03 July, 2025 12:09 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
‘બોલો, દુલ્હેરાજ કી... જય!’
શનિની બપોરના સુમારે મિની બસમાં કઝિન્સ બૅચલર પાર્ટી માટે દીવના રિસૉર્ટમાં જઈ રહ્યા છે. ના, લગ્નની ઉજવણીમાં દીવનો કોઈ પ્લાન નહોતો. બૅચલર પાર્ટીનું શ્રેય જાય છે ન્યુ યૉર્કથી આવેલા મિતાંગને! તેના આવ્યા પછી ધમાલ જ ધમાલ છે.
રેવા સંભારી રહી:
‘તમને આરવમાં ઇન્ટરેસ્ટ છે?’
મિતાંગને હજી રેવા બાબતનો અણસાર આરવથી અપાયો નહોતો, લગ્નવાળા ઘરમાં એવું એકાંત મળે નહીં એટલે પણ આરવે ચુપકી રાખી હતી. પણ એમ તો રેવા આરવની આજુબાજુ જ ભમતી જોવા મળે એ ચકોર મિતાંગથી છૂપું નહોતું. તેણે પાધરુંક રેવાને જ પૂછતાં રેવા મૂંઝાઈ. હા-ના ન થઈ.
‘આરવ તમને ગમે એની નવાઈ નથી, પણ તમે આરવને ગમો તો તમે લકી.’ મિતાંગથી વધુ વખત ગંભીર રહેવાય એમ હતું નહીં. તેની જીભ લસરી પડતી: બાકી સુહાગરાતની કોઈ ગૅરન્ટી નહીં. અમારો બ્રહ્મચારી સાવ જ કોરોકટ છે – પ્યૉર વર્જિન!’
રેવા લાલ-લાલ થઈ.
‘અરે, એક વાર તો...’ મિતાંગે નૅન્સીવાળો કિસ્સો કહેતાં રેવા અભિભૂત થઈ: આવા અચળ પુરુષનું પડખું સેવનારી ખરેખર કોઈ ભાગ્યવાન હશે!
એ હું તો નહીં જને!
અત્યારે પણ રેવાના ચિત્તમાં ઉદાસી ઘૂંટાઈ : શા માટે મારે આમ વિચારવું જોઈએ? આરવ મારો ગુલાબનો છોડ નથી એમ વિચારી શા માટે મારી આંખો છલકાવી જોઈએ? હું અતુલ્યની. આરવને ને મારે શું?
ગઈ કાલના ફોનમાં અતુલ્ય પણ દાઢમાં બોલેલો : આરવનો કઝિન તને તેના વર્જિન હોવાનું કહે છે, બહેનો બૅચલર પાર્ટીમાં તાણી જાય છે. શું કામ રેવા, તારે ને તેમને શું? તારે ને આરવને શું?
રેવાથી જવાબ નહોતો અપાયો. અતુલ્યએ પણ દાઝમાં ફોન કાપી નાખેલો.
મેં હજી હકાર નથી ભણ્યો એટલે આરવ મને ચાહવાની દિશામાં આગળ નહીં વધે પણ આરવનુ પારખું કરવાની લાયમાં હું અતુલ્યથી તો દૂર નથી થઈ રહીને!
રેવા થથરી ગઈ.
બહુ થઈ આરવને પારખવાની રમત. હવે બાજી સમેટીને આરવ સમક્ષ હૈયું ખોલી તેની સલાહ મુજબ આગળ વધવાનો એકમાત્ર ઉપાય છે... જે આ લગ્નમાંથી પરવારીએ કે તરત અમલમાં મૂકવાનો છે!
lll
રાતના દસ.
અતુલ્યની નજર દીવાલ ઘડિયાળ પર અટકી ગઈ.
રેવા વગેરે દીવના રિસૉર્ટમાં થાળે પડ્યાનો તેનો ફોન સાંજનો આવી ગયેલો. તે કહેતી હતી : અમે કાલે બપોરે અહીંથી નીકળીશું, દરમ્યાન આરવના પ્રસ્તાવમાં આગળ શું કરવું એ મેં વિચારી રાખ્યું છે, તમે નિશ્ચિંત રહેજો.
વિચારી રાખ્યું છે એટલે? શું વિચારી રાખ્યું છે - આરવને હકાર ભણવાનું તો નહીં વિચાર્યું હોયને! ના-ના, એમ તો રેવા તેના કમિટમેન્ટમાંથી ચળે એમ નથી. પણ રંભારાણી કહે છે એમ સ્ત્રીના મનનો શું ભરોસો! આરવના મોહમાં તે મને તરછોડવાની થઈ તો...
તો-તો તારે તેના બાપની કરોડોની મિલકતમાંથી હાથ ધોવા પડે!
