થા કરતી લજ્જાની હાજરીમાં જ નિહારિકાબહેને કહેલું, ‘આજે અમારી મુખ્ય મેઇડ સકુબાઈ જ નથી આવી, પણ લજ્જા હોય પછી મને નિરાંત.’

‘પપ્પા, લજ્જાને તમારી પસંદ પણ માલૂમ લાગે છે.‘ લજ્જાએ સજાવેલી ડિશમાં ખંભાતનું હલવાસન જોઈ અર્ણવથી બોલી જવાયું.

‘ના, ના. એવું નથી.’ ખોટી પ્રશસ્તિનો વાંધો જતાવતી હોય એમ તેણે કહેલું, ‘આ તો બહેને જે મગાવ્યું એ જ ધર્યું.’

‘આ મીઠાઈ મારી પણ પ્રિય છે.’ નિહારિકાબહેને સ્મિત ફરકાવ્યું. એ જ ઘડીએ તેમનો ડેસ્કફોન રણક્યો. વાત કરતાં તે થોડાં ગંભીર બન્યાં. ફોન મૂકી હળવો નિ:સાસો નાખ્યો.

‘બૂરા ખબર છે, લજ્જા. સકુબાઈ બિચારી સવારે તેની ચાલીના દાદર પરથી ગબડી પડતાં હેમરેજ થયું છે, તે પોતે કૉમામાં જતી રહી છે.’

અરેરે. ગરીબ પર આવેલી મુસીબતનો હળવો આઘાત બાપદીકરાએ પણ અનુભવ્યો, જોકે ખબરથી સ્તબ્ધ બનેલી લજ્જા જુદું જ બોલી પડી - ‘કૉમામાં સકુબાઈ કેટલાં વર્ષ કાઢે, કોણે જાણ્યું! માંડ બે છેડા ભેગા થતા હોય ત્યાં એનું કરશે કોણ? એના કરતાં તો ડૉક્ટરોએ જ સમજીને તેને છૂટી કરી દેવી જોઈએ.’

કોણ, એક અનાથ યુવતી મર્સી કિલિંગની તરફેણ કરી ગઈ?

કાશ, અમે લજ્જાનો આ ગુણ ધ્યાનમાં રાખ્યો હોત.

અત્યારે સ્વીટની બાલ્કનીમાં ઊભા અર્ણવે હળવો નિ:શ્વાસ નાખ્યો.

એ દહાડે આશ્રમમાં ચેક દઈ નીકળ્યા પછી પણ લજ્જા કેટલાય દિવસો સુધી ચિત્તમાં રમતી રહેલી. લજ્જાને યાદ આપ્યાનું કહેતાં મા પણ ખુશ થયેલી - તે છોકરી મને જોતાં જ ગમી ગયેલી! સાંભળીને પોતાને ગુદગુદી જેવી કેમ થયેલી એ તો અર્ણવને સમજાયું નહોતું, પણ પછી અણધાર્યો વળાંક સર્જાયો હતો.

જર-ઝવેરાતના ધંધામાં અર્ણવની હથોટી કેળવાતી જતી હતી. હવે તો તે એકલો પણ સોદા કરવા સુરત, દિલ્હી જતો. આવી જ એક ધંધાકીય યાત્રા દરમિયાન ઘરે ન ધારેલું બની ગયું. રવિની બપોરે મા પર પૅરૅલિ‌‌‌સિસનો હુમલો થયો હતો.

પિતાના ફોને મળી ફ્લાઇટ પકડી ઊડી આવેલો અર્ણવ હૉસ્પિટલમાં માની હાલત જોઈ હેબતાઈ ગયેલો. ગરદન નીચેના શરીરમાં કોઈ સંવેદના ન મળે, સાંભળે ખરી, પણ પાંપણ ફરકાવવા સિવાય કોઈ પ્રતિભાવ આપી ન શકે.

‘આ બધું બન્યું કેમ પપ્પા?’

‘શી ખબર. ડૉક્ટર કહે છે કે

પ્રેશર-શુગર લેવલમાં વધઘટ થવાથી પૅરૅલિસિસનો હુમલો થઈ શકે. સુભદ્રાને આવી કોઈ બીમારી ક્યાં હતી?’

કેટલીક બીમારી હોય છે જ એવી કે શરીરમાં ઘર કરી લે ને ખબર ન પડે.

‘નસીબજોગે હું વળી ઘરે હતો... મારી સામે જ તે લથડી. તાબડતોબ હૉસ્પિટલ લાવ્યા, પણ.’

પછી તો બાપદીકરાએ દુનિયાના શ્રેષ્ઠ ગણાતા ડૉક્ટર્સની સલાહ લીધી, પરંતુ પરિણામ શૂન્ય!

છેવટે માની દુનિયા વિલાના નીચેના ખંડના પલંગ પર સમેટાઈ ગઈ. માની નિ:સહાય અવસ્થા જોઈ અર્ણવથી રડી પડાતું.

‘તેને જોઈ આપણે રડતાં રહીશું તો તેનો જીવ વધુ દુ:ખશે, અર્ણવ...’ પિતા ઠપકારતા. રૂટીનમાં પરોવાઈ જાણે દીકરાને ધબકારવા મથતા. તે પોતે જોકે સુભદ્રામા પાસે બેસવાનુ ટાળતા - મારાથી તેને આમ ન જોવાય.

આ પણ વાંચો : કથા સપ્તાહ : બાઝી (જાને ક્યા બાત હૈ – 1)

તોય દીકરાનું મન ન માનતું.

અને પછી જે થયું એ સંભારી અર્ણવ અત્યારે પણ સમસમી ગયો.

(ક્રમશઃ)

Sameet Purvesh Shroff columnists