જાણે-અજાણે યે કહાં આ ગએ હમ પ્રકરણ-3

30 April, 2025 12:54 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

મારા હાથે કજરીની હ...ત્યા થઈ છે એ હકીકતે હાથપગ ઠંડા થઈ ગયેલા. ફાંસીનો ફંદો તરવરવા લાગ્યો

ઇલસ્ટ્રેશન

સુરત.
સ્ટેશનનું નામ વાંચી આનંદ (આકાર)ના ચિત્તમાં ઝણઝણાટી વ્યાપી ગઈ.

ખરેખર તો ઢાકાથી આવ્યો ત્યારથી જન્મભૂમિનું ખેંચાણ રહ્યું છે. ત્યાં જવામાં શાણપણ નથી એમ વિચારી જાતને મનાવતો રહ્યો, પણ આવતી કાલે રવિવારે સ્ટૅચ્યુ ઑફ યુનિટી જોવા-ફરવાની ઇચ્છાએ શનિની રાતની ટ્રેન પકડી ફર્સ્ટ ACના કોચ પર લંબાવી દીધું. અને મળસકે આંખ ઊઘડે ને ત્યારે ટ્રેન સુરત સ્ટેશને જ ઊભી હોય એ શું સૂચવે છે?

અંદરના ઉછાળાને જવાબની જરૂર નહોતી. બુદ્ધિ-શાણપણ ફરી હાવી થાય એ પહેલાં શોલ્ડર બૅગ લઈ આનંદ સુરત ઊતરી પડ્યો.

નજીકની હોટેલમાં રૂમ રાખી સવારે ગામ જવા ભાડાની કારનો બંદોબસ્ત પાર પાડી તેણે પલંગ પર લંબાવ્યું એવો જ ગતખંડનો પ્રવાહ ખળખળ વહેવા લાગ્યો.

lll

‘લેટ મી સ્લીપ...’

આકાર ખરેખર થાક્યો હતો. એક તો કેરીની સીઝન એટલે આંબાવાડીમાં શ્વાસ લેવાની ફુરસદ ન હોય, બાજુના ખેતરમાં નિંદામણનું કામ લીધેલું, પરિણામે પડ્યા એવા ઊંઘવું હતું પણ...
પરંતુ અડપલાં કરી પોતાને ઉશ્કેરવા મથતી પત્ની પર પળવાર તો અરુચિ થઈ : લગ્નને ત્રણ વર્ષ થવાનાં પણ જો કજરીની ભૂખ ભાંગી હોય! હજી બે દિવસ પહેલાં મેં બાળકની ઇચ્છા જતાવી તો શરમાવાને બદલે ખભા ઉલાળી તેણે કહી દીધું : આપણી કંઈ મા-બાપ થવાની ઉંમર છે? આ તો આપણો રંગરેલી માણવાનો સુવર્ણકાળ છે... બાળક-ફાળક બધું પછી!

એક સ્ત્રી બાળક-ફાળક જેવો શબ્દપ્રયોગ કરી જ કેમ શકે? કબૂલ, પરિણયમાં કામનું મહત્ત્વ અવગણાય નહીં, પણ દામ્પત્યજીવન કેવળ કામજીવન નથી એ સત્ય હવે તો કજરીએ સમજવું જોઈએ!

‘હેય... તું મને તરસી મૂકી સૂઈ ન શકે!’

‘તરસ તરસ!’ આકાર આંચકાભેર બેઠો થયો, પોતાના પર ઝળુંબતી કજરીને ઝંઝોડી.

‘તારી તરસને કોઈ થોભ છે ખરો?’

આકારની વેધકતા ખમાતી ન હોય એમ કજરીના નેત્રો કાંપ્યાં, હોઠ થરથર્યા. બે હથેળીમાં મોં છુપાવી તે રડી પડી.