વળી પાછો રંભારાણીનો સ્વર પડઘાયો. અતુલ્ય સહેજ ફિક્કો પડ્યો.
રેવાને તે સાચા દિલથી ચાહતો. કૉલેજની ઇવેન્ટમાં તેને લતાજીનું ગીત ગાતી જોઈ ત્યારથી હૈયે ઘર કરી ગયેલી. બીજા દિવસે તેને અભિનયનું પૂછ્યું એમાં તેને ભોળવવાનો આશય સહેજે નહોતો. તેની સાથે અંતરના તાર મળતા ગયા એમાં તેના પિતાની દોલતની ગણતરી પોતે ક્યારેય રાખી નહોતી નહીંતર તો મારા પગભર થવાની મુદત જ શું કામ પાડત? તેના ગ્રૅજ્યુએટ થવાની રાહ શું કામ જોત? અરે, તે ફૂલની જેમ ઝોળીમાં આવી પડે એમ હતી, તેને સંયમના વાઘા સજી દૂર શું કામ રાખત?
ઇટ વૉઝ જેન્યુઇન લવ.
વૉઝ. ભૂતકાળનું છોગું અત્યારે પણ અતુલ્યને સહેજ ખટકી ગયું.
ના, ચાહું તો હું રેવાને આજે પણ છું, એટલે તો આરવના ઉલ્લેખે અકળાઈ જવાય છે. ઇન્સિક્યૉરિટી અનુભવાય છે. તેનું પત્તું કાપવા રંભારાણીની સલાહ લઉં છું.
રંભારાણી.
નિશ્વાસ ખાળી અતુલ્ય સંભારી રહ્યો:
થિયેટર મૅનેજર તરીકે અતુલ્ય નાટ્યવિશ્વને પડદા પાછળથી જોઈ શકતો. તે પોતે કામણગારો હતો, પણ ખબર હતી કે અભિનય આપણું કામ નહીં. તેને રસ હતો નાટ્યનિર્માણમાં. તેના પ્રયાસો છતાં A ગ્રેડના નાટકનો મેળ પડતો નહોતો, એમાં રંભારાણીનું ‘કાલિદાસ’માં આગમન થયું.
તેનામાં રૂપ હતું, છટા હતી. B ગ્રેડના નાટકની તે મહારાણી ગણાતી. તેના સ્ટેટસથી અતુલ્ય અજાણ નહોતો. પહેલી મુલાકાતમાં તેણે પોતાને ટોચનાં થિયેટર નહીં મળતાં હોવાની ફરિયાદ કરી એનું તથ્ય અનુભવાયું. પછી પણ તેના એકબે વાર ડેટ્સ માટે ફોન આવ્યા. ત્યાં સુધીમાં અતુલ્યના દિમાગમાં કંઈક ગોઠવાયું હતું: ધારો કે હું તમને ડેટ આપું તો મને શું મળે?
‘તમને શું જોઈએ?’ રંભાએ બિન્દાસ પૂછી લીધું, ‘મારી સાથે એક રાત?’
‘નો!’ અતુલ્ય ઉતાવળે બોલી ગયો. રંભા ખડખડાટ હસેલી : જાણું છું. હું એટલી સસ્તી નથી એની મને તો ખબર હોય જને. હવે તમારી કિંમત બોલો.
ત્યારે અતુલ્યએ નાટ્યનિર્માણની ઝંખના ખુલ્લી કરી દીધી. એમાં રંભાનો સહકાર ભળ્યો, સમાંતરે રેવાને પણ મનાવવી પડી.
નાટકના વિષય માટે, સ્ક્રિપ્ટના ડિસ્કશન માટે રંભાને મળવાનું થતું રહેતું. ક્યારેક તેના ઘરે તો ક્યારેક હોટેલમાં. શરૂમાં એક વાર રેવાને પણ તેના ઘરે લઈ ગયેલો. તે જોકે સ્ક્રિપ્ટની વલ્ગૅરિટીથી ઊબકાઈ ગયેલી, ફરી કદી રંભાને કે નાટકની ટીમને મળી નથી. ખેર, રાઇટરથી માંડી સ્ટેજ બનાવનારા રંભાના રેગ્યુલર ટીમ મેમ્બર્સ હતા, તેમને અતુલ્યનો પરિચય પણ અનોખી રીતે આપતી: તમારા કવરના અડધા પૈસા તેમની પાસેથી આવવાના છે... પરિણામે સૌ અતુલ્યની અદબમાં રહેતા અને અતુલ્ય રંભાથી પ્રભાવિત થતો.
ક્યારેક થતું, આટલી જાજરમાન સ્ત્રી પરણી કેમ નહીં હોય!