તેને શાંત પાડવાનો, મનાવવાનો એક જ ઉપાય હતો અને આકારને એની ભલીભાંતિ જાણ હતી. એ રાત્રે કામતૃપ્તિના ઘેનમાં પોઢી જતી પત્નીને નિહાળી આકારની કીકીમાં સહેજ અચરજ ઘૂંટાયું : અમે પરણ્યાં ત્યારે કજરીનું યૌવન અક્ષત હતું. કામની પજવણી કજરીએ લગ્ન સુધી કેમની ઝેલી હશે!

અને આકાર ટટ્ટાર થયો : પાછલા થોડા મહિનાથી મારે ખેતીના કામે મુંબઈ-સૌરાષ્ટ્રના બજારોની ટૂર થાય  છે. એ માટે બેત્રણ દિવસ બહાર રહેવાનું બને છે. કજરીની એ રાતો કેમ જતી હશે!
તેને અનુકંપા થઈ : મે બી, અમુકતમુક હૉર્મોન્સને કારણે કજરીની કામેચ્છા પ્રબળ રહેતી હશે, આમાં તેનો શું વાંક? મારે તેને ટોકવાની ન હોય.. 

lll

આ ભલમનસાઈનું મને શું ફળ મળ્યું?

હળવો નિસાસો નાખી આનંદે ગતખંડમાં ડોકિયું કર્યું.

lll

ઉફ્ફ, આ કમોસમનો વરસાદ!

મધરાતના સુમારે ગામના ઝાંપે બસમાંથી ઊતરી ઘર સુધી જતામાં તો આકાર ભીંજાઈ ગયો.

આમ તો તે જૂનાગઢ રોકાઈ જ જવાનો હતો, પણ એક તો ત્યાં બેના બદલે ચાર દિવસ વેડફાયા એમાં હવે બે દિવસ પછી ઍનિવર્સરી છે ત્યારે પત્નીને વધુ તરસાવવી ઠીક નહીં એમ માની આજે સવારે કામ પતતાં જ સુરતની લક્ઝરી પકડી લીધી. કજરીને તો જોકે એમ જ કહ્યું હતું કે કાલે રાતે આવીશ... તેના માટે સરપ્રાઇઝ!

પોતાને ભાળી કજરી ચિચિયારી પાડી ઊઠશે ને મહોલ્લાને જોણું થશે! ના, દરવાજો ઠોકી તેને નથી ઉઠાડવી, તેને તો રૂમમાં જઈ પ્રેમથી જગાડીશ...

પત્નીની પ્રતિક્રિયાની કલ્પનાએ આકારનું બદન ધગી ગયું. બારણે આગળાને બદલે ઑટોમૅટિક લૉક છે એટલે ચાવીથી ખૂલી શકે એ સવલત અત્યારે કેટલી વહાલી લાગી!

હળવેથી ઘરમાં દાખલ થઈ તે મેડી તરફ વળ્યો. ઉપરના રૂમમાં અજવાશ હતો. મૅડમને અંધારામાં ઊંઘ જ ક્યાં આવે છે?

ઉતાવળે પગથિયાં ચડી આકાર બેડરૂમના દરવાજાનું લૉક ખોલવા ચાવી સરકાવે છે કે -

‘આ...હ...’

અંદરથી પુરુષના માદક ચિત્કારે સહેમી જવાયું.

‘યુ આર માર્વેલસ કજરી...’

આકારના કાનોમાં ધાક પડી. કજરી કોઈ પરપુરુષ સાથે... મનાતું ન હોય એમ તેણે કી-હોલમાંથી નજર ફેંકી ને પગ તળેથી જાણે જમીન સરકી ગઈ.

lll

અત્યારે પણ એ દૃશ્યોનું સ્મરણ આનંદ (આકાર)ને તડપાવી ગયું.

કયા બળે પોતે આખી રાત એ વરવાં દૃશ્યો જોઈ શક્યો? પત્નીનું પતન નિહાળી ત્વરિત દિમાગ ફાટફાટ નહોતું થયું, કેમ કે લાગણીતંત્ર મૂકબધિર બની ગયું હતું. સંવેદનાઓ શૂન્યમનસ્ક થઈ ગઈ હતી.

તેમની વાતો પરથી તેમના અફેરની કડી સાંપડી.

એ જુવાન યુસુફ હતો.

સુરત-પલસાણા હાઇવે પર એક જિમ શરૂ થયું હતું. યુસુફ એનો માલિક-કમ-ટ્રેઇનર હતો. છએક મહિનાથી કજરી જિમમાં જતી હતી. ગામમાં એવી સવલત હોય નહીં અને પત્ની શારીરિક ચુસ્તી માટે જિમ જવા માગે એમાં ઇનકારનું કારણ શું હોય? આકાર ખેતર બાઇક લઈને જતો, ઘરે સ્મૉલ કાર હતી એ લઈ કજરી જિમ આવતી-જતી. તેના જોબન, તેની અદાઓ પર યુસુફ લટ્ટુ થાય એની નવાઈ ન લાગે પણ કજરીના યુસુફ પર ઢળવામાં નિમિત્ત બની આકાર વિનાની કોરી રાતો! યુસુફે એ તડપની ચિનગારી ઝીલી પછી ભડકો થયા વિના રહે! આકારની ગેરહાજરીમાં હટ્ટોકટ્ટો યુસુફ પ્યાસ ભાંગવા આવી જાય એ વ્યવસ્થા એવી જડબેસલાક ગોઠવાઈ કે પાડોશીઓને પણ એની ગંધ ન આવે! યુસુફે આવવાનું હોય એ રાતે કજરી કાર લઈ લટાર મારવા નીકળે, વળતી વેળા યુસુફ કારની ડિકીમાં હોય, ગૅરેજના રસ્તે ઘરમાં દાખલ થવું કેટલું સરળ રહે? સવારે વળી કજરી ડિક્કીમાં જ તેને વળાવી આવે...

બેવફાઈના માર્ગે એક જ પગથિયું હોય છે, એ ચૂક્યા પછી તો ઢાળ જ હોય છે. કજરીને એ લપસણીની ફરિયાદ તો નહોતી જ, ગિલ્ટ પણ નહીં. પરપુરુષ સાથે સૂવાનું તેની વૃત્તિસહજ બન્યું હોય, પણ એક સ્ત્રી એક સમયે બે પુરુષોને ચાહતી હોવાનું તો દાખવી જ કેમ શકે? પણ કદાચ કજરી માટે હૃદયની ભાવના, ઊર્મિઓનાં સ્પંદન કિતાબી વાતો હતી; તેને એક જ અનુભૂતિનું જ્ઞાન હતું - કામતૃપ્તિ જ તેના માટે લાગણી હતી, પ્યાર હતો. શૈયામાં આકુ હોય તો તેની સાથે અને યુસુફ હોય તો તેની સાથે.

પણ યુસુફનું દિલ લાગી ગયું હતું કજરી સાથે. એ રાતે પણ તે કેટલું કહેતો રહ્યો : આકારને ડિવૉર્સ દઈ તું મારી જોડે નિકાહ કરી લે... હું તને રાણીની જેમ રાખીશ... 

કજરી આમાં હામી ભરતી હતી ને તેનો શબ્દેશબ્દ આકારની છાતીએ ધમણીની જેમ વિંઝાતો હતો.

અત્યારે આ બધું સાંભરતાં આનંદે (આકારે) વિવશતા જ અનુભવી.

એ ઘડીએ તો દરવાજો ખોલી બેઉને ભડકાવી દેવાનું બન્યું નહોતું, પણ હા, તેમને આકારની ગંધ આવે એ પહેલાં ઘરમાંથી સરકી જવાની સુધ હતી ખરી. દિવસ આખો ગામ બહાર હાઇવેની એકાદ હોટેલના પ્રાંગણના બાંકડે બેસી સ્તબ્ધતામાં વિતાવ્યો. જાણે રાબેતા મુજબના પ્રોગ્રામને અનુસરી જૂનાગઢથી આવ્યો હોય એવું દાખવી તે રાત્રે ઘરે પહોંચ્યો. આઘાતનો પ્રત્યાઘાત ત્યાર બાદ બેડરૂમમાં આવ્યો...