‘બધા કિસ્મતના ખેલ છે.’ મળવાનું વધતું ગયું એમ ક્યારેક રંભાના ઘરે બેઉ બેઠાં હોય ને અતુલ્ય આવું કંઈ પૂછી પાડે તો રંભા પડળ ઉખેળી દે, ‘હું અહીં ફિલ્મ ઍક્ટ્રેસ બનવા આવી હતી, પણ લઈદઈને તક ડબલ મીનિંગના ડ્રામાની મળી તો સ્વીકારી લીધી. નીતિના પોટલાથી પેટની ભૂખ ઓછી ભાંગે છે! ધીરે-ધીરે એક પ્રકારનું બિન્દાસપણું મારા વ્યક્તિત્વમાં જ વણાતું ગયું. કામની વ્યસ્તતા પણ હતી ને મારા જેવીનો હાથ પકડનાર કોઈ મરદ બચ્ચોય ન મળ્યો.’ કહેતાં તે રંગમાં આવતી, ‘બટ હેય, પરણી નથી એનો અર્થ એ નહીં કે હું વર્જિન છું... એમાં પણ કમિટેડ રિલેશનશિપનુ બંધન મેં રાખ્યું નથી. જે ગમ્યો તે પુરુષને માણ્યો છે.’
એક સ્ત્રી આવું ઉઘાડું બોલી જ કેમ શકે! બટ ધિસ ઇઝ વૉટ
રંભારાણી ઇઝ!
તેની આવી સ્ફોટક વાતો અતુલ્યથી રેવાને કહેવાતી નહીં. કહું તો-તો તે ભડકીને તેનાથી છેડો ફાડવાનું જ કહી દે!
આવામાં એક રાત એવી આવી કે...
ચાર મહિના અગાઉની વાત. નાટકના કૉસ્ચ્યુમ ફાઇનલ કરવા રંભાએ તેને તેડાવ્યો હતો. બેઉએ સાથે ડિનર લીધું. છેવટે મેઇડના ગયા બાદ રંભા કૉસ્ચ્યુમની ટ્રાયલ માટે બેડરૂમમાં ગઈ.
અતુલ્ય હૉલના સોફા પર ગોઠવાયો. થોડી મિનિટમાં તે ગાઉન પહેરી બહાર આવી: લુક!
નાટક માટેનું ફ્લોરલ ગાઉન તેને શોભતું હતું.
‘યુ લુક ગૉર્જિયસ!’
અતુલ્યએ કહ્યું ને રંભારાણીએ ગાઉનની ઝિપ ખોલી દીધી, ‘હવે?’
અતુલ્ય ઊભો થઈ ગયો. સરકી ગયેલા ગાઉનની અંદર રંભારાણીએ કશું જ પહેર્યું નહોતું.
‘બોલ અતુલ્ય, હવે હું વધુ સુંદર, વધુ ગૉર્જિયસ નથી લાગતી?’
લગોલગ આવી ચૂકેલી રંભાના શ્વાસની ગરમી અતુલ્યને ગરમાવી રહી હતી. તે રેવાને સંભારે, તેના હોઠે આનાકાની ફૂટે એ પહેલાં રંભાએ તેના હોઠ પર હોઠ મૂકી દીધા.
પછી તો કેટલીયે વાર મેં રંભાનો સંગ માણ્યો છે એની રેવાને ક્યાં ખબર છે? શો બિઝનેસમાં આ પ્રકારનું ગિવ ઍન્ડ ટેક ચાલતું રહે એમ માની મેં મન મનાવી લીધું છે. રેવાને બેવફા ઠર્યાનું ગિલ્ટ હાવી થવા દીધું નથી. પણ એટલે જ તો વિધાતાએ આરવને નહીં ટપકાવ્યો હોય! મારી બેવફાઈનું પાપ તો મારી મોહબ્બતને આડે નહીં આવતું હોય એ ધ્રાસકો પણ મને રેવાથી આળા થવા પ્રેરે છે, આરવનું પત્તું કાપવા હું બહાવરો બની જાઉં છું... કેમ કે હું આજેય રેવાને ચાહું છું!
રંભારાણીને આની જાણ છે. નાટકના પહેલા પ્રયોગ સાથે શૈયાની પાર્ટનરશિપનો અંત આવી જવાનો એવી ચોખવટ પોતે કરી જ દીધી છે. જોકે હાલ તો એ જ મારી ફ્રેન્ડ, ફિલોસૉફર, ગાઇડ હોય એમ આરવની બાબત પણ તેને બધું કહેતો રહ્યો છું. આમાં રંભા એવુંય બોલી જાય કે સ્ત્રીના મનનો ભરોસો નહીં, રેવા આરવ તરફ ઢળી પડે તો તારે તેના બાપની મિલકતથી હાથ ધોવા પડે!
ના, મને મિલકતનો મોહ નથી, હું કેવળ રેવાને ઝંખું છું...