આનંદ સમક્ષ દૃશ્ય ઊપસ્યું.

lll

‘ઓહ, આકુ, તમારા વિના મને ગમતું નથી...’

કજરી આકારને ઘોની જેમ વળગી હતી. આકાર આજે ભોળવાયો નહીં. બળપૂર્વક તેને અળગી કરતાં એ બોલી ગયો, ‘દૂર રહે. તારી આવી હરકતોથી જાણે હું કોઈ વેશ્યા પાસે આવ્યો હોઉં એવું લાગે છે.’

કજરી સમસમી ગઈ, પણ કામપૂર્તિ વિના ચાલવાનું નહોતું એટલે લાડ જતાવ્યાં, ‘તમે કહો એ બધું મને માન્ય.... રાજી?’

‘બધું જ માન્ય?’ આકાર કડવું હસ્યો. કલાકોથી ધરબાઈ રહેલી પ્રતિક્રિયા હવે સપાટી પર આવતી હતી. શીત રહેલું લોહી ઊકળી રહ્યું હતું. ‘યુસુફ સાથેનો સંબંધ પણ માન્ય?’

‘યુ...સુ..ફ..’ કજરી ફીકી પડી.

‘હવે કેમ ઠંડી પડી ગઈ? કુલટા, ગઈ રાતે તો આ જ શયનખંડમાં બેશરમીથી તેના પૌરુષને માણી રહી હતી. બોલ, હવે કેમ મોંમાંથી ફાટતી નથી!’

અત્યાર સુધી ધરબાઈ રહેલી પીડા, ગુસ્સો ફણીધરની જેમ ફુત્કારી ઊઠ્યો, ક્યારે પોતાનો હાથ કજરીની ગરદન પર પહોંચી ગયો એની આકારને ગત ન રહી.

‘તને કયું સુખ ઓછું આપ્યું કે તેં મારી પીઠમાં ઘા કર્યો? છિનાળ, આવું તારું ચારિય?’

ભીંસ વધતી ગઈ, કજરીનો શ્વાસ રુંધાતો ગયો.

‘મારા પવિત્ર ઘરને અભડાવતાં તને લાજ ન આવી? બોલ જવાબ દે...’

પણ કજરી જવાબ દેવાની સ્થિતિમાં ક્યાં હતી? તેના ડોળા ઉપર ચડી ગયા હતા, હૃદયના ધબકારા પણ સંભળાતા નથી એનો અણસાર આવતાં આકારે પકડ છોડી એવી જ કજરી લાશની જેમ ફર્શ પર પડી.

lll

ખૂ...ન!

અત્યારે સુરતની હોટેલના રૂમમાં આનંદ (આકાર) બાર-સાડાબાર વર્ષ અગાઉની એ ઘટનાના અંજામે પ્રસ્વેદભીનો થઈ પથારીમાં બેઠો થઈ ગયો.

મારા હાથે કજરીની હ...ત્યા થઈ છે એ હકીકતે હાથપગ ઠંડા થઈ ગયેલા. ફાંસીનો ફંદો તરવરવા લાગ્યો: માસ્તરના દીકરાએ તેની બૈરીને જ મારી નાખી - માબાપના નામે ચોંટનાર કલંક હું જીરવી નહીં શકું....

એ જ ઘડીએ દૂર ટ્રેનના એન્જિનની વ્હિસલ ગુંજી...

અને બસ, ઘરેથી ભાગી તે સુરતથી ઊપડેલી ટ્રેનના હાથ લાગ્યો એ ડબ્બામાં ચડી ગયો. કયાં સ્ટેશન આવે-જાય છે, ટ્રેન ક્યાં જઈ રહી છે એની કોઈ જ સૂધ નહાતી. અડધી રાતના સુમારે ડબ્બાના પગથિયે બેસી તે બસ રડી રહ્યો હતો કે માથે કોઈનો પ્રેમાળ હાથ ફર્યો - શું વાત છે દીકરા? કેમ આટલું રડે છે?

એ હતા ઢાકાના શેઠ રતનદાસ!

કૅન્સરની સારવાર માટે ભારત આવેલા શેઠ હાવડા એક્સપ્રેસમાં કલકત્તા ઊતરી વતન પરત થવાના હતા. તેમનો ભેટો કરાવી કુદરતે જાણે આકારનો ભાવિ માર્ગ કંડારી આપ્યો.

રુદનનું કારણ તે આપી શક્યો નહીં, તેમણે જ ધારી લધું: સ્વજનના વિયોગનું દુ:ખ લાગે છે! ને આકારે અનાયાસ ડોક ધુણાવી, જી, મારાં માવતર...

તે અનાથ છે જાણી તેમની હમદર્દી વરસી. TCને કહી આકાર માટે બર્થની વ્યવસ્થા કરાવી, કલકત્તા સુધીની સફરમાં તેમના પરિવારજનો સાથેય આત્મીયતા બંધાઈ ગઈ. વાત-વાતમાં તેમણે પૂછેલું કે કે કલકત્તામાં ક્યાં જવાનું છે?

ત્યારે તેનાથી બોલી જવાયું કે હું દિશાહીન છું, મને તમારી સાથે જ કેમ નથી લઈ જતા? તેમને, અલબત્ત, સાચું નામ પણ કહેવાયું નહીં. હત્યારાએ પોતાની ઓળખ દેવાની ન હોય એ ચોકસાઈ જાણે અજાણે તેને પ્રેરતી હતી. તેમના હૈયે રામ વસ્યા અને તે આનંદ વીરાણી તરીકે ઢાકા પહોંચ્યો, તેમની સહાયથી બે પાંદડે થયો. છેવટ સુધી તેમને કે પછી માવજી જેવા સાચા સેવકને સત્ય ન કહી શક્યાનો અફસોસ હતો પણ એમાં છેતરવાની ભાવના નહોતી એનું આશ્વાસન પણ છે. બંગલાદેશમાં સત્તાપલટો થયો ન હોત તો તેને ફરી ભારત આવવાનું થાત નહીં.

પોતાનું પુનરાગમન કેવો વળાંક આણશે એની આનંદ ઉર્ફે આકારને ક્યાં ખબર હતી?

lll

મેરઠમાં પત્નીએ પ્રેમી સાથે પતિનું કાસળ કાઢ્યું!

છાપાના પહેલા પાને ચમકેલા ખબર આયેશા રસપૂર્વક વાંચી ગઈ. મૃત પતિના શરીરના ટુકડા કરી ડ્રમમાં સિમેન્ટ કૉન્ક્રીટ નાખી છુપાવ્યા, પણ ભેદ વધુ સમય જિરવાયો નહીં એટલે બાજી ખુલ્લી પડી ગઈ ત્યાં સુધીનો ઘટનાક્રમ વાંચી તેના હોઠ વંકાયા: મૂરખ છોકરી. વરને મારવા આટલુંબધું કરાય?

અરે, તેને મારવા તો ઝેરી સર્પનો એક જ ડંખ પૂરતો છે! મારો જ દાખલો લે. આ જ ઢબે હું મારા એક પતિને મારી ચૂકી છું, ને બીજાને મારવાની ફિરાકમાં છું!

આ વિચાર સાથે જ તેનો ચહેરો ઝેરીલો નાગણ જેવો થઈ ગયો.

(વધુ આવતી કાલે)

columnists gujarati mid-day exclusive mumbai Sameet Purvesh Shroff