‘ઘડિયાળને કેમ તાકી રહ્યો છે!’
રંભારાણીના સાદે ઝબકતાં અતુલ્યએ વિચારમેળો સમેટી લીધો.
પરફ્યુમથી મઘમઘ થતી રંભારાણી અતુલ્યના ખોળામાં ગોઠવાઈ, ‘મેં બહુ રાહ જોવડાવી?’
અતુલ્યને જોકે અત્યારે ફિઝિકલ થવામાં રસ નહોતો, ‘રંભા, રેશમા જોડે વાત થઈ ગઈ છેને? તેં તેને બરાબર સમજાવી દીધું છેને?’
અતુલ્યના સ્વરમાં પાર પડવાનો ઉચાટ હતો. આરવમાં એબ નહીં હોય તો ઉપજાવી દેવાનો તર્ક રેવાને બિલકુલ રુચ્યો નહોતો એની સમજ છતાં અતુલ્યને એ જ એક ઉકેલ દેખાતો હતો અને રંભાએ આમાં હોંશભેર મદદરૂપ થવાની તૈયારી દાખવી હતી. દીવના પ્રોગ્રામના ખબર મળતાં જ તેની કીકીમાં ચમક ઊપસેલી : એ લોકોનું દીવ જવું આપણા માટે ઈઝી થઈ ગયું... મારે ત્યાં એક કૉન્ટૅક્ટ છે. છોકરીનું નામ રેશમા. દીવના સહેલાણીઓને કંપની આપવાનો ધંધો કરતી રેશમા અમારી સૌરાષ્ટ્રની ટૂરમાં નાટકનો નાનોમોટો પાઠ પણ ભજવી જાણે, જેથી અહીંથી ક્લાકાર લઈ જવાનો ખર્ચ બચી જાય. એ રીતે હું તેને ઓળખું. રેશમાને બધી હોટેલ-રિસૉર્ટ્સમાં ઓળખાણ પણ ખરી એટલે અડધી રાતે આરવની રૂમમાં જઈ બળાત્કારનો ઢોલ પીટતાં તેને વાર નહીં લાગે... એટલું થતાં રેવા તારી, બસ!
આવું કહેનારી રંભા કેવી પ્યારી લાગી હતી!
અત્યારે પણ એવી જ અદાથી રંભાએ અતુલ્યના ગાલે આંગળી ફેરવી: રેશમા તેનું કામ કરશે, તું તારું કામ શરૂ કર...
રંભા સાથે અંતરંગ થતા અતુલ્યના માનસપટ પર દીવના રિસૉર્ટનું દૃશ્ય ઊપસી રહ્યું છે : અડધી રાતનો સમય છે. બૅચલર પાર્ટી માણી સૌ પોતપોતાના રૂમમાં નિદ્રાધીન થઈ ચૂક્યા છે ત્યારે પોતાની પાસેના કાર્ડથી આરવના રૂમનો દરવાજો ઉઘાડી રેશમા ચુપકેથી ભીતર પ્રવેશે છે. સામે જ પલંગ પર આરવ પોઢી રહ્યો છે. પોતાનો ડ્રેસ ફાડી રેશમા આરવનાં વસ્ત્રો સરકાવે છે કે આરવની નીંદ ઊડી જાય છે, એવી જ રેશમા તેને વળગી ચીસો પાડે છે : હે..લ્પ! સાથે ઇમર્જન્સીનું બટન દબાવી દેતાં થોડી વારમાં તો ટોળું જમા થઈ જાય છે. કબૂતરીની જેમ ફફડતી યુવતીને અર્ધનગ્ન દશામાં આરવને જોયા પછી કંઈ જ પૂછવા કરવાનું રહેતું ન હોય એમ રેવા આગળ વધીને આરવને તમાચો વીંઝે છે : મેં તમને આવા નહોતા ધાર્યા!
એ તમાચાના આવેશમાં અતુલ્યએ રંભાને ભીંસી દીધી!
એનું પારાવાર સુખ માણતી રંભાના ચિત્તમાં જુદો જ પડઘો પડતો હતો: શું કરવું એ રેશમાને મેં બરાબર જ સમજાવ્યું છે, જેની તને પણ જાણ નથી અતુલ્ય! આખરે મારું પણ સ્ત્રીનું મન! અને સ્ત્રીનું મન કેમ ક્યારે બદલાય એ કોણે જાણ્યું એવું હું તો કહેતી જ હોઉં છુંને!
દીવમાં શું બનવાનું એની ખબર થોડા કલાકમાં તને પણ થઈ જવાની!
રંભા મનમાં જ મલકી. પણ ખરેખર શું થવાનું હતું એની તો વિધાતા સિવાય કોને ખબર હતી?
(આવતી કાલે સમાપ્ત)